બીએસએફ દ્વારા ઓડિશામાં બોટ એમ્બ્યુલન્સ સર્વિસ શરૂ કરવામાં આવી

ભારત સમાચાર

દેશમાં એવા ઘણા સ્થળ છે જ્યાં પૂરતી સુવિધાઓના અભાવે ઈમરજન્સીના સમયે મેડિકલ સેવાઓ પહોંચી શકતી નથી અને આ કારણે અનેક લોકોને તેમનો જીવ ગુમાવવો પડે છે. લોકોની જિંદગી બચાવવાના આવા જ એક પ્રયોગના ભાગ રૂપે ઓડિશા સ્થિત બોર્ડર સિક્યુરિટી ફોર્સના જાનબાઈ કેમ્પ દ્વારા બોટ એમ્બ્યુલન્સ શરુ કરવામાં આવી છે.
સીમા સુરક્ષા દળે બુધવારે શરુ કરેલી આ એમ્બ્યુલન્સથી ઓડિશાના સ્વાભિમાન આંચલના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોને તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ બોટ એમ્બ્યુલન્સમાં અનુભવી ડોક્ટર અને મેડિકલ સ્ટાફ રાખવામાં આવ્યો છે. તેની સાથે જ ઓક્સિજન સપોર્ટ સિસ્ટમ અને ઈમરજન્સી દવાઓનો જથ્થો પણ રાખવામાં આવ્યો છે.
73મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે શરુ કરાયેલ આ અનોખી સર્વિસ અંગે બોર્ડર સિક્યુરિટી ફોર્સના અધિકારીઓનું માનવું છે કે, ‘અહીં પછાત વિસ્તારમાં રહેતા લગભગ 30,000 થી વધુ રહેવાસીઓ માટે આ સર્વિસ એક આશીર્વાદ સ્વરૂપ બની રહેશે અને નદી કિનારે રહેતા અનેક પરિવાર તેનો લાભ લઈ શકશે અને તેમને ઈમરજન્સી સમયે ઝડપી સારવાર મળી રહેશે.’

TejGujarati