એક અનુવાદ રજુ કરું છું, એ આશા સાથે કે દરેક માતાપિતા એમનાં બાળકોને સમજવાનો પ્રયત્ન કરશે..!! – વૈભવી જોશી

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

જ્યારે-જયારે પોતાનાં નાનકડાં સંતાનોને લઈને માબાપને વેકેશનમાં કે સ્કુલનાં દિવસોમાં જાત-જાતની ઈત્તર-પ્રવૃત્તિ કે સ્કીલ ડેવલોપમેન્ટ અથવા ટ્યુશન ક્લાસીસ તરફ આંધળી અને સમજણ વગરની દોડાદોડી કરતાં જોઉં છું, ત્યારે ખબર નહીં કેમ, પણ મને કાર્બાઇડથી કેરી પકવતાં વેપારીઓ યાદ આવી જાય છે..!!

કદાચ જે હદે બાળકોનાં ભણતરને લઈને અમુક માતાપિતાનો અભિગમ છે એ જોતાં એમ લાગે કે લોકડાઉન દરમ્યાન નાછૂટકે લેવો પડેલો વિરામ માતાપિતા અને બાળકો બંને માટે જરૂરી હતો. આશા રાખીયે કે એ સમય દરમ્યાન બાળકોએ એમની ઉંમર પ્રમાણેનું બાળપણ માણ્યું હશે જેનાં પર એમનો પૂરો અધિકાર છે અને થોડી મોટી ઉંમરનાં બાળકો જેમને ખરેખર કોઈ પ્રવૃત્તિમાં દિલથી રસ છે એને સમજણ પૂર્વક આગળ વિકસાવી રહ્યા હશે.

એક અનુવાદ રજુ કરું છું એ આશા સાથે કે દરેક માતાપિતા એમનાં બાળકોને સમજવાનો પ્રયત્ન કરશે..!!

દસમાંથી દસ નથી લાવતું મારું બાળક,

પહેલાં બીજા નંબરની દોડમાં નથી જોડાયું મારું બાળક,

રમે છે, સપનાં જુએ છે, જીદ કરે છે અને કહી નાખે છે;

વાતો ક્યારેક તો સમજદારીની પણ.

અને હા, તે વાંચે છે પણ એટલું જ જેટલી જરૂર છે.

કહી શકો છો તમે કે સાધારણ છે તે.

હું નથી જતી જોવા તેની ઉત્તરવહી

એ માટે નહી કે મને ફરિયાદ છે તેના માટે

પણ કદાચ એ માટે કે ખૂબ જ દર્દનાક લાગે છે શાળા મને,

કાંપી જાઉં છું શાળાનાં દાદરા ઉતરતી વખતે

હાથમાં કાગળનાં ટુકડા લઈને,

સાથે કોઈ બાળકને ઢસેડતાં ગુનેગારની જેમ.

તેનાં માર્કસ પૂછતાં કોઈ મમ્મી-પપ્પાને

કેટલા આવ્યા મેથ્સમાં ? અને કેટલા સાયંસમાં ?

સાંભળી-સાંભળીને લાગે છે ત્રણ નંબર કપાઈ ગયા જે,

એ જ હતુ સર્વસ્વ, મને નથી જોવો ગમતો એ

બાળકોનાં ક્લાસરૂમમાં સ્મશાન જેવો સન્નાટો,

ઉત્તરવહીનાં ઢગલાં પાછળ બેસેલી ટીચર,

ચિઢાયેલા માતા-પિતા.

પરસ્પર નાઈન અને નાઈન એંડ અ હાફ જેવી

ગળાકાપ સ્પર્ધાની વાતો કરતા પાગલ માતા પિતા

બાળપણની પરિભાષા મોઢા પર ઉછેરતાં,

માસૂમ ચેહરા પર ટપકતાં આંસુઓ,

સોરી પપ્પા.. સોરી મમ્મી.. હવે પછી.. હવે.. પછી

કહીને ધ્રૂજતા બાળકો,

મને નથી જોવી ગમતી એ નિર્જીવ કોપીઓ,

કોપીમાં આંખો ઘૂસાડીને નંબર ગણતા માતા-પિતા.

મને તો ગમે છે જોવું બસ,

પતંગિયા પાછળ દોડતું બાળપણ

દિવાલ પર વાંકીચૂંકી લાઈન ખેંચીને

પોતાનું મન ઉછેરતું બાળપણ,

ગલીઓમાં કૂતરાનાં નાનાં-નાનાં બચ્ચાં પર

ન્યોછાવર થઈ જતુ બાળપણ.

માળામાં નાનાં બચ્ચાંનાં મોઢામાં દાણો નાખતી

ચકલી પાસેથી પ્રેમ શીખતું બાળપણ..!!

(અનુવાદ – કલ્યાણી દેશમુખ)

– વૈભવી જોશી

TejGujarati