જીવની સ્થિતિ જેટલી વિકસિત દુઃખની અનુભૂતિ એટલી વધુ. – શિલ્પા શાહ, ડિરેક્ટર ઇન્ચાર્જ HKBBA કોલેજ.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

ધર્મગ્રંથો અનુસાર કુલ ચાર પ્રકારની યોની અસ્તિત્વ ધરાવે છે જેમાં જીવ તેના કર્મો પ્રમાણે ૮૪ લાખ ફેરા ફરે છે. આ ચાર યોનીમાં મુખ્યત્વે ૧) દેવીયોની ૨) મનુષ્યયોની ૩) તિર્યંચયોની ૪) નારકીયોનીનો સમાવેશ થાય છે. દેવયોની સુખસગવડ અને સાહિબી ભોગવવાની વ્યવસ્થા છે, જ્યાં સ્વર્ગનું સુખ મળે અને અવિરત આનંદ અનુભવાય. મનુષ્યયોની કે જ્યાં સુખ અને દુઃખ બંનેનો અહેસાસ સતત સાથે જ ચાલ્યા કરે, સુખ-દુઃખનું ચક્ર જીવનપર્યંત ચાલુ રહે, સુખમાંથી દુઃખ અને દુઃખમાંથી સુખ આવ્યા જ કરે. મુખ્ય ચાર પ્રકારની યોનીમાં પ્રથમ બે વિકસિત યોની તરીકે ઓળખાય છે જ્યારે ત્રીજી અને ચોથી યોની અવિકસિત કે ઓછી વિકસિત યોનિ ગણાય છે, જેમાં સ્થૂળ રીતે દુઃખદર્દની માત્રા પ્રથમ બે કરતા વધુ હોય છે. તિર્યંચયોની એટલે પશુ-પક્ષી વગેરે અને નારકીયોનિ કે જેમાં નર્કની પીડા સહન કરવી પડે. વૃક્ષો કે વનસ્પતિને શાસ્ત્રોમાં નારકીયોની કે પાપીયોની તરીકે ઓળખે છે.

વિકાસની દ્રષ્ટિએ ઉત્તમ દેવીયોની પરંતુ તેમાં દુઃખનું અસ્તિત્વ જ ન હોવાને કારણે પીડા ભોગવવાની દ્રષ્ટિએ જો તે યોનીને ધ્યાન પર ન લઈએ તો બાકીની ત્રણ યોનિમાં અતિશય પીડા કે દુઃખ-દર્દ નારકી યોનિમાં જોવા મળે પરંતુ તે યોનિમાં મનની સ્થિતિ વિકસિત ન હોવાને કારણે તેમાં દુઃખનો અહેસાસ ખૂબ ઓછો રહે જેમ કે વૃક્ષને દરેક સિઝનનો માર ખાવો પડે. ગરમી, ઠંડી, વરસાદ-વાવાઝોડું તે પોતાના રક્ષણ માટે પશુ-પક્ષી કે મનુષ્ય જેવી કોઈ વ્યવસ્થા ન કરી શકે અથવા તકલીફોથી ભાગી પણ ન શકે, પોતાનું સ્થાન બદલી પણ ન શકે. મનુષ્ય ગરમીથી બચવા એસીનો ઉપયોગ કરી શકે, ઠંડીથી બચવા ગરમ કપડાં તાપણું તેમજ વરસાદથી બચવા મજબૂત અને સુરક્ષિત ઘરની વ્યવસ્થા કરી શકે. તે જ રીતે પશુ-પક્ષી પણ ગરમી, ઠંડી, વરસાદથી બચવા ક્યાંક ખૂણા-ખાચરામાં શેડ નીચે જઈ શકે, જે કાર્ય વનસ્પતિ કે વૃક્ષો કરી શકે નહીં એ દૃષ્ટિએ તેને વધુ સહન કરવું પડે. આમ નારકીયોની અતિ અવિકસિત તેના કરતાં વધુ વિકસિત તિર્યંચયોની અને એથી વધુ વિકસિત મનુષ્યોયોની.

પ્રાકૃતિક રીતે વિકસિત સ્થિતિ નક્કી કરતા પરિબળો એટલે ઈન્દ્રિયો અને મન. તમામ જીવોને ઇન્દ્રિયો અનુસાર વહેંચવામાં કે જુદા પાડવામાં આવે તો પાંચ પ્રકારના જીવોની કેટેગરી જોવા મળે છે ૧) એકેન્દ્રિય જીવ એટલે માત્ર શરીરધારી સ્થાવર જીવ જેમ કે વનસ્પતિ કે વૃક્ષો ૨) બેઇન્દ્રિયજીવ કે જેમાં પોરા,કરમિયા,ઈયળનો સમાવેશ થાય જેને શરીર અને જીભ બે હોય ૩) તેઇન્દ્રિયજીવ કે જેમને શરીર, જીભ અને નાક હોય જેમાં જુ,લીખ,માંકડ,ચાંચડ વગેરેનો સમાવેશ થાય ૪) ચારઇન્દ્રિયજીવ કે જેમને શરીર,જીભ, નાક અને આંખ હોય જેમાં માંખી, મચ્છર, ભમરા, પતંગિયાનો સમાવેશ થાય અને પંચેન્દ્રિય એટલે પાંચઇન્દ્રિયવાળો જીવ જેમાં પશુ-પક્ષી, મનુષ્ય અને દેવનો સમાવેશ થાય. પ્રાકૃતિક રીતે તે સૌથી વિકસિત કહેવાય અને એમાં પણ જેની પાસે મન છે તે વિકાસની ચરમસીમાએ કહેવાય અથવા તે વિકસિત સ્થિતિની અતિ ઉચ્ચ અવસ્થા કહેવાય. તિર્યંચયોની એટલે પશુ-પક્ષી જેમને પણ પાંચ ઇન્દ્રિયો પ્રાપ્ય છે પરંતુ તેનું મન મનુષ્ય જેટલુ વિકસિત નથી જ્યારે મનુષ્યમાં પાંચ ઇન્દ્રિયો સાથે અતિ વિકસિત મન પણ છે જેના કારણે મનુષ્યયોનિ અતિ વિશેષ વિકસિત અને ઉત્તમ ગણવામાં આવે છે અને મળેલ વિકસિત મનનો જે મનુષ્ય ઉત્તમ કલ્યાણકારી અને મંગલમય ઉપયોગ કરે તે અવતાર કે મહામાનવ બની શકે છે તેમ જ દેવીઓની સુધી પહોંચી શકે છે.

દેવયોનિમાં પીડા કે દુઃખ-દર્દની ગેરહાજરી હોવાને કારણે જીવનમાં ઉતાર-ચઢાવ સહન કરવાની દૃષ્ટિએ કે દુઃખ ભોગવવાની દ્રષ્ટિએ પ્રથમ ત્રણ યોની એટલે કે નર્કયોની તિર્યંચયોની અને મનુષ્યયોની વધુ મહત્વની બને છે. સ્થૂળ દૃષ્ટિએ સૌથી વધુ દુઃખ નારકીયોની અને તિર્યંચયોનીમા હોવા છતાં તેમનું મન એટલું વિકસિત ન હોવાને કારણે દુઃખ-દર્દનો અહેસાસ તેઓમાં મનુષ્ય કરતાં ઘણો ઓછો જોવા મળે છે. એક વૃક્ષને કોઈ કુહાડીથી કાપે અને મનુષ્ય પર ચપ્પુ કે તલવારના ઘા થાય તો પીડાની અનુભૂતિની દ્રષ્ટિએ બંનેમાં આસમાન-જમીનનો ફર્ક રહે. અનુભૂતિ કે સુખ-દુઃખનો અહેસાસ મનુષ્યયોનીમાં સૌથી વધુ જોવા મળે છે. એ દ્રષ્ટિએ સૌથી પીડાદાયક યોની મનુષ્યયોની કહેવાય. મનના વિકાસની દ્રષ્ટિએ આ યોની સૌથી વધુ વિકસિત પરંતુ સૌથી વધુ પીડાદાયક. મનુષ્ય સિવાય દરેક જીવને માત્ર શારીરિક દુઃખ ભોગવવા પડે જ્યારે મનુષ્યને તો શારીરિક, માનસિક અને આત્મિક દુઃખો પણ ભોગવવા પડે. કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, અહંકાર, ઈર્ષા વગેરેને કારણે સર્જાતી સમસ્યાઓ, મુશ્કેલીઓ કે દુખો અન્ય કોઈ જીવોને ભોગવવા પડતા નથી. આમ મનુષ્યયોની સૌથી યુનિક, વિકસિત, ભિન્ન અને અજીબ છે. ચેતનાના બે આયામ છે, અ) સ્વચેતના અને બ) સ્વઅચેતના. માણસ ત્યારે માણસ બને છે જ્યારે સ્વચેતનામાં આવે છે. માણસની ચિંતા એ છે કે તેનો એક ભાગ સ્વચેતન થઈ ગયો છે પરંતુ બાકીનો અચેતન પડ્યો છે. જેથી તે દુઃખી અને બેચેન છે. પશુ બેચેન નથી, તે આત્મહત્યા નથી કરતો કારણ કે એનું કશું જ ચેતન થયેલું નથી. જ્યારે માણસનો એક ભાગ ચેતન થઈ ચૂક્યો છે જેના કારણે પીડા છે. જો મનુષ્ય પૂરો ચેતન થઈ જાય, મન પૂરેપૂરું જાગી જાય તો દુઃખની પુર્ણાહુતી થાય કેમ કે સંપૂર્ણ ચેતના સાથે તે પરમ જ્ઞાનની અવસ્થાને પામે જેને શાસ્ત્રો મોક્ષ કહે છે.

સાચી સમજણ સાથે મનુષ્યયોની દ્વારા દેવયોનિ જેવું ઉચ્ચ સ્થાન જેને ધર્મ પરમપદ કહે છે તેની પ્રાપ્તિ પણ શક્ય છે અને યથાર્થ સમજણ, જ્ઞાન, સદગુણો અને સદાચારના અભાવમાં નારકીયોનીથી પણ વિશેષ પીડાઓ ભોગવવી પડી શકે છે એ આપણા પર છે કે આપણે કયા માર્ગને પસંદ કરીએ છીએ. કેમ કે પીડાનો અહેસાસ જેટલો વધુ તેટલું દુઃખ વધારે અને મનુષ્ય મન તમામ જીવોમાં સૌથી વધુ વિકસિત સ્થિતિમાં હોવા ઉપરાંત થોડા અજ્ઞાનની સ્થિતિમાં હોવાને કારણે દુઃખની અનુભૂતિ સવિશેષ રહે છે. ઉપરાંત મનુષ્યયોનીમાં વ્યક્તિગત જાગૃતતા અને સજાગતા અનુસાર તેની પીડાનું સ્તર નક્કી થતું હોય છે. કદાચ તમે વર્તમાનપત્રમાં વાંચ્યું હશે કે આજે પણ અમુક પછાત વિસ્તારોમાં જંગલોમાં જ્યાં સ્ત્રીઓ તાડીમાંથી દારૂ બનાવી તેના વેપાર દ્વારા આજીવિકા ચલાવે છે ત્યાં દારૂ ખરીદનાર અને પીનાર પુરુષ દારૂ વેચનાર સ્ત્રી પર બળાત્કાર કરે છે અને સ્ત્રીઓ તે ચુપચાપ સહન કરે છે. એક જર્નાલિસ્ટ દ્વારા લીધેલા ઇન્ટરવ્યૂમાં પછાત અને અજાગૃત સ્ત્રીઓને કહ્યું કે એમાં શું થયું એ લોકોને દારૂ પીધા પછી ભાન નથી રહેતું તે શું કરે છે અને અમારો તો આ ધંધો છે એટલે અમે બીજું કરી પણ શું શકીએ. આમ તેમના મતે આ બધું ખૂબ જ સ્વાભાવિક અને સહજ છે અને આને શોષણ કહેવાય દુઃખ કહેવાય અયોગ્ય કહેવાય એવી કોઈ જાગૃતતા કે અવેરનેસ તેમનામાં હજુ સુધી વિકસી શકી નથી. પરંતુ જેનામાં સમજણ છે અવેરનેસ છે તેના માટે આ પીડા અસહ્ય બની શકે છે. આમ તકલીફ કે દુઃખ તો સમાન જ છે પરંતુ તેનો અહેસાસ કે અનુભૂતિ મુશ્કેલીને ઓછી કે વધુ પીડાદાયક બનાવે છે. એ દૃષ્ટિએ માનવયોનીમાં વિશેષ અવેરનેસ, મનની વિકસિત સ્થિતિને કારણે દુઃખની અનુભૂતિ વધુ રહે છે જે મનુષ્યજીવનને વ્યથિત, અશાંત અને તણાવયુક્ત બનાવે છે.

વર્ષો પહેલા કૌટુંબિકહિંસાને સહજ રીતે સ્વીકારી લેવામાં આવતું હતું. સ્ત્રીઓની નબળી સ્થિતિ, શિક્ષણનું નબળું સ્તર, આર્થિક નિર્ભરતા (ડિપેન્ડન્સી) વગેરેને કારણે તેના પર શારીરિક કે માનસિક ત્રાસ ગુજારવામાં આવે તો તે સરળતાથી સહન કરી લેતી. વળી તેમાં ખાસ અજુગતું કે અયોગ્ય તેને લાગતું પણ નહીં. એ તો એમ જ માનતી કે પતિ છે એટલે ગુસ્સો કરવાનો અને મારવાનો તેને હક છે, એ જ રીતે સાસુ-સસરા તો આવા જ હોય વગેરે વગેરે તકલીફો સહજતાથી સ્વીકારાતી. અવેરનેસનો અભાવ તેના દુઃખને અસહ્ય બનાવતો નહી પરંતુ આજના શિક્ષિત સમાજમાં કે જ્યાં સ્ત્રી સશક્તિકરણ વિશેષ જોવા મળે છે ત્યાં નાની એવી વાત માટે પણ સ્ત્રીઓ કોર્ટમાં કેસ કરે છે કેમ કે તે નાનો એવો અન્યાય પણ તે સહન કરી શકતી નથી. તે એટલી વિકસિત સ્થિતિમાં છે કે નાની-મોટી તકલીફ કે મુશ્કેલી કે કુટુંબના સભ્યોનું અયોગ્ય વર્તન તેને અસ્વીકાર્ય કે અયોગ્ય લાગતું હોય છે. આજની આધુનિક સ્ત્રીઓના સમાનતાના ધોરણો એટલા વિકસિત થઇ ચુક્યા છે કે તેમના પ્રશ્નો અને દુઃખો ચરમસીમાએ જોવા મળે છે. તેની પાછળ સૌથી મહત્વનું કારણ તેમની વિકસિત સ્થિતિ છે. મનની વિકસિત સ્થિતિ અને દુઃખને સીધો સંબંધ છે. જેટલી સ્થિતિ વિકસિત એટલે દુઃખની અનુભૂતિ વધુ. એટલા માટે માત્ર ને માત્ર મનુષ્ય યોનીમાં ધર્મ, આધ્યાત્મિકતા, સત્સંગ, સમજણ, જ્ઞાન, સદાચરણ, સત્કર્મો વગેરેની ખૂબ આવશ્યકતા રહેતી હોય છે. બીજી કોઈ યોનિમાં આ તમામની જરૂરિયાત નથી કેમકે અતિશય વિકસિત સ્થિતિ અને સંપૂર્ણ અવેરનેસની પરિસ્થિતિમાં જો સમાજના દરેક વ્યક્તિનું વાણી-વર્તન અને વિચાર ઉત્તમ, નિસ્વાર્થ, મંગળકારી અને કલ્યાણકારી ન હોય તો દુઃખોની માત્રા અહેસાસની હાઈટને કારણે ખૂબ વધી જતી હોય છે અને જીવવું લગભગ અશક્ય બની જાય છે. જે આજે માનવ સમાજમાં ઘરે ઘરે જોવા મળે છે. કારણ માત્ર એટલું જ છે કે અવેરનેસ, શિક્ષણ, સમજણ અને વિકાસ ખૂબ વધ્યા છે.

મનનો વિકાસ તો ચરમસીમાએ પહોંચ્યો છે પરંતુ તેનો નૈતિક અને મંગળકારી ઉપયોગ ન હોવાને કારણે દરેક મનુષ્ય બીજા મનુષ્ય માટે અવરોધરૂપ અને પીડાદાયક બની રહ્યો છે. દુઃખોના સામ્રાજ્યમાંથી બચવા માટે બે જ રસ્તા છે ૧) વિકાસ કે જાગૃતતાને અટકાવી પડે જેથી દુઃખ હોવા છતાં દુઃખની અનુભૂતિ કે અહેસાસ ખતમ થઇ જાય. પરંતુ તે એક નકારાત્મક પગલું છે જે સલાહ્ભારેલું નથી. કારણ કે વિકાસ તો જીવ માત્રનો હક છે. વળી હવે વિકાસને અટકાવવો એટલે લાઈફમાં રિવર્સ ગિયર લેવા જેવી વાત છે. અથવા ૨) દરેકે ઉત્તમ કલ્યાણકારી આચરણ શરૂ કરવું પડે. વિકાસની સાથે જો જીવનમાં સાચી સમજણ અને નૈતિકમૂલ્યો પેદા કરવામાં આવે તો વિકસિત સ્થિતિનો આનંદ ભોગવવાની સાથે દુઃખની માત્રાને લગભગ નહીંવત્ કરી શકાય. મન અને ઇન્દ્રિયોનો ઉત્તમ, નિસ્વાર્થ કલ્યાણકારી ઉપયોગ અનિવાર્ય છે એ સિવાય પીડામાંથી છુટવાનો હવે બીજો કોઈ રસ્તો દેખાતો નથી કેમ કે યુગોના પરિશ્રમ પછી જયારે વિકાસની ચરમસીમાની પ્રાપ્તિ થઇ છે અને મનુષ્યયોની મળી છે તો સાચી સમજણ અને સદાચરણ દ્વારા પરમપદની પ્રાપ્તિ કે દુઃખમુક્તિનો માર્ગ શોધી લેવો જોઈએ. નહીં તો ફરી પાછા નારકીયોની કે તિર્યંચયોનીના ચક્રો ફરવા પડે તેવી શક્યતા ખરી.

ટૂંકમાં જીવની સ્થિતિ જેટલી વિકસિત એટલી પીડા કે દુઃખની અનુભૂતિ વધુ. વિકાસ અને દુઃખ એક સિક્કાની બે બાજુ જેવા છે એકની પ્રાપ્તિ સાથે બીજાની પ્રાપ્તિ આપોઆપ થઈ જાય છે. એટલા માટે મનુષ્યયોની પાસે જ્ઞાનપ્રાપ્તિ, સત્કર્મો, સદાચરણ અને નૈતિકતાપૂર્ણ જીવન જેવી વિશેષ અપેક્ષા રાખવામાં આવે છે. કેમકે તે વગર તેની વ્યકતિગત સુખ-શાંતિ પણ જોખમમાં છે. તો આવો વિશેષ સમજણ સાથે દુઃખની અનુભૂતિ વગર મનુષ્યયોનિ જેવી વિકસિત સ્થિતિનો આનંદ લઈએ અને નૈતિક પ્રયત્નો દ્વારા માનવમાંથી મહામાનવ બનીએ.

TejGujarati