ધનપ્રાપ્તિની કોઈ પૂર્વશરત ખરી?- શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

એક પ્રોફેસર તરીકેના મારા પચ્ચીસ વર્ષના એકેડેમિક અનુભવ પછી હું એટલું તો અવશ્ય કહી શકું કે તમામ વિદ્યાર્થીઓના જીવનમાં એકમાત્ર તીવ્ર ઈચ્છા સફળતા અને ધનપ્રાપ્તિ છે. યુગોથી આપણી સોચ માન્યતા કે વિચાર દ્રવ્યવાદી (materialistic ) જ રહ્યા છે કેમ કે આપણા સર્વેનો એ અનુભવ છે કે જીવનમાં સુખ-સગવડ, સફળતા અને પ્રતિષ્ઠા ધનપ્રાપ્તિ દ્વારા જ શક્ય બને છે. ધનથી જ મોટા ભાગની ઈચ્છાઓ અને કામનાઓની પૂર્તિ થાય છે એટલે જ નાની-મોટી દરેક ઉંમરના લોકો ધનપ્રાપ્તિ કેવી રીતે કરવી તેની ચિંતામાં રહે છે અને તે માટે જ પ્રયત્નશીલ હોય છે.

શિક્ષણપ્રાપ્તિનો પણ આધુનિકયુગમાં માત્ર અને માત્ર એક જ ઉદ્દેશ બચ્યો હોય એવું લાગે છે અને તે છે ધનપ્રાપ્તિ. દર વર્ષે કોઈ એક વિદ્યાર્થી પણ મુશ્કેલીથી એવો અમને મળતો હશે જેની જ્ઞાનપ્રપ્તિ, કુશળતાપ્રાપ્તિ કે તાત્ત્વિક સમજણપ્રાપ્તિની ઈચ્છા હોય. દરેકને માત્ર ને માત્ર માર્ક્સમાં જ રસ હોય છે કેમ કે તેના દ્વારા નોકરી મળે છે, ડિગ્રી મળે છે, છોકરી મળે છે, પ્રતિષ્ઠા, (degree holder તરીકેની) મળે છે અને લાઈફ સેટ થાય છે. એ લાઇફ કેવી રહે છે શાંત કે અશાંત, પ્રેમાળ કે સંઘર્ષપૂર્ણ તેની સાથે કોઈને કોઈ નિસ્બત નથી. વળી જ્યારે જીવનમાં સંઘર્ષ, અશાંતિ, સમસ્યા અને પીડાઓ સર્જાય છે ત્યારે સમજાય છે કે જે કંઈ શિક્ષણના નામે મેળવ્યું છે તે કદાચ બધું અધૂરું છે, અયોગ્ય છે કે વ્યર્થ છે અને પછી આધુનિક શિક્ષણને, ગુરુને, સમગ્ર શિક્ષણવ્યવસ્થાને, સરકારને દોષ દેવાનું શરૂ થાય છે જેના દ્વારા સમસ્યાનું સમાધાન કે નિરાકરણ તો નથી આવતું પરંતુ અતિશય સંઘર્ષ અને નેગેટિવિટીની એક જાળ રચાય છે અને વ્યક્તિ વધુ ને વધુ તેમા ફસાતો જાય છે. પરંતુ આપણે સૌએ શરૂઆતથી જ એ સમજવું જોઈએ અને બાળકોને પણ યોગ્ય ઉંમરે વિશેષરૂપે સમજાવવું જોઈએ કે જીવનમાં તમામ પ્રકારની સુખસગવડ, શાંતિ, સ્નેહ, સંરક્ષણ, સમજણ, સફળતા માટે ત્રણ બાબતો આવશ્યક છે જ્ઞાન, શક્તિ અને દ્રવ્ય( ધન). વળી ધનપ્રાપ્તિ પણ યથાર્થજ્ઞાન અને શક્તિસામર્થ્ય વગર શક્ય નથી જેથી વધુ મહત્વ તો જ્ઞાન અને શક્તિને આપવું જ રહ્યું.

ધનપ્રાપ્તિ યથાર્થ શક્તિ વગર કદી કોઈ કાળે શક્ય ન બની શકે. આપણા સૌનો એ અનુભવ છે કે શારીરિક, માનસિક અને આત્મિકશક્તિની હાજરીમાં જ ધનપ્રાપ્તિનો ઉદેશ્ય ફળીભૂત થતો હોય છે. શરીરથી બીમાર, મનથી અશક્ત અને આત્માથી નબળો એટલે કે આંતરિક રીતે શક્તિહીન માણસ ધનપ્રાપ્તિ કદી કરી શકે નહીં. આમ ધનપ્રાપ્તિની પૂર્વશરત છે શક્તિસામર્થ્ય. શક્તિસામર્થ્યની એકમાત્ર અનિવાર્ય શરત છે જ્ઞાનપ્રાપ્તિ કેમ કે કોઈ પણ બાબત જાણ્યા વગર મેળવી કેવી રીતે શકાય. શક્તિ મેળવવી હોય તો તેના સાધનોની જાણકારી તો મેળવવી જ પડેને, જાણ્યા વગર મેળવી ન શકાય એ તો સ્વાભાવિક છે. એ દ્રષ્ટિએ ધન, શક્તિ અને જ્ઞાન એકબીજા સાથે જોડાયેલા છે અને એકબીજા પર આધારિત છે. હવે જો આપણે અધૂરી સમજણ સાથે માત્ર ને માત્ર ધનપ્રાપ્તિનો પ્રયત્ન કરીશું અને ધનપ્રાપ્તિ માટેના જરૂરી સાધનો કે બાબતો તરફ બેધ્યાન રહીશું કે તેની અવગણના કરીશું તો ધ્યેયપ્રાપ્તિમાં સફળતા કેવી રીતે મેળવીશું? દા.ત. કોઈ એમ કહે કે મારે સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવું છે પરંતુ પૌષ્ટિકઆહારને બદલે હું તો જંકફુડ જ ખાઈશ, સમ્યક વ્યાયામને બદલે કસરત વગરનું આળસુ જીવન જ જીવીશ, પ્રેમભાવ અને પોઝિટિવિટીને બદલે માત્ર દુશ્મની અને નેગેટીવીટીમાં જ જીવીશ, ક્રોધિત અવસ્થામાં જ જીવન પસાર કરવું મને ગમે છે, મનને તનાવથી મુક્ત હું નહિ કરી શકું તો તમને લાગે છે એ વ્યક્તિ જીવનમાં સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે? એ જ રીતે ધનપ્રાપ્તિ માટે આવશ્યક શક્તિસામર્થ્ય અને જ્ઞાનપ્રાપ્તિની અનિવાર્યતાને સમજી તેની પ્રાપ્તિના પ્રમાણિક પ્રયત્નો યથાર્થ સમયે શરૂ થઈ જવા જોઈએ તો જ જીવનમાં દરેક પ્રકારના સુખ-શાંતિ, સ્નેહ, સમૃદ્ધિ અને સફળતા મેળવી શકાય.

જીવનમાં તમામ પ્રકારની ભૌતિક સુખસાહીબી અને સફળતા માટે ધનપ્રાપ્તિ ચોક્કસ અનિવાર્ય છે એમાં શંકાને કોઈ સ્થાન નથી. વળી ધનપ્રાપ્તિની ઈચ્છા કે પ્રયત્નમાં કશું અજુકતું કે અયોગ્ય પણ નથી પરંતુ તે શક્તિ અને જ્ઞાનને ભોગે કોઈ રીતે ઇચ્છવા યોગ્ય નથી કેમકે વિવેક સમજણ અને જ્ઞાન વગરની અનૈતિક લક્ષ્મી ટૂંકા ગાળા માટે કદાચ સગવડોનું સુખ આપી શકે. પરંતુ જીવનને ઉત્તમ આદર્શ કલ્યાણકારી શાંત અને સંઘર્ષરહિત કે સમસ્યા રહિત કદાપિ બનાવી શકે નહિ. એટલા માટે ધનપ્રાપ્તિની કે સફળતાની ઈચ્છા રાખતા પહેલા શક્તિસામર્થ્યની પ્રાપ્તિ કેવી રીતે થાય અને યથાર્થ જ્ઞાનપ્રાપ્તિ કેવી રીતે કરવી એ તો સમજી જ લેવું જોઈએ. જેના દ્વારા આપોઆપ ધનપ્રાપ્તિના ઉદ્દેશમાં સફળતા મળી જતી હોય છે. શક્તિ અનેક પ્રકારની હોય છે શારીરિક, માનસિક, આર્થિક, સામાજીક તેમજ આધ્યાત્મિક. તમામ પ્રકારની શક્તિ પ્રાપ્ત કરવા માટે યથાર્થ અને ઊંડી સમજણ જોઈએ એટલે કે જ્ઞાન જોઈએ જેમ કે શારીરિક સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક આહાર, કસરત, નિયમિતતા વગેરે બાબતોનું જ્ઞાન આવશ્યક છે તે સમજવું પડે, એ જ રીતે માનસિક સ્વાસ્થ્ય માટે યોગ-ધ્યાન, પુરતો ઓક્ષીજન, દ્રઢ સંકલ્પ, મનોબળ, હકારાત્મકતા વગેરે જરૂરી છે એ તરફ ધ્યાન આપવું પડે. તેમ જ સામાજિક સ્વાસ્થ્ય માટે સંબંધોમાં નિસ્વાર્થ ભાવના, દરેક માટે કંઈક કરી છૂટવાની ઈચ્છા, ફરિયાદો અને અપેક્ષા વગરની જિંદગી, સામેની વ્યક્તિને સમજવાની તત્પરતા વગેરે જરૂરી છે તે સમજ્યા કે જાણ્યા વગર સામાજિક સ્વાસ્થ્ય પ્રાપ્ત ન થઇ શકે. આધ્યાત્મિક શક્તિ માટે દુર્ગુણો અને કષાયોમુક્ત થવું પડે. મનુષ્ય જીવનના મુખ્ય છ કષાયો છે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર અને ઈર્ષા, જેને દૂર કરીને જ અધ્યાત્મિક શક્તિ વધારી શકાય. અધ્યાત્મિક રીતે શક્તિશાળી મનુષ્ય માનસિક, સામાજિક અને શારીરિક સ્વાસ્થ્ય આપોઆપ મેળવી લેતો હોય છે. આવી તમામ ઊંડી સમજણ કે જાણકારીને જ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે જેના દ્વારા શક્તિસામર્થ્ય સરળ બને છે અને તે દ્વારા ધનપ્રાપ્તિ સહજ બને છે.

ટૂંકમાં સંતાનોને ધનપ્રાપ્તિ અને સફળતાના પાઠ ભણાવતા પહેલા શક્તિવાન અને જ્ઞાનવાન બનતા શીખવાડવું પડે અને એની આવશ્યકતાને વ્યવહારિક રીતે સમજાવવી પડે તો જ યુવાપેઢી દ્વારા તમારા એમના અને અન્યના સપના સાકાર થઇ શકે. એટલા માટે જ હિન્દુસંસ્કૃતિમાં ચાર આશ્રમોની વ્યવસ્થા છે જેમાં બ્રમચર્યાશ્રમનો ક્રમ પ્રથમ રાખવામાં આવ્યો છે જે દરમ્યાન શક્તિ અને જ્ઞાન અર્જિત કરવાના કાર્યો પર વિશેષ ભાર મુકવામાં આવે છે કેમ કે તે વગર (યથાર્થ શક્તિ અને જ્ઞાનના અભાવમાં) સફળ ગૃહસ્થાશ્રમ કે જીવન શક્ય જ નથી. વળી જ્ઞાનપ્રાપ્તિ કોઈ થિયોરેટીકલ બાબત નથી કે માત્ર જાણી લેવાથી કામ થઇ જાય તેનું યથાર્થ આચરણ જીવનમાં ક્ષણે-ક્ષણે થવું જોઈએ. ઉપરાંત કોઈ પણ પ્રકારની માનસિકતા બદલવા કે પરિસ્થિતિ બદલવા દ્રઢ નિશ્ચય કે સંકલ્પની અનિવાર્યતા તો છે જ એ વગર કોઈપણ ધ્યેયપ્રાપ્તિ કે સફળતા શક્ય નથી. જેમ કે શારીરિક તંદુરસ્તી માટે માત્ર કસરત કરવાની ઈચ્છા ન ચાલે તેના માટે દ્રઢ સંકલ્પ અને પ્રમાણિક આચરણ (વ્યાયામ) નિયમિત થવું જોઈએ.

ટૂંકમાં શક્તિસામર્થ્ય અને યથાર્થજ્ઞાન વગર ધનપ્રાપ્તિની ઈચ્છા રાખવી નરી મૂર્ખતા છે. શક્તિસામર્થ્ય અને યથાર્થજ્ઞાન વગર ધનપ્રાપ્તિની ઈચ્છા રાખવી મને તો પાગલપનથી વિશેષ કશું લાગતું નથી.કેમ કે શક્તિસામર્થ્ય અને યથાર્થજ્ઞાન વગર ધનપ્રાપ્તિ શક્ય છે જ નહિ પરંતુ કમનસીબે આજના યુગમાં દરેકમાં એ મૂર્ખામી કે પાગલપન જોવા મળે છે. સમજણના અભાવમાં માત્ર પાગલપનથી સફળ કે ધનવાન ન જ બની શકાય. જો આટલી વાત આપણે સૌ સમજી લઈએ તો ધનવાન કે સફળ બનવું ખાસ મુશ્કેલ તો નથી જ કેમ કે શક્તિ અને જ્ઞાનપ્રાપ્તિ માટે મનુષ્યયોની ઉત્તમ છે અને કદાચ આ બે હેતુસર જ માનવનું સર્જન થયું છે. તો આવો પહેલા શક્તિવાન અને જ્ઞાનવાન બનીએ જેથી આપોઆપ ધનપ્રાપ્તિ અને સફળતા આપણા કદમ ચૂમે.

TejGujarati