” વસંતનાં વધામણા” આવી વસંત ઋતુ મસ્તાની.. ! થઈ પવન દિવાની…! નિસર્ગનુ યૌવન એટલે વસંત પંચમી…!- ડો. દક્ષા જોશી. રાજકોટ

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

” વસંત નાં વધામણા”

આવી વસંત ઋતુ મસ્તાની.. !

થઈ પવન દિવાની…!

નિસર્ગનુ યૌવન એટલે

વસંત પંચમી…!

વસંત એ તો સૃષ્ટિનું યૌવન છે અને યૌવન એ જીવનની વસંત છે. વસંત એટલે નિસર્ગનો છલકાતો વૈભવ. વસંત એટલે જીવન ખિલવવાનો ઉત્સવ. વસંતઋતુ એટલે તરુવરોનો શણગાર. વસંત એટલે નવપલ્લવિત થયેલું, ખીલેલું, આમ્રકુંજોની મહોરની માદક સુવાસથી મહેંકી ઊઠેલું ઉલ્લાસ અને પ્રસન્નતાથી છલકાતું નિસર્ગનું વાતાવરણ. અને તેમાંયે કોયલનું મધુર કુંજન પણ મનને આનંદવિભોર બનાવે છે.

વસંત ઋતુ એટલે બધી રીતે સમાનતા. આ દિવસો દરમિયાન કડકડાતી ઠંડી લાગતી નથી કે પરસેવો પાડનારો તાપ પણ હોતો નથી. દરેકને ગમે તેવુ ઋતુ, જીવનમાં વસંત ખીલવવી હોય તો જીવનમાં આવનારાં સુખદુ:ખ, જય-પરાજય, યશ-અપયશ વગેરેમાં સમાનતા રાખતા આવડવી જોઈએ.

પ્રકૃતિનું સૌથી રમણીય રૂપ જોવું હોય તો વસંત પંચમીથી કુદરતને ધ્યાનથી નિહાળવી શરૂ કરો. સોળે કળાએ ખીલી ઊઠેલી પ્રકૃતિ, સૌંદર્યની લહાણ કરતી સૌને આકર્ષે છે. આપણે જેમ ઉત્સવ ઊજવીએ છીએ તેમ પ્રકૃતિ પણ તેનો ઉત્સવ ઊજવે છે અને તે ઉત્સવના વધામણાં આપતો મહા સુદ પાંચમનો દિવસ એટલે વસંત પંચમી. નિસર્ગ સાથે સંકળાયેલો માણસ તેનાથી અલિપ્ત કેમ રહી શકે? તેથી માનવ સમાજ પણ વસંત પંચમીનો ઉત્સવ, ઉલ્લાસ અને ઉમંગથી ઊજવે છે.

પ્રકૃતિએ માણસને ઉત્સવ ઉજવવાની અનેક તકો પોતાની તરફથી પણ આપી છે. મુશળધાર વરસાદમાં તર થઈને ગરમા ગરમ ભજીયા ખાવા કોઈ ઉત્સવથી ઓછુ નથી. જ્યારે કે ઠંડીની ઋતુમાં તાપણીની આજુબાજુ નાચવા જેવી કોઈ મજા બીજી કોઈ નથી. એવી જ રીતે સાધારણ ઠંડી અને કુણા કુણા તાપવાળા કોમ્બિનેશનવાળી ઋતુ એટલે જ વસંત ઋતુ. વસંત ઋતુને થોડી મસ્તી અને થોડા પૂજા પાઠ સાથે ઉજવવાનો રિવાજ છે

કલમ આરાધનાનો દિવસ – આ ઋતુમાં વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની આરાધના કરવાના દિવસના રૂપમાં પણ ઉજવવામાં આવે છે. ઘણા સમાજમાં આ દિવસે દેવી સરસ્વતીની વિધિવત પૂજા કરી તેના જ્ઞાનનો આલોક ફેલાવવાની કામના કરવામાં આવે છે. ખાસ કરીને બંગાળી સમાજમાં આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. એ દિવસે દેવીનુ પૂજન કરી ખુચુરી અને પાએશ (ખિચડી અને ખીર)નો પ્રસાદ બનાવી સૌને વહેંચવામાં આવે છે. મહિલા, પુરૂષ અને બાળકો બધા મળીને સરસ્વતી દેવીની આરાધના કરે છે. અન્ય સમાજમાં ભણતર શરૂ કરવાનો રિવાજ છે. નાના બાળકોને પ્રથમવાર અક્ષર જ્ઞાન આપવા માટે આ દિવસ શુભ ગણવામાં આવે છે. સાહિત્ય અને લેખનથી જોડાયેલ અન્ય લોકો પણ આ દિવસે દેવી સરસ્વતીની આરાધના કરે છે.

વસંત ઋતુ એક વેદકાલીન પર્વ છે. આ દિવસે બ્રાહ્મણો પોતાના બાળકોનો ઉપનયન સંસ્કાર કરી ઋષિ આશ્રમમાં પ્રવેશ આપતા.

શિક્ષણક્ષેત્રે આ દિવસે સરસ્વતી પૂજન કરવામાં આવે છે. બદલાતા સમય સાથે આપણે ટેકનોલોજીની નજીક અને કુદરતથી દૂર થતા જઈ રહ્યા છે. તેવા સમયે કુદરતના રૂપને નિહાળીશું તો ખ્યાલ આવશે કે આપણે કોની અવગણના કરી રહ્યા છીએ અને શું ગુમાવી રહ્યા છીએ.

અસ્તુ.

ડો .દક્ષા જોશી.

રાજકોટ

ગુજરાત.

TejGujarati