મહિલા તરીકે જે રૂઢિગત વિચારો વિસ્તર્યા છે તેને કોરાણે મૂકી મારી જાતે જ પરિવારની જવાબદારી ઉપાડી આ વ્યવસાયથી ઘરનું ગુજરાન આરામથી ચલાવી પણ શકું છું. – દીપ્તિ શુક્લ.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

મારુ નામ દીપ્તિ શુક્લ છે અને હું અમદાવાદ શહેરના રાયપુર વિસ્તારમાં મહાલક્ષ્મીની પોળમાં રહું છું. છેલ્લાં 20 વર્ષથી હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠ ખાતે વિવિધ વિભાગોમાં અધિકારીઓ અને કર્મચારીઓને નાસ્તો વેચી ઘરનું ગુજરાન ચાલવું છું. આ નાસ્તા વેચવાના વ્યવસાયની મદદથી જ પતિના અવસાન બાદ મેં મારા ઘરની સઘળી આર્થિક જવાબદારી પણ ઉઠાવી છે. અને આ નાસ્તાઓ વેચીને જ મેં મારી દીકરીઓને ભણાવી છે તથા તેમના લગ્ન પણ કરાવ્યાં છે.

હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ મુખ્ય ઓફિસમાં રોજ બપોરે જૂના અને નવા બિલ્ડિંગમાં હાથમાં બે થેલા લઈ પહોંચી જાઉં છું. બિલ્ડિંગમાં ભાગ્યે જ એવા કોઈ કર્મચારી હશે કે જે મને ઓળખતા નહીં હોય. મેં વર્ષ 2002થી ઘરે નાસ્તો બનાવીને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવેલી વિવિધ ઓફિસોમાં જઈ તેને વેચવાનો વ્યવસાય શરૂ કર્યો હતો. આમ, કોર્પોરેશનની જૂના બિલ્ડિંગમાં છેલ્લાં 20 વર્ષથી હું મારા ઘરે જાતે જ નાસ્તો બનાવીને વેચું છું. ઘરની નબળી આર્થિક પરિસ્થિતિને જોઈ વર્ષ 2002 બાદ સૌથી પહેલા કોરો નાસ્તો, જેવો કે ખાખરા, પૂરી વગેરે વેચવાનો વ્યવસાય શરૂ કર્યો હતો. ધીરે ધીરે દરેક વિભાગની ઓફિસમાં મારો નાસ્તો વખાણાવા લાગ્યો હતો. બાદમાં લોકોની ગરમ નાસ્તાની જરૂરિયાતને જોતાં ગરમ નાસ્તો જેમ કે ઈડલી, મેંદુવડા, ઢોકળા, હાંડવો વગેરે પણ આપવાનું શરૂ કર્યું હતું.

હું બપોરે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી જૂના અને નવા બિલ્ડિંગમાં ફરી ફરીને નાસ્તો વેચવા જાઉં છું. આ વ્યવસાય દ્વારા મેં મારી બંને દીકરીને સારી રીતે ભણાવી હતી. પતિ એક પ્રાઇવેટ નોકરી કરતા હતા, તેમને પણ હું મદદ કરતી હતી. વર્ષ 2013માં મોટી દીકરી પરણાવી. બે વર્ષ પહેલાં પતિનું અવસાન થયું તે પછી મારા ઘરની અને એક દીકરીને પરણાવવાની સમગ્ર જવાબદારી પણ મારા પર આવી ગઈ. પરંતુ મેં હાર ના માની અને હિમ્મત રાખી આ જવાબદારી ઉપાડી લીધી તથા નાસ્તાના વ્યવસાયમાંથી કમાઈને જ બીજી દીકરીને પણ પરણાવી.

આજે હું મારા સાસુ સાથે રહું છું. અને મહિલા તરીકે જે રૂઢિગત વિચારો વિસ્તર્યા છે તેને કોરાણે મૂકી મારી જાતે જ પરિવારની જવાબદારી ઉપાડી આ વ્યવસાયથી ઘરનું ગુજરાન આરામથી ચલાવી પણ શકું છું.

#WomenPower #StruggleStory #Ahmedabad #Gujarat

TejGujarati