નર્મદા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લામાં અંદાજે ૨૭ લાખ જેટલા રોપા વિતરણનો નિયત કરાયેલો લક્ષ્યાંક

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નર્મદા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લામાં અંદાજે ૨૭ લાખ જેટલા રોપા વિતરણનો નિયત કરાયેલો લક્ષ્યાંક

ખાતાકીય રીતે ૯ લાખ જેટલા રોપા વન વિભાગ દ્વારા વાવવામાં આવશે

“વંદે ગુજરાત વિકાસયાત્રા” માં પણ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા અંદાજે ૪.૫ લાખ
કરતા પણ વધુ રોપા વિતરણનું આયોજન
રાજપીપલા,તા.6

નર્મદા જિલ્લા કલેકટર અને જિલ્લા વનીકરણ સમિતિના અધ્યક્ષ ડી.એ.શાહના અધ્યક્ષપદે રાજપીપલા કલેક્ટરાલય ખાતે ૭૩ માં જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઉજવણીના આયોજન અને પૂર્વ તૈયારીઓના ભાગરૂપે બેઠક યોજાઈ હતી.

જેમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, સામાજિક વનીકરણના નાયબ વન સંરક્ષક એમ એચ.પટેલ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક એન.સી.ચૌધરી, પ્રોબેશનરી નાયબ કલેક્ટર સુધીર બારડ, મદદનીશ વન સંરક્ષક ઇદ્રીશ ટોપીયા સહિતના સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકને સંબોધતા જિલ્લા કલેક્ટર શાહે સામાજિક વનીકરણની પ્રવૃત્તિ વધુ અસરકારક અને ઘનિષ્ઠ બનાવવા માટે જિલ્લાકક્ષાએ, તાલુકાકક્ષાએ અને ગ્રામ્યકક્ષાએ વિવિધ સરકારી કચેરીઓ અને મિલકતોના જરૂરી સર્વે બાદ વૃક્ષારોપણ માટેના સ્થળની પસંદગી, રોપાઓની પસંદગી, રોપા વાવેતરની અંદાજિત સંખ્યા, વન વિભાગ હસ્તકની નર્સરીનાં લોકેશન, નર્સરીમાં ઉપલબ્ધ વિવિધ રોપાઓની સંખ્યા, વન વિભાગ દ્વારા તાંત્રિક અને મનરેગા દ્વારા વૃક્ષારોપણના ખાડા ખોદવાની વહિવટી મંજૂરી, નર્સરી વાઈઝ રૂટ પ્લાનિંગ અને ત્યારબાદ રોપાઓનું જે તે સ્થળે વિતરણ વગેરે જેવી બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન પુરું પાડી આગામી વન મહોત્સવની ઉજવણી માટે માઇક્રોપ્લાનિંગ સાથે આ દિશામાં સત્વરે આગળ ધપવાની તેમને ખાસ સૂચના આપી હતી. સામાજિક વનીકરણના નાયબ વન સંરક્ષક એમ. એચ. પટેલે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લા કલેકટર ડી. એ. શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓને તેમજ સંપર્કમાં આવતી વિવિધ સંસ્થાઓની પણ લોકભાગીદારી મહત્તમ રીતે નોંધાય તે દિશામાં જરૂરી પ્રયાસો માટે બેઠકમાં સૌ કોઈને ખાસ અનુરોધ કરાયો હતો.

એમ. એચ. પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, ચાલુ વર્ષે નર્મદા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લામાં અંદાજે ૨૭ લાખ જેટલા રોપા વિતરણનું લક્ષ્યાંક નિયત કરાયો છે. જે પૈકી ૯ લાખ જેટલા રોપા વન વિભાગ દ્વારા ખાતાકીય રીતે વાવવામાં આવનાર છે. તદઉપરાંત હાલમાં સરકારની સિદ્ધિઓથી લોકો માહિતગાર થાય તે માટેની “વંદે ગુજરાત વિકાસયાત્રા” માં પણ નર્મદા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા અંદાજે ૪.૫ લાખ કરતા પણ વધુ રોપા વિતરણ કરવાનું આયોજન કરેલ છે. તદઉપરાંત પ્રજાજનોને, ગામના સરપંચોને તથા જુદી-જુદી સામાજિક-સ્વૈચ્છીક સંસ્થાઓને વૃક્ષારોપણ કાર્યક્રમ થકી તેનો મહત્તમ ફાયદો લેવા પણ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati