મનુષ્યની બિહામણી આવતીકાલ. – નિખિલ કિનારીવાળા, અમદાવાદ.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

એક સ્વરચિત વિચાર લેખ પ્રસ્તુત… 🙏

શીર્ષક: મનુષ્યની બિહામણી આવતીકાલ

એ વાત નિર્વિવાદ છે કે, મનુષ્ય પોતાના અપ્રતિમ બુદ્ધિચાતુર્યનો ઉપયોગ કરી પોતાનું જીવનધોરણ સુધારવા સતત પ્રયત્નશીલ રહે છે. ઉપરાંત છેલ્લી સદીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની હરણફાળ મનુષ્યને નીત નવા પ્રગતિના શિખરો સર કરાવી રહ્યું છે. સાથે સાથે મનુષ્ય આ સૃષ્ટિ પર પોતાનું આધિપત્ય વધારતા જવાની મહેચ્છાને વેગ આપતો જાય છે. પરંતુ આ બધી પ્રક્રિયામાં મનુષ્ય તેને પોતાને જીવનબળ પૂરું પાડતી સૃષ્ટિનું સંતુલન ડગમગાવી રહ્યો છે અને અજાણતાં જ પોતાનું અસ્તિત્વ સુધ્ધાં જોખમમાં મૂકી રહ્યો છે.

વિકાસના નામે અમર્યાદિત ઔદ્યોગીકરણ અને શહેરીકરણની ઘેલછામાં જંગલોનું આડેધડ વિચ્છેદન, રસાયણોના ઉપયોગથી જળ પ્રદૂષણ, ઔદ્યોગિક એકમો અને વાહનો દ્વારા ફેલાતું વાયુ પ્રદૂષણ, આ સઘળું પર્યાવરણને પારાવાર નુકશાન પહોંચાડી રહ્યું છે. વાતાવરણમાં ઓઝોનનું પડ ક્ષતિગ્રસ્ત થઈ રહ્યું છે. હિમશીલાઓ પીગળવાથી સમુદ્રમાં પાણીનું સ્તર વધતું જાય છે. ભૂતળમાં શુદ્ધ જળનું સ્તર નીચું ઊતરતું જાય છે. ઋતુચક્ર ગંભીરપણે ખોરવાઈ રહ્યું છે. જેની સીધી અસર છેલ્લાં કેટલાક વર્ષોથી ઋતુઓની અનિયમિતતાના સ્વરૂપે દેખાઈ રહી છે અને તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર દેખાઇ રહ્યો છે. માનવજીવન માટે આ બાબતો લાંબા ગાળે ખૂબ ગંભીર પરિણામો લાવનારી કહી શકાય. જે ઝડપે કુદરતનું સંતુલન કથળી રહ્યું છે તે જોતાં કદાચ પાંચ-સાત દસકા પછીની મનુષ્યની બિહામણી આવતીકાલ કંઈક આવી કલ્પી શકાય.

ધરતી પર વૃક્ષો અને લીલોતરી દુર્લભ થતી જાય છે. ધરતી નીચે ભૂતળમાં મીઠું જળ અદ્રશ્ય થવા લાગ્યું છે. ચારે તરફ ધરતી સુખીભઠ્ઠ દેખાઈ રહી છે. નદી-ઝરણાં સુકાતાં જઈ રહ્યાં છે. મનુષ્ય પોતાનું જીવન ટકાવી રાખવા માટે કૃત્રિમ રીતે ઓક્સિજન ઉત્પન્ન કરીને પોતાના રોજિંદા જીવનમાં તેનો ઓક્સિજન કેપ્સ્યુલ દ્વારા ઉપયોગ કરે છે અને પીવાના શુદ્ધ જળ માટે વલખાં મારી રહ્યો છે. મનુષ્યજીવન માટે અતિઆવશ્યક ઓક્સિજન અને શુદ્ધ પીવાનું પાણી ખુલ્લા બજારમાં પૈસાથી વેચાઈ રહ્યું છે. આ સૃષ્ટિનો સર્વશ્રેષ્ઠ જીવ એવો બુદ્ધિશાળી અને શક્તિશાળી મનુષ્ય હવે કુદરત સામે ઘૂંટણિયે પડેલો અત્યંત વિવશ જણાઈ રહ્યો છે. સૂકાઈ ગયેલા વૃક્ષો જાણે સાદ પાડીને કહી રહ્યા છે, હે મનુષ્ય! મેં તને જીવન આપ્યું અને તેં જ મારું નિકંદન કાઢયું? હવે શુદ્ધ હવા અને વરસાદ માટે તું તરફડી રહ્યો છે. સુકાઈ ગયેલી નદી, ઝરણાં, કૂવા કહી રહ્યા છે, આખી પ્રકૃતિ અમારા જળ વડે રેલમછેલ હતી પણ સૃષ્ટિનું સંતુલન તેં જ બગાડ્યું. શુદ્ધ જળનો દુર્વ્યય તેં કર્યો. હવે પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કર.

હજુ પણ સમય છે. એક જવાબદાર માનવ તરીકે આપણે જ નક્કી કરવાનું છે કે આપણી આવતી પેઢીઓને શું આવી કરમાયેલી જીંદગી આપીશું? આવો, સમસ્ત માનવકલ્યાણના યજ્ઞ રૂપી અભિયાન તરીકે સહુ ભેગા મળીને વધુ ને વધુ વૃક્ષો વાવીએ, તેનું જતન કરીએ, જંગલો બચાવીએ, વાયુ પ્રદૂષણ અટકાવીએ, પાણીનો દુર્વ્યય અટકાવીને જળ સંવર્ધન કરીએ. આપણી ભવિષ્યની પેઢીઓને સ્વસ્થ અને ઉન્નત જીવન અર્થે આપણું સક્રિય યોગદાન આપીએ.

નિખિલ કિનારીવાળા, અમદાવાદ

૦૪ એપ્રિલ ૨૦૨૨

TejGujarati