જીવનમાં બુદ્ધિ અગત્યની કે પ્રજ્ઞાબુદ્ધિ? – શિલ્પા શાહ, ડિરેક્ટર ઇન્ચાર્જ. HKBBA કોલેજ.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

આધુનિક સમાજ બુદ્ધિને ખૂબ મહત્વ આપે છે, બુદ્ધિથી પ્રભાવિત થાય છે અને બુદ્ધિની જ વેલ્યુ કરે છે, કદર કરે છે. કદાચ મોટાભાગના લોકોએ તો પ્રજ્ઞાબુદ્ધિ જેવો કોઈ શબ્દ સાંભળ્યો પણ નહીં હોય અથવા સાંભળ્યો હશે તો સાચી અને ઊંડી સમજણ સાથે જાણ્યો નહીં હોય અને જેણે પ્રજ્ઞાબુદ્ધિને સમજી હશે જાણી હશે તેણે જીવનમાં તેનો અમલ તો સો ટકા નહીં કર્યો હોય એની મને ખાત્રી છે.

કહેવાતો ભણેલો-ગણેલો અને બુદ્ધિશાળી આધુનિક યુગ વાસ્તવમાં એટલો અજ્ઞાન અને અણસમજુ છે કે મૂલ્યવાનને છોડી અને તુચ્છ અને હલકી વસ્તુ પાછળ ભાગી રહ્યો છે, તેને મેળવવાનો અથાક પ્રયત્ન કરી રહ્યો છે. આ તો મૂલ્યવાન હીરા-જવેરાતને છોડી ગાભા-ડૂચાની પસંદગી કરવા જેવી વાત છે. વળી આવું કર્યા બાદ પણ વ્યક્તિ પોતાને બુદ્ધિશાળી સમજે છે એ જ તો આધુનિક જીવનની કરુણતા છે. આપણા દૈનિક જીવનમાં માત્ર બુદ્ધિનું મહત્વ છે પ્રજ્ઞા બુદ્ધિનું નહીં. જો આપણામાં પ્રજ્ઞાબુદ્ધિ હોય તો સમજાય કે જીવનમાં સાચું શું અને ખોટું શું? યોગ્ય શું અને અયોગ્ય શું? મેળવવા જેવું શું અને છોડવા જેવું શું? કારણ કે પ્રજ્ઞાબુદ્ધિ એટલે વિવેકબુદ્ધી, સ્થિરબુદ્ધિ, અહંકારરહિતબુદ્ધિ, સત્યબુદ્ધિ, ડહાપણયુક્તબુદ્ધિ, સમ્યકબુદ્ધિ જેના દ્વારા જીવનના દરેક કોયડા ઉકલી જાય, દરેક સમસ્યાનું સમાધાન મેળવી શકાય અને ક્ષણે-ક્ષણે સ્વર્ગનો આનંદ ભોગવી શકાય. જીવનમાં દુઃખ, પીડા, સમસ્યા કે સંઘર્ષ એટલા માટે સર્જાય છે કે જાણે-અજાણે આપણા દ્વારા અયોગ્ય નિર્ણયો લેવાતા રહે છે. નિર્ણય યોગ્ય ન હોવાને કારણે તે દુઃખ-દર્દ, પીડા અને સમસ્યા સર્જે છે. જેનાથી બચવું કોઈના માટે શક્ય નથી. આ તમામથી મનુષ્યને જો કોઈ બચાવી શકે તો તે માત્ર પ્રજ્ઞાબુદ્ધિ છે.

આપણે સૌ જાણીએ છીએ બુદ્ધિનું મુખ્ય કાર્ય છે નિર્ણય લેવા, આ સિવાય બુદ્ધિની જીવનમાં કોઈ જરૂરિયાત જ નથી. નિર્ણય જીવનમાં દરેક ક્ષણે લેવા પડતા હોય છે એ દૃષ્ટિએ બુદ્ધિની આવશ્યકતા ડગલેને પગલે પડે છે જેમ કે વિદ્યાર્થી તરીકે સાયન્સ ભણું કે કોમર્સ, યુવાન તરીકે લગ્ન કરુ કે ન કરુ, માતા-પિતા તરીકે બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે શું કરું, સ્વાસ્થ્ય સંભાળ માટે શું કરવું, રોગમુક્તિ માટે એલોપેથીને સ્વીકારુ કે આયુર્વેદને, દાન કરું કે ના કરું, વ્રત-ઉપવાસ કરું કે ના કરું, અંગત સ્વાર્થ છોડી આધ્યાત્મિક નિયમો પર ચાલુ કે નહી વગેરે વગેરે. આ ઉપરાંત પણ સવારથી રાત સુધી કૌટુંબિક જીવન અને વ્યવસાયિક જીવનમાં અનેક નાના મોટા નિર્ણયો આપણે લેવા પડતા હોય છે અને દરેક નિર્ણય માટે બુદ્ધિની જરૂરિયાત રહે છે. બુદ્ધિ દ્વારા લેવાયેલા નિર્ણયો જ જીવનમાં સુખ અથવા દુઃખ, અનુકૂળતા કે પ્રતિકૂળતા, હર્ષ કે શોકનું સર્જન કરતા રહે છે. પરંતુ જો તમામ નિર્ણય ઉત્તમ લેવાય યથાર્થ લેવાય તો જીવનમાંથી દુઃખ-દર્દ સમસ્યા અને સંઘર્ષની સદંતર બાદબાકી થઈ જાય, જેના માટે પ્રજ્ઞાબુદ્ધિની આવશ્યકતા છે કેમકે પ્રજ્ઞાબુદ્ધિ એટલે જ સત્યજ્ઞાન. જ્યાં સુધી સાચું શું અને ખોટું શું એ ના સમજાય ત્યાં સુધી લીધેલા નિર્ણય સુખનું સર્જન કરી જ કેવી રીતે શકે. પ્રજ્ઞાબુદ્ધિ એટલે ડહાપણ અથવા આંતરિક વિવેક, જે હંમેશા ઉત્તમ નિર્ણય લેવડાવે કેમ કે ડહાપણ અને આંતરિક વિવેકની હાજરીમાં સ્વાર્થનું હાનિકારક તત્વ હંમેશા ગેરહાજર જ રહેતું હોય છે. જેથી આપોઆપ સ્વર્ગના દરવાજા ખુલી જાય છે અને જીવન સુખ અને આનંદથી ભરાઈ જાય છે.

જીવનમાં સુખ કે દુઃખ નક્કી કરતા અનેક નિર્ણય લેતી વખતે અમુક ચોક્કસ બાબતોની કાળજી આવશ્યક છે જે માત્ર પ્રજ્ઞાબુદ્ધિ દ્વારા શક્ય છે. કેમકે બુદ્ધિમાં હંમેશા સ્વાર્થનું તત્વ રહેવાનું જ કે મારા માટે શું લાભદાયક છે. બુદ્ધિ હંમેશા ફાયદાકારક બાબતની તરફેણમાં જ નિર્ણય લેતી હોય છે. જ્યારે પ્રજ્ઞાબુદ્ધિમાં સમગ્રના કલ્યાણનું ઉત્તમ તત્વ રહેલું છે. પ્રજ્ઞાબુદ્ધિ નિસ્વાર્થ હોય છે, કલ્યાણકારી હોય છે, તેમાં દરેકની પ્રગતિ અને ઉન્નતિની ભાવના હોય છે અને જ્યારે લેવાયેલા નિર્ણય દ્વારા દરેકનું ભલું થાય ત્યારે પોતાનું ભલું તો આપોઆપ થઈ જાય છે કેમ કે સૂક્ષ્મ એ સમગ્ર જ એક ભાગ છે. સમગ્ર જગત જો સુખી થાય તો તેમાં વસતા દરેક સૂક્ષ્મ જીવ કે વ્યક્તિ તો સુખી થવાના જ છે. સામાન્ય રીતે આચરણમાં કે નિર્ણયમાં સાચું અને સારું એવા બે તત્વોનો વિચાર અનિવાર્ય છે. સાચું એટલે અંગ્રેજીમાં જેને “right” કહે છે જે લેટીન શબ્દ “Rectus” પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે સીધું અને નિયમો અનુસારનું (as per the rules). આવા નિયમ અનુસારના વર્તનથી કે નિર્ણયથી જે પરિણામ આવે તેના આધારે એ કેટલું શુભ કે અશુભ છે તે નક્કી થઇ શકે. શુભ કે સારું જેને અંગ્રેજીમાં “good” કહે છે જે જર્મન ભાષાના “Gut” સાથે સંકળાયેલું છે. જેનું મૂળ પણ ગ્રીક ભાષામાં જ છે. ઘણીવાર સાચું અને સારું બંને એક સાથે નક્કી કરવું અઘરું હોય છે. જેના માટે પ્રજ્ઞાબુદ્ધિ જરૂરી બને છે. સામાન્ય અર્થમાં સારું એટલે ધ્યેયપ્રાપ્તિમાં ઉપયોગી. ધ્યેયપ્રાપ્તિમાં મોટેભાગે સ્વાર્થનું અસ્તિત્વ હોય છે જે વ્યક્તિને અનૈતિક બનવા મજબૂર કરે છે. ધ્યેય બે પ્રકારના હોય ૧) સામાન્ય ધ્યેય ૨) પરમધ્યેય. સામાન્ય ધ્યેય “સ્વ” સાથે સંકળાયેલ હોય છે જયારે પરમધ્યેય સમષ્ટિ સાથે સંકળાયેલ હોય છે. જયારે નિર્ણય લેવામાં સમસ્યા ઉદભવે અને ખબર ન પડે કે સારું શું? અને ખરાબ શું? ત્યારે સ્વના ધ્યેય કરતા પરમના ધ્યેયને વિશેષ મહત્વ આપવું જોઈએ. સ્વલક્ષી ધ્યેય અનેક હોઈ શકે જેમ કે દ્રવ્યપ્રાપ્તિ, સ્વતંત્રતાપ્રાપ્તિ, પ્રેમપ્રાપ્તિ, જ્ઞાનપ્રાપ્તિ, કલાપ્રાપ્તિ, સત્તાપ્રાપ્તિ, કીર્તિપ્રાપ્તિ વગેરે પરંતુ આ તમામ ધ્યેય પાછળનો હેતુ તેના દ્વારા મળતા લાભો જ હોય છે. જેથી આવા ધ્યેયો પરમધ્યેય કે અંતિમ ધ્યેય ન જ હોય શકે જે માત્ર પ્રજ્ઞાબુદ્ધિની હાજરીમાં જ સમજી શકાય.

પ્રજ્ઞાબુદ્ધિ પ્રાપ્ત કરવા માટે ચોક્કસ પરિબળો કે બાબતોની પ્રાપ્તિ આવશ્યક છે જેમ કે પરમાત્મામાં શ્રધ્ધા, યથાર્થ જ્ઞાનપ્રાપ્તિની ઈચ્છા, નિસ્વાર્થ ભાવના, ધર્મગ્રંથો કે શાસ્ત્રોનો અભ્યાસ વગેરે. બુદ્ધિમાં હોશિયારીનું તત્વ રહેલું છે જ્યારે પ્રજ્ઞાબુદ્ધિમા સારાઈનું અસ્તિત્વ છે. સ્વવિકાસ માટે કે સમાજકલ્યાણ માટે વાસ્તવમાં હોશિયારી કરતાં વધુ જરૂર સારાઈની છે એવું મારું દ્રઢપણે માનવું છે. આજના વર્તમાન યુગમાં અતિશય સગવડો, સુખસાહીબીના સાધનો અને ખૂબ હોશિયારી (કુશળતા)ની હયાતી વચ્ચે માનવજીવન તેમજ પર્યાવરણ ખૂબ અસલામત, અશાંત અને અસ્વસ્થ જોવા મળે છે, એનું માત્ર એક જ કારણ છે કે આપણે સારાઈ કરતા વધુ મહત્વ હોશિયારીને આપી દીધું છે. વાસ્તવમાં હોશિયારી એટલી મહત્વની નથી જેટલો તેનો (હોશિયારીનો) ઉપયોગ અને ઉદેશ્ય. ટેકનોલોજીના નિષ્ણાંત ગમે તેટલા હોશિયાર અને કુશળ હોય પરંતુ તેનો ઘાતક ઉપયોગ કરે તો દેશ અને દુનિયાનું શું થાય? સાચી સમજણ અને ઉમદા ઉદેશ્ય માત્ર પ્રજ્ઞાબુદ્ધિ દ્વારા આવી શકે. પૈસો કમાવવા હોશિયારી કે બુદ્ધિની આવશ્યકતા ખરી પરંતુ પૈસો વાપરવો ક્યાં તેના માટે તો સારાઈ કે પ્રજ્ઞાબુદ્ધિની જ જરૂર છે અને એ તો સર્વવિદિત છે કે જીવનમાં સુખ-શાંતિ પૈસાનું પ્રમાણ નહિ પૈસાનો ઉપયોગ નક્કી કરે છે. ટૂંકમાં બુદ્ધિ એટલે હોશિયારી જયારે પ્રજ્ઞાબુદ્ધિ એટલે સારાઈ. જગતને બુદ્ધિ કરતા પ્રજ્ઞાબુદ્ધિની જરૂર વિશેષ છે એમાં શંકાને કોઈ સ્થાન નથી.

મૃત્યુની અનિવાર્યતા પારખી પ્રભુકૃપાથી મળેલ માનવદેહ પ્રભુ પાછો માગે તે પહેલા તેનો જીવાત્માના કલ્યાણ માટે, પ્રભુકાર્ય માટે અને પ્રભુભક્તિ માટે ઉપયોગ કરી લેતા પ્રજ્ઞાબુદ્ધિ શીખવાડે છે. બીજાને ઓળખતા શીખવું અને જાતને વ્યાપક બનાવતા શીખવું એ પ્રજ્ઞાબુદ્ધિનું કાર્ય છે. જો વ્યક્તિ અન્યને સાચી રીતે ઓળખી લે તો તેનાથી અયોગ્ય નિર્ણય કદી લેવાય નહીં અને આપણા સૌનો એ અનુભવ છે કે જીવનમાં હતાશા, નિરાશા, છેતરપિંડી, વિશ્વાસઘાત જેવા અનેક દુઃખોનો સામનો એટલે કરવો પડે છે કે આપણે વ્યક્તિને તેના યથાર્થ રૂપમાં જીવનપર્યંત ઓળખી જ શકતા નથી. આ બધા દુઃખોને દૂર કરવા હોય, તમામ તકલીફોથી મુક્તિ મેળવવી હોય તો બીજાને ઓળખતા શીખવું જ પડે જેના માટે પ્રજ્ઞાબુદ્ધિ અનિવાર્ય છે. આ ઉપરાંત પોતાની જાતને વ્યાપક કરતા આવડવું જોઈએ એટલે કે સમગ્રના સુખમાં જ મારું સુખ સમાયેલું છે એ સમજતા જો આવડી જાય તો જીવનમાંથી દુઃખોની બાદબાકી અવશ્ય થઈ જાય. જેના માટે બુદ્ધિ નહીં પરંતુ પ્રજ્ઞાબુદ્ધિની જરૂર છે. બુદ્ધિ “પ્રેય” અંગે વિચારે છે એટલે કે મારા માટે શું સારું છે, પ્રિયકર છે, શેમાં મને વધુ આનંદ આવશે એ અંગેના વિચાર બુદ્ધિનું કાર્યક્ષેત્ર છે જ્યારે પ્રજ્ઞાબુદ્ધિ “શ્રેય” અંગે વિચારે છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા શું શ્રેષ્ઠ છે, શું હિતકર છે, શું કલ્યાણકારી છે તે પ્રજ્ઞાબુદ્ધિનું કાર્યક્ષેત્ર છે. પ્રજ્ઞાબુદ્ધિ દ્વારા જીવનમાં સુખ અને શાંતિ સ્વાભાવિક બને છે. ઈશ્વર તરફથી મળેલ જીવનનો બહેતર ઉપયોગ કરવા માટે પ્રજ્ઞાબુદ્ધિની આવશ્યકતા છે. મૃત્યુ સતત આપણી સાથે હોવા છતાં આપણે જીવનનો યથાર્થ ઉપયોગ કરી શકતા નથી અને નકામી ચીજો પાછળ જીવન વેડફી નાખીએ છીએ. બુદ્ધિશાળી માણસ અંતે હંમેશા પસ્તાય છે જ્યારે પ્રજ્ઞાબુદ્ધિવાળો માણસ હંમેશા પરમપદને પામે છે.

આમ પ્રજ્ઞાબુદ્ધિ એટલે ડહાપણયુક્ત બુદ્ધિ

પ્રજ્ઞાબુદ્ધિ એટલે વિવેકબુદ્ધિ જે સારા અને નરસાનો વિવેક શીખવે

પ્રજ્ઞાબુદ્ધિ એટલે સ્થિરબુદ્ધિ જે નિર્ણય લેતા પહેલા વ્યક્તિને સ્થિર અને શાંત બનાવે જેથી અયોગ્ય નિર્ણય ન લેવાઇ જાય.

પ્રજ્ઞાબુદ્ધિ એટલે અહંકારરહિત બુદ્ધિ જેમાં સ્વાર્થનું તત્વ ન હોવાને કારણે ઉત્તમ નિર્ણયો સ્વાભાવિક બને.

પ્રજ્ઞાબુદ્ધિ એટલે સત્યબુદ્ધિ (સત્યજ્ઞાન) સત્યજ્ઞાન એટલે આત્મા-પરમાત્માનું જ્ઞાન, જેના દ્વારા સમજાય કે “હું કોણ છું” “મારો સર્જનહાર કોણ છે” અને “આ સૃષ્ટિના આદિ-મધ્ય-અંત શું છે” એટલું જો સમજાઈ જાય તો જીવનમાં તમામ અનર્થથી બચી જવાય.

પ્રજ્ઞાબુદ્ધિ એટલે સમત્વબુદ્ધિ, સમ્યકબુદ્ધિ કે જેમાં સમ્યકતાનું તત્વ હોય, બેલેન્સ એપ્રોચ હોય, જેમાં રાગ-દ્વેષની ગેરહાજરી હોય. ભગવાન બુદ્ધ અનુસાર સમત્વબુદ્ધિ એટલે આઠ પ્રકારની સમ્યકતા (સમ્યક્ દ્રષ્ટિ, સમ્યક્ સંકલ્પ, સમ્યક્ વાણી, સમ્યક સ્મૃતિ, સમ્યક્ કર્મ, સમ્યક આજીવિકા, સમ્યક વ્યાયામ અને સમ્યક સમાધિ)

તો ચાલો આજથી જ માત્ર બુદ્ધિવાન બનવા કરતા પ્રજ્ઞાબુદ્ધિયુક્ત બનીએ. જે જીવન અને મૃત્યુ બંનેને ઉત્તમ બનાવવાનો રામબાણ ઈલાજ છે.

TejGujarati