આજની પોઝિટિવ સ્ટોરી બાળ સાહિત્યકાર હરીશ નાયક 96મા વર્ષે પણ સાહિત્યસર્જન કરે છે આલેખન : રમેશ તન્ના.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

અમદાવાદના શ્રેયસપુલથી ધરણીધર ચાર રસ્તા તરફ તમે જાઓ છો અને તમારું વાહન જમણીબાજુ વળી જાય છે. ઓરિએન્ટ બેન્કની બાજુમાં એક વિશિષ્ટ કહી શકાય તેવું કોમ્પલેક્ષ છે. નામ છે તેનું ફોલી હાઉસ. પોતાના નિવાસ સ્થાનનું નામ જે મૂર્ખતા એટલે કે ફોલી રાખે તે માણસ ખરેખર વિદ્વાન હોવો જોઈએ.

તમે ફોલી હાઉસના પ્રથમ માળે જાઓ છો. 96 વર્ષના હરીશ નાયક 40 વર્ષના યુવાનની જેમ ભારે ઊર્જા અને ઉત્સાહ સાથે તમારી રાહ જોઈ રહ્યા છે. તેમના પ્રત્યેક શબ્દમાંથી જીવન રસ ટપકે છે. યાદદાસ્ત સતેજ છે. અવાજ ધારદાર છે. ઉત્સાહ બરકરાર છે. ખૂબ બધી વાતો કરે છે. તેમના રુમમાં બેસીએ છીએ અને સમય ક્યાં પસાર થઈ જાય છે તેની ખબર પડતી નથી. 92 વર્ષની ઉંમરે પણ તેઓ સક્રિય છે. 1952માં જે સામયિક ઝગમગમાં તેમણે લખવાની શરુઆત કરી હતી તેમાં આજે, 2022માં પણ દર અઠવાડિયે નિયમિત બે વાર્તાઓ લખે છે. કોઈ એક સામયિકમાં સતત 72 વર્ષ લખવું તે માત્ર ઉપક્રમ ના કહેવાય. તેને તો વિક્રમ અને પરાક્રમના ખાતામાં ખતવવા પડે.

****

હરીશભાઈએ 17 વર્ષની ઉંમરે એકસાથે ત્રણ બાળ સાહિત્યનાં પુસ્તકો લખેલાં. તે નવલકથાઓ હતી. એક કચ્ચુ-બચ્ચું, બે બુદ્ધિ કોના બાપની અને ત્રીજા પુસ્તકનું નામ હતું ટાઢનું ઝાડ. એ વખતે આ પુસ્તકો સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય દ્વારા પ્રકાશિત થયાં હતાં. એ વર્ષ હતું 1947નું. એ વખતે આ પ્રકાશક ત્રણ ત્રણ કોપી એડિટર રાખતા. જો લેખકની હસપ્રત એ ત્રણેયની કસોટીમાંથી પાસ થાય તો જ પુસ્તક પ્રકાશિત કરતા. નહિંતર કોઈ પણની શેહશરમ વગર હસ્તપ્રત સાભાર પરત કરતા. હરીશ નાયકના જીવનની પ્રથમ ત્રણ નવલકથાઓ પાસ થઈ અને પ્રકાશિત પણ થઈ. પછી તો એ ત્રણ પૈકીની એક નવલકથા ક્ચ્ચુ-બચ્ચુંનો સાત ભાષાઓમાં અનુવાદ પણ થયો હતો.

હરીશ નાયકને લાગ્યું કે આપણે લખી શકીએ છીએ. એ પછી બાળ સાહિત્યની કેડી પર તેમણે પગલાં માંડ્યાં તે માંડ્યાં. ગુજરાત સમાચારનું ઝગમગ એક જમાનામાં ખૂબ લોકપ્રિય સાપ્તાહિક હતું. એક સમય તો એવો હતો કે ઝગમગનો ફેલાવો ચાલીસ હજારનો હતો અને ગુજરાત સમાચારનો ફેલાવો 15 હજારનો હતો. માનવામાં ના આવે તેવી આ વાત છે. ઝગમગને કારણે ગુજરાત સમાચાર ટકી ગયેલું. હરિશ નાયક “ઝગમગ”ના વર્ષો સુધી તંત્રી હતા. તેઓ રમકડું બાળ સામયિકના પણ તંત્રી હતા. તેમણે પોતાનું આખું જીવન બાળ સાહિત્યને સમર્પિત કર્યું છે. પાંચસોથી વધારે પુસ્તકો લખ્યાં છે.

*****

હરીશ નાયક પોતાની શૈલી લઈને આવેલા. તે વખતે બાળ સાહિત્ય કાલી કાલી ભાષામાં લખાતું હતું. તેમણે સ્વાભાવિક ભાષામાં લખવાનું શરુ કર્યું. ગિજુભાઈ બધેકાની અસરમાં કાલ્પનિક વાર્તાઓ ખૂબ લખાતી. જેનો કોઈ આધાર ના હોય તેવી કલ્પનાઓ થતી. તેના બદલે હરીશ નાયકે આધાર સાથેનું બાળ સાહિત્ય સર્જવા માંડ્યું. એટલે તો તેમની વાર્તાઓમાં રાક્ષસો પણ ના આવે અને પરીઓ પણ ના દેખાય.

હરીશ નાયકે અત્યાર સુધી બે હજાર જેટલી વાર્તાઓ લખી છે. અરેબિયન નાઈટ્સની 1001 વાર્તાઓ છે. તેની સામે હરીશ નાયકે 2000 વાર્તાઓ લખી છે. તેમની અનેક સિરિઝો ખૂબ લોકપ્રિય થઈ હતી.

તેમાંની એક સિરિઝ એટલે હરક્યુલિસની શ્રેણી. ઝગમગમાં તેમણે આ વાર્તાઓ લખેલી. હરક્યુલિસ એક ગ્રીક પરાક્રમી પાત્ર છે. ગ્રીક પુરાણોમાંથી સંશોધનો કરીને તેમણે વાર્તાઓ લખી જે ખૂબ ચાલી. છેલ્લી વાર્તા વખતે તેમણે નોંધ મૂકી કે હવે બધી વાર્તાઓ પૂરી થઈ છે. એ નોંધ વાંચીને ગોંડલના પુસ્તકાલયના ગ્રંથપાલનો ફોન આવ્યો કે અમારી પાસે ગ્રીક પુરાણો છે. અમે તમને મોકલી આપીએ. તમે તેનો અભ્યાસ કરીને આ સિરિઝ આગળ ચલાવો. એ પછી હરીશ નાયકે એ સિરિઝ આગળ ચલાવેલી. તેમણે હરક્યુલીસનાં પરાક્રમોની સાથે સાથે અપરાક્રમોની વાર્તાઓ પણ લખી હતી. અપરાક્રમોની વાર્તાઓ ખૂબ રસપ્રદ અને રોમાંચક છે.

હરીશ નાયક સતત લખતા રહ્યા છે. તેમણે યુદ્ધ કથાઓ પણ લખી. લડાખના લડવૈયા નામનું તેમનું પુસ્તક ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. એક પુસ્તક માટે તેમને પ્રકાશકે 150 રુપિયા ઉચ્ચક રોયલ્ટી આપી હતી. એ પુસ્તકનો હિન્દી અનુવાદ થયો તો તેની પહેલી આવૃતિની રોયલ્ટી 3335 રુપિયા આવી હતી. હરીશ નાયક કહે છે કે હું લખીને કશું કમાયો નથી. હા, વાચકોનો પ્રેમ તેમને ખૂબ મળ્યો છે.

******

હરીશ નાયક એટલે વાર્તાનું વિમાન. હરીશ દાદા પાસેથી વાર્તાઓ સાંભળવી એ મોટો લહાવો છે. તેઓ વીસ વર્ષના હતા ત્યારથી તેમણે બાળકોને વાર્તાઓ કહેવાનું શરુ કર્યું. લેખનમાંથી ના કમાયા, પરંતુ કથનમાંથી થોડું કમાયા. અત્યાર સુધી તેમણે લાખો બાળકોને વાર્તાઓ કહી છે. વાર્તા કહેવાની તેમની રીત નિરાળી છે. એક વાર બાળકો તેમની વાર્તા સાંભળવા બેસી જાય એટલે પત્યું. તેમાં ખેંચાતાં જ જાય. તેમની ચાર દીકરીઓએ પણ પિતાની સાથે સેંકડો બાળકોને વાર્તાઓ કહી છે. તેમણે પોતાની દીકરીઓના નામ પણ કેવાં રાખ્યાં છે ઃ જોલી, ડોલી, ભોલી, ફોલી. ફોલીના નામ ઉપરથી ઘરનું નામ રાખ્યું. ફોલી હાઉસ. પહેલાં અહીં તેમનો બંગલો હતો. બિલ્ડરે હવે ત્યાં એપાર્ટમેન્ટ બનાવ્યા છે. જોકે, એપાર્ટમેન્ટનું નામ પણ ફોલી હાઉસ જ રાખ્યું છે. આ બિલ્ડરને ફોલી નામ ફળ્યું એટલે તેમણે બુદ્ધિ વાપરીને પોતાની બીજી એક સ્કિમનું નામ પણ ફોલી એન્કલેવ એવું રાખ્યું છે. તે બિલ્ડિંગ ફોલી હાઉસની નજીક છે. હરીશભાઈ અને તેમનાં જીવનસાથી દીકરી ભોલી ઉર્ફે મિતા સાથે ફોલી હાઉસના પ્રથમ માળે રહે છે. આ જ એપાર્ટમેન્ટમાં ફોલીબહેન પણ રહે છે.

***

હરીશ નાયક ગુજરાત સમાચારમાં તેના માલિકો કરતાં પણ સિનિયર ગણી શકાય. તેનું ખાસ કારણ છે. ગુજરાત સમાચારની માલિકી ઈન્દ્રવદન ઠાકોર પાસે હતી ત્યારથી તેઓ તેના કર્મચારી. હજી પણ તેઓ ગુજરાત સમાચારમાં લખે છે. એ રીતે તેઓ ગુજરાત સમાચારના સૌથી વરિષ્ઠ સભ્ય ગણી શકાય. તેમનું કહેવુ છે કે આવું લોકપ્રિય માધ્યમ મળે તો જ આપણું સર્જન મહત્તમ લોકો સુધી પહોંચી શકે.

****

થોડા સમય પહેલાં ગુજરાત સાહિત્ય અકાદમીએ બાળ સાહિત્ય વિશેષાંક કર્યો તો તેમાં હરીશ નાયકનું નામોનિશાન નહોતું. આને અણસમજણ કહેવાય કે ભૂલ કહેવાય કે ચૂક કહેવાય એ રામ જાણે અને બીજા જાણે અકાદમીવાળા. એક વખત અકાદમીએ તેમની એ કૃતિને ઈનામ જાહેર કર્યું પછી આપોઆપ એ ઈનામ રદ પણ કર્યું. આવું થતું રહે છે. બાળસાહિત્યકારો સાથે ખાસ થતું રહે છે. ગુજરાતી ભાષામાં બાળસાહિત્યકારોની અવગણના અને ઉપેક્ષા તિરસ્કારની હદે થઈ છે. અનેક બાળસાહિત્યકારોએ પોતાનું જીવન સમર્પિત કર્યું છે. છતાં તેની નોંધ લેવાઈ નથી.

પ્રોફેસરો તરીકે તગડો પગાર લઈને બની બેઠેલા સર્જકોએ પ્રતિષ્ઠા અને પુરસ્કારો ઝૂંટવી લીધા છે. આજે હરીશ નાયક કોઈની સાથે પોતાના પ્રદાનની વાત કરતા હતા ત્યારે મને ખૂબ ખોટું લાગ્યું. સામેની વ્યક્તિને તેમના વિશે કશી ખબર નહોતી. આવી વ્યક્તિઓને તો આપણે ખભા પર બેસાડીને સમાજમાં લઈ જવા જોઈએ. તેમને પૂરતું માન અને સન્માન આપવું જોઈએ. જેને માન ન આપવું જોઈએ તેવા લોકોને આપણે પોંખીએ છીએ અને આવા લોકોને ભૂલી જઈએ છીએ. આ આપણી ગુનાહિત વર્તણૂક છે.

****

બાળસાહિત્યકારો આરામથી એકસો વર્ષ જીવતા હોય છે. જીવરામ જોશી એકસો એક વર્ષ જીવેલા, રમણલાલ સોની પણ શતાયુ થયા હતા. હરીશ નાયક 96 વર્ષે એકદમ અડીખમ છે. આપણા યશવંત દાદા પણ યુવાન છે.

(ત્રીજી લહેરમાં, થોડા દિવસ પહેલાં હરીશભાઈને માઈલ્ડ કોરોના થયો હતો, પણ હવે સારું છું. અશક્તિ છે. થોડું ઓછું સંભળાય છે. નારદવાણી કોલમ અને ઝગમગમાં વાર્તા, એમ કોલમ નિયમિત લખે છે. એમના નિરામય દીર્ઘાયુ માટે પ્રાર્થના કરજો..)

હરીશ નાયકને ખૂબ ખૂબ વંદન. (કોઈ હરીશ દાદાનો સંપર્ક કરવા માગતુ હોય તો તેમનો જમીન સાથે જોડાયેલો નંબર છે – 079-26631110. વિવેક બુદ્ધિ વાપરીને યોગ્ય સમયે ફોન કરવા વિનંતી છે.)

(તસવીરોઃ રમેશ તન્ના)

(પોઝિટિવ મીડિયા માટે આલેખન : રમેશ તન્ના, 9824034475)

TejGujarati