જગતને મુઠ્ઠીમાં લેવું હોય તો સિકંદર થઈ જાઓ અને સમસ્ત કાયનાતને પ્રાપ્ત કરવી હોય તો કબીર થઈ જાઓ!

ધાર્મિક

 

પાંચ હજાર વરસથી આપણે ત્રણ તવારીખી ભૂલ કરતા આવ્યા:સત્યને સંખ્યા સાથે જોડયું,પ્રેમને પરિણામવાદી બનાવાયો અને કરુણાને કૌશલ્ય બનાવી દીધી છે:મોરારિબાપુ.

સત્યનો જન્મ મૌનથી થાય છે,ઝૂબાન તો ઉપકરણ છે.પ્રેમનો જન્મ હદયથી અને કરુણાનો જન્મ આંખોથી થાય છે.

બીજા દિવસની કથા પ્રારંભ પૂર્વે મલૂક પીઠાધીશ્વર મહારાજશ્રી અને બાગેશ્વરધામ મહારાજશ્રીઓના પ્રાસંગિક ઉદબોધન પછી બાપુએ ગુજરાત સ્થાપના દિન ઉપર દરેક ગુજરાતી અને ભારતવાસીઓને વધાઈ આપી.બાપુએ જણાવ્યું કે મહાદેવના કહેવાથી ગરુડજી કાગભુષંડીજીના આશ્રમમાં પ્રવેશ કરે છે અને શંકાથી મુક્ત થવા માટે જાય છે એ વખતે હંસ-પરમહંસ બધા જ ઊભા થાય છે.

દરેક ચીજ સદાય સુખદ નથી હોતી,ભૂખ લાગે અને ભાવતું ભોજન મળે એટલો સમય સુખ આપે છે પણ સદા સુખદ હોય તો એકમાત્ર પરમાત્માની દિવ્ય કથા છે,જે દુઃખના સમૂહનો નાશ કરે છે.

ત્રણ વ્યક્તિ પક્ષીનો વિગ્રહ લઈ અને કથાનું ગાયન કરે છે:વાલ્મિકીએ કોકિલના રૂપમાં ગાયન કર્યું, શુકદેવજી શ્રીમદ ભાગવતજીની કથા જાણે કે શૂકના રૂપમાં ગાય છે અને ત્રીજા કાગભુષંડીજી કાગડાના રૂપમાં કથા ગાન કરે છે.ગુરુકૃપાથી એવું લાગે છે કે વાલ્મીકીજીની કથામાં વ્યાકરણ પ્રધાન રહ્યું હશે, શુકદેવજીની કથા ગાયનમાં દિવ્ય ઉચ્ચારણ પ્રધાન હશે અને ભુશુંડિજીએ આચરણને મુખ્ય રાખીને કથા ગાઇ હશે.પણ જેમાં વ્યાકરણ,ઉચ્ચારણ અને આચરણ ત્રણેય છે એ હતા તુલસી.લોકમંગલ માટે લોકબોલીમાં ઉતર્યા છે.જાણે કે તુલસીજી કહી રહ્યા હોય કે ત્રણેય આચાર્ય પાસેથી એક-એક વસ્તુ શીખી:શિવથી બુદ્ધિનો વિલાસ શીખ્યા,યાજ્ઞવલ્કય પાસે પરમ વિવેક મેળવ્યો અને ભુશુમડિજી પાસેથી આત્મનિવેદન શીખ્યું.તો કથા ક્યાંથી મેળવી?એ મારા ગુરુ પાસેથી મેળવી!કારણકે સેમ્પલ બધે મળે છે માલ તો ગુરુ પાસે જ મળે છે!!

આપણા ભાવનગરના સુભાષ ભટ્ટનું એક વાક્ય છે કે: જગતને મુઠ્ઠીમાં લેવું હોય તો સિકંદર થઈ જાઓ અને સમસ્ત કાયનાતને પ્રાપ્ત કરવી હોય તો કબીર થઈ જાઓ! બધાનું સાંભળો પણ પકડો એકને. ઘણા લોકો કહે છે કે આ ભીડ એ ભેડ(ઘેટા-બકરા)ની ગતિ છે,પણ બાપુ કહે હું કહું છું કે ઘેટાઓમાં સૌથી મોટાની પાછળ બધા જતા હોય છે એ જ રીતે કોઈ વ્યાસ,વાલ્મીકિ,શુક-સનકાદિની પાછળ ભીડ જતી હોય છે અને આ ઘેટાઓએ પોતાની ચામડી અને ઉનને ઉખેડીને સમાજની જડતા રૂપી ઠંડી હટાવી છે.

વંદના પ્રકરણમાં હનુમંત વંદનાનું મહત્વ,નામ મહિમાનું ગાયન કરતા હનુમાનજી લંકામાં શું જોવે છે?પાંચ વખત મંદિર શબ્દ આવે છે:

મંદિર-મંદિર પ્રતિ કરિ સોધા

દેખે જહં તંહ અગનિત જોધા.

આ પંક્તિમાં બે વખત અને એ પછીની પંક્તિઓમાં ત્રણ વખત મંદિર શબ્દ આવે છે.વિભિષણના ઘરમાં પધરામણી ન કરી.કેમ?કારણ કે જ્યાં બગડેલું હોય છે ત્યાં જ વૈદ્ય જાય છે,જે તંદુરસ્ત હોય એના આંગણામાંથી જ વૈદ પાછા વળી જાય છે. રાવણના ભવનમાં જ્યાં-જ્યાં ગયા ત્યાં મંદિર શબ્દ મળે છે. આ રામભદ્રાચાર્યજીનો ભાવ છે કે હનુમાનજી જ્યાં પગ રાખે છે એ ભવન મંદિર બની જાય છે.રાવણનું ભોગ ભવન પણ મંદિર બની ગયું કારણ કે હનુમાનજી પધરામણી કરે છે.હનુમાનજી રાત્રે ગયેલા,અંધારામાં.રાક્ષસ કૂળ અંધારાનું કૂળ છે. બાપુએ કહ્યું કે તલગાજરડાનો ભાવ એવો છે કે પહેલા મંદિરમાં ગયા એ જાણે કે સૂર્ય મંદિર છે. હનુમાનજી પોતાના ગુરૂને યાદ કરે છે જ્યાં થોડોક ઉજાસ દેખાય છે.બીજા ભવનમાં અતિ વિચિત્ર ભોગવિલાસ અને સ્ત્રીઓ પડી હતી તેમાં હનુમાનજીને જાણે કે દુર્ગાનું દર્શન એ દુર્ગા મંદિર. ત્રીજા ભવનમાં શંકરજી હોય એવું લાગ્યું કારણ કે રાવણ મદમસ્ત હાથી છે,તમોગુણી છે અને શિવ સમષ્ટિનો અહંકાર છે,ચોથા ભવનમાં જાનકી છે કે નહીં એ વિવેકથી નક્કી કર્યું,વિવેક એટલે ગણેશ,એ ગણપતિ મંદિર.પાંચમું હરિ મંદિર જ્યાં વિષ્ણુ રહે છે આ પંચદેવનું હનુમાન દર્શન છે.

નામ વંદનાના મહિમાનું ગાયન કરતી વખતે બાપુએ કહ્યું કે આટલા જપ કરવાથી જ કંઈક પ્રાપ્તિ થશે એવું નથી.સત્યને સંખ્યા સાથે ન જોડવું જોઈએ. વ્યક્તિગત રીતે લાગે છે કે પાંચ હજાર વર્ષથી આપણે ત્રણ તવારીખી ભૂલ કરતા આવ્યા છીએ. ભગવાન શ્રીકૃષ્ણ અવતાર કાર્ય પૂર્ણ કરીને ગયા અને કલિકાલનો પ્રવેશ થયો.પહેલી ભૂલ સત્યને સંખ્યા સાથે જોડાયું,ઘણી વખત લાખો લોકો જુઠા હોય અને એક વ્યક્તિ પણ સત્ય હોઈ શકે છે.પ્રેમને પરિણામવાદી બનાવાયો, પ્રેમનું કોઈ પરિણામ નથી હોતું અને કરુણાને કૌશલ્ય બનાવી દીધેલું છે.ખરેખર તો કરુણા અભણ-અનએજ્યુકેટેડ છે.સત્યનો જન્મ મૌનથી થાય છે,ઝૂબાન તો ઉપકરણ છે.પ્રેમનો જન્મ હદયથી અને કરુણાનો જન્મ આંખોથી થાય છે. બાપુએ કહ્યું કે બાલકાંડ એ ગતિનો કાંડ, અયોધ્યાકાંડ પ્રગતિનો,અરણ્યકાંડ સુગતિનો,કિષ્કિંધા કાંડ મનોગતિનો,સુંદરકાંડ શરણાગતિ અને લંકાકાંડ ઉર્ધ્વગતિનો કાંડ હોય એવું લાગે છે.

TejGujarati