Skip to content
અક્ષરથી જો અક્ષર મળે
તો શબ્દ બની જાય છે!
શબ્દથી જો શબ્દ મળે
તો વાક્ય સર્જાઈ જાય છે!
અલંકારના આભુષણ ,
ને વ્યાકરણના પહેરે વાધા તો
વાક્ય થકી ગીત ગઝલ ને કવિતા રચાઈ જાય છે!
શબ્દોનો છે શણગાર જી
શબ્દોનો છે શણગાર!
શબ્દનો ભણકાર જી
શબ્દો કેરો રણકાર!
શબ્દ ખાવો,શબ્દ પીવો
શબ્દના લ્યો ઓડકાર!
શબ્દને ઘુંટી ઘુંટી જીવો
થાયે જીવન સાક્ષાત્કાર….!
શબ્દ થકી બાળપણ ને
સગપણ શબ્દથી સંસાર,
શબ્દથી ચાલે આ સૃષ્ટિ ને
છે શબ્દ એનો આઘાર….!
શબ્દે જાગવું ને સુવું
શબ્દ થકી હટે અંધકાર!
શબ્દથી સાગર ગરજે
શબ્દથી મેઘ અનરાધાર…!
શબ્દ થકી સબંધો ને
શબ્દથી ચાલતો સંસાર,
શબ્દથી સંધાય સરહદો
શબ્દ સળગાવે સંસાર…!
શબ્દથી કાયદા ને વાયદા
શબ્દ થકી વેપાર,
શબ્દથી વચનો ને કર્મો
શબ્દે ચાલે છે સરકાર……!
શબ્દથી માત પિતા
ભાઈ ભગિની ને ભરથાર ,
શબ્દથી સાધુ સંત
ગુરુ ને નોધારાના આધાર……!
શબ્દથી ધર્મ અધર્મ ગાયત્રી
ને ગીતાનો સાર,
બાઈબલ ,કુરાન ,શબ્દથી
ગુરુ ગ્રન્થનો છે સહાર…….!
શબ્દ સાધુ સંત સમજાવે
આપે ઉપદેશ અપાર,
શબ્દથી નેતાઓના
કાળા કામો થાયે ભ્રષ્ટાચાર……!
શબ્દે જીવવું શબ્દે મરવું
શબ્દે મળશે મોક્ષ દ્વાર!
શબ્દે જેણે જીવી જાણ્યું
થયો છે એનો બેડો પાર…!
-ડો. દક્ષા જોશી.