ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સના NSS યુનિટ દ્વારા વિસલપુર ગામ તા.દસક્રોઈ જિ.અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીની સાત દિવસીય શિબિર યોજવામાં આવી હતી. આઝાદીના અમૃત મહોત્સવના ઉપક્રમે “મારૂ ગામ સ્વચ્છ ગામ” પ્રકલ્પ હેઠળ, નિવાસી ગ્રામ્ય શિબિરમાં એચ.એ. કોલેજ ઓફ કોમર્સના 72 શિબિરાર્થીઓએ સેવા કાર્યમાં યોગદાન આપ્યું હતુ. આ શિબિર દરમ્યાન સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો બેટી પઢાવો, વ્યસનમુક્તિ, જળ સંચય, પર્યાવરણ બચાવો જેવા વિવિધ પાસાઓ અંગે રેલી, શેરી નાટકો અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ શિબિરમાં આઝાદીના ૭૫ વર્ષની ઊજવણીના ભાગરૂપે વિસલપુર ગ્રામ પંચાયત અને એચ.એ. કોલેજના સંયુક્ત ઊપક્રમે ૭૫ શહીદોની સ્મૃતિરૂપે ૭૫ છોડ વાવીને સ્વાતંત્ર્ય સેનાનીઓના નામ આપીને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સમગ્ર શિબિર દરમ્યાન, કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલ અને અધ્યાપકગણે હાજર રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને માર્ગદર્શન પુરૂ પાડયું હતુ. આ શિબિરને સફળ બનાવવા વિસલપુર ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, સામાજિક કાર્યક્રરો અને ગ્રામજનોએ ખૂબ મોટો સહકાર આપ્યો હતો. ગામના બાળકોને ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
