આ વાત ખાસ આજની મોબાઈલ જનરેશન માટે લખી છે. એક આખી પેઢી જેમના માટે સાહિત્ય માત્ર સોશિયલ મીડિયા પૂરતું જ મર્યાદિત રહી ગયું છે.- વૈભવી જોશી.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

(વિશેષ નોંધ : જો તમે ભાષા કે સાહિત્યપ્રેમી છો અને આ સાહિત્યકારને નથી વાંચ્યા તો તમને ભાષા કે સાહિત્યપ્રેમી કહેવું અઘરું થઈ પડે. આ વાત ખાસ આજની મોબાઈલ જનરેશન માટે લખી છે. એક આખી પેઢી જેમના માટે સાહિત્ય માત્ર સોશિયલ મીડિયા પૂરતું જ મર્યાદિત રહી ગયું છે.)

Music creates order out of chaos.” – જેમનો જીવન મંત્ર હતો અને જે પોતે ખૂબ સારાં વાયોલિન વાદક હતાં અને દિવસમાં ઓછામાં ઓછો એક થી દોઢ કલાક જેઓ વાયોલિન વગાડતાં. આટલું વાંચીને જો તમે એમ ધારતાં હો કે આજે હું મ્યુઝિકને લગતી કોઈ હસ્તી વિશે વાત કરવાની છું તો ના, સહેજ પણ નહિ. આજે યાદ કરવાં છે વાયોલિનથી વાંગ્મયમાં પ્રેરણા પામતા એક અદ્વિતીય સાહિત્યકાર વિશે.

એમના વિશે કયું વિશેષણ વાપરવું એ જરા અઘરું તો થઈ જ પડે. એમના વિશે વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક, લોકસાહિત્યકાર, મધ્યકાલીન સાહિત્ય કે આદિવાસી સાહિત્યનાં સર્જક એવા તો કેટકેટલાં વિશેષણ એમનાં માનમાં ખૂટી પડે. એવા લોકવિદ્યાવિદ્દ શ્રી ડૉ. હસુ યાજ્ઞિકને એમની જન્મજયંતિ નિમિત્તે સાદર વંદન જ હોઈ શકે. એમણે સદેહે ભલે વિદાય લીધી હશે પણ એમનાં આશરે ૧૫૦ પુસ્તકોનાં સર્જન થકી ગુજરાતી સાહિત્યમાં સદાયને માટે તેઓ અવિસ્મરણીય જ રહેશે.

ગુજરાતી સાહિત્યનાં ઈતિહાસ પર એક નજર દોડાવીએ તો આશરે બારમાં શતકથી લઈને ઈ.સ.૧૮૫૦ સુધીના સમયગાળામાં જે સર્જન થયું એને ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય’ તરીકે ઓળખવામાં આવે છે અને ત્યાર પછી જે સાહિત્ય રચાયું એ ‘અર્વાચીન ગુજરાતી સાહિત્ય’ તરીકે ઓળખાયું. ગુજરાતી સાહિત્યની વિકાસ રેખાને આગળ વધારવામાં આધુનિક યુગનાં અનેક સર્જકોએ પોતાનો બહુમૂલ્ય ફાળો આપ્યો છે અને એમાંનાં એક સર્જક એટલે શ્રી હસુ યાજ્ઞિક.

ગુજરાતી સાહિત્ય અનેક સ્વરૂપોમાં વિકાસ પામ્યું છે અને એનાં વિવિધ સ્વરૂપોનું વાંચન, મનન અને ચિંતન આટલાં વર્ષોથી કરતી આવી છું અને એમાંય જ્યારથી મેં ડૉ. હસુ યાજ્ઞિકનું સાહિત્ય વાંચવાની શરૂઆત કરી ત્યારથી જીવન પ્રત્યેનાં મારા અભિગમમાં એક અલગ જ દ્રષ્ટિકોણ ઉમેરાયો.

હું એટલી નસીબદાર તો નથી કે આવા અદમ્ય સર્જકને રૂબરૂ મળી શકી પણ જેટલું વાંચન મેં એમનાં સાહિત્યનું કર્યું છે એટલો જ અભ્યાસ અને વાંચન આવી વિરલ પ્રતિભા ઉપર પણ કર્યો છે અને એનાં આધારે એટલું તો ચોક્કસ જાણી શકી કે ડૉ. હસુ યાજ્ઞિક એટલે મળવા જેવા માણસ અને એથીય વિશેષ તો માણવાં જેવા માણસ. વિષય સંદર્ભે સિદ્ધાંતની સાથે ગાયકી, વાદ્ય અને અનુભવ જગત પણ નીતરતું જોવા મળે.

જેમણે પણ ૧૯૮૨થી ૧૯૯૬નાં સમયગાળા દરમ્યાન ગાંધીનગરની ગુજરાતી સાહિત્ય અકાદમીની મુલાકાત લીધી હશે એમણે પેન્ટશર્ટમાં સજ્જ અને જાડા કાચનાં ચશ્માં પહેરેલ એક મજબૂત બાંધાનાં વ્યક્તિને ચોક્કસ મળવાનું થયું હશે. આ વ્યક્તિ આવેલ મુલાકાતીને પોતાની ફાઈલો જોવાનું કે અન્ય કામ બંધ કરી એક જ વેધક નજર નાખી, આછેરું સ્મિત આપી માપી લે. આ માપનારા અધિકારી એટલે ગુજરાતી સાહિત્યનાં મહામાત્ર શ્રી હસુ યાજ્ઞિક.

એમનું આખું નામ તો હસમુખરાય વ્રજલાલ યાજ્ઞિક પણ તેઓ હસુ યાજ્ઞિક નામ વડે વધુ જાણીતા હતાં. એમનો જન્મ આજરોજ એટલે કે ૧૨ ફેબ્રુઆરી, ૧૯૩૮નાં રોજ રાજકોટમાં થયો હતો. એમનાં માતાનું નામ પુષ્પાબહેન અને પિતાનું નામ વ્રજલાલ ગોવિંદલાલ યાજ્ઞિક. પિતા ઉચ્ચકક્ષાનાં અમલદાર અને માતા પણ એટલા જ સંસ્કારી અને ધર્મપરાયણ.

હસુભાઈ ત્રણ ભાઈઓ અને ચાર બહેનો પછી માતા-પિતાનું આઠમું અને છેલ્લું સંતાન. સૌથી નાના બાળક પ્રત્યે આમ પણ માતા-પિતાને સહેજ વિશેષ વ્હાલ હોય. એટલે એમને માતા-પિતાનો વિશેષ પ્રેમ તો મળેલો જ એ સિવાય સવાર પડે એટલે માતાનાં મુખે ભજનો કે પદો ગવાતાં હોય એટલે સ્વાભાવિક રીતે જ એમનાં બાળમાનસ પર એમનાં પિતા અને માતા બંનેની અસર પડેલી. એમાં ભળી એમની પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા, વિશ્વાસ અને પુસ્તકપ્રેમ.

એમનાં પિતાશ્રી વ્રજલાલને ઉચ્ચ હોદ્દા માટે મોરબી જવાનું થયું અને તેઓ ત્યાંનાં સુપ્રિન્ટેન્ડેન્ટ જાહેર કરાયા. એટલે પ્રાથમિકનું અંતિમ અને માધ્યમિકનું પ્રારંભનું શિક્ષણ એમણે મોરબીથી મેળવ્યું. કિશોરાવસ્થા અને યુવાવસ્થાનો સમયગાળો એમણે ધ્રાંગધ્રામાં પસાર કર્યો. ધ્રાંગધ્રામાં એચ.એસ.સી સુધીનો અભ્યાસ કર્યો અને ફસ્ટ કલાસ હોવાં છતાં મેડિકલ એન્જીન્યરીંગને બદલે આર્ટ્સ ની પસંદગી કરી.

એમનાં પિતાની ઈચ્છા હતી કે એમનાં પુત્રો અધ્યાપક બને અને આ કાર્ય હસુભાઈએ ખુબ નિષ્ઠાપૂર્વક પાર પાડયું. ૧૯૬૩થી ૧૯૮૨નાં સમયગાળા દરમ્યાન તેઓ સુરેન્દ્રનગર, વિસનગર, અમદાવાદ અને જામનગરમાં અધ્યાપક તરીકે કાર્યરત રહ્યા. ૧૯૮૧માં એમનાં પિતાજીનાં અવસાનબાદ સંજોગોવશાત્ તેઓ અધ્યાપન કાર્ય છોડીને ૧૯૮૨માં ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગરનાં મહામાત્ર બન્યાં અને લગભગ ૧૯૯૬ સુધી કાર્યરત રહ્યા.

પ્રો.ઉપેન્દ્ર પંડયા, નટુભાઈ રાજપરા, ઈશ્વરપ્રસાદ જોશીપુરા જેવા અધ્યાપકોનાં માર્ગદર્શનમાં ૧૯૬૦માં બી.એ. થયાં અને ૧૯૬૨માં ગુજરાત યુનિવર્સીટીમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષય સાથે પ્રો.અનંતરાય, મનસુખલાલ ઝવેરી, તખ્તસિંહ પરમાર જેવા મહાનુભાવોનાં માર્ગદર્શનમાં એમ.એ.નું શિક્ષણ કાર્ય પૂરું કર્યું. ૧૯૬૪માં એમણે શ્રી હસુમતિ દવે સાથે પ્રભુતામાં પગલાં માંડયાં. ત્યાર બાદ સુપ્રસિધ્ધ ભાષાશાસ્ત્રી શ્રી હરિવલ્લભ ભાયાણીનાં માર્ગદર્શન હેઠળ એમણે મધ્યકાલીન ગુજરાતી પ્રેમ કથાઓનાં પાંચ વર્ષનાં અભ્યાસ બાદ ૧૯૭૨માં પી.એચ.ડી.ની પદવી હાંસલ કરી.

પત્રકારત્વ એ કોઈપણ વ્યક્તિનાં વ્યક્તિત્વની અલગ ઓળખાણ છે. તેઓ ૧૯૬૬ થી લઈને ૨૦૧૦ સુધી પત્રકારત્વ સાથે પણ જોડાયેલા રહ્યા. એમણે સાહિત્યનાં કેટકેટલાં સ્વરૂપોમાં ખેડાણ કર્યું છે એ જાણીને ખરેખર આશ્ચર્ય થાય. તેઓ વર્તમાનપત્રો, સાપ્તાહિકો અને સામાયિકોમાં પણ લખતાં એ સિવાય દેશવિદેશમાં કોલેજ, યુનિવર્સીટી, સેમિનાર જેવા સ્થળોએ વ્યાખ્યાનો અને સંશોધનપત્રો પણ રજુ કર્યા છે. તો વળી બીજી બાજુ સાવ અલગ વ્યક્તિત્વ નજરે ચડે. જેમ સાહિત્યમાં ડોક્ટર એમ સંગીતમાં પણ વિષારદ અને જ્યાં સુધી દિવસમાં ૧-૨ કલાક વાયોલિન ન વગાડે ત્યાં સુધી ચેન ન પડે.

એમની પહેલી નવલકથા ‘દગ્ધા’ ૧૯૬૯માં આવી અને એ પછી એમની નવલકથાની યાત્રા ૧૯૯૯ સુધી વિકાસમાન રહી અને લગભગ ૨૦ જેટલી નવલકથાઓ આપી. જેમાં ‘રાત અધૂરી વાત મધુરી’, ‘હાઈવે પર એક રાત’, ‘ધરા ઉચી’, ‘મુટું હટારી’, ‘બીજી સવારનો સુરજ’, ‘ફેરોન’, ‘સોળ પછી’, ‘પહેરી પતંગિયાની પાંખ’, ‘ખારોપાટ’, ‘ખજૂરો’, ‘નિરા કોસાની’, ‘સ્વપ્ન નદીને સામે તીરે’, ‘ધૂંધરી ક્ષિતિજને પાર’, ‘અરધી ઇમારત’નો સમાવેશ થાય છે.

એમની નવલકથાઓ દ્રારા તત્કાલીન સમાજ, કૌટુંબિક તથા રાજકીય પરિસ્થિતિ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. વિવધતાલક્ષી કથાવસ્તુ, આકર્ષક પાત્રલેખન, સ્થિતિલક્ષી અને સ્થળલક્ષી વર્ણન અને ધારદાર ભાષા શૈલીનાં કારણે એમની નવલકથાઓ ગુજરાતી સાહિત્યમાં અવિસ્મરણીય બની રહી.

એમની ટૂંકી વાર્તાઓમાં ‘દીવાલ પાછળની દુનિયા’, ‘પ્રાચીન કથા ધન-પ્રાકૃતકથાઓ’, ‘એક જુબાનીમાથી’, ‘મનડાંની માયા’, ‘કામ કથા ભાગ ૧-૨’, ‘અનુરાગ કથા’, ‘પછીતનાં પથ્થરો’નો સમાવેશ થાય છે તો બીજી બાજુ ‘શ્રેષ્ઠ ફારસી કથાઓ’, ‘ફણીશ્વરનાથ રેણુની શ્રેષ્ઠ વાર્તાઓ’નાં સંગ્રહ દ્રારા ટૂંકી વાર્તાઓનું મૂલ્યાંકન પણ કર્યું. ‘ચકચાર-એક જેલરની ડાયરી’નાં શીર્ષકથી ‘બી.કાશ્યપ’ ઉપનામથી સત્યકથા ઉપરથી હિન્દીમાં લખેલ વાર્તાઓ બહુ પ્રસિદ્ધ પામી હતી. ‘ત્રાજવાનાં પલ્લાં’ પછી એમણે સત્ય ઘટના પર આધારિત ‘શિયળની કિંમત’ વાર્તા લખી જે ‘ચાંદની’, ‘આરામ’ અને ‘સવિતા’ જેવા સામાયિકોમાં પ્રગટ થતી રહી.

વિવેચન અને સંશોધન ક્ષેત્રે એમનું નોંધનીય પ્રદાન ગણી શકાય. એમાં મધ્યકાલીન ગુજરાતી કથા સાહિત્ય (૭૦૦ વર્ષનાં સાહિત્યનો અભ્યાસ), મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથા, કામકથા, તિબેટની તંત્રસાધના, લોકવિદ્યા પરિચય, શામળ અને પુનઃમુદ્રણનો સમાવેશ થાય છે. એ સિવાય હરિવલ્લ્ભ ભાયાણિ સંપાદિત પારંપારિક ભક્તિગીતો ‘હરી વેણ વાય છે હો વનમાં’ અને ‘ગોકુળમાં ટહુકયા મોર’નું સ્વરાંકન પણ કર્યું. એ સિવાય ‘ફૂટતી પાંખોનો પહેલો ફડફડાટ’ અને ‘કૃષ્ણચરિત’ કાવ્ય સંપાદનો. ‘અભયકુમાર’ નામે બાળસાહિત્ય એવું તો કેટકેટલું ખેડાણ એમણે કર્યું છે.

એમનાં કાર્યકાળ દરમ્યાન એમને કેટકેટલાં સન્માનોથી નવાજવામાં આવ્યાં હશે એની યાદી લખવા બેસું તો અલગથી એક લેખ લખવો પડે. ૧૯૫૪નાં ગાળામાં એમની ‘ત્રાજવાનાં પલ્લાં’ નામની ટૂંકી વાર્તાને રૌપ્યચંદ્રક મળ્યો અને એ પછી સન્માનોની વણથંભી વણઝાર આગળ વહેતી રહી અહીં સુધી કે છેલ્લે ડિસેમ્બર ૨૦૧૯માં ‘કોમલ કોઠારી પુરસ્કાર’ પણ એમને એનાયત કરાયો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા મેઘાણી એવોર્ડ, ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી સન્માન, લંડનનો સ્કાયલાર્ક એવોર્ડ વગેરે વગેરે એવું તો કેટલું લાંબુ લિસ્ટ છે.

ખાસ તો ૨૦૧૧માં ભક્ત કવિ પદ્મશ્રી દુલા ભાયા કાગની ૩૪મી પુણ્યતિથિએ કાગની જન્મભૂમિ કાગધામ ખાતે કાગબાપુ ટ્રસ્ટનાં ઉપક્રમે ચારણી સાહિત્ય, લોકસાહિત્ય અને લોકકલા ક્ષેત્રે યશસ્વી પ્રદાન આપનારી પાંચ વિભૂતિઓને કાગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી અને તેમાંની એક વિભૂતિ એટલે શ્રી હસુ યાજ્ઞિક જેમને પૂજ્ય મોરારીબાપુનાં વરદ્ હસ્તે ‘કાગ’ એવોર્ડ પ્રાપ્ત થયો જે કોઈ પણ લોકસાહિત્યકારની કીર્તિમાં ચાર ચાંદ લગાવી દે.

એમનાં કે એમનાં સાહિત્ય વિશે લખવાનું મારું ગજું તો નહિ જ પણ આ માત્ર એક નમ્ર પ્રયાસ હતો આવનારી પેઢીને આવા ઉચ્ચકક્ષાનાં સાહિત્યકારનાં સર્જન તરફ વાળવાનો. એમની જન્મજયંતિ નિમિત્તે મારાં તરફથી પંચમહાભૂતમાં વિલીન આ વિભૂતિને સાદર વંદન..!!

– વૈભવી જોશી

(સૌજન્ય: એમનાં શિક્ષણ અને પુસ્તકોની વર્ષ સહીત વિગતવાર માહિતી – ‘હસુ યાજ્ઞિક – એક અધ્યયન મહાનિબંધ’, કાજલબેન બુટાણી)

TejGujarati