નર્મદામા શાંત વિસ્તારની આજુબાજુમાં માઈક, લાઉડસ્પીકર તથા ડી.જે. સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે નહીં.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

નાચગાન,ગરબા જાહેર માર્ગમાં રોકાઈને કરી શકાશે નહીં.

મંદિરો, ચર્ચ, મસ્જિદોમાં માં માઈક સિસ્ટમ/ વાજિંત્રનો અવાજ એ રીતે મર્યાદિત કરેલો હોવો જોઈએ

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટદ્વારા પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું

રાજપીપલા,તા14

નર્મદા જિલ્લામા છેલ્લા કેટલાક વખતથી આમજનતાને પરેશાની ભોગવવી પડે તે રીતે ધંધાદારીઓ જાહેરમા મોટા આવજે માઈક, લાઉડ સ્પીકર અને ડીજે વગાડી લોકોની માનસિક અશાંતિ ઉભી કરતા હતા. જેનાથી આમ લોકો પરેશાન થતાં હતા ખાસ કરીને લગ્ન પ્રસંગોમાં વગર પરવાનગીએ જાહેર રોડ પર મંડપો બાંધી રાહેદારીઓ ને અડચણ રૂપ કરી મૉટે મૉટેથી ડીજે વગાડી રસ્તો રોકી નાચગાન કરતા દ્રશ્યો સ્થાનિક રહીશો માટે માથાનો દુખાવો બન્યા હતા ત્યારે નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ તેના પર રોક લગાવવા ધ્વનિ પ્રદુષણ અટકાવવા ખાસ જાહેરનામું બહાર પાડ્યું છે

નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે.વ્યાસે મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં દ્વારા નર્મદા જિલ્લામાં લગ્ન તથા ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં નાચગાન કે ઘોંઘાટને લીધે ઝગડા તકરાર ન થાય તે માટે ધ્વનિ પ્રદૂષણને અંકુશમાં લેવા તેમજ જિલ્લામાં કોઈપણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ન થાય અને જાહેર શાંતિ સલામતિ તથા કાયદા પ્રત્યે માન જળવાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી નર્મદા જિલ્લાના નિર્દિષ્ટ વિસ્તાર તથા સમય માટે કેટલાંક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

જાહેરનામામાં દર્શાવ્યાં મુજબ સરકારી કચેરીઓ, હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોની આજુબાજુના ૧૦૦ મીટરના ઘેરાવાના વિસ્તારને શાંત તરીકે ગણવામાં આવે છે. જેથી શાંત વિસ્તારની આજુબાજુમાં માઈક, લાઉડસ્પીકર તથા ડી.જે. (ડીસ્ક જોકી) સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે નહીં. એકબીજા પ્રત્યે ઉશ્કેરણી થાય અને કોમી લાગણી ઉશ્કેરાય તેવા ઉચ્ચારણો/ ગાયનોનો માઈક, લાઉડસ્પીકર તથા ડી.જે.(ડીસ્ક જોકી) સિસ્ટમમાં ઉપયોગ કરી શકાશે નહીં. રસ્તાની ડાબી બાજુ ચાલવા, ટ્રાફિકને અડચણ ન થાય તથા ટ્રાફિકના તમામ નિયમો/ કાયદાઓનો અમલ કરવા તેમજ નાચગાન ગરબા જાહેર માર્ગમાં રોકાઈને કરી શકાશે નહીં. ડી.જે.(ડીસ્ક જોકી)સિસ્ટમ અંગે નામદાર સુપ્રિમ કોર્ટના વખતોવખતના ચુકાદાના નિર્દેશ તથા ધી નોઈઝ પોલ્યુશન (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રૂલ્સ, ૨૦૦૦ ના એન્વાયરમેન્ટ પ્રોટેક્શનની જોગવાઈઓ મુજબ Amblent Air Quality Standard હોવું જોઈએ. તે જોતાં ડી.જે. સિસ્ટમ વગાડવા માટે ઉપર જણાવેલ તમામ પ્રાવધાનો અને જોગવાઈઓનો ઉલ્લંઘન કરતા હોય તે વગાડવા જેવા કૃત્યો કરવા પર પ્રતિબંધ રહેશે.

વરઘોડા/રેલી, ધાર્મિક, રાજકીય કે સામાજિક શોભાયાત્રાઓના સમય દરમ્યાનમાં ઉપરોક્ત શરતોનો ભંગ કરે અથવા કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેની સંપૂર્ણ જવાબદારી પરવાનેદાર/ પરવાનગી લેવા માટે આવનાર વ્યક્તિની રહેશે. નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટના અધિકાર ક્ષેત્રની જાહેર જગ્યામાં અથવા તો જાહેરમાં સાંભળી શકાય તેવી જગ્યામાં માઈક સિસ્ટમ / વાજિંત્રનો ઉપયોગ અધિકૃત કરેલ અધિકારીની લેખિત પરવાનગી સિવાય કરી શકાશે નહીં, તેમજ અવાજનું પ્રદૂષણ ફેલાવી શકાશે નહીં. આવી પરવાનગી માટેની અરજી લેખિતમાં હોવી જોઈએ તેમજ તેનો ઉપયોગ કરનાર વ્યક્તિની સહી હોવી જોઈએ.

માઈક સિસ્ટમ / વાજિંત્રનો ઉપયોગ ઉપરોક્ત અવાજની માત્રા દર્શાવતા પત્ર પ્રમાણે સવારના ૦૬ કલાકથી રાત્રિના ૨૨ કલાક સુધી જ થશે. અવાજ પ્રદૂષણ (નિયમન અને નિયંત્રણ) રૂલ્સ, ૨૦૦૦ ની જોગવાઈઓ પ્રમાણે સામાન્ય રીતે માઈક સિસ્ટમ/ વાજિંત્રનો ઉપયોગ રાત્રિના ૧૦ કલાકથી સવારના ૦૬ કલાક સુધીના સમય દરમ્યાન વગાડી ન શકાય તેવી જોગવાઈઓ હોઈ, આ સમય માટે કોઈ પરવાનગી આપવામાં આવશે નહીં. તેમજ પરવાનેધારકો આ સમય દરમ્યાન માઈક સિસ્ટમ / વાજિંત્ર વગાડવા ઉપયોગ કરી શકશે નહીં.

મંદિરો, ચર્ચ, મસ્જિદોમાં માં માઈક સિસ્ટમ/ વાજિંત્રનો અવાજ એ રીતે મર્યાદિત કરેલો હોવો જોઈએ કે સંકુલની હદ બહાર જાય નહીં. ગતિમાન વાહનમાં કોઈપણ માઈક સિસ્ટમ/ વાજિંત્રનો ઉપયોગ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફથી અધિકૃત કરેલ અધિકારીની પરવાનગી સિવાય કોઈપણ હેતુ માટે વાપરવો નહીં અથવા ચલાવવો નહીં. માઈક સિસ્ટમ/વાજિંત્રના ઉપયોગથી આસપાસના રહેવાસીઓ અથવા રાહદારીઓને અડચણ, હરકત, અગવડ, જોખમ, ભય કે નુકશાન અટકાવવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટ અથવા તેઓના તરફથી અધિકૃત કરેલ કોઈપણ અધિકારી તેને યોગ્ય લાગે તેટલી મુદ્દત માટે કોઈપણ જગ્યાએ પરવાનો ધરાવનારને માઈક સિસ્ટમ/વાજિંત્ર વાપરવા પર મનાઈ ફરમાવતો હુકમ કરી શકશે. ફરજ પરના પોલીસ અધિકારી દ્વારા ઉપર જણાવેલ નિયમો તથા પરવાનગી પત્રમાં દર્શાવેલ વિસ્તાર અને સમય અંગે કોઈ ભંગ કરે તો વાહન તથા માઈક સિસ્ટમ/ વાજિંત્ર અને તેના ઉપકરણો જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરી શકશે. જેવી ઉક્ત શરતોને આધીન પ્રતિબંધમાંથી છુટછાટ રહેશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવશે

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati