૯૪ કુમાર-કન્યાને ધોરણ-૧ માં શાળા પ્રવેશ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

સાગબારા તાલુકાના નવાગામ-જાવલી, ચાટુવડ અને જાવલી ગામના ૯૪ કુમાર-કન્યાને ધોરણ-૧ માં શાળા પ્રવેશ
રાજપીપલા,તા.23

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨ નો નર્મદા જિલ્લામાં પ્રારંભ થયો છે. જે અંતર્ગત નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાની અધ્યક્ષતામાં સાગબારા તાલુકાના નવાગામ-જાવલી, ચાટુવડ અને જાવલી ગામના કુલ-૯૪ જેટલા ભુલકાંઓને ધોરણ-૧ માં પ્રવેશ અપાવ્યો હતો. જ્યારે ૪૦ જેટલાં કુમાર અને કન્યાને પણ તેમણે આંગણવાડીમાં પ્રવેશ કરાવ્યો હતો.
આ અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તેમના ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં વર્ષ-૨૦૦૩ માં દેડીયાપાડાના ગામડાઓમાંથી શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. જે આજે પણ અવિરતપણે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં બાળકોના શિક્ષણ સાથે અન્ય આનુસંગિક શૈક્ષણિક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારના બાળકોના શિક્ષણની ચિંતા સરકાર દ્વારા કરવામાં આવે છે. ત્યારે આપણે પણ જો આપણાં બાળકોનું સારું ભવિષ્ય બનાવવું હશે તો શિક્ષકોની સાથે વાલીઓએ પણ જાગૃત થવુ પડશે.
પર્યુષાબેન વસાવાએ વધુમાં જણાવ્યું હતુ કે, કન્યા કેળવણીના માધ્યમથી સરકાર સ્ત્રી સાક્ષરતાને સરકાર દ્વારા અપાયેલા મહત્વને લીધે આ મહોત્સવ ચાલી રહ્યો છે. જેમાં વાલીઓ પણ સહભાગી બની બાળકોનું ભવિષ્ય ઉજળું બનાવવા માટે આગળ આવે તે જરૂરી છે. માત્ર એટલું જ નહીં પણ જે દિકરીઓનું કોઇપણ કારણોસર અધવચ્ચેથી શિક્ષણ છૂટી જાય છે તેવી દિકરીઓ માટે તાલુકાકક્ષાએ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયો શરૂ કરવામાં આવી છે. જેમાં દિકરીઓને રહેવા-જમવા સાથેની તમામ સુવિધા પુરી પાડવામાં આવે છે અને દિકરીઓની શૈક્ષણિક સજ્જતાના આધારે મોડેલ સ્કૂલ જેવી શાળાઓમાં પ્રવેશ અપાવી ઉત્તમ શિક્ષણ પુરું પાડવામાં આવી રહ્યું છે. અને તેના થકી ડ્રોપ આઉટ રેસિયો આપણે ઘટાડી શક્યાં છે તેમ તેમણે ઉમેર્યું હતું.
જિલ્લા પંચાયતના પ્રમુખે વાલીઓને અંગૂલી નિર્દેશ કરતાં કહ્યું કે, બાળકોને વધુમાં વધુ સારું શિક્ષણ પુરું પાડી સારા સંસ્કારોનું સિંચન કરવું જોઇએ જેથી આપણા આદિવાસી વિસ્તારના યુવાનોને વિવિધ દૂષણોથી મુક્ત કરી આપણા સમાજને પણ સુરક્ષિત કરી શકાશે, તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ તબક્કે માધ્યમો સાથેના સંવાદમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાએ જણાવ્યું હતુ કે, આજરોજ સાગબારા તાલુકાના નવાગામ જાવલી ખાતેથી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કર્યો છે. જેમાં આંગણવાડી અને પ્રાથમિક શાળાના ધો-૧ ના બાળકોને પ્રવેશ કરાવ્યો છે. નવાગામ જાવલી, ચાટુવડ અને જાવલી ગામના કુલ-૯૪ બાળકોનો ધો-૧ માં પ્રવેશ કરાવ્યો છે. જ્યારે આંગણવાડીના ૪૦ જેટલા કુમાર અને કન્યાનો સમાવેશ થાય છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati