મહા વદ ચૌદશ એટલે કે મહા શિવરાત્રી.- ડો. દક્ષા જોશી.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

હર હર મહાદેવ મિત્રો,

આજે છે મહા વદ ચૌદશ એટલે કે મહા શિવરાત્રી.ભગવાન શંકર અનુપમ સામંજસ્ય, અદભૂત સમન્વય અને ઉત્કૃષ્ટ સદ્ભાવ ધરાવે છે.તેઓ આપણને અનેક બોધ આપે છે.શિવ અર્ધનારેશ્વર હોવા છતાં પણ કામવિજેતા છે.ગૃહસ્થ હોવા છતાં પરમ વિરક્ત છે, હળાહળ વિષનું પાન કરવાના કારણે તેઓ નીલકંઠ થઈને પણ વિષથી અલિપ્ત છે.રિદ્ધિ-સિદ્ધિના સ્વામી થઈ તેમનાથી અલગ છે,ઉગ્ર હોવા છતાં સૌમ્ય છે, અકિંચન હોવા છતાં પણ સર્વેશ્વર છે.

અને તેમના દેખાવમાં પણ સહજીવનનું કેટલું સુંદર ઉદાહરણ છે.ભયંકર વિષધર નાગ અને સૌમ્ય ચંદ્ર તેમનાં આભૂષણ છે,મસ્તકમાં પ્રલયકાલીન અગ્નિ અને મસ્તક પર પરમ શીતળ ગંગાધારા એ તેમનો અનુપમ શૃંગાર છે.તેમને ત્યાં વૃષભ અને સિંહનો તથા મયૂર અને સર્પનો સહજ વેર ભૂલાવી એક સાથે ક્રીડા કરવી એ સમસ્ત વિરોધી ભાવોના વિલક્ષણ સમન્વયનું એક શિક્ષણ આપે છે.તેમનું શિવલિંગ બ્રહ્માંડ અને નિરાકાર બ્રહ્મનું પ્રતિક છે.જેમ નિરાકાર બ્રહ્મ રૂપ,રંગ,આકાર થી પર છે તે જ રીતે શિવલિંગ છે.

અંતર્યામી એટલું જ હુ માગું

પાય પડી શિવમય થઈ જાગું

હરહર નાદથી જીવ આ સજાવું

દર્શન ભાગ્યનાં સુખડાં રે ઝાંખું

ભક્ત ઉતારે આરતી મંગલ

સુવર્ણ દીસે કૈલાસ કરું વંદન

ઓમ રટું ને પામતી પંચ દર્શન

નીલકંઠા કરજો અમ કષ્ટ ભંજન

ધ્યાન ધરીએ શંભુ મારા જટાળા

પાવન ગંગા મૈયા શત સુભાગા

બીજ ચંદ્ર ધર્યો શીશ મહાદેવા

ભોળા ભોળા કલ્યાણી રે ઓમકારા

દેવ દરબારે શોભતા શિવ દાતાર

પુણ્ય દર્શને ઝૂક્યા શીશને ખુશી અપાર

જય જય શિવ શંભુ દાતાર!

– ડો. દક્ષા જોશી.

TejGujarati