પલોડિયા વિસ્તાર ને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સુંદર પ્રયાસ

વિશેષ સમાચાર

પર્યાવરણની સુરક્ષા એ વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે. પ્લાસ્ટિક રસ્તાની બન્ને બાજુ ફેલાયેલું પડ્યું છે. પ્લાસ્ટિકની થેલીઓના કચરાથી આખો દેશ ખદબદી રહ્યો છે. આ જ પ્લાસ્ટિક ગાયો વગેરેના પેટમાં જઈને તેમને રોગગ્રસ્ત અને મૃતપ્રાય બનાવે છે. પ્લાસ્ટિકવાળી જમીન નકામી બની જાય છે. પ્લાસ્ટિક વર્ષો સુધી ડીકમ્પોઝ થતું નથી. તેની ગંદકીથી અનેક બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે અને રોગો ફેલાય છે.

આ માટે સૌ પ્રથમ તો પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ઘટાડીને તેનો  સમજપૂર્વક  ઉપયોગ કરવો જોઈએ.

અમદાવાદ તો કૂદકે ને ભૂસકે વધતું જ જાય છે ને સાથે પ્લાસ્ટિકનો કચરો પણ!

આજની નવી પેઢી આ બાબતે ઘણી જાગૃત છે.  તેઓ ગમે ત્યાં કચરો નથી નાખતા એટલું જ નહીં પણ જો કોઈને પણ તેમની સામે ગમે ત્યાં કચરો ફેંકતા જુએ છે તો  તેઓ અણગમો વ્યક્ત કરે છે.

આપણી આવનારી પેઢીના આ ગુણનું આપણે સંવર્ધન કરીએ અને તેમના ઉત્સાહને વધારીએ!

આ પ્રોજેક્ટમાં અમે સૌ સાથે મળીને આ કચરાને દૂર કરીને સુંદર હરિયાળા પલોડિયા વિસ્તારને વધારે રળિયામણો બનાવવાનો પ્રયત્ન કર્યો હતો અને ભેગું કરેલું પ્લાસ્ટિક પ્લાસ્ટિક રીસાઈક્લીંગ કે વીવીંગ કરતી સંસ્થાઓને સોંપ્યું હતું.

અધ્યાત્મ વિદ્યામંદિર ‘આત્મવિકાસ’ દ્વારા હાથ ધરવામાં આવેલા આ પ્રકલ્પમાં ગમે ત્યાં ફેંકાયેલી થેલીઓને ભેગી કરી, ધોઈને સાફ કરી, સૂકવીને અમુક રીતે પ્રોસેસ કરીને ઉપયોગી વસ્તુઓ બનાવવાની કાર્યવાહી કરતી સંસ્થાઓને સોંપવામાં આવી હતી એટલું જ નહીં પણ આ રીતે પર્યાવરણની જાળવણી કરવાનો સંકલ્પ પણ કરવવામાં આવ્યો હતો

આ માટે તા.૧૯ જૂન  , રવિવારે સવારે ૬.૩૦ થી ૯.૦૦ દરમ્યાન આત્મવિકાસ , સૃષ્ટિભારત તથા તત્ત્વતીર્થ અને શ્રી એચ કે અધ્યારુ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી તથા પલોડિયા ગામના રહેવાસીઓ મળીને પલોડિયા ગામમાં તથા તેની આજુબાજુના વિસ્તારોમાંથી પ્લાસ્ટિક ભેગું કર્યું હતું અને ‘આત્મવિકાસ’ સંસ્થાને આ બધું પ્લાસ્ટિક સોંપી દીધું હતું

પ્રત્યેક સેવાભાવી વ્યક્તિને મરજિયાત સૂચના આપવામાં આવી હતી કે હાથમોજાં પહેરવાં , પર્યાવરણરૂપ બની જવા માટે લીલા રંગનાં વસ્ત્રો પહેરવાં , પોતાના ઘરમાં રહેલી નકામી પ્લાસ્ટિકની થેલીઓ લેતા આવવી તથા બને તો અણીદાર સળિયો લાવવો જેથી પ્લાસ્ટિક ઉપાડવામાં સરળતા રહે!

અમારી સાથે જોડાયેલી બીજી સંસ્થાઓમાં અધ્યાત્મ વિદ્યામંદિર એ આત્મવિકાસની માતૃસંસ્થા છે, જેઓ આ કાર્ય માટે નાણાકીય સહાય કરી હતી. આ ઉપરાંત સૃષ્ટિભારત તથા શ્રી એચ કે અધ્યારુ ચેરિટેબલ ટ્રસ્ટ પણ આત્મવિકાસની પડખે ઊભા રહ્યાં હતા.

આ સાથે અમારી સાથે પોએટ્રી, કર્મણ્યે, જીગી ઝ મુખવાસ, એરોમા લશ, ખ્યાતિ ફાઉન્ડેશન, મુસ્કાન, આલ્પ્સ ફાઉન્ડેશન, જીટો લેડીઝ વીંગ, ઉત્કર્ષ હેલ્થકેર ફાઉન્ડેશન જેવી સંસ્થાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો!

વર્તમાનપત્રોમાં આની નોંધ લેવાશે, તો બીજાં લોકો માટે પણ આ કાર્ય ઉદાહરણરૂપ બની શકે.

TejGujarati