26 જૂનનાં બરાબર 3:30 વાગે બાકીના પણ આવો છો ને મારી સાથે..!! – વૈભવી જોશી.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

ગુજરાતી લિટરેચરનું બ્રાન્ડ નેમ. .. ખાસ તો યુવાનો અને સ્ત્રીઓ માટે ઇન્સ્પિરેશન એટલે Kaajal oza vaidya કાજલ ઓઝા વૈદ્ય એવું મારું અંગત માનવું છે. એટલે Spice Entertainment સ્પાઇસ એન્ટરટેનમેન્ટનાં 26 જૂનનાં કાર્યક્રમમાં કાજલબેન આમંત્રિત હોવાથી હું તો સ્વાભાવિક રીતે જ ત્યાં જોવા મળીશ.

એક આખો વર્ગ જે એમને આટલાં વર્ષોથી વાંચતા કે સાંભળતાં આવ્યા છે એ બધા માટે પણ તારીખ, સમય અને સ્થળ આટલી માહિતી પૂરતી છે ત્યાં હાજર રહેવા માટે એટલે એ બધા તો ત્યાં હશે જ પણ બાકીના એ ત્યાં શું કામ આવવું જોઈએ ?

ગુજરાતી પત્રકારત્વમાં જેમનું નામ ખૂબ આદરથી લેવાય છે એવા દિગંત ઓઝાનાં પુત્રી કાજલ ઓઝા વૈદ્યને વિચારોની સ્પષ્ટતા અને પ્રામાણિક્તા વારસામાં મળ્યા છે. દિગંત ઓઝા પોતાના સમયનાં પહેલા પ્રોફેશનલ એડિટર્સમાં ગણાય છે. એમની વિચારશીલ અને તીખી કલમ અડધી સદી કરતાં વધુ સમય સુધી ગુજરાતી પત્રકારત્વને ઉત્તમ રાજકીય લેખો અને માહિતીસભર કોલમ્સ આપતી રહી છે.

સ્ત્રીઓ અને યુવાનોનો બહોળો પ્રશંસક વર્ગ ધરાવતા કાજલ ઓઝા વૈદ્યનાં વાચકોમાં પુરુષોની સંખ્યા પણ બહુ વિશાળ અને નોંધનીય છે. કાજલ ઓઝા વૈદ્ય ગુજરાતી ભાષાની નવી પેઢીના લેખકોમાં એક અલગ ફીનોમીના ઉભો કરી શક્યાં છે. એમનું લેખન પ્રામાણિક અને સ્પષ્ટ છે.

એમના સમકાલીન લેખકોએ બહુ ટૂંકા ગાળામાં એમની કલમ અને લોકપ્રિયતાને વિસ્તરતી જોઈ છે અને આવકારી છે. ૨૦૦૫માં ટૂંકી વાર્તાઓનો સંગ્રહ ‘સંબંધ. .. તો આકાશ’ એમનું પહેલું પ્રકાશિત પુસ્તક, એ પછી કવિતા સંગ્રહ ‘શેષયાત્રા’. ચિત્રલેખામાં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થયેલી નવલકથા ‘યોગ વિયોગ’ પહેલી જ નવલકથાથી લોકપ્રિય થઈ.

દોઢ દાયકા કરતાં ઓછા સમયમાં ૮૦થી વધુ પુસ્તકો આપીને એમણે ગુજરાતી સાહિત્યમાં નિબંધો, પત્રસાહિત્ય , નવલકથાઓ, ટૂંકીવાર્તાઓ, નાટકો અને કવિતાઓ સહિત ફિલ્મની સ્ક્રીપ્ટ અને ટેલિવિઝન સિરિયલ જેવા વિવિધ વિષયોમાં પ્રદાન કર્યું છે. ગુજરાતીનાં કોઈ લેખકે ભાગ્યે જ જોઈ હોય એટલી આવૃત્તિઓ એમના પુસ્તકોએ જોઈ છે. એમના પુસ્તકો અંગ્રેજી ઉપરાંત હિન્દી, મરાઠી, ઉડિયા અને કન્નડમાં પણ ટ્રાન્સલેટ થયા છે.

સમાજમાંથી જ મળી આવતા, પરંતુ આગવા લાગતા પાત્રો, પારદર્શક અભિવ્યક્તિ અને ક્રાંતિકારી વિચારોને કારણે એમની પાસે વિશાળ વાચક વર્ગ છે. એમાં તમામ ઉંમરનાં વાચકોનો સમાવેશ થાય છે. સમાજનાં નિશ્ચિત નિયમોને વળોટીને, વિવેચક કે વાચકનાં જજમેન્ટ પર આધારિત રહ્યા વગર તેઓ વિશુદ્ધ સંવેદનાઓને આલેખતા રહ્યા છે.

જિંદગીનાં અનુભવ અને એમાંથી મળેલા સાદા જ્ઞાનને એમણે પોતાના વાચકો સાથે વહેંચ્યું છે અને વહેંચતા રહ્યા છે. એમની ભાષા સરળ છે અને એમનું વિષય વૈવિધ્ય માનવીય સંબંધો, પુરાણોનાં નૂતન અર્થઘટનથી શરૂ કરીને સમકાલીન, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સુધી વિસ્તરે છે.

એમણે ક્યારેય કોઈ ‘ક્રાંતિકારી મહિલા’ કે ‘ફેમિનિસ્ટ’નું લેબલ સ્વીકાર્યું નથી, પરંતુ સમાજનાં જડ અને સડી ગયેલા નિયમોને, કેટલીક માન્યતાઓને બદલવા માટે સતત અને સંનિષ્ઠ પ્રયાસ કરતા રહ્યા છે. સત્ય અને સ્પષ્ટતાથી લખાયેલા એમના લેખોમાં સમાજ માટે આઇનો છે અને સ્વયં પ્રત્યેની ઇમાનદારી છે.

પાંચ અખબારોમાં પ્રસિદ્ધ થતી એમની વિવિધ કોલમ્સ દર અઠવાડિયે વાચકો માટે પ્રેરણા અને નવા વિચારો લઈને આવે છે. મુંબઈ સમાચારમાં ગુરુવારે કથા કોલાજ , દિવ્ય ભાસ્કરમાં મંગળવારે એકબીજાને ગમતા રહીએ અને રવિવારે માય સ્પેસ, જન્મભુમિ, કચ્છમિત્ર, ફુલછાબમાં રવિવારે વામા નામની એમની કોલમ્સનાં ચાહકોનો વર્ગ બહોળો છે.

નાટક, સિનેમા અને ટેલિવિઝનની દુનિયામાં પણ એમનું, પ્રદાન નોંધપાત્ર છે. એમણે લખેલી અનેક ટેલિવિઝન સિરિયલ્સ અને નાટકોને અનેક એવોર્ડ મળ્યા છે. ગુજરાતી દૂરદર્શન પર કાજલ ઔઝા વૈદ્ય લિખિત ’એક ડાળના પંખી’ ટેલિવિઝન સિરિયલનાં ૧૭૦૦ એપિસોડ થયા છે. જે ગુજરાતી સિરિયલનો રેકોર્ડ છે. એમની લખેલી સિરિયલો, ‘મોટી બા’ અને ‘છુટાછેડા’ ગુજરાતી ટેલિવિઝન પર સુપરહિટ પુરવાર થઈ છે. ગુજરાત યુનિવસિટીમાં માસ્ટર ઓફ ડેવલપમેન્ટલ કમ્યુનિકેશનનાં ડિપાર્ટમેન્ટમાં તેઓ વિઝિટિંગ ફેકલ્ટી તરીકે ક્રિએટિવ રાઈટિંગ ભણાવે છે.

કોમ્યુનિકેશનનું ભાગ્યે જ કોઈ એવું માધ્યમ હશે જેમાં કાજલ ઓઝા વૈદ્યએ કામ ન કર્યું હોય ! અમદાવાદના ૯૪.૩ માય એફ. એમ. ઉપર કાજલ ઓઝા વૈદ્યનો રેડિયો શો ‘કાજલ એટ નાઈન’ ખૂબ જ લોકપ્રિય હતો.

કોઈ પણ પ્રકારની ગૂંચવણ વગરના સ્પષ્ટ અને સ્વતંત્ર વિચારોને કારણે એમના વક્તવ્યો લોકપ્રિય છે. સાદી ભાષા છતાં હૃદયમાં ઉતરી જાય એવી સીધી વાત એમના વક્તવ્યોની ખાસિયત છે. પુરાણો, મહાકાવ્યો, ઇતિહાસથી શરૂ કરીને માનવીય સંબંધો, બાળઉછેર, શિક્ષણ કે આજનાં મહત્ત્વનાં સામાજિક અને રાષ્ટ્રીય મુદાઓ સહિત સાહિત્યનાં વિષયો ઉપર એમના વક્તવ્યો દેશમાં અને વિદેશમાં યોજાતા રહે છે. ‘માણસ’, ‘મન’ અને ‘જીવન’ એમના વક્તવ્યોનું હાર્દ રહ્યું છે.

કાજલબેનને પ્રત્યક્ષ સાંભળવાનો મોકો આપવા બદલ હું સ્પાઇસ એન્ટરટેઇન્મેન્ટ અને Kiran Desai કિરણભાઈનો ફરીફરીને આભાર પ્રગટ કરું છું. એમના વક્તવ્યો પછીની પ્રશ્નોત્તરી એમના શ્રોતાઓ માટે સ્વયં સાથેનો સંવાદ શરૂ કરવાની એક નવી જ દિશા ઉઘાડી આપે છે. એટલે એમની વાત રજુ કર્યા પછી કાજલબેન સાથે સીધી જ પ્રશ્નોત્તરી પણ થશે અને આપણી વાત મોકળા મને રજુ કર્યાનો સંતોષ પણ.

26 જૂનનાં બરાબર 3:30 વાગે બાકીના પણ આવો છો ને મારી સાથે..!!

– વૈભવી જોશી

TejGujarati