આત્મીય અભિવ્યક્તિનું પ્રતિબિંબ:કલાકાર અજિત પટેલ

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

આત્મીય અભિવ્યક્તિનું પ્રતિબિંબ:
કલાકાર અજિત પટેલ

  • અશોક ખાંટ

મન-ચક્ષુને આનંદ-તૃપ્તિ અર્પતી લલિતકલા આદિકાળથી મનુષ્ય જીવન સાથે વણાઈ ચુકી છે. કોઈપણ સર્જકનું સર્જન જ્યારે ભીતરના ઉંડાણેથી ભૌતિક ફલક પર પ્રગટ થાય ત્યારે તેમાં કલાકારની આત્મીય અભિવ્યક્તિ પ્રતિબિંબિત થયેલ સ્પષ્ટ જણાઇ આવે છે. આપણા દેશની અને ખાસ કરીને ગુજરાતની લલિતકલા આપણે ત્યાં સતત વિકાસ પામતી રહી છે. અનેક સિદ્ધહસ્ત કલાકારોએ પોતાની આગવી સૂઝ દ્વારા પરિવર્તિત સમયની સાથે ચાલીને પોતાની એક નોખી-અનોખી શૈલી વિકસાવી કલાજગતમાં અનેરું પ્રદાન કરી રાજ્ય, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રિય ફલક પર પ્રસિધ્ધિ મેળવી આવતી પેઢીને પ્રોત્સાહિત કરેલ છે. ગુજરાતના કલાજગતમાં અને એમાંય પણ સમૃદ્ધ ચરોતર પ્રદેશના સરસ્વતી ઉપાસક એવા શૈક્ષણિક નગર વલ્લભ વિદ્યાનગરમાં લલિતકલાનું શિક્ષણ આપતી કલાસંસ્થા “કલાકેન્દ્ર” સાથે જોડાઈને પોતાનું સમગ્ર જીવન કલા ક્ષેત્રે અર્પણ કરનાર કલાકાર / ચિત્રકાર / તસ્વીરકાર / ગ્રાફિક ડિઝાઈનર / આચાર્ય તેમજ સામાજિક કાર્યકર રહી ચૂકેલા અજિત પટેલ ને ભાગ્યેજ કોઈ ન ઓળખતું હોય એવું બને! ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કૃત આ કલાકારનું સેરીગ્રાફી ચિત્ર / પ્રિન્ટ પ્રદર્શન લલિતકલા અકાદમીના સહયોગ દ્વારા 21 થી 23 માર્ચ 2022ના લાયન્સ કલબ ઓફ વિઠ્ઠલ ઉદ્યોગનગર હોલ, વડતાલ રોડ, બાકરોલ ખાતે વિશિષ્ટ મહેમાનોની ઉપસ્થિતિમાં યોજાઈ ગયું.

સુંદર વસ્ત્રોથી મનુષ્યની બાહ્ય શોભામાં અભિવૃદ્ધિ થાય છે, એવી જ રીતે એક કલાકારના સારા આચરણથી તેની પ્રતિષ્ઠામા પણ વધારો થાય છે. આવા જ નિરાડમ્બર વ્યક્તિત્વ ધરાવતા આણંદના ખૂબ જાણીતા ચિત્રકાર અજિત પટેલે વ્યવસાયિક અને એકેડેમિક લલિતકલા ક્ષેત્રે વિશેષ ખેડાણ કરેલું છે. આણંદ ખાતે પાટીદાર પરિવારમાં જન્મેલા અને આયુષ્યના 72 વર્ષ પાર કરી ચૂકેલા અજિતભાઈના આજના તેમના જન્મ દિવસે જ આ પ્રદર્શન યોજાઈ રહ્યું છે એ એક વિશિષ્ટ સંયોગ છે. ડી. એન. હાઈસ્કૂલમાં શાળાકીય શિક્ષણ પ્રાપ્ત કરતા-કરતા તેઓ ચિત્રકલાના વિષયોમાં ઝળકવા લાગ્યા હતા. ચિત્રશિક્ષક શ્રી ગોરધનભાઇ દલવાડીએ તેમની આ વિશિષ્ટ શક્તિ પિછાણી તેઓને કલાના ઉચ્ચ શિક્ષણ માટે ક્લાગુરુ શ્રી રવિશંકર રાવલના પ્રયત્નોથી અને ચારુતર વિદ્યામંડલ દ્વારા સ્થપાયેલ વલ્લભ વિદ્યાનગર ની ‘કલાકેન્દ્ર’ કોલેજમાં માં છેલશંકર વ્યાસના આચાર્ય પદે ચાલતા ચિત્રકલાનો અભ્યાસ કરવા તેઓને પ્રોત્સાહિત કર્યા. આ સમયે કલા પ્રત્યે સમાજમાં જોઈએ એટલો પવન ફૂંકાએલો ન હોવાથી વિધાર્થીઓની પાંખી હાજરી રહેતી, તેમ છતાં અજિતભાઈએ પેઇન્ટિંગના પ્રથમ વિદ્યાર્થી બની આ અભ્યાસ પૂરો કરી ચિત્રકલા ક્ષેત્રે ઊંડું જ્ઞાન પ્રાપ્ત કરી કલા ક્ષેત્રે વધુને વધુ આગળ વધવા ઝમ્પલાવ્યું.

પેઇન્ટિંગ વિષય પર અભ્યાસ કરેલો હોવા છતાં તેઓએ આણંદમાં ગ્રાફિક ક્ષેત્રે “જયશ્રી ગ્રાફિક” નામનું યુનિટ સ્થાપી અનેક કોર્પોરેટ તેમજ વ્યવસાયિક કંપનીઓના કેટલોગ ડિઝાઇનથી લઇ લોગો સિમ્બોલની ડિઝાઇન કરવાનું કામ સ્વીકાર્યું. આ સાથે સિલ્ક સ્ક્રીન પ્રિન્ટિંગ નવું માધ્યમ આવેલ હોવાથી તેમાં તેઓ વિશિષ્ટ પારંગતતા મેળવવા અનેક પ્રયોગો કરતા રહ્યા અને ધીરે ધીરે તેઓ ગ્રાફિક ક્ષેત્રે પ્રિન્ટીંગ લાઇનના માસ્ટર કલાકાર ગણાવા લાગ્યા. અજિત પટેલ ચરોતર પ્રદેશના પહેલા એવા કલાકાર હતા કે જયાં સમય સાથે પરિવર્તિત ટેકનોલોજીનું આગમન સૌ પ્રથમ થતું. ટાઈપ સેટિંગ, ડાર્કરૂમ, બ્લોક ડિઝાઇન, ફોર કલરથી લઈ કોમ્યુટર સુધ્ધાનું નવું આગમન અને જ્ઞાન તેઓ પાસેથી તેમના અનેક વિધાર્થીઓએ પણ શૈક્ષણિક જગતમાં પ્રાપ્ત કરેલું છે.
જયાં ક્લાઅભ્યાસ કરેલ એ જ માતૃસંસ્થા “કલાકેન્દ્ર” કોલેજ ઓફ ફાઇન આર્ટમાં તેઓ પ્રોફેસર તરીકે જોડાયા. આ સાથે રાજ્ય, રાષ્ટ્રીય, કે આંતર રાષ્ટ્રીય સ્તરના ચિત્રકલા ક્ષેત્રે થતા પ્રદર્શનો, સેમિનારો, હરિફાઈઓમાં તેઓ સતત સક્રિય રહયા. સ્કેચિંગ સાથે પીક્ટોરિયલ ચિત્રોનું સર્જન કરી તેઓ જુદાજુદા શહેરોમાં યોજાતા કલાપ્રદર્શનોમાં તેમના પેઇન્ટિંગ મોકલતા રહયા. આવી જ એક ટ્રેન અને વાંદરાની પેઇન્ટિંગ શ્રેણી તત્કાલીન સમયે ખૂબ લોકપ્રિય થયેલી. સાથી કલાકારો કે સક્ષમ વિધાર્થીઓને પણ સાથે રાખી તેઓએ ભારતના મેટ્રો શહેરોમાં અનેક ગ્રૂપ પ્રદર્શનો યોજ્યા. માત્ર ચિત્રકલા જ નહીં તેઓએ વિદેશ પ્રવાસો કરી એરિયલ ફોટોગ્રાફી કરી એક તસ્વીરકાર તરીકે ગુજરાતના વિવિધ શહેરોમાં સતત એક વર્ષ સુધી પ્રદર્શનો કરી રેકોર્ડબ્રેક કરેલ છે.

આમ તો તેઓની સૌથી મોટી ઉપલબ્ધી સિલ્ક સ્ક્રીન પ્રિન્ટિંગ ક્ષેત્રે પણ રહી છે. સિલ્કસ્ક્રીન પ્રિન્ટિંગ એ એક અનોખી પ્રિન્ટિંગ ટેકનિક છે જેને સેરીગ્રાફ પ્રિન્ટીંગ તરીકે પણ ઓળખાવાય છે. ખાસ પ્રકારના નાયલોન કાપડને ભીનું કરી લાકડાની ફ્રેમમાં ફિટ કરી સુકાયા બાદ તેના પર પીવીએ અને હાર્ડનરનું પ્રવાહી લગાવી આછા પ્રકાશમાં પવનથી સુકાવા દેવામાં આવે છે. પૂરેપૂરું સુકાયા બાદ ડિઝાઇનનું ટ્રેસિંગ અથવા પોઝીટીવ ફિલ્મને તેની સાથે સેન્ડવીચ કરી જરૂરિયાત મુજબ પ્રમાણસર લાઈટ આપી એક્સપોઝ કરવામાં આવે છે. આ પ્રક્રિયા બાદ ફ્રેમને નલ નીચે રાખી પાણીના ફોર્સ વડે ધોવાથી ડિઝાઇન વાળો ભાગ એક પ્રકારનું સ્ટેન્સિલનું રૂપ ધારણ કરે છે જ્યારે જે ભાગ પર પ્રકાશ પડ્યો હોય તે ભાગના કાપડના છિદ્રો પૂરાઈ જાય છે, નાયલોન કાપડના બારીક છિદ્રોમાંથી સ્કીવિજીની મદદથી ખાસ પ્રકારની પ્રિન્ટિંગ શાહીને નીચે મુકાયેલ સપાટી ઉપર છાપવા માટે પસાર કરવામાં આવે ત્યારે સુંદર મઝાનું પ્રિન્ટિંગ વિવિધ રંગોમાં આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. આ ટેકનિકનો ઉપયોગ વિવિધ સપાટી જેવી કે કાગળ, કાપડ, લાકડું, કાચ, કેનવાસ, પ્લાસ્ટિક વિગેરે પરની સપાટી પર પ્રિન્ટિંગ કરી સુંદર આકૃતિ મેળવી શકાય છે. ગ્રાફિક સિલ્ક સ્ક્રીન-પ્રિંટિંગનો આજે વ્યાપકપણે ખૂબ ઉપયોગ કરવામાં આવે છે, પોસ્ટર અથવા ડિસ્પ્લે સ્ટેન્ડ જેવા માસ- ગ્રાફિક્સ બનાવવા માટે. CMYK માં પ્રિન્ટ કરીને સંપૂર્ણ રંગીન પ્રિન્ટ મેળવી શકાય છે. વળી ટેકસટાઇલ ક્ષેત્રે પણ આ ટેક્નિક ખૂબ લોકપ્રિય છે. ગુજરાતના જેતપુરમાં સ્ક્રીન પ્રિન્ટીંગનો સાડી ઉદ્યોગ ખૂબ નામના ધરાવે છે. સ્ક્રીન પ્રિન્ટીંગ (ફ્લેટ-બેડ, સિલિન્ડર અને રોટરી) એમ ત્રણ પ્રકારે થાય છે.

અજિત પટેલે આ માધ્યમ અપનાવી કલ્પના બહારના ગ્રાફિક ચિત્રોનું સર્જન કરી કલાજગતમાં ખળભળાટ મચાવેલો. કાગળ પર વીસ પચીસ વાર વિવિધ રંગોને વારંવાર છાપી સુંદર અને અદ્વિતીય કલાકૃતિઓનું નિર્માણ કર્યું. આટલેથી ન અટકતા તેઓએ કેનવાસ પર પણ આ પ્રયોગો કરી તેમાં સફળતા મેળવી. આ પ્રકારના પ્રિન્ટીંગમાં રજિસ્ટ્રેશન ખૂબ અગત્યનું હોય છે. વળી મોટી સાઈઝ હોવાથી અને ઘણા બધા રંગો હોવાથી કેનવાસ બગડવાની કે નકામું જવાની ભીતિ રહેતી હોય છે, આમ છતાં પૂરી ચોકસાઈ અને ધ્યેયને વળગી રહી તેઓએ અનેક ગ્રાફિકચિત્રોનું સર્જન કર્યું. આ સર્જનને દેશવિદેશની આર્ટ ગેલેરીઓના માધ્યમ થકી વિશ્વ ફલક પર પહોંચાડી ચરોતર પ્રદેશને પણ એક કલાકારના માધ્યમથી ગૌરવ પ્રાપ્ત થયેલું છે.

લાયન્સ ક્લબ ઓફ વિઠ્ઠલ ઉધોગનગર ના તેઓ ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે એટલે સામાજિક સેવા તેમની રગેરગ મા છે. “કલાકેન્દ્ર” કોલેજના ખખડધજ બિલ્ડીંગને નવું રૂપ આપવા નડિયાદના દાતા શ્રી ઇન્દુભાઇ પટેલ દ્વારા ચારુતર વિદ્યામંડળને વિશેષ દાન અર્પણ કરી “ઇપ્કોવાલા સંતરામ કોલેજ ઓફ ફાઇન આર્ટ” નામ આપી નવું ભવન નિર્માણ કરવામાં આવ્યું. આ ભવનના નિર્માણ સમયે અજિતભાઈ આચાર્ય પદે હતા. તેમના માર્ગદર્શને કલાક્ષેત્રની અનેક જરૂરિયાતો મુજબ એક આર્ટ ગેલેરી પણ નિર્માણ પામી, જયાં અવારનવાર ઉગતા કલાકારોને પોતાનું ચિત્ર-પ્રદર્શન કરવાની તક પ્રાપ્ત થઈ છે. ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા તેઓને ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયેલ ત્યારે એ પુરસ્કાર સાથે 51 હજારની રકમ પણ કલાકારને અર્પણ કરવામાં આવેલ. આ રકમ યોગ્ય જગ્યાએ વપરાશ થાય એવા ઉમદા હેતુથી તેમાં અન્ય રકમ ઉમેરી તેઓ દર વર્ષે પોતાના માતાપિતાની સ્મૃતિમાં 10 સપ્ટેમ્બરે શાળાના બાળકોની ચિત્રસ્પર્ધા યોજી કળા-સેવા ભાવનાનું ઉત્તમ કાર્ય છેલ્લા સાત વર્ષથી કરી રહયા છે.

આમ તો તેઓની કલાયાત્રા વિશે લખવા આ જગ્યા ઓછી પડે! આ માત્ર એક ઝલક છે. તેઓને અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે જેમાં મુખ્યત્વે ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીના ત્રણ ઇનામો, બોમ્બે આર્ટ સોસાયટી મુંબઇ, મહાકૌશલ કલા પરિષદ રાયપુરના બે, ઇન્ડિયન એકેડમી ઓફ ફાઇન આર્ટ્સ અમૃતસર, અમેરિકન બાયોગ્રાફી ઇન્સ્ટિટ્યૂટ અમેરિકા, જીવનભારતી સોસાયટી, અને ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીનો ગૌરવ પુરસ્કાર મુખ્ય છે. આ સિવાય તેમના એકલ પ્રદર્શનો અમદાવાદ, મુંબઇ, બેંગલોર, અને મોરેશિયસ જેવા સ્થળોએ યોજાયેલ છે. અનેક ગ્રૂપ પ્રદર્શનો જોતા સ્થળોની સંખ્યા ઉડીને આંખે વળગે એવી છે. કલાજગતના અનેક કલાચાહકોના નિજી સંગ્રહમાં તેમના ચિત્રો સચવાયા છે, જેમાં ખાસ કરીને, તાજ હોટેલ, નૂતન મિલ, નિરમા, વિશાલા, બકેરી ગ્રૂપ, ચિત્રકારો બી. વિઠ્ઠલ અને પ્રફુલા દહાનુકરનું નામ જરૂર લઈ શકાય. વિદેશના અનેક દેશોની આર્ટ ગેલેરીઓ જેમાં હોલેન્ડ, જર્મની, સ્વિત્ઝર લેન્ડ, ફ્રાન્સ, લંડન, મોરેશિયસ, સિંગાપોર, અમેરીકા, ફ્લોરેન્સ, સિડની, ઓસ્ટ્રેલિયા, મલેશિયા, દુબઇ જેવા અધધધ કહી શકાય એવા દેશોની પ્રત્યક્ષ મુલાકાત કરી ચિત્રકલાને પણ તેઓએ પૂરેપુરી માણી લીધી છે. આવા કલાકાર ને પ્રત્યક્ષ મળવું એ વિશેષ આનંદની વાત છે.

અશોક ખાંટ , વલ્લભ વિદ્યાનગર
મોબાઇલ+91 98796 50675

TejGujarati