જરૂર પડે નાજુક નમણી, સરળ ને ગમતી, વખત આવે સાવજ સમ ગર્જતી, આ ગુજરાતી ભાષા. વિચારો ને લાગણી જોડે ભળતી, ઓગળતી, મારી રગેરગમાં લોહી સમ વહેતી, આ ગુજરાતી ભાષા.- વૈભવી જોશી ‘ઝીલ’

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

જરૂર પડે નાજુક નમણી, સરળ ને ગમતી,

વખત આવે સાવજ સમ ગર્જતી, આ ગુજરાતી ભાષા.

વિચારો ને લાગણી જોડે ભળતી, ઓગળતી,

મારી રગેરગમાં લોહી સમ વહેતી, આ ગુજરાતી ભાષા.

સાહિત્યમાં મોરપીંછ સમાન, સુગંધ પ્રસરાવતી,

દેશવિદેશમાં અત્તર સમ મહેંકતી, આ ગુજરાતી ભાષા.

બાળપણથી સંસ્કારની શાહીમાં સિંચાઈને નીતરતી,

‘ઝીલ’ની કલમથી ટપકતી સહજ, આ ગુજરાતી ભાષા.

– વૈભવી જોશી ‘ઝીલ’

લગભગ તમામ દેશોમાં ગુજરાતી પરિવારો વસે છે. આપણા માટે ગર્વની વાત એ છે કે, માત્ર પૃથ્વી પર જ નહીં પરંતુ, અંતરિક્ષમાં પણ ગુજરાતી મુળનાં લોકો પહોંચી ગયા છે. આપણાં ગુજરાતી કવિ શ્રી અરદેશર ફરામજી ખબરદારે પોતાની સુંદર કાવ્ય રચનામાં ઉલ્લેખ કર્યો છે કે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત..જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત..!! આ અવિસ્મરણીય સુત્ર આપીને એમણે આપણી માતૃભાષાનાં રખેવાળ બની સુંદર કાર્ય કર્યું છે. તો ચાલો આજનાં આ શુભ દિને આપણે માતૃભાષાની વંદના કરીએ.

આજે વિશ્વ માતૃભાષા દિવસ છે. માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રતિ વર્ષે ૨૧મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આજનાં આ પાવન દિવસ પર સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્ર સંઘનો આભાર માનવો રહ્યો કે જેમણે દરેક સંસ્કૃતિનાં માણસોને પોતાનાં મૂળ સાથે જોડવાં માટે આ દિવસ ઉજવવાનું આયોજન કર્યું છે.

આપણે જન્મદિવસ ઉજવીએ છીએ તો વિશ્વ ગુજરાતી ભાષા દિવસ કેમ નહિ? ૧૯૯૯, નવેમ્બરમાં યુનેસ્કોએ માતૃભાષા ઉજવવાનું નક્કી કર્યું. જે ફેબ્રુઆરી, ૨૦૦૦થી દર વર્ષે મનાવવામાં આવે છે. જે પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું.

જો કે કોઈને એવો પ્રશ્ન પણ થાય કે ૨૧ ફેબ્રુઆરી જ શા માટે ? તો ચાલો એની પાછળનો લોહિયાળ ઇતિહાસ પણ જાણીયે. ઢાકા યુનિવર્સિટીનાં સ્ટુડન્ટ્સ અને સામાજિક કાર્યકર્તાઓએ તત્કાલીન પાકિસ્તાન સરકારની ભાષા નીતિનો ૨૧ ફેબ્રુઆરી, ૧૯૫૨માં વિરોધ કર્યો હતો. તેમનું પ્રદર્શન પોતાની માતૃભાષાનાં અસ્તિત્વને બચાવવાનું હતું. પ્રદર્શનકારીઓએ બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવાની માંગ કરી હતી. પાકિસ્તાનની પોલીસે પ્રદર્શનકારો પર ગોળીઓ વરસાવી, પણ વિરોધ અટક્યો નહીં, પણ વધુ ઉગ્ર બન્યો, જેથી છેવટે સરકારે બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવો પડ્યો.

આ ભાષાપ્રેમીઓનાં આંદોલનમાં શહીદ થયેલા યુવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે યુનેસ્કોએ નવેમ્બર, ૧૯૯૯એ જનરલ કોન્ફરન્સમાં વિશ્વ માતૃભાષા દિવસ ઊજવવાનો નિર્ણય લીધો. ત્યારબાદ વિશ્વભરમાં ૨૧ ફેબ્રુઆરી ‘વિશ્વ માતૃભાષા દિવસ’ તરીકે ઊજવાવા લાગ્યો.

દુનિયાની ૭૦૦૦થી પણ વધુ ભાષામાંથી અડધી ખલાસ થવાની તૈયારીમાં છે, દુનિયાની વિવિધ સંસ્કૃતિ ધરાવતાં લોકો વચ્ચે સંવાદ અને સંપર્ક સાધવા તથા તેમને સમજવાં માટે, દરેક સમાજની મૂર્ત કે અમૂર્ત ધરોહરને જીવંત રાખવા માટેનું સક્ષમ સાધન જો કોઈ હોય તો તે માતૃભાષા છે.

માતૃભાષા એ સોનું છે અને સાહિત્યકાર એનો ઘડનાર છે. પછી આ સોનામાંથી કેવા ઘરેણાં ઘડવાં એ જે તે ઘડનાર પર આધારિત છે. દરેકને પોતાની માતૃભાષા પ્રત્યે ગર્વ હોય છે. ભાષા એ માધ્યમ છે. ભાષા એ વિચારો, લાગણીઓ, સ્પંદનો, સંસ્કૃતિ, ઇતિહાસ સહિત જીવનની અભિવ્યક્તિ રજુ કરે છે. કોઈ પણ ઘટનાની તેજસ્વીતાનું દર્શન આપણને આપણી માતૃભાષા કરાવે છે.

બાળકને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા. આવી જ આપણી ભાષા એટલે ગુજરાતી ભાષા.

ગુજરાતની ધરતી પર અનેક સંતો-મહંતો કથાકારો સાહિત્યકારો જેમકે નરસિંહ મહેતા, મીરાંબાઈ, દયારામ, પ્રેમાનંદ, અખો, ગંગાસતી, પાનબાઇ, ઉમાશંકર જોષી, સુંદરમ, હરીન્દ્ર દવે, વેણીભાઈ પુરોહિત, લાભશંકર ઠાકર આવાં તો કેટકેટલાં નામ હું લઉં. આ ગુર્જર ધરા પર આવી વિરલ પ્રતિભાઓ અવતરણ પામી છે જેમણે ગુજરાતી ભાષાનાં વિકાસ અને વિસ્તારમાં મહત્વની ભૂમિકા ભજવી છે એટલું જ નહીં પરંતુ ગુજરાતી ભાષાને તેમણે વધુ સમૃદ્ધ બનાવી છે.

ગુજરાતી ભાષાનાં વિકાસને ત્રણ તબકકામાં વહેંચવામાં આવી છે. પ્રથમ ૧૦ થી ૧૪ની સદી વચ્ચેની ભાષા જુની ગુજરાતી, દ્વિતીય ૧૪ થી ૧૭મી સદી મધ્યકાલીન ગુજરાતી, અને તૃતીય ૧૭મી સદીથી આજ સુધી ગુજરાતી ભાષાનો સમય માનવામાં આવે છે. દરેક ગુજરાતી બોલીની પોતાની એક આગવી ઓળખ છે અને તેથી જ તેની અલગ એક લિજ્જત છે. જે તે પ્રદેશનાં લોકગીત અને લોકસાહિત્યનું ભાષાનાં વિકાસમાં આગવું પ્રદાન છે.

ભાષા સાથેનો આપણો સંબંધ પરસ્પર છે. જો આપણે એનું જતન કરીશું તો માના હેત સમાન માતૃભાષા આપણને જીવાડશે. ૨૧ ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ એ હકીકતમાં માતૃભાષા માટે આંદોલન દિવસ છે. પરંતુ હું તો એને ઉજવણીનો દિવસ કહીશ કારણ ભાષા એ અભિવ્યક્તિનું માધ્યમ છે. મારી માતૃભાષામાં હું મારા વિચારો અને મારી જાતને વધુ સારી રીતે સ્પષ્ટ કરી શકું છું.

મા, માતૃભાષા અને માતૃભૂમિનો અન્ય કોઇ વિકલ્પ નથી. કહેવાય છે કે, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને એટલે જ આજનાં ‘વિશ્વ માતૃભાષા દિવસે’ આપ સહુને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ આપણા મૂર્ધન્ય સાહિત્યકાર કવિવર વિનોદ જોશીની શેર લોહી ચડાવે એવી રચના માણીયે..!!

હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.

અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મહીસાગર,

અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર,

હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી…

હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.

નવરાત્રિનો ગર્વદીપ હું, હું શત્રુંજય શૃંગ,

સૂર્યમંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ,

હું ગિરનારી ગોખ, દ્વારિકા હું જ સુધારસ પાતી…

હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.

દુહા છંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન,

મીરાની કરતાલ હું જ હું નિત્ય એક આખ્યાન,

વિજાણંદનું હું જંતર, હું નરસૈંની પરભાતી…

હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.

હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું હાક

હું જ સત્યનું આયુધ જેની દિગદિગંતમાં ધાક

હું સંતોનું સૌમ્ય સ્મિત, હું તલવાર તેજની તાતી….

હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.

હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર

મારે શિર ભરતમાતની આશિષનો વિસ્તાર

હું કેવળ હું હોઉં છતાં, હું સદા હોઉં મહાજાતી…

હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.

– વિનોદ જોશી

(સૌજન્ય : માતૃભાષા દિવસનો ઇતિહાસ અને અન્ય આંકડાકીય માહિતી ઇન્ટરનેટ પરથી મળતી પ્રાપ્ત માહિતી અનુસાર)

– વૈભવી જોશી

TejGujarati