મહિને જેટલી કમાણી થાય એમાંથી અડધા ઉપરાંતની કમાણી તો બાળકોના અભ્યાસ પાછળ જ ખર્ચાઈ જાય.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

મુંબઈની શેરીઓમાં રીક્ષા ચલાવતા શ્રી દેશરાજજીનો મોટો દીકરો 6 વર્ષ પહેલાં અને નાનો દીકરો 4 વર્ષ પહેલાં અવસાન પામ્યો. મોટા દીકરાના સંતાનો અને વિધવા સહિત સમગ્ર પરિવારની જવાબદારી દેશરાજજી પર આવી. જિગરના ટુકડા જેવા બંને દીકરાઓને અગ્નિદાહ આપીને કોઈપણ પિતા જીવતી લાશ બની જાય પરંતુ પરિવાર માટે દેશરાજજીએ દુઃખને હૃદયમાં દાબીને દીકરાના અવસાનના બીજા જ દિવસથી રિક્ષા ચલાવાની શરૂ કરી દીધી કારણકે 7 વ્યક્તિઓના પેટ પણ ભરવાના હતા.

મહિને જેટલી કમાણી થાય એમાંથી અડધા ઉપરાંતની કમાણી તો બાળકોના અભ્યાસ પાછળ જ ખર્ચાઈ જાય. પરિવારના સભ્યો મોટા ભાગે તો દિવસમાં એક જ વખત જમે જેથી બાળકોને ભણાવી શકાય. 9માં ધોરણમાં અભ્યાસ કરતી પૌત્રી દાદાની આ પરિસ્થિતિ પામી ગઈ અને એકદિવસ દાદાને કહ્યું, ‘દાદા હું ભણવાનું છોડી દઉં ?’ દેશરાજજીએ કહ્યું, ‘બેટા, હું બેઠો છું ત્યાં સુધી તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તારે ભણવાનું બંધ કરવાનું નથી.’

ત્રણ વર્ષ બાદ પૌત્રી 12માં ધોરણની બોર્ડની પરીક્ષામાં 80% લાવી ત્યારે દાદાને પોતાની તપસ્યાનું ફળ મળ્યુ હોય એમ એવા હરખાયા કે પરિણામના દિવસે એને કોઈ પેસેન્જર પાસેથી ભાડાના રૂપિયા લીધા નહિ. પૌત્રીને શિક્ષક બનવું હતું. આગળના અભ્યાસ માટે મોટી રકમની જરૂર હતી જે દેશરાજજી કોઈ રીતે ભેગી કરી શકે તેમ નહોતા. પૌત્રીનો અભ્યાસ આગળ ચલાવવા અને શિક્ષક બનવાનું એનું સપનું પૂરું કરવા દાદાજીએ પોતાનું ઘોલકા જેવું નાનું ઘર પણ વેંચી નાખ્યું. પૌત્રીને ભણવા માટે બીજા શહેરમાં મોકલી અને પરિવારના બાકીના સભ્યોને ગામડે મોકલી દીધા.

શ્રી દેશરાજજી એકલા મુંબઈમાં રહીને દિવસ-રાત રિક્ષા ચલાવે છે. એનું ઘર પણ રિક્ષા જ છે. રિક્ષામાં જ સુઈ જાય અને રસ્તા પર થોડું કટક બટક કરી લે. નહાવા માટે પબ્લિક ટોયલેટનો ઉપયોગ કરે. આ માણસ આવી કપરી પરિસ્થિતિમાં પણ પૌત્રીના અભ્યાસ માટે હસતા હસતા કામ કરે છે.

એના ચહેરા પરનું સ્મિત આપણને ઘણું શીખવી જાય છે. આપણા જીવનમાં નાની મુશ્કેલી આવે તો પણ કરમાઈ જઈએ છીએ અને આ માણસ આવા વજ્રઘાત પછી પણ સતત હસતો રહે છે અને કહે છે કે મને જીવનમાં કોઈ દુઃખ નથી.

TejGujarati