5 વર્ષથી સંસ્થાની મદદ કે ડોનેશન વગર સ્વ ખર્ચે શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગારીને લગતી સેવા કરતા માલવ પંડિત

વિશેષ સમાચાર

 

 

અત્યારના સંજોગોમાં શિક્ષણ એ ખૂબ જ જરૂરી છે ત્યારે બાળકોને ભણાવવા માટે માલવ પંડિત હંમેશા લોકોને પ્રેરીત કરતા રહ્યા છે. અમદાવાદ, સાણંદ વિસ્તારની સરકારી શાળામાં તેમજ ઝુંપડપટ્ટીના બાળકો માટે તેમના દ્વારા નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમણે નિશ્ચય કર્યો છે કે, દર વખતે તેઓ આ કાર્ય ખુશી ખુશીથી કરતા રહેશે.

 

છેલ્લા 5 વર્ષથી તેઓ બોપલથી સાણંદની વચ્ચે આવેલી 5 ઝુંપડપટ્ટીઓની અંદર જઈ

દરેક ચોમાસામાં ટાઢપત્રી વિતરણ કરે છે.

આ જ સ્લમ વિસ્તારમાં રહેલા 50 કરતા વધુ બાળકોને ભણાવવાનું ભગીરથ કાર્ય પણ તેઓ કરે છે. ખાસ કરીને શિક્ષણ અર્થે ક્લાસરૂમની વ્યવસ્થા કરી આપવી, બાળકોને ચપ્પલથી લઈ સ્ટેશનરી, કપડા વગેરે લઈ આપવા, 12 મહિનામાં બે વખત બાળકોને પિકનીક પર પણ લઈ જવા સહિતના કાર્યો કોઈ પણ સંસ્થા કે વ્યક્તિની મદદ લીધા વિના તેઓ સ્વ ખર્ચે કરી રહ્યા છે.

 

કોરોના જેવી મુશ્કેલ પરિસ્થિતિમાં 5 ઝુંપડપટ્ટીમાં જઈ બે વર્ષ સતત એક ટાઈમ જમાડવાનું કામ પણ તેમણે કર્યું હતું. અત્યારે પણ જરૂર પડતાં કરિયાણું પૂરું પાડવું, જરૂરિયાતમંદોનો દવાખાનાનો ખર્ચ પૂરો પાડવો, નોકરી વ્યવસાયમાં મદદ કરવી જેવા અગણિત કામો કોઈની પણ મદદ વિના જાતે જ કર્યા છે.

 

આ અંગે વધુમાં જણાવતા માલવ પંડિતે વધુમાં જણાવ્યું હતું કે, “ઘણા એવા બાળકોની ઘરની પરિસ્થિતિ એવી હોય છે કે તેઓનો પોતાના માટે ખર્ચ કરવો મુશ્કેલ બની જતો હોય છે ત્યારે આ પરિસ્થિતિ જોઈ મેં આ સેવાકીય કાર્ય શરૂ કર્યું. જેના કારણે ઘણા માતા પિતાને પણ મદદ મળી રહે છે તેમજ બાળકોને ભણાવવા માટે પ્રોત્સાહન મળી રહે છે. મને આ કાર્ય કરતા ઘણો આનંદ થાય છે અને આગામી સમયમાં હું આ રીતે જ શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગારીને લગતા કામો કરતો રહીશ. મારું સૌભાગ્ય છે કે મને આ મોકો મળ્યો છે.”

TejGujarati