“આત્મા નું સુખ એજ સાચું સુખ” – ડો. દક્ષા જોશી. અમદાવાદ.

કલા સાહિત્ય ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

“સુખદુખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં ,

ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં”

-નરસિંહ મહેતા.

“આપણું જીવ્યું

કર્મોથી જાણવું, વર્ષોથી નહીં.

આપણું જીવ્યું

વિચારોથી જાણવું, શ્વાસોચ્છ્વાસથી નહીં.

આપણું જીવ્યું

હૃદયની ઊર્મિઓથી જાણવું, ધબકારાથી નહીં.

જેનું ચિંતન અધિક થયું,

જેના ભાવ ઉત્તમ રહ્યા,

જેનાં કર્મો પ્રભુ-પ્રીત્યર્થે થયાં,

તે જ ખરું જીવ્યો!”

-જે.બી. પ્રીસ્ટલી.

અનુ, ગુણવંત શાહ.

સુખ કોને નથી જોઈતું?પ્રત્યેક માણસ સુખી થવાના પ્રયત્નોમાં વ્યસ્ત રહેતો હોય છે.સુખ મળે એ માટે તો હજારો માઈલોની દૂરી કાપીને સૌ “સુખ નામના દેશ ,અમેરિકા “માં આવીને વસ્યાં છે.

સુખ એ એક જાતનો મનનો વ્યાપાર છે.દરેક મનુષ્યની સુખ મેળવવાની રીતો જુદી જુદી હોય છે.કોઈને મન ધન પ્રાપ્તિ એ સુખ છે જ્યારે કોઈ સ્વાસ્થ્યને ખરું સુખ માને છે .પહેલું સુખ તે જાતે નર્યા.ખરેખર તો સાચું સુખ પામવા માટે શરીર અને મન બન્ને દુરસ્ત હોવાં જોઈએ.શરીરની તંદુરસ્તી સાથે મનની તંદુરસ્તી પણ એટલી જ જરૂરી છે.”મન ચંગા તો ક્થરોટમેં ગંગા”

સુખ અને દુઃખ એ મનની કલ્પનામાં રહેલાં છે.બાહ્ય દ્રષ્ટિએ અઢળક ધનમાં રાચતા માણસો સુખી છે એમ માની લેવાની ઉતાવળ કરવા જેવી નથી.વિપુલ સમૃદ્ધિ હોવા છતાં માણસ વધુ સમૃદ્ધિ મેળવવા માટે મનથી સતત ચિંતાતુર અને આકુળ વ્યાકુળ રહેતો હોય છે.આકાંક્ષાઓ કોઈની કદી પૂરી થતી નથી હોતી.એક ઈચ્છાની પૂર્તિ થતાં જ તત્કાળ બીજી નવી ઈચ્છાઓ ઉત્પન્ન થઇ જાય છે.સાચું સુખ ઇચ્છાઓની પૂર્તિમાં નહીં પણ એના અભાવમાં છે.

સુખ આજે માર્કેટેબલ કોમોડીટી થઇ ગયું છે. સુખના બજારમાં હેપ્પીનેસ વેચનારાઓ ઠેર ઠેર હાટડી લઈને બેસી ગયાં છે.થોમસ મર્ટન ચેતવે છે કે ‘જો આપણે રેડીમેઈડ સુખ વેચનારાની દયા ઉપર જીવશું તો પછી કદી જ સંતોષી બનવાના નથી,”

આપણું ખરું સુખ એ આત્માનું સુખ છે સરખામણી કરવાથી દુઃખ જન્મે છે.આપણે પરોન્મુખી દ્રષ્ટિ છોડી અંતરમાં ઝાંખી કરી ,અંતર્યાત્રા કરી,આત્માનું ખરું સુખ પામવાનું છે.પોતાના માટે તો સહુ કરે પણ બીજા માટે કંઈક કરી છૂટવાની ભાવનામાં જે સંતોષ,સુખ અને આનંદ મળે છે એ અનેરો હોય છે.પૂજ્ય રવિશંકર મહારાજના કથન પ્રમાણે ઘસાઈને ઉજળા થવાની ભાવનામાં જે સુખ છે એ સ્વાર્થી જીવન ચર્યામાં નથી.ગમશે,ચાલશે,ફાવશે,

ભાવશે ,દોડશે જેવા હકારાત્મક વલણ અને સંતોષી જીવન એ સાચું સુખ પામવાની ચાવી છે.સંતોષી નર સદા સુખી એમ જે કહેવાય છે એ ખોટું નથી.સંત કબીરનો એક સરસ દુહો છે:

“આધી અરુ સુખી ભલી પુરી સો સન્તાપ. જો ચાહેગા ચુપડી, બહુત કરેગા પાપ “- કબીર

એનો અર્થ એ છે કે “અરે ભગવાન,મને અડધી રોટી જ આપ,આખી રોટી નાહકની પીડા પેદા કરશે. જો ઘી ચોપડેલી રોટી ચાહીશ, તો ઘણાં પાપ કરતો થઈ જઇશ “.

જીવનમાં સાચું સુખ કોને કહેવું એ એક મનોવૈજ્ઞાનિક કોયડો છે.આમ છતાં મારા નમ્ર મત પ્રમાણે જે કાર્ય કર્યા પછી આપણો માંહ્યલો ,અંતરાત્મા ,આપણું

આખું ચૈતન્ય ,પુલકિત થઇ ઉઠે એ જ સાચું આધ્યાત્મિક સુખ.

સાચું સુખ મેળવવાના લક્ષ્યાંક તરફની સૌની જીવનયાત્રા સફળ થાય એ જ અભ્યર્થના.

ડો. દક્ષા જોશી.

અમદાવાદ.

ગુજરાત.

TejGujarati