સંતશ્રી મોરારીબાપુના પાંચ વર્ષ જૂના વિડિયો સાથે છેડછાડ કરીને સોશિયલ મીડિયા ઉપર ભ્રામક પ્રચાર કરવા અંગે ભક્તોમાં ખૂબજ રોષ છે. વર્ષ 2018 માં સંત શ્રી મોરારીબાપુ મુસ્લિમ સામૂહિક વિવાહ કાર્યક્રમમાં સામેલ થયાં હતાં ત્યારે પૂ.બાપુએ એમનાં પ્રવચન કહ્યું હતું કે ‘તમે રામ મંદિરમાં આવો અને ત્યાં નમાજ પઢો, મને તેનાથી કોઇ પરેશાની નથી, પરંતુ હું પણ મસ્જિદમાં ઘંટા, ઝાલર, શંખ લઈને આવું અને ત્યાં રામનામ સંકીર્તન કરું તો તમને પણ પરેશાની ન થવી જોઇએ.’ આ વિડિયોને પૂરો જોતાં જણાશે કે તેના આગળના હિસ્સાને કાપીને સોશિયલ મીડિયા ઉપર કેટલાંક લોકો દ્વારા ચલાવાવમાં આવી રહ્યો છે. આ બાબતે સંતશ્રી મોરારીબાપુના ભક્તોમાં ઘણો રોષ છે.
ગુરુવારે ઇન્દોરમાં સંત શ્રી મોરારીબાપુએ જણાવ્યું હતું કે હું કંઇપણ બોલું તો તેને કાપીને બતાવાવમાં આવે છે. આગળની વાત સાંભળશો તો કોઇ વિવાદ થઇ શકે નહીં. અત્યાર સુધી તો રાજનેતા એકબીજા ઉપર કીચડ ઉછાળવા માટે ઓરિજનલ વિડિયો સાથે છેડછાડ કરતાં હતાં અને તેઓની છબી ખરડવાનો પ્રયાસ કરતાં હતાં, પરંતુ હવે સંતોનાં વિડિયો સાથે પણ છેડછાડ થઇ રહી છે અને વાતાવરણ બગાડવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આ વિચારવાનો વિષય છે.