તા.૨૬ મી એ દેડીયાપાડા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલપધારશે

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

તા.૨૬ મી એ દેડીયાપાડા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલપધારશે

વનબંધુઓને વાંસનું વિનામૂલ્યે વિતરણ સહિત વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રો (રૂરલ મોલ) ના લોકાર્પણનો યોજાનારો કાર્યક્રમ

રાજપીપલા,તા.25

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં તા.૨૬ મી મે,૨૦૨૨ ને ગુરૂવારના રોજ નર્મદા જિલ્લાના આદિવાસી અને અંતરિયાળ વિસ્તાર દેડીયાપાડા તાલુકા મથકે વનબંધુઓને વાંસનું વિનામૂલ્યે વિતરણ અને વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રો (રૂરલ મોલ) ના યોજાનારા લોકાર્પણ કાર્યક્રમના આયોજન સંદર્ભે જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરાયેલી પૂર્વ તૈયારીઓની ગઇકાલે જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા કલેકટર અંકિત પન્નુના અધ્યક્ષપદે દેડીયાપાડા આદર્શ નિવાસી શાળા ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં અંકિત પન્નુએ ઉક્ત કાર્યક્રમ સંદર્ભે જુદા જુદા વિભાગો ધ્વારા હાથ ધરાયેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા સાથે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

વિવિધ વિભાગના સંબંધિત અમલીકરણ અધિકારીઓ અને વિવિધ સમિતિઓ સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા કલેકટર અંકિત પન્નુએ સંબંધિત સમિતિઓને સોંપાયેલી કામગીરી અને ફરજ સુપેરે પાર પડે તે માટે પૂરતી કાળજી અને ચોકસાઇ રાખવા ખાસ અનુરોધ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્ચાર્જ જિલ્લા કલેકટર અંકિત પન્નુના માર્ગદર્શન અને રાહબરી હેઠળ મુખ્યમંત્રીના ઉક્ત કાર્યક્રમના સુચારા આયોજનના ભાગરૂપે વિવિધ ૨૪ જેટલી સમિતીઓની રચના કરવામાં આવી છે અને આ સમિતિઓમાં સમાવિષ્ટ વિવિધ અધિકારીઓ-કર્મચારીઓને એકબીજા વચ્ચે સુસંકલન સાધીને તેમને સોંપયેલી કામગીરી વધુ સઘન અને અસરકારક રીતે પરિપૂર્ણ થાય તે જોવાની પણ તેમને ખાસ સૂચના આપી હતી. ઇન્ચાર્જ જિલ્લા કલેકટર અંકિત પન્નુએ દેડીયાપાડા ખાતે મુખ્યમંત્રીના કાર્યક્રમના આયોજન સંદર્ભે કાર્યક્રમના સ્થળે થઇ રહેલી પૂર્વ તૈયારીઓ અને વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રના સ્થળની પણ રૂબરૂ મુલાકાત લઇ, થઇ રહેલી કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન જિલ્લા પ્રશાસનના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ તેમની સાથે જોડાયાં હતા.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati