આદિવાસી વિસ્તારના બાળકો આંગળીના ટેરવે કોમ્પ્યુટર ચલાવી આંખોમાં આંખ પરોવી સડસડાટ અંગ્રેજી બોલતા થયા તે આ ગુણોત્સવની સાચી ફલશ્રૃતિ છે-શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

આદિવાસી વિસ્તારના બાળકો આંગળીના ટેરવે કોમ્પ્યુટર ચલાવી આંખોમાં આંખ પરોવી સડસડાટ અંગ્રેજી બોલતા થયા તે આ ગુણોત્સવની સાચી ફલશ્રૃતિ છે
-શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી

ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ગરૂડેશ્વર તાલુકાના ટીમરવા, કારેલી અને વઘરાલી ગામે યોજાયો શાળા પ્રવેશોત્
રાજપીપલા,તા 26

નર્મદા જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨ ના ત્રિ-દિવસિય કાર્યક્રમના અંતિમ દિવસે ગુજરાતના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી તા.૨૫મી જૂન, ૨૦૨૨ને શનિવારના રોજ ગરૂડેશ્વર તાલુકાના ટીમરવા, કારેલી અને નઘાતપોર ગામની પ્રાથમિક શાળામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને દિપ પ્રાગટ્ય થકી કાર્યક્રમને ખૂલ્લો મૂકી નાના ભૂલકાંઓને રંગેચંગે શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. ગરૂડેશ્વર તાલુકા મથકથી ટીમરવા જતા રસ્તામાં આવતા ગામોની શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઢોલનગારા વગાડી ઠેર ઠેર પુષ્પ વર્ષા કરી ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત ત્રણેય ગામોના ૫૬ જેટલા બાળકોને મંત્રીશ્રી વાઘાણીએ ધોરણ-૧ માં શાળા પ્રવેશ કરાવ્યો હતો. જ્યારે ૧૯ થી વધુ ભુલકાંઓને આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો હતો. ગરૂડેશ્વર તાલુકાના ઉપરોક્ત ત્રણેય પ્રાથમિક શાળાઓમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવના સ્ટેજ સંચાલનની સંપૂર્ણ જવાબદારી શાળાના ભૂલકાંઓએ જ સંભાળતા આદિવાસી વિસ્તારમાં શિક્ષણમાં આવેલા આમૂલ પરિવર્તન અને બાળકોની કાર્યક્રમ સંચાલન શક્તિ નિહાળી અત્યંત પ્રભાવિત થયેલા રાજ્યના શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ બાળકો અને તેની પાછળ સતત મહેનત કરતા શિક્ષકોને પણ વખાણ્યાં હતા. આ તબક્કે ઉપસ્થિત બાળકો અને વાલીઓને સંબોધતા શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના ભૂલકાંઓ સ્ટેજ ઉપર આવીને બોલતા થયાં તે એક સન્માનજનક અને ગર્વ અપાવનારી બાબત છે. કારણ કે દેશમાં અન્ય કોઈ રાજ્યોમાં આ પ્રકારે શાળા પ્રવેશોત્સવ થતા નથી. ગુજરાતમાં વર્ષ ૨૦૦૩ થી ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવની આ સાચી ફલશ્રૃતિ છે તેથી આ તમામ બાળકોનું પણ સન્માન થવું જોઈએ. માત્ર એટલું જ નહીં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમથી લોકભાગીદારી પણ વધી છે. લોકો પણ શાળા સુધી આવતા થયા છે અને તેથી જ આ ઉત્સવ માત્ર પ્રવોશોત્સવ ન બની જતા તે સાચા અર્થમાં લોકોત્સવ બની ગયો છે. વધુમાં મંત્રી જીતુભાઈ વાઘાણીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે દિકરીઓના શિક્ષણ માટે ભિક્ષા માંગી હતી. આદિવાસી વિસ્તારના બાળકોની ચિંતા સરકારે કરી છે, જેના થકી આજે આદિવાસી વિસ્તારના બાળકો આંગળીના ટેરવે કોમ્પ્યુટર ચલાવતા થઈ ગયા છે. અને આંખમાં આંખ પરોવી સડસડાટ અંગ્રેજી બોલતા થયા છે તે પણ શાળા પ્રવેશોત્સવની જ ઉપલબ્ધિ છે. માત્ર એટલું જ નહીં ઉચ્ચ શિક્ષણ પુરૂં પાડવા માટે રાજપીપળામાં દેશની પ્રથમ ટ્રાયબલ યુનિવર્સિટી બની છે અને આદિવાસી સમાજ જેને પૂજે છે તેવા બિરસા મુંડાનું નામ અપાયું છે. સાથોસાથ શિક્ષકોને ઉદ્દેશીને મંત્રીશ્રીએ જણાવ્યું કે, શિક્ષકો પૂણ્યનું કામ કરી રહ્યા છે. ભગવાને સોંપેલા કામ તરીકે તેનો સ્વીકાર કરી શિક્ષણ કાર્યને આગળ ધપાવતા સમાજ વ્યવસ્થામાં બદલાવ આવ્યો છે. દેશને વૈભવશાળી બનાવવાના શિક્ષણકાર્યમાં સહભાગીતા વધારવા સૌને આહવાન કર્યું હતું. માધ્યમો સાથેના સંવાદમાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ટીમરવા, કારેલી અને નઘાતપોર જે આદિવાસી વિસ્તારમાં આવેલા ગામો છે ત્યાં ઉપસ્થિત રહી બાકોને શાળા પ્રવેશ કરાવ્યો છે. મને જણાવતા આનંદ થાય છે કે, રાજ્યમાં છેલ્લા બે દિવસમાં ૩.૮૩ લાખ વિદ્યાર્થીઓએ ધોરણ-૧ માં પ્રવેશ કર્યો છે. સાથે સાથે આંગણવાડીમાં પણ ૧.૬૦ લાખથી વધુ ભુલકાઓએ પ્રવેશ મેળવ્યો છે. આ વખતનો ઉત્સવ ખૂબજ ઉત્સાહજનક રહ્યો છે. ગામના લોકો અને વાલીઓએ પોતાનો ઉત્સવ હોય તેવી રીતે સમાજ ઉત્સવ બનાવ્યો છે. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન વિવિધ કૃતિઓ રજૂ કરી રહેલા અને સ્ટેજ સંચાલન કરતા બાળકોને મંત્રી અને અન્ય મહાનુભાવો દ્વારા રોકડ પુરસ્કાર, શાળામાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર બાળકોને પુસ્તકો આપી ખેલ મહાકુંભમાં ભાગ લઈ વિવિધ તબક્કે સિદ્ધિ હાંસલ કરનારા બાળકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સાથોસાથ “વૃક્ષ બચાવો-પર્યાવરણ બચાવો”ના સંદેશા સાથે તમામ શાળાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ગરૂડેશ્વર તાલુકાના ટીમરવા, કારેલી અને નઘાતપોર ગામે યોજાયેલા શાળા પ્રવેશોત્સવ પ્રસંગે મંત્રી જીતુભાઈ વાઘાણી સાથે મધ્યાહન ભોજન યોજનાના સંયુક્ત કમિશનર કે.એન.ચાવડા, નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ પટેલ, ગુજકો માસોલના ડિરેક્ટર સુનિલભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જયેશભાઈ પટેલ, આચાર્ય સંઘ, શાળા સંચાલક મંડળ અને માધ્યમિક શિક્ષક સંઘના હોદ્દેદારો ગામ આગેવાનો-વિદ્યાર્થીઓ-વાલીઓ-શાળા પરિવાર વગેરે પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati