આગામી ચૂંટણીઓના પગલે વડોદરા મ્યુ. કોર્પોરેશનનું ૩૮૩૩.૪૯ કરોડનું કર દર વિનાનું બજેટ

ભારત સમાચાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું આગમી વર્ષ ૨૦૨૨-૨૩નું રૂપિયા ૩૮૩૩.૪૯ કરોડનું કર દર વિનાનું બજેટ આજે મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલે સ્થાયી સમિતિમાં રજૂ કર્યુ હતુ. જેમાં અંદાજે રૂપિયા ૧૩૨૫ કરોડના વિવિધ નવા વિકાસના કામો પણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
મ્યુનિ. કમિશ્નર શાલિની અગ્રવાલે રજૂ કરેલી બજેટ અંગે જણાવ્યુ હતુ, વડોદરા શહેરમાં વધતાં જતાં એર પોલ્યુશન ઉપર અંકુશ મેળવવા માટે પાંચ સ્થળ ઉપર એર મોનીટરીંગ સ્ટેશન સ્થાપવામાં આવશે. વિશ્વામિત્રી નદીમાં જતું મલીન જળ અટકાવવા અને શુધ્ધીકરણ માટે આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત નવિન એસટીપી અને એપીએસ બનાવવાની તેમજ ડ્રેનેજ લાઇનના રીસ્ટોરેશન કરવા તથા નદીની સફાઇ કરવાની કામગીરી કરાશે. જેમાં માટે કેન્દ્ર સરકારની એનઆરસીપી યોજના અંતર્ગત સહાય મેળવીને લગભગ રૂપિયા ૫૫૧ કરોડનો ખર્ચ કરાશે. આ ઉપરાંત શહેરમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં વધારો થતો હોવાનું ધ્યાનમાં રાખીને ચાર સ્થળે ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીના સહયોગથી ઇલેક્ટ્રિક વાહન ચાર્જીગ સ્ટેશન પણ સ્થાપવામાં આવશે.
તેમણે ઉમેર્યુ હતુ કે, ફાયર એનઓસી લોકોને સરળતાથી મળી રહે તેના માટે ઓનલાઇન એપ્લિકેશન સિસ્ટમ ડેવલપ કરવામાં આવશે. વેમાલી અને બદામડી બાગ નવિન ફાયર સ્ટેશનની સાથે સાથે ફાયર બ્રિગેડ માટે વિવિધ વાહનો તથા વોટર બ્રાઉઝર, ફાયર પંપ તથા વિવિદ સાધનો ખરીદવાની કામગીરી કરવામાં આવશે. વડોદરામાં બની રહેલ હાઇરાઇઝ ઇમારતોમાં સુરક્ષાની દ્રષ્ટિએ અને અકસ્માત વખતે તુર્ત સેવાઆપી શકાય તે માટે વુડાની સહાયથી ૮૧ મીટર હાઇડ્રોલીક એલીવેટેડ પ્લેટફોર્મ વસાવવા અંગેની કાર્યવાહી પણ હાથ પર છે.
શહેરના ભવ્ય વારસાની જાળવણીના મામલે તેમણે જણાવ્યુ હતુ કે, શહેરના ઇતિહાસને ધ્યાનમાં રાખીને ચાર દરવાજા વિસ્તારમાં આવેલી પોળોના ઇતિહાસ સાથેની તક્તિઓ લગાવવામાં આવશે, આ ઉપરાંત ૨૦૦૦ કિલોવોલ્ટની ક્ષમતાનો પાણી પર તરતો સોલાર પાવર પ્લાન્ટ આજવા સરોવર ખાતે બનાવવામાં આવશે. પાણી ડ્રેનેજ રસ્તા માટે ઓનલાઇન એપ્લિકેશન, અતિથિગૃહ, ટાઉન હોલ, પ્રાણી સંગ્રહાલય, સ્વિમિંગ પૂલ, સિટીઝન સેન્ટ્રિક સર્વિસ ઓનલાઇન તૈયાર કરવામાં આવશે.
તેઓઅએ વધુમાં જણાવ્યુ હતુ કે, વડોદરા શહેરમાં ૧૦ થીમ બેઇઝડ પાર્ક અને ચિલ્ડ્રન પાર્ક વિકસાવવામાં આવશે. રાવપુરા વિસ્તારમાં આવેલ તાંબેકર વાડા ખાતેની ઐતિહાસીક ઇમારતનું રિનોવેશન કરી પેઇન્ટીંગ મ્યુઝિયમ બનાવવામાં આવશે. આ ઉપરાંત બદામડી બાગ ખાતે નવીન આર્ટ ગેલેરી બનાવવાનું પણ આયોજન છે. કલા-કૌશલ અને સંસ્કારી નગરીના આગવી ઓળખ જાળવી રાખવા વિવિધ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિવિધતામાં એકતા અંગેની ઝાંખી દર્શાવતો કલ્ચર અને બાયો ડાયવર્સીટી પાર્ક પણ કારેલીબાગ – ગોવિંદનગર ખાતે વિકસાવવામાં આવશે. જેમાં સાસ્કૃતિક અને જૈવ વિવિધતા પણ સમાવેશ કરવામાં આવશે.
આગામી વર્ષ દરમિયાન વડોદરામાં ૨૧૨ જેટલા નવિન કામ હાથ ધરાશે તેવો સંકેત આપતાં તેઓએ ઉમેર્યુ હતુ કે, જે અંતર્ગત રસ્તા અને પુલોના નવિન આયોજનમાં સુશેન ચાર રસ્તાથી જાંબુવા સુધીનો રસ્તો રીસરફેસીંગ કરવામાં આવશે. સનફાર્મા ચાર રસ્તા થી તાંદલજા કિસ્મત ચાર રસ્તા થઇ અર્ટીકા સુધીનો વાસણઆ ભાયલી રોડને જોડતો ત્રીસ મીટરનો રસ્તો વાઇડનીંગ કરી કાર્પેટ એ.સી. સીલકોટ કરવા અંગેનું કામ પણ હાથ પર લેવામાં આવશે. પરિવાર ચાર રસ્તાથી શાસ્ત્રી બાગ સુધીનો રસ્તો ૨૭ મીટરનો રસ્તો રીસરફેશીંગ કરવામાં આવશે. ગોત્રી-સેવાસી કેનાલ થી ગોત્રી તળાવ થઇ યશ કોમ્પ્લેક્ષ સુધીનો રસ્તો રીસરફેસીંગ કરવામાં આવશે.

TejGujarati