અનેક દંતકથાઓનું જન્મસ્થાન એટલે પરલી વૈજનાથનું જ્યોતિર્લિંગ.

કલા સાહિત્ય ગુજરાત ભારત મનોરંજન સમાચાર

છેલ્લા ઘણા વર્ષોથી મંદિરોમાં વિજ્ઞાન વિષય ઉપર સંશોધન શરૂ કર્યું હોવાથી જુદા જુદા મંદિરોમાં દર્શન કરવાનો લાભ મળ્યો છે. આ સંશોધનમાં અમારી સાથે ઘણા બધા વૈજ્ઞાનિકો અને ખગોળશાસ્ત્રીઓ પણ જોડાયેલા છે. આ કાર્યના અનુસંધાનમાં જ મેં હમણાં પરલી વૈજનાથના મંદિર ની મુલાકાત લીધી. ભારતના અન્ય પ્રાચીન મંદિરોમાંની એક કે બે પૌરાણિક માન્યતાઓ હોય. પરંતુ પરલી વૈજનાથની માત્ર એક જ નહીં પરંતુ અનેક રહસ્યકથાઓ સાંભળી ને હું આ જગ્યાએ આવતા રોકાઈ ન શક્યો. તેથી હવે આપણે આ બધી કથાઓ વિશે જાણકારી લઈશું. ત્યાર પછી મંદિર અને વિજ્ઞાનની વાતો કરીશું.

અમારા આગમનની રાહ માને સાહેબ જોઈ રહ્યા હતા. તેમના ઘરે પહોંચીને સ્નાન કરીને પરંપરાગત વસ્ત્રો ધારણ કર્યા અને ત્યાંથી નીકળી પડ્યા વૈજનાથના દર્શન કરવા. અમારી સાથે ઔરંગાબાદના વૈજ્ઞાનિક પણ હતા. તેઓ ઉંમરમાં નાના હોવા છતાં દેશ અને વિદેશના અનેક વિસ્તારો ખૂંદી વળ્યા હતા. ઔન્ધા નાગનાથ વિશે મારી ફેસબુક પોસ્ટ વાંચ્યા પછી મંદિરમાં દર્શન કરવાની દ્રષ્ટિ બદલાઈ ગઈ હતી. તેથી તેઓ મારી સાથે આવવા તત્પર હતા. ઉત્તર દિશાના પ્રવેશ દ્વારથી જ્યારે અમે મંદિરના પ્રાંગણમાં પહોંચ્યા ત્યારે સૌ પ્રથમ મરાઠા માલ્વા સામ્રાજ્યની રાણી અહલ્યાબાઇ હોલ્કરની મૂર્તિના દર્શન થયા. રાણી અહલ્યાબાઇના બંને હાથ વડે ઢંકાયેલું શિવલિંગ ખૂબ જ દર્શનીય છે.(ફોટો-1). ભારતના બારેય જ્યોતિર્લિંગના જીર્ણોદ્ધાર માટે ૧૭૦૦ના દાયકામાં તેમણે પોતાની સંપત્તિ વાપરી હતી.અમે તેમને નમન કરીને મંદિરમાં પ્રવેશ્યા.સાંજે ચાર વાગ્યાનો સમય હતો. ત્યારે મંદિરમાં ભસ્મ પૂજા ચાલતી હતી. આ લીંગને સ્પર્શ કરવાનું મહત્વ હોવાથી અમને એક કલાક રોકાઈ જવા વિનંતી કરી. એક કલાકનો સમય હોવાથી અમે ત્યાંના જ્ઞાની લોકો અને મંદિરના પૂજારી સાથે વાતચીત કરીને આ જગ્યાના મહત્વની જાણવાની કોશિશ કરી.

આ વાત રામાયણના સમયની છે. એવું કહેવાય છે કે રાવણે શંકર ભગવાનની તપસ્યા કરી હતી. તેના આત્માપૂર્ણ અવાજમાં શિવ તાંડવ સ્તોત્રમનો જાપ કર્યો હતો. રાવણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી અને તેના માથા પણ કાપી નાખ્યા. તેમના બલિદાનથી પ્રેરિત, ભગવાન શિવે અનેક વરદાન આપ્યા. રાવણે ભગવાન શિવને લંકા આવવા વિનંતી કરી. ભગવાને સ્વીકાર્યું અને રાવણને તેના શિવલિંગને લઈ જવાની સૂચના આપી અને તેને ચેતવણી આપી કે જ્યાં સુધી તે તેના ગંતવ્ય પર પહોંચે ત્યાં સુધી તેને ક્યાંય નીચે ન રાખવા.મુસાફરી દરમિયાન, રાવણ વિરામ લેવા માંગતો હતો અને એક ભરવાડને થોડા સમય માટે લિંગને લઈ જવાની સૂચના આપી. ભગવાનની સૂચનાથી અજાણ, ભરવાડે ભારે લિંગને થોડી ક્ષણ માટે નીચે મૂકી દીધું. આ રીતે ભગવાન તે સ્થળે રોકાયા અને વૈજનાથ તરીકે પ્રચલિત થયા.

સમુદ્રમંથન વખતે વિષ અને અમૃત સહિત 14 રત્નો બહાર આવ્યા હતા.જ્યારે દેવો અને દાનવો સમુદ્ર મંથન કરી રહ્યા હતા અને દૈવી અમૃત અથવા અમૃત માટે સ્પર્ધા કરી રહ્યા હતા. ત્યારે પ્રક્રિયામાંથી ચૌદ રત્નો બહાર આવ્યા. તેમાં ધનવંતરી અને અમૃતનો સમાવેશ થતો હતો. જ્યારે રાક્ષસો અમૃત પડાવી લેવા આવ્યા ત્યારે ભગવાન વિષ્ણુએ ધન્વન્તરી અને અમૃત બંનેને પકડીને શિવલિંગની અંદર સંતાડી દીધા. ક્રોધિત રાક્ષસોએ લિંગને તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે તેઓએ તેને સ્પર્શ કર્યો ત્યારે તેજસ્વી પ્રકાશ નીકળ્યો. આનાથી રાક્ષસો ડરી ગયા અને તેઓ સ્થળ પરથી ભાગી ગયા.આ તે સ્થાન છે જ્યાં દેવોએ સફળતાપૂર્વક અમૃત પ્રાપ્ત કર્યું હતું, તેથી ગામ વૈજયંતી અને તેથી મંદિર પરલી વૈજનાથ તરીકે પ્રખ્યાત બન્યું.પરલી વૈજનાથ જ્યોતિર્લિંગ તમામ જ્યોતિર્લિંગોમાં સૌથી છેલ્લું કહેવાય છે. લોકો માને છે કે ભગવાન વિષ્ણુએ અમૃત અને ધનવંતરી બંનેને લિંગમાં છુપાવ્યા હોવાથી, જે કોઈ પણ લિંગને સ્પર્શ કરે છે તે અમૃતની શક્તિ પ્રાપ્ત કરી શકે છે.

પરલી એ હરિ હરનું મિલન સ્થળ પણ છે. હરિ (વિષ્ણુ) અને હર (શિવ) બંનેના તહેવારો અહીં ઉજવવામાં આવે છે.ભક્તોને પૂજા દરમિયાન પારલી વૈજનાથ લિંગને સ્પર્શ કરવાની છૂટ છે અને સ્વાસ્થ્ય સાજા રાખવામાં મદદ કરે છે. અહીં ભક્તો પોતે અહીં અભિષેક કરે છે અને બિલ્વના પાંદડાઓનો ઉપયોગ કરે છે.

આ મંદિરનું મહત્વ એ છે કે અહીં ભગવાન શંકર દેવી પાર્વતી સાથે નિવાસ કરે છે, તેથી તીર્થયાત્રીઓ માટે આ સ્થાનનું મહત્વ કાશી કરતા પણ વધારે છે. સત્યવાન અને સાવિત્રીની પ્રખ્યાત વાર્તા પણ અહીં બની હોવાનું માનવામાં આવે છે. જ્યાં સુધી જ્યોતિર્લિંગનો સંબંધ છે ત્યાં વિરોધાભાસ છે અને અલગ અલગ છે. ઝારખંડના દેવઘરમાં આવેલા બૈજનાથ મંદિરને શ્રી રાવણેશ્વર માનસ્કમણ લિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે.

રાણી અહલ્યાબાઈ પારલી વૈજનાથ જીર્ણોદ્ધાર માટે ત્રિશુલ દેવી પર્વતમાળામાંથી ખાસ પથ્થરો લાવ્યા હતા. પરલી વૈજનાથની બહાર એક મિનારામાં ખાસ ગ્વાક્ષ (બારીઓ) છે. જ્યારે સૂર્યના કિરણો બારીઓમાંથી પસાર થાય છે, ત્યારે તે સીધા શિવલિંગ પર પડે છે. આ સમયે, પૂજારીઓ સૂર્ય ભગવાનની વિશેષ પ્રાર્થના અને પૂજા કરે છે.(ફોટો -2).નજીકના હરિહર તીર્થના જળને દરરોજ લિંગ પૂજા માટે પરલી વૈજનાથમાં લાવવામાં આવે છે.પરલી એ ત્રણ નદીઓ, બ્રહ્મા, વેણુ અને સરસ્વતીની નજીક આવેલું એક પ્રાચીન ગામ છે.

ભસ્મ પૂજા ચાલતી હોવાથી મંદિરના ગર્ભદ્વારમાં જવા માટે એક કલાકનો સમય હોવાથી હવે અમે અમારા સંશોધન તરફ વળ્યા મંદિરનું ઝીણવટપૂર્વક અવલોકન શરું કર્યું. આ મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર પૂર્વ તરફ છે. ઘણા બધા દાદરાઓ ચડ્યા પછી વિશાળ પ્રવેશ દ્વાર આવે છે.(ફોટો-3). ત્યાં ઊભા ઊભા જ મંદિરની ભવ્યતા કેટલી છે તે જાણી શકાય. અત્યારે મંદિરમાં જવા માટે ઉત્તર દિશાનાં દ્વાર થી પ્રવેશ કરવો પડે છે. નાગરા શૈલી આધારિત બનાવેલું આ મંદિરમાં સૌ પ્રથમ અર્ધ મંડપ આવે છે. અર્ધમંડપ માં રેલિંગ બનાવ્યા પ્રમાણે પ્રદક્ષિણા આગળ વધો એટલે સૌ પ્રથમ તમને એક અંધારીયા ગોખલામાં શ્રી વીર ભદ્રદેવની આદમ કદની પીતળની મૂર્તિ જોવા મળે છે. શિવ મંદિરમાં આટલી મોટી મૂર્તિ જવલ્લે જ જોવા મળે છે.(ફોટો-4).

વીરભદ્ર (સંસ્કૃત: वीरभद्र, lit. પ્રતિષ્ઠિત હીરો), જેને વીરભદ્ર, વીરબથીરા, વીરબથીરન તરીકે પણ ઓળખવામાં આવે છે તે હિન્દુ દેવ શિવનું અત્યંત ઉગ્ર અને ભયાનક સ્વરૂપ છે. શૈવ ધર્મમાં, વીરભદ્રની ઉત્પત્તિ નીચે મુજબ છે. સતી એ દક્ષની સૌથી નાની પુત્રી હતી. મોટા થતાં, તેણીએ શિવને પતિ માની લીધા હતા અને તેમની પૂજા કરી.

એક દિવસ, દક્ષે શિવને બાદ કરીને બધા દેવોને અશ્વમેધ યજ્ઞ માટે આમંત્રિત કર્યા. આમંત્રિત નહીં હોવા છતાં યજ્ઞમાં શિવની હાજરી દેખાતા દક્ષે મહેમાનોની સામે તેનું અપમાન કર્યું. તેના પતિ વિરુદ્ધ અપમાન સાંભળીને ગુસ્સે થઈને, તેણે પોતાની આંતરિક યોગાગ્નિથી પોતાને સળગાવી દીધી. પાછળથી જ્યાં સતીનું અવસાન થયું હતું તે સ્થળ કંખલ, હરિદ્વારમાં સ્થિત “સતીકુંડ” તરીકે જાણીતું બન્યું.

શિવને આ વાતની ખબર ત્યારે ખૂબ જ દુઃખ અને ક્રોધ સાથે, તેણે તેની જટા ખોલીને માથું જમીન પર પછાડ્યું. તેમાંથી વીરભદ્ર અને ભદ્રકાલી બંનેનો જન્મ થયો. સ્નાયુબદ્ધ શરીર સાથે જન્મેલા, તે ત્રણ સળગતી આંખો અને સળગતા વાળ સાથે તોફાની વાદળો જેવો ઘાટ હતો. તેણે ખોપરીની માળા પણ પહેરી હતી અને શસ્ત્રો પણ રાખ્યા હતા. દેવીના ક્રોધિત અવતાર ભદ્રકાળીએ તેમને શક્તિ પ્રદાન કરી.

પદ્મ પુરાણમાં વીરભદ્રને મંગળા (મંગળ ગ્રહ)ના ઉગ્ર સ્વરૂપ તરીકે ઓળખાવે છે. સતીના મૃત્યુને કારણે શિવને અત્યંત વેદના થાય છે. તેમનો પરસેવો પૃથ્વી પર પડે છે અને તે ઉગ્ર વીરભદ્રને જન્મ આપે છે, જે યજ્ઞનો નાશ કરે છે. પછી શિવ તેને શાંત કરે છે અને તેને અંગારક ગ્રહ એટલે કે મંગળ ગ્રહ બનાવે છે.

અર્ધ મંડપની પ્રદક્ષિણા પૂરી થવા આવી હતી ત્યાં બીજો એક ગોખલો નજરે ચડ્યો. અહીં કાશી વિશ્વનાથનું ભીમકાય શિવલિંગ જોવા મળ્યું. અત્યંત પ્રાચીન હોવાથી તેને ધ્યાનપૂર્વક જોવાની ઈચ્છા થઈ. આ મંદિર કેટલું પ્રાચીન છે તે જાણવા માટે તે ચોક્કસ કઈ દિશામાં છે તે જાણવું હતું. તેથી મોબાઇલમાં દીશાસૂચક યંત્રની મદદથી તેની ચોક્કસ દીશા જાણી. (ફોટો -5).આવા રીડિંગ અમે અન્ય મંદીરના પણ લીધા છે. આ સંશોધનની વાત પછી ક્યારેક કરીશું.

આ મંદિરની બીજી બે ખાસ વાતો પણ જોવા મળી. સામાન્ય રીતે શિવ મંદિરમાં નંદી મંડપમાં સ્થાપિત કરેલા હોય છે. પરંતુ અહીં નંદીને અર્ધ મંડપમાં સ્થાપિત કરેલા હતા.નંદિની સંખ્યા એક નહીં પણ ત્રણ-ત્રણ હતી. ત્રણેય નંદી પિત્તળના હતા.(ફોટો -6).સમગ્ર અર્ધમંડપ સીસમના લાકડામાંથી અને કાચના ઝુમ્મરથી સજાવેલો હતો.

ભસ્મ પૂજા પૂરી થઈ એટલે પૂજારીએ અમને મંડપમાં થઈને ગર્ભ દ્વારમાં જવાની અનુમતિ આપી. યાત્રિકોની સંખ્યા ખૂબ જ ઓછી હોવાથી અમે શિવલિંગ સમક્ષ શિવ પંચાક્ષર સ્તોત્ર, શિવ ષડાક્ષર સ્તોત્ર અને નટરાજ સ્તુતિ કરીને શિવલિંગને સ્પર્શ કરીને પ્રણામ કર્યા. (ફોટો -9).ગર્ભદ્વાર ની બહાર નીકળતા પાર્વતીજીની મૂર્તિ પાસે અલભ્ય પાર્વતી યંત્ર જોવા મળ્યું. (ફોટો-7). આ રીતે અદ્ભુત દર્શન પુજા થવાથી ધન્યતા અનુભવી.પુરાણો અનુસાર, ભગવાન વૈજનાથે ઋષિ માર્કંડેયને આશીર્વાદ આપ્યા અને તેઓ અમર થઈ ગયા.

મંદિરમાં ગંદકી હવે એ ભૂતકાળની વાત થઈ ગઈ છે‌. આ મંદિરમાં પૂજા માટે બીલીપત્ર તેમજ ફૂલનો ઉપયોગ કર્યા પછી તેમાંથી ખાતર બનાવવા ની પણ વ્યવસ્થા છે. રહેવાની અને જમવાની સુંદર વ્યવસ્થા પણ છે. પરલી વૈજનાથ એ મહારાષ્ટ્રના અંતરિયાળ એવા બીડ જિલ્લામાં આવેલું છે. ત્યાં પહોંચવું થોડું અઘરું છે. તેથી અહીં યાત્રિકોની સંખ્યા પ્રમાણમાં ખૂબ જ ઓછી હોય છે. અહીં આવવા માટે પરભણીના મારા મિત્ર ડોક્ટર રામેશ્વર નાયકે ખુબ સરસ વ્યવસ્થા ગોઠવી આપી તે બદલ તેમનો,માને સર અને વૈજ્ઞાનિક શ્રી વીર સરનો ખૂબ ખૂબ આભાર માનું છું.(ફોટો-8).

********************************************

ધનંજય રાવલ, અંકુર હોબી સેન્ટર, અમદાવાદ

TejGujarati