ગુજરાત આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ(સાંજ), ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તેમજ ‘જૂઈ-મેળો’ વિશ્વભારતી સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ૮ માર્ચ, ૨૦૨૨ના રોજ એક કવયિત્રી સંમેલનનું આયોજન કૉલેજ કેમ્પસમાં આવેલ ગાંધીહૉલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાતમાંથી 15 જેટલી કવયિત્રીઓએ પોતાની કવિતાનું પઠન કર્યું હતું. કૉલેજના આચાર્યશ્રી ડૉ. હિમ્મત ભાલોડિયાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં નારીશક્તિને બિરદાવતાં કહ્યું કે આજની નારી ખરા અર્થમાં આત્મનિર્ભર છે. નારીની આ સર્જનશક્તિને અભિવ્યક્ત કરવા માટે આ એક મંચ આપવાનો આ કાવ્યમય પ્રયાસ છે. કાર્યક્રમમાં ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ તેમજ વિશ્વભારતી સંસ્થાનના સ્થાપક શ્રી કૌશલ ઉપાધ્યાય પણ હજાર રહ્યા હતા. આ સંમેલનમાં નારીશક્તિને બિરદાવતી અને અભિવ્યક્ત કરતી કવિતાઓ – ગીત, ગઝલ, અછાંદસ સ્વરૂપે આ કવયિત્રીઓએ રજૂ કરી હતી. કાર્યક્રમ સંયોજક ડૉ. નિયતિ અંતાણી દ્વારા આ કવયિત્રી સંમેલનનું સંચાલન કરવામાં આવ્યું હતું.
થાય એ કરજો હું ફાવવા નહીં દઉં હવે,
માંડ આવ્યા લાગમાં હું ભગવા નહીં દઉં હવે,
માળિયું આ મનનું મે ખાલી કર્યું છે આખરે,
એકપણ વસ્તુ નકામી લાવવા નહીં દઉં હવે.
– અંજના ગોસ્વામી
મને હાથમાં છો હલેસાં ના આપો,
નદીના પ્રતાપે ત્યારે છે તરાપો.
– રીન્કુ રાઠોડ
આખું ય આભ નિજમાં બેઠી સમેટી
ક્યારેક હું નદી ને ક્યારેક હું રેતી
કણકણ રહેતી ને ક્ષણક્ષણ સહેતી
ક્યારેક હું નદી ને ક્યારેક હું રેતી
– ગોપાલી બુચ
અળગો કરીને ભાર અમે જઈ શક્યા નહીં,
રેઢો મૂકી હુંકાર અમે જઈ શક્યા નહીં,
સુમસામ એક સાંજ ફરી રાત થઈ ગઈ,
આવ્યાં ન એ ધરાર અમે જઈ શક્યા નહીં.
– હર્ષા દવે
એક ચકલીને ગાવું’તું ગીત;
ગાય, એ તો ગાય, પણ કાગડાએ એવું તે ગજવ્યું કંઈ ગામ, ન જાણે શું કરવા સાબીત !