રીક્ષા ચાલક કનુભાઈ પટ્ટણીની આવી ખાનદાનીને સો સો સલામ.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

અમદાવાદના રખિયાલમાં રહેતા કનુભાઈ પટ્ટણી રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. થોડા દિવસ પહેલા કનુભાઈના રિક્ષામાં અસારવા પાસેથી થોડી મહિલાઓ બેઠી અને ચાંદખેડા ઉતરી ગઈ. મહિલાઓને ઉતારીને કનુભાઈ બીજા મુસાફરોને લેવા ઉપડી ગયા.

થોડા સમય પછી એનું ધ્યાન ગયું તો પાછળની સીટ પાસે એક કાપડની સામાન્ય થેલી પડી હતી. કનુભાઈએ થેલી ઉપાડીને અંદર જોયું તો 15 તોલા જેટલા સોનાના દાગીના અને 15000 રોકડા હતા. બીજા કોઈ હોત તો ભગવાનની ભેટ સમજીને રાખી લેત પણ થેલીમાં આટલા કિંમતી ઘરેણાં જોઈને પહેલો જ વિચાર એ આવ્યો કે આ ઘરેણાં જેના હશે એની અત્યારે કેવી દશા હશે ? વહેલામાં વહેલી તકે ઘરેણાં અને રોકડ એના મૂળ માલિક સુધી પહોંચાડવી છે.

કનુભાઈએ એના ઓળખીતા પોલીસ કોન્સ્ટેબલની સહાય લીધી અને બંનેએ મૂળ માલિકને શોધવાનું અભિયાન હાથ ધર્યું. થેલીમાં ઘરેણાં અને રોકડ રકમની સાથે પોસ્ટ ઓફિસની પાસબુક પણ હતી. આ પાસબુકમાં બાખરભાઈ રબારીનું નામ લખેલું અને અસરવાનું સરનામું હતું. એ સરનામાં પર જઈને તપાસ કરી તો ભાડુઆત ઘર ખાલી કરીને ચાંદખેડામાં રહેવા જતા રહ્યા હતા.

રબારી પરિવારનું ઘર શોધવા કનુભાઈ ચાંદખેડા પહોંચ્યા. મહામહેનતે દાગીનાના મૂળ માલિક સુધી પહોંચ્યા. એ ઘરમાં તો કોઈનું મરણ થયું હોય એવો સન્નાટો હતો કારણકે દીકરીને સાસરીએથી આવેલા પહેરામણીના ઘરેણાં ક્યાંક ખોવાઈ ગયા હતા. કનુભાઈએ ખાત્રી કરીને ઘરેણાં અને રોકડ સાથેની થેલી પરિવારના વડીલના હાથમાં મૂકી ત્યારે એ પરિવારે કેવો આંનદ અનુભવ્યો હશે એની કલ્પના પણ કરી શકાય તેમ નથી. ઘરેણાં પાછા મેળવનાર મહિલાએ કનુભાઈ પટ્ટણીના માથે અને ખભે મુકેલો હાથ માનવીના મસ્તકે ભગવાનનો હાથ મુકવા બરાબર છે.

રોજે રોજનું કમાઈને ખાનારા કનુભાઈ પટ્ટણીની આવી ખાનદાનીને સો સો સલામ.

TejGujarati