લુપ્ત થતી ચકલીઓના અસ્તિત્વને બચાવવા ની મથામણ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

……………………………
20 માર્ચ :વિશ્વ ચકલી દિવસ
……………………………….
લુપ્ત થતી ચકલીઓના અસ્તિત્વને બચાવવા ની મથામણ
…………………………
વિશ્વની ૨/૩ જમીન ઉપર વસવાટ
કરતી ચકલીઓ ની સંખ્યા ખાસ્સી ઘટી છે.
…………………………
હવાના પ્રદૂષણ, ઘોંઘાટ,અને શહેરીકરણના લીધે ચકલીઓની સંખ્યામાં ખાસ્સો ઘટાડો થઈ રહયો છે
…………………………

મોબાઇલ ટાવરોમાંથી નિકળતા તંરગોં પણ ચકલીઓના સામાન્ય જીવન માટે હાનિકારક
…………………………
લેખક:દીપક જગતાપ
…………………………

એક જમાના મા આપણા ઘરો મા ફોટા ની પાછળ કે ગોખલાની માળો બાંધતી ચી ચી કરતી ચકલીઓનીચી ચી અવાજ લુપ્ત થઈ ગયો છે. સિમેન્ટ ના જંગલોમા આપણી નાનકડી ચકલી ખોવાઈ ગઈ છે .પરિઆવરણના માળખા મા સેટ ના થઈ શકેલીચકલીઓ ની સંખ્યા મા ક્રમશઃ ઘટાડો થઈ રહયો છે. જે ચિંતા નો વિષય બન્યો છે.

વિશ્વની ૨/૩ જમીન ઉપર વસવાટ
કરતી ચકલીઓ ની સંખ્યા ખાસ્સી ઘટી છે.મોટા શહેરોમાં તો હવી ચકલી દેખાતી જ નથી હવાના પ્રદૂષણ, ઘોંઘાટ,અને શહેરીકરણના લીધે ચકલીઓની સંખ્યામાં ખાસ્સો ઘટાડો થઈ રહયો છે,

ઉપરાંત વધુ પડતા જંતુનાશક
દવાઓનો છંટકાવ અને પ્રદૂષણને કારણે ચકલીઓનો ખોરાક બાજરી,જુવાર,ડાંગરનું વાવેતર નર્મદામાં ઘટવાથી
ચક્લીઓ માટે ખોરાક, રહેઠાણની સમસ્યા ઉભી થઈ છે. ઉપરાંત ચકલીઓના માળા બાંધવા માટેનું મટીરીયલઘાસની સળી,તણખલા,નરમ રેસા સૂતળી વગેરે હવે મળતા નથી. શિયાળામાં ઉત્તર ભારત થી ચકલીઓ સ્થળાંતર
કરીને આવે છે. હવે ગરમીનું પ્રમાણ વધવાથી તેની સંખ્યા ખાસ્સી ઘટી રહી છે.

પક્ષી વિદોના જણાવ્યા પ્રમાણે ચકલીઓની સંખ્યામાં 80 ટકાનો ઘટાડો થયો છે. જો તેના સંરક્ષણ માટે પ્રયાસ કરવામાં નહીં આવે તો માત્ર તસ્વીરોમાં જ સમાઇ જશે. રોયલ સોસાયટી ઓફ પ્રોટેક્શન ઓફ બર્ડ્સે ભારતના જુદા જુદા ભાગોમાં સર્વે કરીને ચકલીને રેડ લિસ્ટમાં નાંખી છે.

આધુનિક સ્થાપત્યની બહુમાળી ઇમારતોમાં ચકલીઓને રહેવા માટે પુરાણી ઢબનાં ઘરોની જેમ જગ્યા નથી મળી શકતી.
સુપરમાર્કેટ સંસ્કૃતિના કારણેકરિયાણાવાળાની દુકાનો ઘટી રહી છે. આ કારણે ચકલીઓને દાણા નથી મળતા. આ ઉપરાંત મોબાઇલ ટાવરોમાંથી નિકળતા તંરગોં પણ ચકલીઓના સામાન્ય જીવન માટે હાનિકારક માનવામાં આવે છે. આ તંરગો ચકલીની દિશા શોધવાની પ્રણાલીને પ્રભાવિત કરી રહી છે અને એના પ્રજનન પર પણ વિપરીત અસર પડી રહી છે, જેના પરિણામ સ્વરૂપ ચકલીઓ ઝડપથી વિલુપ્ત થઇ રહી છે
ચકલીને ખોરાક તરીકે ઘાસનાં બીજ ખુબ જ પસંદ પડે છે. જે શહેરની અપેક્ષામાં ગ્રામીણ ક્ષેત્રોમાં આસાનીથી મળી જાય છે. વધારે તાપમાન પણ ચકલી સહન નથી કરી શકતી. પ્રદૂષણ અને વિકિરણના કારણે શહેરોનું તાપમાન વધી રહ્યું છે. ખોરાક અને માળાની તલાશમાં ચકલીઓ શહેરથી દૂરના વિસ્તારોમાં જતી રહે છે.તેના કારણે માનવ વસ્તી સાથે હળીભળી ગયેલી ચકલી આપણને હવે રહેણાંક વિસ્તારોમાં ખાસ જોવા મળતી નથી.
એક સમય હતો કે જયારે જુનવાણી મકાનો હતા જેમાં નળિયા.કે પીઢયા હતા અને મકાનો ની બાંધણી ના કારણે ચકલી ઓ ને પોતાના માળા માટે ખાચા મળી રહેતા હતા. પરંતુ આજે સિમેન્ટ ના મકાનો કારણે ચકલી ઓ ને વસવાટ કરવો મુસ્કેલ બની ગયો છે. જેથી ચકલી ઓ શહેર થી દુર ના જંગલો પસંદ કરે છે .
એક સમય હતો જ્યારે ઘરના આંગણામાં ચી.ચી કરતી ચકલી જોવા મળતી.
જોકે હવે તેના દર્શન દુર્લભ થઈ ગયા છે.ચકલી જાતે માળો બનાવતી નથી કોઈ બખોલ કે ખુણામાં ઘાસના તણખલા વચ્ચે રહે છે.
આધુનિક સમયમાં ઘરમાં આ પ્રકારની જગ્યાના રહેતા તેમજ ગ્રીનરી ઘટતા દાણા, પાણી ન મળતા ચકલીઓની સંખ્યા પર અસર થઈ છે.

હાલમાં ચકલીની જાતિ લુપ્ત થવાના આરે છે, આ પહેલની શરૂઆત નેચર ફોરએવર સોસાયટી ઓફ ઇન્ડિયાએ કરી હતી જેની સ્થાપના ભારતયીય સંરક્ષણવાદી મોહમ્મદ દિલાવરે કરી હતી. વર્ષ 2010માં વિશ્વમાં જૂદા જૂદા ભાગોમાં પહેલો વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવ્યો હતો. જંતુનાશક દવાઓનો વધતો ઉપયોગ, મકાનો અને બગીચાઓનાં બાંધકામમાં ફેરફાર વગેરે ચકલીની સંખ્યા ઘટવાના મુખ્ય કારણો છે. ઉપરાંત મોબાઇલ અને ટી.વી ટાવરના  રેડિએશન પણ ચકલીના મોતનું કારણ છે.
બીજાં પક્ષીઓની જેમ ચકલાં વૃક્ષો પર માળા ન બાંધતાં માનવ વસાહતની આસપાસ ની જગ્યામાં જ માળા બાંધે છે. આથી જ ચકલાંઓનું અંગ્રેજી નામ ‘હાઉસ સ્પેરો’ – ‘ઘર ચકલી’ છે. માળો બાંધવા માટે તે મકાનો અને દીવાલનાં બાકોરાં, કૂવાની દિવાલો, ઘરની અંદરની અભેરાઈઓ, નળીયાં કે છાપરાં નીચેનાં પોલાણો, ટ્યુબલાઈટની પટ્ટીઓ, લેમ્પ-શેડ, ફોટોફ્રેમની પાછળની જગ્યાઓ વધુ પસંદ કરે છે. ચકલાંનો માળો મુખ્યત્વે ઘાસ, તણખલાં, રૂ, સાવરણીની સળીઓ, દોરાં વગેરેનો બનેલો હોય છે. આમ તો ચકલાનાં ખોરાકમાં અનાજનાં દાણાં, ઘાસનાં બીજ, વૃક્ષોનાં ટેટાં જેવાં ફળો, ઈયળ, કીટકો, ફૂદાં ઉપરાંત આપણો રોજ-બરોજનો લગભગ બધો જ ખોરાક તે એંઠવાડમાંથી મેળવીને ખાઈ લે છે. પરંતુ, જ્યારે બચ્ચાં નાનાં હોય છે ત્યારે તે મુખ્યત્વે કીટકો, ઈયળ, ફૂદાં જેવો ખોરાક ખવડાવે છે. બચ્ચાં મોટાં થઈને જાતે ખાતાં શીખે ત્યારે તે બધા પ્રકારનો ખોરાક લેતાં થઈ જાય છે. આપણી ઝડપથી બદલાતી જતી લાઈફ સ્ટાઈલને લીધે ચકલાંઓને તેમના જીવનનાં દરેક તબક્કે આહાર, આશ્રય અને સલામતી મળવાનું ખૂબ ઓછું થઈ ગયું છે અને તેના અસ્તિત્વ પર ખતરો ઉભો થયો છે.
આજે ચકલાં માટે સૌથી મોટો પ્રશ્ન છે માળો બાંધવા માટેની સલામત જગ્યાનો. આપણી નવી બાંધણીનાં મકાનોમાં ગોખલાં, અભરાઈઓ, નળીયાં કે છાપરાં હોતાં જ નથી. હવે જો ચકલાં માળો જ ન બાંધી શકે તો તેમની વંશવૃધ્ધી જ ક્યાંથી થાય ? ચકલાંઓને સલામત રહેઠાણ આપવાં પૂઠાં, થર્મોકોલ, પ્લાસ્ટીક, લાકડાં કે માટલાંના બનેલાં બોક્સ કે જે ‘નેસ્ટ હાઉસ’ તરીકે ઓળખાય છે તે ઉત્તમ વિકલ્પ છે. આ પ્રકારનાં ‘નેસ્ટ હાઉસ’ ચકલાં ઉપરાંત બીજા અનેક પંખીઓ માટે સરસ મજાનાં ઘરની ગરજ સારે છે.

આપણે વાત કરી તેમ ચકલાંના બચ્ચાંનો મુખ્ય ખોરાક નાના જીવડાં, કીટકો વગેરે છે. પરંતુ, આજે હદ ઉપરાંતનાં જંતુનાશકો અને રાસાયણીક ખાતરોના વપરાશ ને લીધે આવાં નાનાં-નાનાં અનેક કીટકો મરી પરવાર્યાં છે અથવા તો તેમની સંખ્યાંમાં ભારે ઘટાડો નોંધાયો છે. આમાં ઘણાં તો ખેતી માટે બિનહાનીકારક કે ઉપયોગી કીટકોનો પણ સમાવેશ થાય છે. વાહનોમાં વપરાતું ‘અનલીડેડ’ પેટ્રોલ પણ ચકલાંના ખોરાક એવાં કીટકોનાં નાશ માટે જવાબદાર છે. ‘અનલીડેડ’ પેટ્રોલના દહનથી વાતાવરણમાં ભળતું ‘મીથાઈલ નાઈટ્રાઈટ’ એ અત્યંત ઝેરી સંયોજન છે. ‘મીથાઈલ નાઈટ્રાઈટ’ કીટકોનો સોથ વાળી દે છે. તેથી ચકલાંનાં નાનાં બચ્ચાંને પૂરતો અને પોષણક્ષમ આહાર મળતો નથી અને ઘણાં બચ્ચાં નાનપણમાં જ મૃત્યુ પામે છે. આથી ચકલાંની નવી પેઢી તૈયાર થવાનું જ ઘટી ગયું છે !

હજુ થોડાં વર્ષો પહેલાં આપણાં ઘર, ખેતર, વંડા, બગીચા ફરતે મોટા ભાગે મેંદી, થોર, બોરડી, બાવળ જેવા છોડ અને વેલાંઓની બનેલી કુદરતી વાડ કરવામાં આવતી હતી. ચકલાં માટે આ કુદરતી વાડ ખુબ જ આશીર્વાદ રૂપ છે. કુદરતી વાડમાંથી ચકલાંને કીટકો, ઈયળો, પતંગીયાં, ફળો જેવા ખોરાકનો પુરતો જથ્થો મળી રહે છે. ઉપરાંત આવી વાડ અને ઝાડી ચકલાંને આરામ કરવાની, રાતવાસો કરવાની અને દુશ્મનોથી બચવા-છુપાવાની આદર્શ જગ્યા છે. આજકાલ આપણે કુદરતી વાડને બદલે ઈંટની દીવાલ કે લોખંડના તારની વાડ બનાવીએ છીએ. જે પંખીઓ માટે ન તો આશ્રય પુરો પાડે છે ન તો ખોરાક. આથી જ ચકલાંનાં બચ્ચાં મોટાં થાય ત્યારે યોગ્ય આશ્રયના અભાવે કાગડાં, સમડી, બિલાડાં જેવાં શિકારી પશુ-પક્ષીઓની ઝપટે ચઢી જાવાની શક્યતા ઘણી વધુ રહે છે. એક અંદાજ મુજબ ચકલાંનાં બચ્ચાંમાંથી માંડ 25% જેટલાં બચ્ચાં જ પુખ્ત બને છે. બાકીનાં 75% તો મોટાં થતાં પહેલાં જ મૃત્યુ પામે છે અને અત્યારની પ્રતિકૂળ પરિસ્થિતિમાં તો ચકલાંનો મૃત્યુ દર ઘણો ઊંચો હોવાનું મનાય છે. જ્યાં સુધી આપણને આધુનિકતા અને વૈશ્વિકરણની હવા સ્પર્શી નહોતી ત્યાં સુધી આપણે કુદરતની ઘણી નજીક જીવતાં હતાં. સવાર પડે ને પંખીને ચણ નાખવા ચબૂતરે જવું ત્યારે એટલું સાહજીક હતું જેટલું આજે ‘મોર્નીંગ વોક’ છે ! પરંતુ દિવસે-દિવસે આપણે સ્વકેન્દ્રી બનતાં જઈએ છીએ. મોટા શહેરોમાંથી તો ચબૂતરાં જ અદ્રશ્ય થઈ ગયાં છે ! વેકેશનમાં ગામડે જાઈએ ત્યારે બાળકોને ખાસ ચબૂતરાં શું છે તે દેખાડવામાં આવતાં હોય તેવી પરિસ્થિતિમાં બાળકોનો પણ પેઢીઓથી ચાલી આવતો પંખીઓ સાથેનો વિશેષ નાતો જ તૂટી ગયો છે.
શહેરની ગીચ વસ્તીમાં ચકલાં જેવાં પક્ષીઓ માટે ચણવાનાં દાણાં અને સલામત જગ્યાની પણ તંગી વર્તાઈ રહી છે. અરે ! પંખીઓ પ્રત્યે જોવાની આપણી દ્રષ્ટી જ સમૂળગી બદલાય ગઈ છે. પહેલાં હોંશથી આપણે ગાતાં કે ‘ચકીબેન ચકીબેન મારી ઘરે રમવા આવશો કે નહીં?’ ચકલાં માળાં બનાવે તો તેનું જતન થતું; માળો ફેંકી દેવાથી પાપ લાગશે તેમ મનાતું. જ્યારે હવે તો ‘ચકલાં આવશે અને ઘર બગાડશે’ એવું માની આપણે કહેવાતાં ચોખલીયાં અને એજ્યુકેટેડ લોકો ચકલાંઓને બેરહેમીથી ઉડાડી મૂકીએ છીએ ! અરે, સદીઓથી જે ચકલાં આપણી સાથે જ આપણાં જ ઘરમાં રહ્યાં છે તે હવે એકાએક જાય તો જાય પણ ક્યાં ? ‘ઈન્ટીરીયર ડેકોરેશન’નાં બણગાં ફૂંકનારા આપણે લોકો ઘર અને હૃદય બંનેનાં ઈન્ટીરીયરમાં આપણાં સદાના સાથી એવાં ચકલાંને સ્થાન નથી આપી શકતાં એ કેટલું વિચિત્ર ગણાય ?! ઘરની આધુનિક ડીઝાઈનમાં પણ ક્યાંય પ્રકૃતિ અને પંખીને ગોઠવાવાની જગ્યા જ નથી મળતી ત્યારે ખૂબ સરસ ઘર બનાવી આપતાં આર્કીટેક પણ જાણે સાચુકલાં ‘ઈકો ફ્રેંડલી’ ઘરનો વિચાર જ ભૂલી ગયાં હોય એવું લાગે છે !
આ ખોવાયેલી ચકલીને મનાવવા લોકો હવે જાગૃત બન્યા છે. ચકલીની ચિચિયારી પાછી લાવવા પક્ષી પ્રેમીઓ મેદાને પડ્યા છે.
આજે વિશ્વ ચકલી દિવસ નિમિતે માટીના માળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે લુપ્ત થઇ આ પ્રજાતિને બચાવવા નક્કર પગલા લેવામાં નહિ આવે તો આવનારી પેઢીએ ચકલી પણ ફોટામાં અને સોશિયલ મીડિયામાં જ જોવી પડશે
આપણા ઘરો મા ઉડાઉડ કરતીચકલી ડોમેસ્ટિકસ કેટેગરીમાં આવતું એક પક્ષી છે. ચકલી યુરોપ અને એશિયા ખંડમાં સામાન્ય રીતે દરેક જગ્યા પર જોવા મળે છે. આ ઉપરાંત જગતભરમાં જ્યાં જ્યાં માણસ ગયો, અને અમેરિકાના મોટાભાગના સ્થાનો, આફ્રિકાનાં કેટલાંક સ્થાનો, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા તથા અન્ય નગરીય વસાહતોમાં પોતાનાં ઘર બનાવી રહેવાનું ચાલુ કર્યું.
શહેરીઇલાકાઓમાં 
ચકલીઓની છ પ્રકારની પ્રજાતિઓ જોવા મળી છે. આમાંથી હાઉસ સ્પૈરોને ગુજરાતમાં ચકલી અને હિંદીમાં ગૌરૈયા કહેવામાં આવે છે.
ચકલાંમાં નર અને માદા વચ્ચે જે વાતચીત થાય છે તે ધીમા ચીં….ચીં… અવાજ વડે જ થાય છે. સંવવનઋતુમાં નર માદાને આકર્ષવા ગીતો ગાય છે જે સાંભળી માદા નરને પસંદ કરે છે અને ટોળાં વચ્ચે પણ જોડલું એકબીજાંને ઓળખી કાઢે છે. પરંતુ આજનાં ઘરોમાં તો જોર-શોરથી વાગતાં ઘોંઘાટીયાં સંગીતમાં બિચારાં ચકલાંનું ચીં..ચીં.. ક્યાંય દબાઈ જાય છે અને ચકલાં વચ્ચેની વાતચીતની આખી પદ્ધતિ ખોરવાઈ જાય છે; જેની ખૂબ ખરાબ અસર તેમના પ્રજનન પર પણ પડે છે. ઉપરાંત મોબાઈલનાં માઈક્રોવેવ તરંગો પણ ચકલાં માટે ખૂબ ત્રાસદાયક નીવડે છે. આ પણ એક વજનદાર કારણ છે જેને લીધે મોટાં શહેરોમાંથી ચકલાં અદ્રશ્ય થઈ રહ્યાં છે

માળો બાંધવા મટે વધુ વૃક્ષો વાવવા
પડશે. આજના ચકલી દીવસે પક્ષી દર્શન, બર્ડ જાગૃતિ રેલી, આર્ટ કોમ્પીટીશીન,વકતૃત્વ સ્પર્ધા જેવા જતનના
કાર્યક્રમો યોજવાની જરુર છે,
આજે સીમેન્ટના જંગલોમાં ચકાચકીનો અવાજ ક્યાંક ખોવાયો છે.માણસ પાસે જ રહેવા ટેવાયેલી ચકલીઓ
આપણા ઘરોમાં આવતી થાય અને માળા બનાવતી થાય ચકલીઓ માળામાં ઈંડા મુકતી થાય અને બચ્ચાને જન્મ
આપતી થાય તેવું વાતાવરણ ઉભુ કરવાની જરુર છે. આવો આપણે સૌ સાથે મળીને આજના ચક્લી દીવસે સાચા
અર્થમા ચકલી દિવસ ઉજવીએઅને ચકલીઓનુ જતન કરીએ.
…………………………
ચકલાંને બચાવવાં આટલું જરુર કરીએ.:-

[1] ‘નેસ્ટ હાઉસ’ બનાવીએ અને ઘરે લગાવીએ અને ચકલાંને ફરીથી ઘર નજીક વસાવીએ.
[2] ચકલાં માટે ઘરની અગાસી, બાલ્કની કે ફળીયામાં પાણીનું કૂંડું અને થોડો ખોરાક જેમકે બાજરી, ચોખાની કણકી, રોટલીના ટૂકડા, ભાત વગેરે અચૂક મુકીએ.
[3] દેશી અને ફળાઉ વૃક્ષો વાવીએ.
[4] ખેતર-બગીચામાં કુદરતી વાડ કરીએ. દેખાવમાં સુંદર પરંતુ વાસ્તવમાં બિનઉપયોગી છોડની બદલે પક્ષીઓને ઉપયોગી હોય તેવા ફૂલ-છોડ રોપીએ.
[5] બાલકોમાં નાનપણથી કુદરત પ્રત્યે લગાવ રોપીએ.આવો આપણે સૌ આપણા ઘર આંગણાની ચકલી ને બચાવવા આગળ આવીએ.
………………………..

TejGujarati