કર્ણધાર સદગુરુ છે,આચાર્ય શબ્દગુરુ છે. આચાર્ય સ્કૂલ ઓફ વર્ડસ છે,કર્ણધાર સ્કૂલ ઓફ વર્લ્ડ છે.

ધાર્મિક સમાચાર

 

સોમનાથ મંદિર-ટ્રસ્ટ તરફથી નિ:શૂલ્ક પ્રસાદ-ભોજન અને અન્નક્ષેત્ર શરુ થયાની પ્રસન્નતા વ્યક્ત કરતા બાપુ.

આવતિકાલે રામકથાની પૂર્ણાહૂતિ.

આઠમા દિવસની કથા પ્રારંભે બાપુએ કહ્યું કે કર્ણધાર અને આચાર્ય વચ્ચે શું અંતર હોય છે.અહીં આચાર્ય,શિક્ષક,ગુરુ,સદગુરુ,સાધુ,સંત,બુધ્ધપુરુષ બધાને એક જ અર્થમાં આપણે લીધેલા છે,પણ કર્ણધાર સદગુરુને કહે છે,એ જગતનું ગુરુ છે અને આચાર્ય એ શબ્દ ગુરુ છે.આચાર્ય સ્કૂલ ઓફ વર્ડ છે અને કર્ણધાર સ્કૂલ ઓફ વર્લ્ડ છે.બાપુએ જણાવ્યું કે આપણા શાસ્ત્રોમાં એવા બાર આચાર્યો વિશે એક શ્લોક મળે છે.થોડોક પાઠ ભેદથી બે અલગ-અલગ પાઠભેદ દેખાય છે.એકમાં-પરમ્ ભાગવતાં સ્મરામિ અને એ જ શ્લોક પાઠ ભેદથી-પરમ આચારવાન્ સ્મરામિ- એ રીતે પણ મળે છે.જો બની શકે તો આ મહાપુરુષોને રોજ એક વખત યાદ કરશો.બાપુએ જણાવ્યું કે એક શ્લોકમાં નારદ પરાશર પુંડરિક વ્યાસ અંબરિષ શુક શૌનક ભીષ્મ આદિ અને બીજા શ્લોકમાં પ્રહલાદ નારદ પરાશર પુંડરિક વ્યાસ અંબરિષ એ રીતે લખાયેલું છે.આચાર્યની એક વ્યાખ્યા એમ કહે છે કે પાંચ પ્રકારની ભક્તિ શીખવે એ આચાર્ય જેમ કે:માતૃભક્તિ,પિતૃભક્તિ,રાષ્ટ્રભક્તિ,ગુરુભક્તિ અને પ્રભુભક્તિ.

આજે એક ખૂબ સારી પ્રસન્નતા વ્યક્ત કરતા બાપુએ જણાવ્યું કે અખબારમાં વાંચ્યું કે સોમનાથ મંદિર અને ટ્રસ્ટ તરફથી સર્વ માટે ભોજન-પ્રસાદ અને નિ:શૂલ્ક અન્નક્ષેત્ર શરૂ થયું છે. બાપુએ જણાવ્યું કે બધા જ તીર્થ સ્થાનોને હું અપીલ કરું કે દરેક પાસે ખૂબ જ સંપદા છે એટલે દેવસ્થાન તરફથી પ્રસાદની વ્યવસ્થા થાય.જે વેંચાય એ પ્રસાદ નહીં પણ વહેંચાય એ પ્રસાદ છે.સોમનાથ ટ્રસ્ટને સાધુવાદ અને ખૂબ જ ખુશી છે. બાપુએ જણાવ્યું કે મારા કાર્યક્રમમાં થોડોક ફેરફાર કરીને કથા પૂરી થયા પછી રાજકોટ ઉતરી અને ત્યાંથી બાય રોડ સમગ્ર પ્રકૃતિનું દર્શન કરતાં જઈ અને સેંજળ અને ૧૩ તારીખે ગુરુપૂર્ણિમા આવી રહી છે અને ખૂબ જ વરસાદ થયો એની ખુશી વ્યક્ત કરી.

આપણા ગ્રંથોમાં એવા બાર આચાર્યો છે:

પ્રહલાદ નારદ પરાશર પુડરિક શુક શૌનક ભિષ્મ રૂકમાંગદા વ્યાસાંબરિષ વિભિષણ….

દરેક કંઈક ને કંઈક આપે છે.

પ્રહલાદ-જગતને બતાવ્યું કે ઈશ્વર કેવળ મંદિરમાં જ નથી એ થાંભલામાં પણ હોઈ શકે છે.નારદ-વાદ્ય અને સુર,સંગીતનું મહત્વ બતાવ્યું. કીર્તનાચાર્ય છે. અને વિશ્વને હરિ નામનું સંકિર્તન શીખવ્યું.પરાશર- શીખવે છે કે બીજી બધી જ વાતોમાં ન જતા એટલું જ જુઓ કે વ્યાસ જેવો પુત્ર વિશ્વને આપ્યો છે. પુંડરિક માતૃ અને પિતૃ ભક્તિનો સંદેશ આપે છે.શુક- શ્રીમદ ભાગવત આપીને વિશ્વને ધન્ય કર્યું. પ્રેમ અને વિચાર બંને શીખવ્યા.શૌનક-બ્રહ્મજિજ્ઞાસા પ્રશ્નોપનિષદ અને પ્રતિ પ્રશ્ન કરી અને વક્તાઓને ખોલવાનું કામ કર્યું.ભિષ્મ-સમગ્ર મહાભારતમાં છવાયેલા છે.રુકમાંગદા-મોહિની અને અપ્સરાની કથા દ્વારા એ બતાવ્યું કે કૃષ્ણ ભક્તિ કોઈ રીતે નહીં છોડી શકાય.વ્યાસ-વ્યાસે તો શું નથી આપ્યું?સમગ્ર વિશ્વને ધન્ય કર્યું છે. અંબરીશ- ભગવાનનો પાકો ભક્ત,દુર્વાસા અને અમરીશની કથા પણ છે. વિભિષણ-આત્મનિવેદન કેવું હોય એ શીખવ્યું અને સમર્પણ શીખવ્યું.

આવતિકાલે કથા પૂર્ણાહૂતિ હોઇ કથા નવ વાગે શરુ થશે.

એ પછી કથા પ્રવાહમાં વ્યાસ અને સમાસ પદ્ધતિ દ્વારા વિવિધ સોપાનોનાં દર્શન કરાવતા બાપુએ રામરાજ્યની સ્થાપના સુધીની કથા કહી,આવતિકાલે કથા વિરામ લેશે.

TejGujarati