Skip to content
ફરી એકવાર સફળ થઇ સુરજની રોજીંદી મહેનત
ફરી એકવાર આજે સાંજ ટાણાની વેળા થઇ.
ફરી એકવાર થાકના દરિયા ખભ્ભેથી ખંખેરીને
ફરી એકવાર સંગાથે સૌ વાળુ કરશે ભેળા થઇ.
ફરી એકવાર પ્રસંગે સૌ મળશે મનગમતા લોકોને
ફરી એકવાર મળીને છુટા પડશે સમૂહના મેળા થઇ.
ફરી એકવાર મન થાય નદીની રેતથી નાહવાનું
ફરી એકવાર ઉજળાં થાય હળેલા તન મેલા થઇ.
ફરી એકવાર એ માસુમની કાલીઘેલી ભાષા સુણી
ફરી એકવાર આંખે દરિયા છલકે હરખઘેલાં થઇ.
ફરી એકવાર મુશાયરામાં થાય અદભૂત શેરની પેશકશ
ફરી એકવાર થાય, વાહ દાદ આપી દઈએ પહેલા થઇ.
પૂજન મજમુદાર