બાપ જન્મદાતા છે,આચાર્ય જીવનદાતા છે. આચાર્ય પોતાના આશ્રિત શિષ્યને મનમાં,વિચારોમાં અને છાયામાં રાખે છે ગુરુના આ ત્રણ ગર્ભસ્થાન છે. ગુરુ મનમાં રાખે છે એ મહારાત્રિ છે,આંખોમાં રાખે એ શિવરાત્રિ છે અને પોતાની છાયામાં રાખે એ આશ્રિત માટે નવરાત્રિ છે.

ધાર્મિક

ચોથા દિવસની કથામાં બાપુએ કહ્યું કે વેદમાં એક સૂત્ર છે,કદાચ પહેલા પણ આની ચર્ચા કરી છે.અથર્વવેદનું સૂત્ર છે કે જ્યારે ભારતમાં આપણી વૈદિક પરંપરામાં બાળક સાત વર્ષનું થાય ત્યારે યજ્ઞોપવિત-ઉપનયન સંસ્કાર-જનોઈ આપ્યા પછી માતા-પિતા એ બાળકને લઈ અને ગુરુ-આચાર્યની પાસે જાય છે અને બાળકને રાખીને કહે છે કે મારા આ બાળકને આપ્ ત્રણ રાત્રી તમારા ગર્ભમાં રાખજો અમે બાળકને જન્મ આપ્યો અને ૯ મહિના પછી એને પ્રસવ કરાવ્યો.માબાપ જન્મદાતા છે,આચાર્ય જીવનદાતા છે.જનમને જ જીવન ન માની લેતા કારણ કે જન્મ અલગ-અલગ રીતે થતો હોય છે. જન્મ માટે નર અને માદાના સંયોગની જરૂર પડે જ એવું નથી.પશુ,પક્ષી,કીટક અલગ અલગ રીતે જન્મે છે.ઘણા સજીવો પરસેવામાંથી જન્મે જેને સ્વેદજ કહે છે.એ જ રીતે ઘણા સજીવો તેજમાંથી જન્મે છે જેને તેજસ કહે છે.આપણી આસપાસ ઘણા જંતુઓ વર્ષાઋતુના પ્રકાશમાં નીકળે છે.એ જ રીતે કોઈક સજીવ ઈંડામાંથી ઉત્પન્ન થાય છે એને અંડજ કહે છે.દુનિયામાં ભારતે જેટલું ચિંતન કર્યું એ ચિંતનની ઊંચાઈ અન્ય ક્યાંય નથી.ઓશો પણ કહે છે કે ઉપનિષદના વિચારોની ઊંચાઈ સુધી કોઈ નથી પહોંચ્યું.તો નવ મહિનાના ગર્ભકાળનું ફળ છે જન્મ, અને ત્રણ રાત્રી ગુરુ પાસે રહે એનું ફળ છે જીવન! શા માટે ત્રણ રાત્રી?મા બાપ કહે છે એક રાત્રી મનમાં રાખજો,એક રાત્રી તમારી નજર-આંખોમાં રાખજો અને એક રાત્રે તમારા શરીરના રક્ષણ-તમારી છાયામાં રાખજો.આ વૈદિક પ્રક્રિયા મનનીય અને ચિંતનીય છે.આચાર્ય પોતાના આશ્રિત શિષ્યને મનમાં,વિચારોમાં અને છાયામાં રાખે છે ગુરુના આ ત્રણ ગર્ભસ્થાન છે.આચાર્યના ૧૬ લક્ષણની જેમ આશ્રિત અને શિષ્યના પાંચ લક્ષણો છે: અભિમાન છોડી અને જાવું,નાના-મોટા અપરાધનું પ્રાયશ્ચિત કરવું,કુસંગ છોડી અને જાવું,બે વખત વિચારીને જાવું અને ઈશ્વર તેમજ ગુરુ સિવાય અતિ વિશ્વાસ કોઈ પર ન રાખવો.અહીં ગુરુ મનમાં રાખે છે એ મહારાત્રિ છે,આંખોમાં રાખે એ શિવરાત્રી છે અને પોતાની છાયામાં રાખે એ આશ્રિત માટે નવરાત્રી છે.ચાણક્ય પણ કહે છે કે સરકાર,શિક્ષક,ધર્મ,ગ્રામ પંચાયત અને આચાર્ય સ્વસ્થ અને સ્વચ્છ હોવા જોઈએ.બાપુએ જણાવ્યું કે મગજ-માઈન્ડ કેટલા પ્રકારના હોય છે? એક બેડમાઈડ,એક છે મેડમાઈન્ડ-પાગલ અને વિકૃત ગુસ્સો જ કરે,એક છે શેડમાઇન્ડ-કાયમ ઉદાસ હોય, એક છે ડેડમાઇન્ડ-હંમેશા ખાલી હોય,એક છે પ્રીપેડ માઈન્ડ અને એક છે ગ્લેડમાઈન્ડ-પ્રસન્નચિત્ત હોય. તુલસીજીએ વંદના પ્રકરણમાં વાણી,વિનાયક, ભવાની અને શંકર આ ચારની વંદના કરી મધ્યમાં ગુરુને રાખ્યા,ફરી કવિશ્વર,કપિશ્વર,સીતા અને રામ આ ચારની વંદના કરી.એ જ રીતે તુલસીએ ગણેશ, વિષ્ણુ,સૂર્ય,શંકર,ભવાની આ બધાની વંદના પછી ગુરુની વંદના કરી.ફરી વિચાર્યું કે ગુરુ પકડમાં નહીં આવે.આથી ગુરુચરણ-ગુરુપદની વંદના કરી.ફરી વિચાર્યું કે ગુરુપદકંજ- કમળની વંદના કરી તો પણ પકડમાં નહીં આવે અને અંતે ગુરુપદરજની વંદના કરી કારણ કે આપણી લાયકાત એટલી જ છે. આપણે રજને લાયક છીએ.રજને પકડવાથી ગુરુના ચરણ પકડમાં આવશે ,એથી ગુરુ પકડાશે અને ગુરુ એ પરબ્રહ્મ હોવાથી પરબ્રહ્મ પકડમાં આવશે.

TejGujarati