કિવિ કે ચીકુ ? શું ખાશો ?

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

કિવિ અને ચીકુ બંને સરખા દેખાવના ફળ છે. કિવિ અંડાકાર હોય છે તો ચીકુ ગોળ કે અંડાકાર પણ હોય છે. બંનેનો રંગ બદામી સરખો છે પણ કિવિની છાલ પર રેષા જેવા વાળ હોય છે આથી છાલ કાઢીને ખવાય છે, જયારે ચીકુને ધોઇને છાલ સાથે ખાઇ શકાય છે. કિવિમા થોડી ખટાશ છે તો ચીકુમાં મધુરતા વધું છે.
ચીકુ કરતા કિવિની કિંમત ડબલ કે ચારગણી હોય છે, માટે શ્રીમંતો ચીકુની જગ્યાએ કિવિ ખાય છે. કિવિ પણ સારા છે, પણ આયુર્વેદક દ્રષ્ટિએ જોતાં ચીકુ ખુબ જ સારા ગણાય. ચીકુ શીતળ, ઋચિકર અને અત્યંત મધુર છે. તે જવરહર અને પિત્તશામક છે. આંતરડાની શક્તિ વધારે છે. વિર્યવર્ધક છે, દર્દી માટે પથ્ય ખોરાક છે. હૃદય તથા રકતવાહિનીઓ માટે અત્યંત લાભદાયક છે. લોહીની ખામી દૂર કરે છે. એટલે જ કહ્યું છે કે, “ચીકુ ખાવ અને ચકાચક રહો”
કિવિ વેલ છે, જયારે ચીકુ વૃક્ષ છે. કિવિ મોટાભાગે શિયાળામાં જોવા મળે છે, જયારે ચીકુ બારેમાસ મળે છે. કિવિ ગુજરાતમાં થતાં નથી, જયારે દક્ષિણ ગુજરાતના ચીકુ આખું ભારત ખાય છે. કિવિમાં નર અને માદા વેલા અલગ હોય છે. કિવિ ખાવાથી બાળકોમાં ઘણીવાર ખંજવાળ અને મોઢા પર સોજાઓ જેવી એલર્જિક અસરો થાય છે. મોંઘું એટલે વધુ સારું એવી દેખાદેખી છોડી કાજુ-બદામના બદલે મગફળી, સફરજનના બદલે જામફળ, પાઇનેપલને બદલે પપૈયું, લીચીના બદલે શેતૂર, ચેરીના બદલે ચણીબોર, ડ્રેગનફ્રુટને બદલે ઘીતેલા અને કિવિના બદલે ચીકુ ખાવાની મારી સલાહ છે.
પ્રાણજીવન કાલરિયા.

TejGujarati