આ ઘણું બધું કહી જતું સરસ દ્ર્શ્ય જોયું અને મોબાઇલમાં કેદ કરી લીધું. કોર્પોરેટ ઓફિસ, કોમ્પલેકસ, રેસીડેન્સી એપાર્ટમેન્ટમાં કબૂતરોની ચરકથી ફેલાતી ગંદકી એક સમસ્યા બની ગઇ છે. એક અખબારમા તો કબૂતરના ચરકને કારણે ફેફસાંનું ઇન્ફેક્શન અને ૬૦ જેટલા રોગો ફેલાતા હોવાનું પણ વાંચ્યુ હતું..!! કબૂતરોની ચરકની સમસ્યાને કારણે ઘણી ઓફિસોમાં આવા તિક્ષણ પ્લાસ્ટીકનાં ખીલાઓની એક પટ્ટી ગોઠવવામાં આવે છે જેથી કબૂતરો માળો ન બાંધી શકે, ચરક ના કરી શકે..
પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી રસ્તો કરી લેવાની શક્તિ કુદરતે પશુ પક્ષીઓને પણ આપી છે. કબુતરોને તિક્ષણ ખીલાઓની પટ્ટીમાં કેમ જાત સંકોરીને સલામતીપૂર્વક બેસી જવું તે આવડી ગયું છે…કદાચ માનવજાતનું આ કબુતર પ્રતિક છે..!!! આસપાસ અનેક અણીદાર સમસ્યાઓની જાણે હારમાળા થઇ રહી છે અને વચ્ચે પડી આખડીને લડતી, ઝઝૂમતી, પરિસ્થિતિ ને અનુકૂળ થતી જતી આ પારેવા જેવી માનવજાત..!!