મેકઅપ નહી તો બ્રેકઅપ નહીં. – શિલ્પા શાહ,

ઓટોમોબાઇલ ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

શીર્ષક વાંચીને કદાચ એવું લાગે કે લેખિકા શું કહેવા મંગે છે. કોઈપણ પ્રકારના બ્રેકઅપ પાછળ મેકઅપ કેવી રીતે જવાબદાર હોઈ શકે? પરંતુ એ તો સર્વવિદિત છે કે પ્રાચીન જમાનામાં સંબંધોના બ્રેકઅપ લગભગ નહીંવત હતા. મૃત્યુ દ્વારા ઈશ્વર સંબંધોનો અંત લાવે તે જુદી વાત પરંતુ વ્યક્તિ સ્વેચ્છાએ ક્યારેય કોઈપણ સંબંધોમાં બ્રેકઅપને પસંદ કરતા નહી. થોડું કોમ્પ્રોમાઇઝ, થોડું એડ્જસ્ટમેન્ટ અને થોડો ઉદાર જીવ રાખી જીવનપર્યંત સંબંધોને નિભાવવામાં આવતા અને એ પણ માત્ર અંગત નજીકના સંબંધો જ નહીં લગભગ દરેક સામાજિક, કૌટુંબિક અને વ્યવસાયિક સંબંધોને પણ પૂરી નિષ્ઠા સાથે નિભાવાતા. આજના આધુનિક યુગમાં સંબંધો તો જાણે મજાક બની ગયા હોય એવું લાગે છે. બ્રેકઅપની શરત સાથે જ જાણે કે સંબંધ જોડવામાં આવતો હોય એવું લાગે. કોન્ટ્રાક્ટ મેરેજ, લિવ ઇન રિલેશનશિપ વગેરે આના જ ઉદાહરણ છે. કોઇપણ સંબંધના અંત પાછળ મૂળભૂત રીતે બે કારણો જવાબદાર હોય છે. ૧) મનદુઃખ અને ૨) મૃત્યુ. બીજું કારણ આપણા હાથમાં નથી પરંતુ પ્રથમ કારણ સંપૂર્ણપણે આપણા હાથમાં છે. જો સંબંધોમાં પારદર્શિતા રહે, સરળતા રહે, સ્નેહ રહે, નિસ્વાર્થતા રહે તો મનદુઃખ દ્વારા સંબંધોનો અંત કદી ન આવે. આધુનિક યુગનું જો સૂક્ષ્મ નિરીક્ષણ કરવામાં આવે તો સમજાશે કે સંબંધવિચ્છેદ પાછળ પ્રથમ કારણ સર્વત્ર જવાબદાર છે અને તેની પાછળ મુખ્યત્વે સ્વાર્થ, દંભ અને દેખાડો જવાબદાર છે. વ્યક્તિ હોય છે કંઈક અને દેખાય છે કંઈક જેના કારણે તેને ઓળખવામાં ભૂલ થઈ જાય છે અને જ્યારે મેકઅપ ઉતરે ત્યારે વાસ્તવિક ચહેરો સામે આવે છે જે અસહ્ય અને અસ્વીકાર્ય બનતો હોય છે. આપણે જે વ્યક્તિને જે રીતે ઓળખતા હતા, સમજતા હતા, ધારતા હતા તેના કરતા તે કંઈક ભિન્ન જ અનુભવાય છે જેથી વિશ્વાસઘાતની અનુભૂતિ થાય છે અને બ્રેકઅપ થઈ જાય છે. આમ બ્રેકઅપ પાછળ જવાબદાર કારણ મેકઅપ છે.

મેકઅપ એટલે વાસ્તવિક અસ્તિત્વ કરતાં કંઈક જુદું દેખાવું. સુંદર મુખોટું પહેરી વાસ્તવિક કદરૂપતાને છુપાવવી એટલે મેકઅપ. જ્યાં સુધી માણસ એ નહીં સમજે કે સારા દેખાવા કરતાં સારા હોવાનું મૂલ્ય વધુ છે ત્યાં સુધી સમાજમાંથી સુંદર મુખોટુ પહેરવાની પ્રથા એટલે કે મેકઅપ કદી વિદાય નહીં લઇ શકે. વ્યક્તિની પર્સનાલિટી બે પ્રકારની હોય છે આંતરિક અને બાહ્ય અને બંને પર્સનાલિટી મેકઅપ દ્વારા વધુ સુંદર અને આકર્ષક દેખાડી શકાય છે. આઉટર પર્સનાલિટી એટલે બાહ્ય દેખાવ જેને કોસ્મેટિક અને મેકઅપના અદ્યતન સાધનો દ્વારા વધુ સુંદર અને આકર્ષક બનાવી શકાય. તે જ રીતે ઇનર પર્સનાલિટી એટલે આંતરિક સૌંદર્ય જે ઉત્તમ ચારિત્ર, સદગુણો, મૂલ્યો, નૈતિકતા અને સંસ્કાર દ્વારા નક્કી થાય છે. આંતરિક વ્યક્તિત્વને પણ દંભ અને દેખાડાના મેકઅપથી વધુ સુંદર અને આકર્ષક ટૂંકા ગાળા માટે દેખાડી શકાય. આમ બંને પ્રકારના વ્યક્તિત્વને આધુનિક મેકઅપના વિશિષ્ટ સાધનો દ્વારા થોડું વધુ આકર્ષક બનાવી અવશ્ય શકાય. અહીં હું “દેખાડી” શકાય શબ્દપ્રયોગ કરું છું “બનાવી” શકાય નહીં એટલે કે મેકઅપ દ્વારા વધુ સુંદર અને આકર્ષક ક્ષણીક ટૂંકા ગાળા માટે time being દેખાઈ શકાય પરંતુ વાસ્તવમાં બની શકાય નહીં. તમને કોઈ મળે અને તે પ્રભાવિત થઈ જાય એવું બની શકે કેમ કે મુખોટુ ખુબ સુંદર અને આકર્ષક છે, જેના પ્રેમમાં વ્યક્તિ સ્વાભાવિક રીતે પડી જતો હોય છે, આકર્ષિત થતો હોય છે પરંતુ જ્યારે મેકઅપ ઉતરે ત્યારે કદરૂપી વાસ્તવિકતા દ્રષ્ટિમાન થતા વ્યક્તિને છેતરાયાનો અહેસાસ થવા માંડે અને બ્રેકઅપ સહજ તેમ જ ઝડપી બને.

આધુનિક સમાજમાં સાચું પૂછો તો ઉત્તમ ચારિત્ર, સદગુણો, મૂલ્યો, નૈતિકતા અને સંસ્કારનો દુકાળ છે પરંતુ જાણે-અજાણે દરેક વ્યક્તિ આવા વિશિષ્ઠ ગુણો અને લક્ષણોથી આકર્ષિત અને પ્રભાવિત હંમેશા થતા હોય છે જેના કારણે ક્ષણીક સ્વાર્થ પૂર્તિ માટે દરેક આવા ગુણોનું પ્રદર્શન કરવા પ્રેરાય છે. પરંતુ મેકઅપ કે મુખોટો 24 કલાક 365 દિવસ સતત અવિરત સાથ કેવી રીતે આપી શકે? દા.ત. વ્યક્તિ વાસ્તવમાં ક્રોધી, હિંસક, ઘમંડી, સ્વાર્થી હોય તો ક્યાં સુધી નમ્ર, વિવેકી, શાંત, નિસ્વાર્થ બનવાનું નાટક કરી શકે? ક્યારેક ને ક્યારેક તો તેના નાટકનો પડદો પડવો સ્વાભાવિક જ છે અને વ્યક્તિ તેના મૂળ સ્વરૂપમાં એક્સપોઝ થઈ જાય ત્યારે સંબંધોમાં મનદુઃખ ઉપજે જે બ્રેકઅપનું કારણ બને. પહેલાના જમાનામાં બાહ્ય મેકઅપની વધુ વ્યવસ્થા નહોતી કે કોસ્મેટીક સર્જરી કે અન્ય સાધનો પણ નહોતા. વળી આંતરિક સુંદરતાને દેખાડો કરવાની આજે જેટલી હરીફાઈ જોવા મળે છે એટલી તીવ્ર હરીફાઇ એ સમયે જોવા નહોતી મળતી જેથી બ્રેકઅપ ઓછા થતા હતા. આમ મારી દ્રષ્ટિએ આધુનિક બ્રેકઅપનું મુખ્ય કારણ મેકઅપ એટલે કે બિનજરૂરી અયોગ્ય સત્યથી વિરુદ્ધ અને જુઠ્ઠો દેખાડો છે. જો આવો દેખાડો ન હોય તો સંબંધવિચ્છેદ પણ ઘટી જાય. એટલા માટે જ હું કહું છું કે મેકઅપ નહીં તો બ્રેકઅપ નહીં.

પહેલાંનું જનરેશન કદાચ દેખાડા કે મેકઅપથી ન તો વધુ પ્રભાવિત થતું કે ન તેના જાસામાં આવતું કેમકે ધાર્મિક-આધ્યાત્મિક સમજણ, વિવેકબુદ્ધિ અને માણસોને ઓળખવાની આવડત તેઓમાં પહેલેથી જ હતી. તેઓની આંતરિક તાકાત વ્યક્તિની વાસ્તવિકતાને ઓળખવામાં એટલી સક્રિય રહેતી કે તેવો મેકઅપની અંદર છુપાયેલા ઓરીજનલ ચહેરાને ઓળખી લેતા. જ્યારે આજનું મોડર્ન જનરેશન બાહ્ય સુંદરતાથી એટલું બધું પ્રભાવિત અને આકર્ષિત થાય છે કે વાસ્તવિકતાને જોવા કે સમજવા બાબતે લગભગ અંધ જ બની જાય છે. વળી એવી કોઈ વિશિષ્ટ ક્વોલીટી તેમનામાં ડેવલપ થઇ જ નથી કે નાટકીય સુંદર દેખાડા કે મુખોટા પાછળના વ્યક્તિની અસલિયતને ઓળખી શકે. સમાજ અને શિક્ષણ પણ આવી ગુણવત્તા ઊભી કરવામાં કદાચ નિષ્ફળ ગયું હોય એમ મને લાગે છે. આપણે વ્યક્તિને તેના વર્તન અને વાણીથી ઓળખવા ટેવાયેલા છીએ. નાટકીય રીતે થોડા સમય માટે મીઠું બોલનાર અને સારું વર્તન કરનારને આપણે ખૂબ સારો સંસ્કારી અને ચારિત્ર્યવાન સમજી બેસીએ છીએ. પરંતુ સંસ્કારી દેખાડા પાછળ રહેલા સ્વાર્થી બદઈરાદાને આપણે ઓળખી શકતા નથી અને વ્યક્તિ ઓળખવામાં થાપ ખાઈ જતા સંબંધ વિચ્છેદ કે બ્રેકઅપ શક્ય બને છે.

જો આપણે સામૂહિક રીતે મુખોટા કે મેકઅપને નાપસંદ કરવા માંડીશું, વ્યક્તિને તેની ક્રિયાને બદલે ઇરાદાથી ઓળખવા માંડીશું તો કદાચ સમાજમાંથી મેકઅપની બાદબાકી થઇ જશે અને દુઃખદ બ્રેકઅપથી બચી જવાશે. જેના માટે દરેકમાં પ્રજ્ઞાબુદ્ધિ એટલે કે સ્થિર-સમ્યક વિવેકબુદ્ધિ જોઈએ જેની મદદથી સત્યને જોઇ કે સમજી શકાય. સારા બનવાનો પ્રયત્ન કરીશું તો સારા દેખાવાનો ઉદ્દેશ આપોઆપ હાંસલ થઈ જશે પરંતુ જો માત્ર સારા દેખાવાનો પ્રયત્ન કરીશું (મેકઅપ વાળી કૃત્રિમ જિંદગી) તો સારા બનવામાં નિષ્ફળ જઈશું. મેકઅપને મહત્વ આપવામાં અણધારી બ્રેકઅપની દુઃખદ પરિસ્થિતિ કે પરિણામને સ્વીકારવું અને સહન કરવું પડશે.

TejGujarati