પ્રેમ અવ્યાખ્યાયિત અનિર્વચનીય છે. ન શસ્ત્ર,ન શાસ્ત્ર,ન વ્યાખ્યા,ન ટીકા,ન ગ્રંથથી,જગત જ્યારે પણ સુધરશે માત્રને માત્ર મહોબ્બતથી-પ્રેમથી જ સુધરશે. રામચરિતમાનસ અલમારીઓનો નહિ,અલગારીઓનો ગ્રંથ છે

ધાર્મિક

 

સાતમા દિવસની કથા પ્રારંભે એક જિજ્ઞાસા હતી કે પ્રેમની ચર્ચા વ્યાસપીઠ પરથી થઇ રહી છે એ શું છે? શું પ્રયાસો અને સાધનોથી પ્રેમ બદલી શકાય?અને સાર્વજનિક કરી શકાય કે નહીં?બાપુએ કહ્યું કે સામાન્ય રીતે તો બે વ્યક્તિ વચ્ચે જે લગાવ-ખેંચાણ છે એને આપણે પ્રેમ કહીએ છીએ.આપણે ત્યાં ત્રણ-ત્રણ શબ્દોના ઘણા ત્રેખડ આવ્યા છે.જેમ કે: ધ્યાન,ધ્યાતા અને ધ્યેય.એ જ રીતે સાધના,સાધન અને સાધ્ય.સાધના કરનાર સાધક સાધનાથી જે પ્રાપ્ત કરે એ સાધ્ય.એ જ રીતે જ્ઞાન,જ્ઞેય,અને જ્ઞાતા. આ બધી જ ધર્મ ધારાઓમાં ઉતર્યું છે.બૌધ્ધમાં પણ આવ્યું જૈનમાં પણ આવ્યું છે.પરંતુ ગીરા અનયન, નયન બિનુ બાની… પ્રેમની વ્યાખ્યા થઈ શકતી નથી, આ અવ્યાખ્યાયિત છે,અનિર્વચનીય છે.પ્રેમી,પ્રેમિકા અને પ્રેમ વચ્ચે છે એ સાધન છે.પ્રેમી પણ ચાલ્યો જાય પ્રિયતમ પણ ન રહે,વચ્ચે રહે એ પ્રેમ છે.આઇ લવ યુ કહેનાર આઇ અને યુ કાઢી નાંખે ત્યારે માત્ર પ્રેમ રહે છે.પ્રેમનું કોઈ ચિત્ર બની શકતું નથી.પ્રેમમાં પહેલા બે હોવું જોઈએ.ગુરુ અને આશ્રિત.આ લગાવ ક્યારેક-ક્યારેક લગાન બની જાય છે.છતાં પણ પાત્ર તો જોઇશે જ!બાપુએ કહ્યું કે આજે સાહસી અર્થ કરી રહ્યો છું,બધા એને પચાવી પણ નહી શકે અને અન્યથા અર્થ પણ લઈ લેશે.સંસ્કૃત ભાષામાં સંસદનો અર્થ ભીડ થાય છે.પરંતુ આ શબ્દ આજે કેટલો અસંસ્કૃત બની ગયો છે! સંસદથી જેને અરતિ છે.ભગવાન રામને જાનકીજી ક્યાં દેખાયા હતા?લતામંડપ પુષ્પવાટિકામાં.તો પ્રેમ આયુષ્ય કે ઉંમરનો મોહતાજ નથી.ત્રણસો-ચારસો વર્ષ પહેલાં લલ્લેશ્વરી દેવી કાશ્મીરમાં દિગંબર ઘૂમતી હતી અને કહેતી કે આપની આંખો શિકારી છે એને પૂજારી બનાવો!અને સિદ્ધમૌલા તેના ગુરુ હતા,મુસ્લિમ બાઈ હતી.એ કહેતી કે આકાશ મારું ઓઢણું છે અને ધરતી મારું પાથરણું છે.૪૦-૪૫ વર્ષમાં બધું જ મેળવી લીધું.બાપુએ કહ્યું કે:જો કાયા કષ્ટ નહિ દેવૈ,ન સંસાર છોડાવૈ,સો ગુરુ સત્ય કહાવૈ.

લલ્લેશ્વરી જોગણ હતી પરંતુ કહેવાય છે કે લગ્ન કરવાથી સ્વતંત્રતા,સન્માન અને સ્નેહ બંનેમાંથી ચાલ્યા જાય છે.કાશ્મીરમાં દુકાળ પડ્યો અને ભૂખ માણસને મારી દે છે.એ વખતે લલ્લેશ્વરી કહેતી કે હું મને પોતાને ખાઈ રહી છું,હું મારી ઉંમર,મારા શ્વાસ ખાઇ રહી છું.પ્રેમીઓની અસ્મિતા ખતમ થઇ જાય છે.કોઈ સ્મારક બચતું નથી.આથી ધ્યાન કરનાર ગયો,ધ્યેય ગયું વચ્ચે માત્ર ધ્યાન રહ્યું. પ્રેમી ગયો પ્રિયતમ ગઇ માત્ર પ્રેમ વધે,અને સાધ્ય પણ ગયું,સાધના પણ ગઈ માત્ર સાધન વધે છે.આથી જ ન શસ્ત્ર,ન શાસ્ત્ર,ન વ્યાખ્યા,ન ટીકા,ન ગ્રંથથી,જગત જ્યારે પણ સુધરશે માત્રને માત્ર મહોબ્બતથી-પ્રેમથી જ સુધરશે.આથી લગાનને ગાળો ન દો.

ગુણના સાગરનું મંથન કરવાથી હિંમત અને ધૈર્ય જેવાં રત્નો નીકળે છે.એ જ રીતે કરુણાના સાગરના મંથનથી મારો અનુભવ છે કે પહેલું અમૃત એકાગ્રતા નામનું નીકળે છે.મારું મન શા માટે ભટકે?બીજું અમૃત અનન્યતા-અન્ય કોઈ દેખાય જ નહીં અને ત્રીજું અમૃત અમૂલ્યતા.સાથે-સાથે આરોગ્ય સારું થવા લાગે છે,આયુષ્ય વધે છે અને જીવવાનો આનંદ આવે છે,શાંતરસ મળે છે.

કથા પ્રવાહમાં નામકરણ સંસ્કારમાં કહેવાયું રામ આદિ પણ છે અને અનાદિ પણ છે કારણ કે દશરથના ઘરે રામનું પ્રાગટ્ય થયું અને વશિષ્ઠજીએ નામ આપ્યું એ પહેલા પણ રામ નામ હતું જ, શંકર જે નામનો જપ કરતા હતા.આથી જ રામચરિતમાનસ અલમારીઓનો નહિ,અલગારીઓનો ગ્રંથ છે.નામકરણ બાદ વિશ્વામિત્ર રામને લેવા માટે આવે છે અને કહ્યું કે ત્રણ યજ્ઞ બાકી છે:એક મારો યજ્ઞ,બીજો અહલ્યાનો પ્રતિક્ષાનો યજ્ઞ અને ત્રીજો જનકપુરમાં ધનુષ યજ્ઞ.

TejGujarati