‘પોસ્ટકાર્ડ અને લાગણીના સંદેશા’ – ✍ નિખિલ કિનારીવાળા, અમદાવાદ.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

વિસરાઈ ગયેલું પોસ્ટકાર્ડ

શીર્ષક – ‘પોસ્ટકાર્ડ અને લાગણીના સંદેશા’

એક સમય હતો જ્યારે દરેક ધરમાં ટપાલીના આવવાની આતુરતાપૂર્વક રાહ જોવાતી. આ વાત બહુ જૂની તો નથી. આજથી માંડ ૩૦-૪૦ વર્ષ પહેલાંની આ વાત છે. દેશમાં કે દુનિયામાં જુદા જુદા ખૂણે વસતા માણસોને એકબીજા સાથે સંદેશા વ્યવહારથી સંપર્કમાં રહેવા માટે અને સુખ-દુઃખ કે લાગણીના સંદેશાઓની આપલે કરવા માટે પોસ્ટકાર્ડ દ્વારા પત્રવ્યવહાર એક માત્ર સર્વસ્વીકાર્ય માધ્યમ હતું. કદાચ નવી પેઢીને માટે આ બધું વિસ્મય પમાડનારું તથ્ય છે.

કોઈ સ્ત્રી પોતાના પિયરના સંદેશાની કાગડોળે રાહ જોતી હોય. કોઈ પુરુષ દૂર બેઠેલા પોતાના ભાઈભાંડુ કે માતા-પિતાના ખબરઅંતર જાણવા ઉત્સુક બેઠો હોય. કુટુંબમાં લગ્નપ્રસંગના આમંત્રણની આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય. કોઈ વળી પરીક્ષા કે નોકરીના પરિણામની રાહ જોતું હોય. પ્રેમી પંખીડાઓ પોતાના પ્રિયતમના મધમીઠા પ્રેમ સંદેશાઓની આપ-લેનો ઇન્તજાર કરતાં હોય. ગામના ખૂણે વૃદ્ધ મા-બાપ શહેરમાં રહેતા પોતાના આંખનાં રતન જેવા દીકરાના ખબર-અંતર પુછતાં બે બોલની રાહ જોતાં બેઠા હોય. કોઈ માથામાં સિંદૂર પૂરેલી યુવાન સ્ત્રી દેશ કાજે સરહદ પર ફરજ બજાવવા ગયેલા પોતાના પતિ જાંબાજ સૈનિકની ખેરિયતના અને પ્રેમભર્યા શબ્દોની રાહ જોતી બેઠી હોય.

પોસ્ટકાર્ડ અથવા તો ટપાલના પત્ર દ્વારા થતી સંદેશાવ્યવહારની ખાસિયતમાં લખનાર વ્યક્તિ તેના લાગણીના સ્પંદનો પોતાના હસ્તાક્ષરથી શબ્દોમાં ઢાળીને બીજી વ્યક્તિને પહોંચાડતી. પત્ર વાંચનાર વ્યક્તિ તેમાંથી લખનારના લાગણી નીતરતા શબ્દોને ઉકેલી સ્નેહી કે પોતાના પ્રિય પાત્રની પ્રત્યક્ષ હોવાની અનુભૂતિ કરે. જાતે લખેલ પત્રોની ઉર્જા અને ઉષ્મા કંઈક અલગ જ રહેતી. વડીલો, આત્મીયજનો અને પોતાના પ્રિય પાત્રોના સમયાંતરે લખેલ પત્રોનો સંગ્રહ થતો જેને વર્ષો પછી ખોલતાં ફરીથી તે પત્રમાં રહેલી સુવાસ માણી શકાતી.

આજના વિજાણુયુગમાં પોસ્ટકાર્ડનું સ્થાન ઈ-મેઈલ એટલે કે વિજાણુ-પત્ર, શોર્ટ મેસેજ સર્વિસ, વ્હોટસએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે ટ્વિટર જેવા અનેક ડિજિટલ માધ્યમોએ લઈ લીધું. આ બધા માધ્યમોમાં દુનિયાના કોઈપણ ખૂણે બેઠાં ઇચ્છિત વ્યક્તિને ત્વરિત સંદેશો મોકલી શકાય છે. પરંતુ તે વિજાણુ અક્ષરોમાં જાતે લખેલા પત્રોમાં સમાયેલા હસ્તાક્ષરોની ભીનાશ કળી શકાતી નથી. તેમાંથી ઉષ્મા પ્રગટતી નથી. ટેકનોલોજીની દોડમાં જૂના સમયના પોસ્ટકાર્ડમાં રહેલી આત્મીયતા, પ્રેમ અને સ્નેહની સુગંધ લુપ્ત થતી જાય છે.

✍ નિખિલ કિનારીવાળા, અમદાવાદ

૨૦ મે ૨૦૨૨

TejGujarati