😊******* મિલન-બિંદુ *******😊- દેવાંગી ભટ્ટ.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

“આવા પાડોશમાં રહેવા કરતા તો મરી જવું સારું” ઈંદુબાળા બબડ્યા.

બાજુમાં ગોઠવાયેલા પ્રભાગૌરીએ મોઢું મચકોડ્યું અને કીધું “મરી ગ્યા છીએ એમાં તો આવા પાડોશમાં ગુડાણા છીએ”.

ઈંદુબાળાએ છણકો કર્યો “તમને વતાવ્યા કોઈએ? મૂંગા મરતા હો તો…”

પ્રભાગૌરી ભડક્યા “મૂંગી રે મારી બલારાત… હું તો બોલવાની …”

સીસમના મંદિરમાં ભગવાન મીઠી ઊંઘ ખેંચી રહ્યા હતા ત્યાં આ કલહને લીધે એમની આંખ ખુલી ગઈ. એમણે બેય સ્ત્રીઓ સામે ડોળા કાઢ્યા અને પછી નિસાસો મુક્યો. મૂળ ભગવાન જાણતા હતા કે આ ખરી બપોરે ચાલી રહેલા કજિયા પાછળ એ પોતે જ જવાબદાર હતા. સમૂળગો વાંક જ ભગવાનનો હતો …

તો વાત જાણે એમ હતી કે …

****************

વાત જાણે એમ હતી કે અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા ‘માતૃકૃપા’ બંગલોમાં ચારેક મહિના પહેલા દુખના ડુંગરા તૂટી પડ્યા. એ બંગલામાં રહેતા યુવાન દંપતી મીરાં અને નીરજ બન્નેની માતા ફક્ત દસ જ દિવસના અંતરે ગુજરી ગયા. એક મહિનો વાતાવરણ શોકમય રહ્યું. પૂજા…વિધિ વિધાન… દાનદક્ષિણા … અને અંતે બન્ને વેવાણના સુખડનો હાર પહેરાવેલા ફોટા ભીંત પર બાજુબાજુમાં લટકવા લાગ્યા. નીચે સીસમના મંદિરમાં સહજાનંદ સ્વામી, શિવજી, લાલજી, ગણપતિ, હનુમાન દાદા વગેરે ભગવાન ગોઠવાયેલા હતા અને એની બિલકુલ બાજુની ભીંતે વેવાણોના ફોટાએ અડીંગો જમાવ્યો. એ દિવસ ને આજની ઘડી … એકેય ભગવાનને નિરાંતે ઊંઘ આવી નથી. કાળો કેર મચાવ્યો છે બેય વેવાણોએ.

મૂળ પ્રભાગૌરી અને ઈંદુબાળાને જીવતેજીવ ક્યારેય ફાવ્યું નહોતું. એમના સંતાનોએ લવમેરેજ કર્યા એટલે બેયનું કંઈ ચાલ્યું નહિ પણ અંદરઅંદર એ બેયને લાગ્યા કરતું કે “કાગડો દહીંથરું લઇ ગયો છે”. પ્રભાગૌરીના મતે એમની દીકરી દહીંથરું હતી અને જમાઈ કાગડો હતો. ઈંદુબાળાના મતે દીકરો દહીંથરું હતો અને વહુ કાગડી હતી.

પ્રભાગૌરી રાજકોટ રહેતા અને શોખીન જીવ હતા. એમને અથાણા, પાપડ, ગરબા, રાંદલ અને સાડીઓનો શોખ હતો. એ સીતેર વર્ષની વયે પણ સાડી સાથે મેચિંગ બંગડી પહેરતા. ખાવા અને ખવરાવવાના શોખીન પ્રભાગૌરી મહાવાતોડીયા હતા. આનાથી વિપરીત ઈંદુબાળા સુરતમાં સરકારી નોકરી કરતા અને કડક આર કરેલી સાડી પહેરતા. માથે રૂપિયા જેવડો ચાંદલો અને ગળામાં સ્વામીનારાયણની કંઠી શોભતી. વર્ષોથી અધિકારી તરીકે કામ કરવાને લીધે એમના સ્વભાવમાં અધિકારી રુઆબ વણાઈ ગયેલો. પ્રભાગૌરી એ રુઆબ વિષે ખાનગીમાં બોલતા “ જ્યારે જુઓ ત્યારે તોબરો ચડેલો ને ચડેલો… ભોંયે તો ઉતર બાઈ”

સદભાગ્યે મીરાં અને નીરજ અમદાવાદ રહેતા એટલે બેય વેવાણને બહુ મળવાનું ન થતું પણ તોય પ્રસંગોપાત, વાર-તહેવારે, સાજે-માંદે પનારો પડી જતો. જેવો પનારો પડે કે તરતજ કજીયો થતો. એ બેય ભેગા થવાના હોય એવા દિવસોમાં મીરાં અને નીરજનો સ્ટ્રેસ વધી જતો, કામવાળીઓને કુથલીનો ટોપિક મળતો અને અમદાવાદનું નોઈઝ પોલ્યુશન વધી જતું.

એમના કજીયાના કારણ એટલા નગણ્ય હતા કે એનું સમાધાન પણ શક્ય નહોતું. જેમકે ઈંદુબાળા કહેતા “શાકમાં ચપટી મોરસ નાખવાની”, પ્રભાગૌરી તરત કુદી પડતા “શાક છે…શીરો નથી. મોરસ ના નખાય”. ઈંદુબાળા સવારમાં સહજાનંદ સ્વામીની આરતી ગાતા અને પ્રભાગૌરી રામ લલ્લાની. બેય એમ માનતા કે જેનો અવાજ વધુ ઉંચો હશે એના ભગવાન જીતી જશે. પરિણામ એ આવતું કે મીરાં-નીરજના પાડોશીઓ ત્રાસીને દીવા માનતા કે “બેય ડોશીઓ હવે જાય તો સારું”

એ દીવાને લીધે, ઉંમરને લીધે કે ગમેતેમ પણ ચાર મહિના પહેલા દસ દિવસના અંતરે બેય વેવાણ સિધાવી ગઈ. મીરાં અને નીરજે એમના ફોટા મઢાવ્યા અને ભીંત પર બાજુબાજુમાં ગોઠવ્યા…. બસ …ત્યારથી મોંકાણ શરુ થઇ.

પહેલા જ દિવસે ઈંદુબાળાએ ભમ્મર ઉંચી કરીને કીધું “સહેજ ઈસ્ત્રીવાળી સાડીમાં ફોટો ના પડાવાય પ્રભાગૌરી? હવે કાયમ ચોળાયેલા સાડલામાં લટક્શો?”. પ્રભાગૌરી જરાય ઓછા નહોતા. એમણે ફોટામાંથી બહાર નીકળે એવડી જીભડી કાઢીને કીધું “સાડલાનો વાંધો નહીં .. ચૂંક, ચૂડી ને મંગળસૂત્ર પહેર્યા છે રૂડા. તમારી જેમ બાંડા બુચિયા તો નથી ને?”

જેને ઝગડવું જ હોય એને વિષય વૈવિધ્ય મળી જ રહે છે. બેયમાંથી કોના ફોટાની ફ્રેમ વધુ મજબુત છે, કોનો સુખડનો હાર મોટો છે, અગરબતીનો ધુમાડો કોની બાજુ આવે છે, પ્રસાદ કોને ભાવતો મુકાયો છે…. આ તમામ વિષય પર કુરુક્ષેત્ર ખેલાયું. મીરાં અને નીરજ તો આખો દિવસ નોકરી પર હોય, એમની દીકરી પીહુ સ્કુલમાં હોય … એટલે આખો દિવસ ફોટામાં બેઠેલી આ બેય નવરી વૃધ્ધાઓ કાળો કકળાટ કરતી. સીસમના મંદિરમાં ગોઠવાયેલા ભગવાન ત્રાહિમામ પોકારી ગયા. એમનું ચાલત તો બેયને પાછા જીવતા કરીને વિદાય કરી દેત .

આજેય ખરી બપોરે માંડ ભગવાનની આંખ મળી અને ઝગડો શરુ થયો. કંટાળેલા શિવજીએ મંદિરમાંથી ડોકું કાઢીને કીધું “તમે સહેજ ઝંપતા કેમ નથી? માથું દુખે છે અમારું. હવે જો ટકટક કરી છે ને તો…”

વિફરેલા પ્રભાગૌરીએ ઘાંટો પાડ્યો “તો ? તો શું ? એક તો મારો જીવ લીધો ને પાછી આની પડખે બેહાડી … આનાથી ખરાબ શું કરી લેવાના તમે? ધમકી તો દેવાની જ નહિ”

ઈંદુબાળા તો વળી સાવ છેલ્લે પાટલે બેઠા “જુઓ મહાદેવ, મારે તો તમારી સાથે કોઈ લેવાદેવા જ નથી. હું તો સ્વામિનારાયણ પંથની છું. આખી જિંદગી સેવા કરી એમની ને એમણે આ પનોતી મારા માથે નોતરી. બોલાવો એમને … જોઈ લઉં”

બેય વૃદ્ધ સ્ત્રીઓના દેકારાથી ત્રાસેલા અસહાય ભગવાન મંદિરમાં પાછા જતા રહ્યા. રાવણ અને કંસને મારનાર, હળાહળ ઝેર પીનાર ઈશ્વર આ માજીઓ સામે તદ્દન નિસહાય નિરુપાય હતા.

પણ પછી એક દિવસ આ સમસ્યાનો ઉકેલ આવ્યો..

*****************

દિવાળી પછીના દિવસો હતા. મીરાં, નીરજ અને પીહુ અઠવાડિયા માટે મનાલી ગયા હતા. સોસાયટીના મોટાભાગના બંગલા પર વેકેશનને કારણે તાળું લટકતું હતું. તહેવારો પછીનો સુસ્ત માહોલ હતો અને બજારો પણ જાણે આળસ મરડીને જાગવા પ્રયત્ન કરી રહ્યા હતા.

એવામાં એક મોડી રાતે ‘માતૃકૃપા’ બંગલોનો દરવાજો ખુલ્યો. રાતના લગભગ બે કે ત્રણ વાગ્યા હતા અને ફોટામાં બેઠેલી બેય વેવાણ થાકીને ઝોકે ચડી હતી. એ સાંજે એમની વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયેલું. ‘માતૃકૃપા’ બંગલોનું નામ બે માંથી કઈ માતાની કૃપા વિષે છે એ મુદ્દે લોહીયાળ જંગ ખેલાયેલો. એ તો સારું હતું કે આડો કાચ હતો નહિતર ફ્રેમમાંથી હાથ કાઢીને બેયએ એકબીજાનું ગળું દબાવી દીધું હોત.

બારણું આછા કીચૂડાટ સાથે ખુલ્યું અને પ્રભાગૌરી અને ઈંદુબાળા ઝબકીને જાગ્યા. બે ઓછાયા કળાયા. મંદિરમાં બળતા આછા લેમ્પને અજવાળે એ અજાણ્યા માણસો અને એમના હાથમાં રહેલા કોથળા સ્પષ્ટ દેખાયા. બેય સીધા કબાટો ફંફોસવા લાગ્યા. સૌથી પહેલા હાથમાં આવી મીરાની સોનાની બુટ્ટી ..

ઈંદુબાળા કે જે સાંજથી ખીજવાયેલા હતા એમણે પ્રભાગૌરી તરફ જોઇને કીધું “લે …લેતી જા. તારી છોકરીની બુટ્ટી લઇ જવાના”

પ્રભાગૌરી સમસમી ગયા. બરાબર એ જ વખતે બેય ચોરે નીરજના નવા ને નવા શર્ટ પેન્ટ કોથળામાં ભરવાનું શરુ કર્યું . પ્રભાગૌરીએ એ જોઇને રાજીના રેડ થઈને કીધું “તારા છોકરાના તો લૂગડાં જ લઇ લીધા . અલ્યા એ ચોર ભાઈ … બધા લઇ લેજો”

ચોર એક પછી એક સામાન ભરતા રહ્યા અને બેય ડોશીઓ એકબીજાને વધુ નુકસાનના શ્રાપ દેતી રહી. કપડા, ટીવી, ચાંદીના સિક્કા, આછુંપાતળું ઘરેણું, લેપટોપ બધું કોથળામાં મુકાયું. બેય ધાડપાડું નીકળવાના જ હતા … અને એમાંનો એક ગુસપુસ અવાજે બોલ્યો “ઓલું ઢીંગલુ લઇ લે … છોરો રમશે”

ખુણામાં પીહુનું મોટું ટેડીબેર પડેલું હતું. ગુલાબી રંગનું એ ટેડીબેર પીહુને જીવથી ય વધુ વ્હાલું હતું. રોજ રાતે એની સાથે ઊંઘતી. એક ચોરે એ ટેડીબેર ઉપાડ્યું અને પ્રભાગૌરીનો હાયકારો નીકળી ગયો. એમણે હાંફળા ફાંફળા કીધું “ અરર…આ તો લાલીનું ઢીંગલુ લઇ લીધું”

ઈંદુબાળા ફોટામાં ઉભડક થઇ ગયેલા “મારી છોરી રોઈ રોઈને અડધી થઇ જશે પીટ્યાઓ”

અને પછી એ બન્યું જે ક્યારેય બનશે એવું પેલા મંદિરમાં બેઠેલા ભગવાને પણ ધાર્યું નહોતું. બેય વેવાણોએ સંપીને ચોર ઉપર આક્રમણ કર્યું. ચોર પોતાના કોથળા ઉચકીને જેવા એ ફોટા નીચેથી પસાર થયા કે ધડામ કરતા એ વિશાળ કદના ફોટા એમના માથા પર ઝીંકાયા. નક્કર લાકડાની ફ્રેમ અને ભારે માઈલા કાચના ટુકડા બેયના માથે એવા વેગથી પડ્યા કે માથામાંથી લોહીની ધાર થઇ. એક તો ત્યાં ને ત્યાં બેભાન થઈને ઢળી પડ્યો. બન્ને ફ્રેમના પડવાનો અને માણસની ચીસનો અવાજ સાંભળીને ચોથા બંગલાનો વોચમેન દોડી આવ્યો.

****************

એક ચોર ભાગી ગયેલો અને બીજો પકડાયો. પીહુનું ઢીંગલુ અને બધો સરસામાન ઘરમાં જ રહ્યા. મીરાં અને નીરજ ટ્રીપ ટૂંકાવીને પાછા આવ્યા અને પેલા વોચમેનનો આભાર માન્યો કે એના લીધે બધું બચી ગયું.

પણ ફક્ત પેલા સીસમના મંદિરમાં બેઠેલા ઈશ્વર જાણતા હતા કે એક ઢીંગલુ બચાવવા પંચોતેર વર્ષની બે ડોશીઓએ ભીંત પરથી રીતસરનો કુદકો મારેલો. આજીવન શત્રુતા સાચવનાર એ વૃધ્ધાઓ ત્રીજી પેઢીએ એક મિલનબિંદુ પર આવીને સંપી ગઈ હતી… પીહુનું રમકડું.

– Devangi Bhatt

TejGujarati