દૈનિક સંસ્કારી જીવન કેવું હોય? શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

દિવસ અને જીવનને દિવ્ય બનાવતી અનેક સંસ્કારી અને ધાર્મિક ક્રિયાઓ હિંદુધર્મમા દર્શાવવામાં આવી છે જે અનુસાર જીવન જીવવું આધ્યાત્મિક દ્રષ્ટિએ જ નહીં વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ખૂબ અગત્યનું છે. જીવનપર્યંત ધર્મશાસ્ત્રોની આજ્ઞા અનુસાર જીવનાર, સવારથી રાત સુધી ચોક્કસ પ્રકારની દૈનિક ક્રિયાઓ આચારધર્મ અંતર્ગત કરનાર, ઈશ્વર આજ્ઞાનું પાલન કરનાર અને પ્રભુ આદેશ અનુસાર જીવન જીવનાર વ્યક્તિને સાચી સંસ્કારી ધાર્મિક આધ્યાત્મિક અને જ્ઞાની વ્યક્તિ કહી શકાય. સમગ્ર દૈનિકજીવન જ્યારે સંસ્કારોથી ઠસોઠસ હોય ત્યારે વ્યક્તિ સાચી સંસ્કારી ગણાય. જે તેના સંપર્કમાં આવનારને પણ સંસ્કારસિંચન દ્વારા સંસ્કારી બનાવે. માત્ર આધુનિક અપરા વિદ્યા (money making science) ના જાણકાર, ભણેલા-ગણેલા, થોડું સારું અંગ્રેજી બોલનારા, સંસ્કારનો માત્ર દેખાડો કરનાર, આભૂષણોથી સુશોભિત કે મેકઅપ દ્વારા કૃત્રિમ સુંદરતાથી લોકોને આકર્ષિત કરનાર સંસ્કારી ન હોવાની શક્યતા અનેકગણી ઊંચી છે.

વ્યક્તિ સંસ્કારી છે કે નહીં તે તેની દૈનિક ક્રિયાઓના ઊંડા અભ્યાસ દ્વારા નક્કી થઈ શકે. તેઓ ઉઠતાની સાથે શું કરે છે, સમગ્ર દિવસ કઈ રીતે પસાર કરે છે અને રાત્રે સુતા પહેલાની તેવોની ક્રિયા શું છે વગેરેની ઊંડી તપાસ દ્વારા તેની સંસ્કારિતા નક્કી થઈ શકે. જે ક્રિયાથી શરીર, મન અને આત્મા ઉત્તમ બને તેને સંસ્કાર કહેવાય. વસ્તુના જુના સ્વરૂપમાં ફેરફાર કરીને નવું સ્વરૂપ આપે તે સંસ્કાર. મનુષ્યને સંસ્કારની ભઠ્ઠીમાં નાખી તેના દુર્ગુણો ખતમ કરી સદગુણોનું સિંચન કરવાના પ્રયત્નને સંસ્કાર કહી શકાય. વૈદિક પરંપરા અનુસાર સંસ્કારોથી જ મનુષ્ય ઉત્તમ બને છે. “આત્મતત્વ” જન્મોજન્મ દરમિયાન કઈ કઈ પ્રક્રિયામાંથી પસાર થયું છે તેની તેના પર અસર જોવા મળે છે. દરેક જન્મના સંસ્કાર તેના પર પડે છે અને તેની અસર છોડે છે. મનુષ્યજન્મનો ઉદ્દેશ સંસ્કારો દ્વારા આત્મતત્વ પર પડેલા મેલને ધોવાનો છે અને તેને નિખારતા જવાનો છે. પૂર્વજન્મનો મેલ કેવી રીતે દૂર થાય અને નવો ઉત્તમ રંગ કેવી રીતે ચઢાવવામાં આવે તેનો આધાર સંસ્કારો ઉપર છે. હિન્દુધર્મમાં વૈદિક સંસ્કૃતિ અનુસાર વ્યક્તિને તેના મૂળથી પરિવર્તિત, શુદ્ધ અને સંસ્કારી બનાવવા માટે સોળ સંસ્કારોની પરંપરા છે.

સંસ્કારી બનવા ઈચ્છતી વ્યક્તિએ પોતાની દિનચર્યા નીચે જણાવ્યા મુજબની રાખવી આવશ્યક છે અથવા પોતાના બાળકોને સંસ્કારી બનાવવા ઇચ્છતા માતા-પિતા નીચે પ્રમાણેના સંસ્કારોનું સિંચન બાળકોમાં અવશ્ય કરવું જોઈએ. દિનચર્યાને સંસ્કારતા ચોક્કસ શ્લોકો અને ક્રિયાઓની સમજણ આપણી વૈદિક સંસ્કૃતિમાં દર્શાવેલી છે, જે આ મુજબ છે.

૧) કરદર્શન – પ્રભાતમાં જાગીને તરત પથારીમાં પલાઠીવાળીને અખિલ શક્તિધર ભગવાનને યાદ કરવા કે તેમણે આપણને જગાડ્યા અને એક વધુ સોનેરી દિવસ આપ્યો તે બદલ આભાર માનવો અને કરદર્શન કરવું. જે વખતે “કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરમધ્યે તું ગોવિંદ પ્રભાતે કર દર્શનમ્” બોલવું જોઈએ કેમ કે એની પાછળ બે-ત્રણ અગત્યની વૈજ્ઞાનિક સમજણ છે. એક તો જીવનમાં લક્ષ્મીની કૃપાથી સુખસાહિબી અને સરસ્વતીની કૃપાથી જ્ઞાનપ્રાપ્તિ શક્ય બને છે. વ્યક્તિ પાસે સાચું જ્ઞાન અને નીતિપૂર્ણ ધન હોય તો જીવનની લગભગ બધી જ પીડાઓનું સમાધાન મળે છે. વળી લક્ષ્મી અને જ્ઞાન બંને મળવાથી શક્ય છે વ્યક્તિમાં અહંકારની વૃદ્ધિ થાય એટલા માટે આ બંને માતાઓની વચ્ચે પ્રભુ વિષ્ણુને બેસાડવામાં આવે છે એટલે કે ધર્મમય જીવનની આજ્ઞા છે. જેથી વ્યક્તિ ઘમંડ દ્વારા પતનને આમંત્રણ ન આપી બેસે (જ્ઞાન અને સંપત્તિનો નશો અહંકારમાં વૃધ્ધિ કરે એ તો સ્વાભાવિક અને સર્વવિદિત છે જેથી વિષ્ણુપૂજા એટલે ધર્મમય જીવન અનિવાર્ય બને છે) અધર્મી જીવનમાં જ્ઞાન અને સંપત્તિ (લક્ષ્મી અને સરસ્વતી) નો સદુપયોગ શક્ય નથી. આ ઉપરાંત સવારના પહોરમાં ઉઠતાની સાથે જ ઈશ્વરને યાદ કરવાથી દિવસ સારો જાય છે. વિજ્ઞાને સંશોધનો દ્વારા જણાવ્યું છે કે ઉઠતાની સાથે અનેક કામો યાદ કરવા, દોડવા માંડવું, ઉતાવળ કરવી જેનાથી તનાવમાં વધારો થાય છે. વળી મનની પ્રકૃતિ એવી છે કે તમે એને જે રીતે તૈયાર કરો તે પ્રમાણે તે દિવસભર કાર્ય કરે છે. ઉઠતાની સાથે જ જો તમે એને અતિ ઉન્માદપૂર્ણ આદેશો આપો તો તે સંપૂર્ણ દિવસ એ રીતે જ કાર્ય કરશે અને દિવસ દરમ્યાન તમે શાંતિનો શ્વાસ લઇ નહિ શકો જેથી દિવસની શરૂવાત કરદર્શનથી કરવી ખૂબ વૈજ્ઞાનિક તેમ જ ઉત્તમ છે. જેના દ્વારા સંપૂર્ણ દિવસ શાંતિમય પસાર થાય છે. શરૂઆત શુભ તો અંત પણ શુભનો નિયમ અહી કાર્યરત છે. આ ઉપરાંત કરદર્શન પાછળનો બીજો ઉદ્દેશ્ય એ છે કે દિવસ કે જીવન દરમિયાન આપણે બધા કાર્યો હાથ દ્વારા (કર્મેન્દ્રિય દ્વારા) કરીએ છીએ. કરદર્શન દ્વારા આપણે આપણી ક્રિયાશક્તિ પ્રભુને સમર્પિત કરીએ છીએ જેથી દિવસ દરમિયાન આપણા હાથે કોઈ અશુભ, અયોગ્ય કાર્ય ન થઈ જાય કે જે આપણા દુઃખોમાં વધારો કરે, નવા કર્મો બાંધે અને આપણા જીવન-મરણના ફેરાને અવિરત ચાલુ રાખે. કરદર્શન પાછળ આવી ગહન સમજણ રહેલી છે જેથી એક સંસ્કારી વ્યક્તિ તરીકે આત્મકલ્યાણ અને સમાજકલ્યાણ ઇચ્છનાર વ્યક્તિએ જીવનમાં કરદર્શનનો નિયમ અવશ્ય લેવો જોઈએ. પ્રભાતમા આવી ઊંડી સમજણ સાથે કરદર્શન કરનાર મનુષ્ય પ્રારબ્ધવાદી નહીં રહેતા પુરુષાર્થવાદી બને છે કારણ કે તેને થાય છે કે લક્ષ્મી, સરસ્વતી અને ભગવાન ગોવિંદ એ ત્રણે મારી પહોંચમાં છે, જો હું પ્રયત્ન કરું તો સર્વને પામી શકુ. આવું સમજતાની સાથે જ આળસ છૂટી જાય છે. વળી જે હાથમાં લક્ષ્મી, સરસ્વતી અને ગોવિંદ હોય તે હાથને અપવિત્ર કેવી રીતે કરાય? આમ આ શ્લોક આપણને પવિત્ર બનવા પ્રેરે છે.

૨) ભૂમિદર્શન અને નમન કરવું – પથારીમાંથી પૃથ્વી ઉપર પ્રથમ પગ મૂકતી વખતે પણ એક વિશિષ્ટ શ્લોક બોલવાની હિન્દુધર્મમાં આજ્ઞા છે “હે સમુદ્રરૂપી વસ્ત્રો ધારણ કરેલી અને પર્વતરૂપી સ્તનમંડળવાળી દેવી ! એ વિષ્ણુપત્ની પૃથ્વીદેવી આપને નમસ્કાર કરુ છું, મારે મારા પગથી આપને સ્પર્શ કરવો પડે છે તો મને માફ કરશો”. પૃથ્વીના પોણા ભાગ ઉપર સમુદ્ર છે તેથી ઋષિઓએ કલ્પના કરી કે સમુદ્ર જાણે પૃથ્વીનું વસ્ત્ર છે. પર્વતમાંથી નદીઓ જન્મે છે, તેનાથી ખેતરોમાં અનાજ પાકે છે તેથી ઋષિઓએ કલ્પના કરી કે પર્વતો પૃથ્વીમાતાના સ્તન છે અને નદીઓનું જળ જાણે માતાનું સ્તન્ય છે. આપણે જેમના જળ વડે પોષાઈએ છીએ તે માતા (પૃથ્વી) ને પગ કેવી રીતે અડાડાય? વળી પગ માથે લઈને પણ ન ચાલી શકાય તેથી ઋષિ-મુનિઓએ ઉપાય શોધ્યો કે પગથી સ્પર્શ કરવો અનિવાર્ય છે માટે પ્રથમ માફી માંગી લેવી, પછી ચાલવું. હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિચારવાનું એ છે કે જેનું મુખ પણ દેખાતું નથી તે પૃથ્વીને પગ અડાડતી વખતે માફી માગતી કોમળ વ્યક્તિ પોતાની માતાને કદી લાત ન મારી શકે. પોતાની માતાને કદી હડધૂત ન કરી શકે. આમ દિનચર્યાના આ શ્લોકો શુષ્ક કર્મકાંડ નથી પણ આપણું ઉત્તમ જીવન ઘડતર કરનાર સંસ્કારકાંડ છે. વળી જે પૃથ્વીમાતા દ્વારા આપણે પોષણ મેળવીએ છીએ એને વંદન તો ઇચ્છનીય જ છે. આપણું સમગ્ર અસ્તિત્વ જ તેના સપોર્ટથી ટકેલું છે એ તો સર્વવિદિત છે જ તો એને thanks કહેના તો બનતા હે.

૩) મળવિસર્જનની માફી માગવી – મળવિસર્જન દ્વારા આપણે પૃથ્વીને મેલી કરીએ છીએ ઉપરાંત અનેક જીવોના દુઃખમાં પણ ગંદકી દ્વારા વધારો કરીએ છીએ એટલા માટે મળવિસર્જન કરતી વખતે પૃથ્વીમાતાની માફી માગવાની વ્યવસ્થા હિન્દુધર્મમાં છે, કે હે પૃથ્વીદેવી વિશ્વના આધારરૂપ માતા વસુંધરા દેહમલ સંબંધિત મારો આ અપરાધ તમે માફ કરશો. પથારીમાંથી ઉઠીને પગ અડાડતી વખતે પણ આપણે પૃથ્વીની માફી માંગીએ છીએ તો મળવિસર્જન માટે તો માફી માગવી જ જોઈએ. ભલે ફ્લેટમાં રહેતા હોઈએ તોપણ ગટર તો પૃથ્વીના પેટાળમાં જવાની તેથી મળવિસર્જન કરતા પહેલા ક્ષમાયાચનાનો વિનય કરવો આવશ્યક છે. આવી ક્ષમાયાચના વ્યક્તિને નમ્ર બનાવે છે, વિનયી બનાવે છે. જીવમાત્રની પીડા અંગે સજાગ કરે છે અને ના છુટકે પોતાના દ્વારા જે પીડા તે પૃથ્વીને કે અન્ય જીવોને આપે છે તેના અંગે પણ ક્ષમા યાચના ઈચ્છે છે, આવી ભાવના માણસને સારો બનવામાં મદદરૂપ બને છે. એટલા માટે આવો આવશ્યક સંસ્કાર સ્વીકારો જોઈએ અને એનું જતન કરવું જોઈએ. મનુષ્ય ઇન્દ્રિયો દ્વારા સતત ઉત્સર્ગ કરતો જ રહે છે તે દરેક પર નિયંત્રણ રાખી, અન્ય જીવના દુઃખનું કારણ ન બનવાની સજાગતા તરફ આ વિનમ્ર ઈશારો છે. મનુષ્ય ઇન્દ્રિયો દ્વારા કરાતો સતત ઉત્સર્ગ અને મળવિસર્જનમાં વિવેકની આમાં સલાહ છે. કહેવાતા આધુનિક સમાજમાં તો મળમૂત્ર વિસર્જનમાં વિવેક કે અન્ય જીવના દુઃખ કે પર્યાવરણની ચિંતા તો બહુ દૂરની વાત છે તે અંગે વિચારવાની પણ કોઈને દરકાર નથી. ગમે ત્યારે ગમે ત્યા લોકો મળમૂત્ર વિસર્જન કરી દેતા હોય છે. જે ખૂબ દુઃખદ બાબત છે. આવી ક્રિયા મનુષ્ય કેટલો સ્વાર્થી અને અસંયમી બની ગયો છે તેનું દર્શન કરાવે છે.

૪) દાંતણ કરતા સમયનો સંસ્કાર – દાંત સાફ કરતી વખતે કે દાતણ કરવા માટે પણ ઋષિ-મુનિઓએ શ્લોકની વ્યવસ્થા હિન્દુધર્મમાં દર્શાવી છે. “હે વનસ્પતિ! તમે આયુષ્ય, બળ, યશ, વર્ચસ્વ, પ્રજા, પશુઓ, ધન તથા બ્રહ્મને જાણવાની બુદ્ધિ અમને આપો”. વર્તમાન સમયે તો દાતણને બદલે ટૂથપેસ્ટ અને બ્રશની વ્યવસ્થા છે પરંતુ તેમાં પણ કોઈને કોઈ વનસ્પતિઓનો ઉપયોગ થતો હોય છે તેથી આજે પણ આ શ્લોક પ્રસ્તુત કહેવાય. દાંત ચોખ્ખા હોય તો રોગથી બચી શકાય છે, જે દ્વારા આયુષ્ય નિરોગી રહે છે એટલા માટે વનસ્પતિને બળ દેનાર ઔષધી તરીકે સ્વીકારવામાં આવે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે “રસ-સ્વભાવવાળો ચંદ્ર થઈને હું સર્વ ઔષધિનું એટલે કે વનસ્પતિનું પોષણ કરું છું”. આપણે સૌ જાણીએ છીએ કે બળ હશે તો યશ, ધન, બુદ્ધિ પ્રાપ્ત થશે. વળી આપણા પશુધનનું પાલન પણ વનસ્પતિ જ કરે છે એ તો સર્વવિદિત છે તેથી ઋષિઓએ દંતધાવન વખતે એ બધું પ્રાર્થી લીધું છે.

૫) સ્નાન વખતનો શ્લોકસંસ્કાર – સ્નાન વખતનો શ્લોકસંસ્કાર પણ હિન્દુધર્મમાં યથાર્થ દર્શાવ્યો છે. સ્નાન કરતા પહેલા “હે ગંગા, યમુના, ગોદાવરી, હે સરસ્વતી, હે નર્મદા, સિંધુ, કાવેરી મારા સ્નાનના આ જળમાં આપ પધારો”. દેવો અને અસુરો વડે પૂજાતા દિવ્યરૂપવાળા આપના પદ-પંકજને હું નમન કરું છું. આપ હંમેશા મનુષ્યને તેમની ભાવના અનુસાર ભોગ અને મોક્ષ આપો છો. ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી અને સર્વ ખ્યાતીપ્રાપ્ત નદીઓ પવિત્ર જળ વડે પરિપૂર્ણ થઇ સમુદ્ર સાથે મળીને મારૂં કલ્યાણ કરો. આ શ્લોક દ્વારા હિન્દુધર્મમાં નદીપ્રેમ અને દેશપ્રેમ બંને પ્રગટ થાય છે. આપણે જ્યારે ગંગાજીમાં સ્નાન કરીએ છીએ ત્યારે આપણે યમુનાજીમાં સ્નાન કરી શકતા નથી. એક જ સમયે આપણા દેશની બધી નદીઓમાં આપણે સ્નાન કરી શકતા નથી તેથી ઋષિ-મુનિઓએ સ્નાન સમયે બધી નદીઓને સ્મરવાનું નક્કી કર્યું. મન ચંગા તો કઠોતીમે ગંગા એ ન્યાયે બધી નદીઓ એક સાથે એક જ સમયે આપણી પાસે આવી શકે ખરી, એવી ખાતરીથી આ સ્મરણ કરવાનું છે. નદીઓનું પાણી એટલે કેવળ H2Oના સંયોજનથી બનેલો આધિભૌતિક પદાર્થ એવી સ્થૂળદૃષ્ટિથી ન જોતા, પાણી સામે ઋષિ-મુનિઓએ ભક્તિભાવથી જોવાની આજ્ઞા કરી છે અને જલને દેવતા સમજી તેની પૂજા કરવાની સલાહ છે. આમ પણ આપણે જાણીએ છે “જલ હી જીવન હૈ. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શરીર અને મનની શુદ્ધિનો આધાર સ્નાન અને શુદ્ધ ખોરાક ઉપર છે. તન શુદ્ધ તો મન શુદ્ધ. શરીરની બાહ્ય શુદ્ધિ માટે સ્નાન મહત્વનું છે. ઘસી-ઘસીને કરવામાં આવતા સ્નાનને ઘર્ષણસ્નાન કહેવાય છે. જે ચામડીના છીદ્રો ખોલે છે. જેના કારણે શરીરની અશુદ્ધિ બહાર નીકળી શકે છે. સ્નાનથી લોહીનું પરિભ્રમણ વધે છે. સ્નાન ઠંડા પાણીથી કરવું વધુ હિતાવહ છે. નદી- તળાવ જેવી ખુલ્લી જગ્યામાં સ્નાનથી એક બીજો ફાયદો એ થાય છે કે સ્નાન દ્વારા ચામડીનાં જે છિદ્રો ખુલે તેને તરત જ ખુલ્લી હવાનો એટલે કે ઓક્સિજનનો ફાયદો મળે છે. ખુલ્લી હવામાં રહેલો ઓક્સિજન છિદ્રો દ્વારા શરીરને પ્રાપ્ત થાય છે, જેના અનેક ફાયદા છે. નિયમિત સ્નાનથી છિદ્રો ખુલ્લા રહે છે જેથી પરસેવો સરળતાથી નીકળી જાય છે અને કિડની પર બોજો પડતો નથી. આથી જ ધર્મોમાં ત્રણવાર સ્નાનનું સૂચન છે. સ્નાનથી એકાગ્રતા ખૂબ વધે છે એટલા માટે સ્નાન પછી પૂજાનું સૂચન ધર્મમાં અપાયેલું છે. એ જ કારણે શિક્ષણ કે વિદ્યાપ્રાપ્તિ સ્નાન વગર કરવી સલાહ્ભારેલ નથી. સ્નાન વગર ભોજન પણ કદી ગ્રહણ ન કરાય કેમકે સ્નાનથી શીતળતા પ્રાપ્ત થાય છે જેના કારણે પ્રાકૃતિક ભૂખ લાગે છે. સ્નાન વગર કરાતા ભોજનમાં જઠરાગ્નિ પર અવળી અસર થાય છે.

૬) દીવો કરી પૂજા-અર્ચના કરવી – શ્રીમદ ભાગવત પુરાણ સ્કંધ તૃતીયમાં ભગવાન સમક્ષ દીવો કરવાની ક્રિયાને ખૂબ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજાવ્યું છે. ભગવાન પરનો પ્રેમ અને દર્શનની અપેક્ષા દીવો કરવાના કારણો તો છે જ. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે ઈશ્વર તો સ્વયં પ્રકાશ છે જેથી દીવાની જરૂર તેમને નથી, આ તો મનુષ્યના મનનું અંધારું (એટલે કે અજ્ઞાન અને વાસના) દૂર કરવા માટે દીવો કરવાની આવશ્યકતા છે. દિવો કરતાં પ્રભુને વિનંતી કરવાની હોય છે કે મારી અંદર રહેલ અંધારું દૂર કરો અને જ્ઞાનમય પ્રકાશ કાયમ રહે એવા આશીર્વાદ આપો. વળી દીવો અગ્નિનું સ્વરૂપ છે અને અગ્નિ પંચભૂતોમાનું અગત્યનું તત્વ છે. વેદોનો પ્રારંભ જ અગ્નિથી થયો છે એટલે જ ઋગ્વેદમાં સૌથી પહેલી પ્રાર્થના અગ્નિની કરવામાં આવી છે. અગ્નિને મનુષ્ય અને દેવો વચ્ચેની કડી માનવામાં આવી છે. આમ દીવાના માધ્યમ દ્વારા મનુષ્યનું ઈશ્વર સુધી પહોચવું શક્ય બને છે. દરેકના ઘરમાં ભગવાન માટે કોઈ ખૂણો કે ગોખલો અવશ્ય હોવો જોઈએ કે જ્યાં ભગવાનની છબી હોય, જો ન હોય તો એની વ્યવસ્થા તાત્કાલિક કરી લેવી જોઇએ. ત્યાં જઈ પ્રતિદિન વંદન કરવાનો નિયમ લેવો જોઈએ અને તે સમયે પ્રભુને સમગ્ર વિશ્વનું મંગલ કરો એવી પ્રાર્થના કરવી જોઈએ. હે પ્રભુ! ક્યાંય બોમ્બ ન ફૂટે, ક્યાંય કોઈ ખાનાખરાબી ન થાય, ક્યાય બળાત્કાર ના થાય, ચોરી-લૂંટફાટ ન થાય, મારામારી-ગાળાગાળી, અકસ્માત, ભૂકંપ, સુનામી, અતિવૃષ્ટિ,અનાવૃષ્ટિ વગેરે ન થાય. હે નાથ! ત્રણેય ભુવનને આંતકરહિત બનાવો અને ત્રણે ભુવનમાં મંગલ કરો. દર્શન એક એવો આચાર જેમાં જીવને અહેસાસ થાય છે કે તે ઈશ્વરના સાનિધ્યમાં છે. દર્શન કરતી વખતે એવી ભાવના રાખવાની કે ક્યારેક પ્રભુનો સાક્ષાત્કાર થશે. જેનાથી મન શુધ્ધ થાય છે અને શુધ્ધતા દ્વારા જ ઈશ્વરપ્રાપ્તિ શક્ય બને છે. આમ તો દરેક જીવમાં ઈશ્વરના દર્શન કરવા એ જ સાચા દર્શન છે. મંદિર અને મૂર્તિપૂજા પણ ખૂબ તાર્કિક અને વૈજ્ઞાનિક છે. મનની શક્તિને ખીલવવા માટેનું સરળ અને સહજ સાધન એટલે મંદિર. મંદિર જવાની ક્રિયામાં મનની શુદ્ધિ સૌથી મહત્વનું કારણ છે. જયારે વ્યક્તિ મંદિર જાય છે ત્યારે તેના આરાધ્યદેવ પ્રતિ સમર્પિત બને છે, ધીરે ધીરે કંઈ પણ ખરાબ કરતા ડરે છે કે તેનાથી ભગવાન નારાજ થશે, ધીરે-ધીરે આ ભાવ પ્રબળ બનતા વ્યક્તિનું મન શુદ્ધ થતું જાય છે. મનનો એક છેડો આત્મા અને બીજો છેડો પરમાત્મા સુધી પહોંચે છે. મન પરથી મનુ અને તેમાંથી મનુષ્યની ઉત્પત્તિ થઇ છે. આમ તો મનન કરી શકે તે માનવ અને મનન માટેની ઉત્તમ વ્યવસ્થા એટલે મંદિર અને મૂર્તિપૂજન.

૭) સૂર્યનમસ્કાર અને સૂર્યઅર્ધ – આખા બ્રહ્માંડની ઘટમાળમાં સૂર્ય કેન્દ્ર સ્થાને છે. પૃથ્વી સહિત દરેક ગ્રહો સૂર્યને ફરતે પ્રદક્ષિણા કરે છે. વિજ્ઞાને સ્વીકાર્યું છે કે સૂર્ય થકી જ આજના માનવ, પશુ-પક્ષી, જીવ-જંતુ, વનસ્પતિ જીવંત છે. સૂર્ય જ સમગ્ર શક્તિનો સ્ત્રોત છે. સૂર્યકિરણો આપણી ચામડી પર પડી વિટામીન ‘ડી’ ઉત્પન્ન કરે છે જે હાડકાને મજબૂત બનાવે છે. ડો.ચાર્લ્સ અને એડવર્ડ તો સાબિત કરી ચૂક્યા છે કે માત્ર ચામડી જ નહિ પરંતુ સમગ્ર શરીરને સ્વસ્થ બનાવવાનું કામ સૂર્ય કરે છે. સૂર્યકિરણોમાં જંતુઓનો નાશ કરવાની અદભૂત શક્તિ છે. સૂર્યને અર્ધ આપવાની ક્રિયા ભાવનાત્મક છે કેમ કે કોઈ તમારા માટે આટલું બધું કરતુ હોય તો કમસે કમ તેનો આભાર કોઈક રીતે વ્યક્ત થાય તેનાથી વધુ સારું બીજું શું હોઈ શકે? એમાય વળી તપતાને પાણી મળે એથી વિશેષ ભેટ બીજી શું હોઈ શકે? વળી અર્ધ આપવાની ક્રિયા કરવા તમે સૂર્ય સામે એટલો સમય દરરોજ નિયમિત ઉભા રહો એટલે આપોઆપ સૂર્યની તાકાતથી તમારી ચામડી તેમજ તંદુરસ્તીને અસર થયા વગર રહે જ નહિ. U.S. ના એસ્ટ્રોનોમીના વૈજ્ઞાનિકનું સંશોધન દર્શાવે છે કે સૂર્યની સારી શક્તિને ઉજાગર કરવા અને નઠારી બાબતને નિષ્ક્રિય કરવા પાણી ખુબ જ ઉપયોગી તત્વ છે. એટલે કે સૂર્યકિરણોમાં રહેલી જોખમી શક્તિઓને પાણી શોષી લે છે. સૂર્યને અર્ધ આપવાથી શરીરના અનેક રોગોમાંથી મુક્તિ મળે છે. શરીરમાં શક્તિનો સંચાર થાય છે. આંખોનું તેજ વધે છે. સૂર્યનમસ્કાર તો ઉત્તમ કસરત જ નહિ, કસરતોનો સમૂહ છે. સૂર્ય નમસ્કાર વાસ્તવમાં seven in one programme છે. સૂર્યપ્રકાશ સાત રંગનો બનેલો છે અને દરેક રંગની પોતાની શક્તિ છે. આમ સૂર્યપ્રકાશ શક્તિઓનો સમૂહ છે. સૂર્યનમસ્કારમાં સાત પ્રકારની ક્રિયાઓ થાય છે, જેથી બધાના ફાયદા મળે છે. ૧) યોગાસનથી થતા ફાયદા ૨) દોડવા કે તરવાથી થતા ફાયદા ૩) પ્રાણાયામથી થતા ફાયદા ૪) દંડબેઠકથી થતા ફાયદા ૫) સૂર્યસ્નાનથી થતા ફાયદા ૬) મંત્રવિજ્ઞાનથી થતા ફાયદા ૭) નમસ્કાર મુદ્રાથી થતા ફાયદા. શાસ્ત્રો અનુસાર સૂર્ય જ્ઞાન અને શક્તિનો કારક છે જેની જીવનમાં ડગલે ને પગલે જરૂર પડે છે તે આપણે સૌ જાણીએ છીએ એટલા માટે જ ગાયત્રીમંત્રમાં પણ તેની જ યાચના કરવામાં આવે છે.

૮) ઉંબરાપૂજન – હિંદુ સનાતન ધર્મ સંસ્કૃતિમાં ઉંબરાનુ પુજન પણ વિશેષ મહત્વ છે કેમ કે લક્ષ્મીજી ઉંબરા ઉપર થઈને આપણા ઘરે પધારે છે એવી માન્યતા છે. ઉંબરાનુ પુજન કરવાથી આપણું ઘર પ્રભુનું મંદિર બને છે. જેના કારણે ઘરમાં બે નંબરી કે દસ નંબરી નાણું ન લાવી શકાય એવી સમજણ પેદા થાય છે. નીતિથી પરસેવાની મહેનતથી પ્રાપ્ત કરેલું ધન જ ઉત્તમ છે તે સમજણ ઉંબરાપૂજન દ્વારા શીખવવામાં આવે છે. ઉંબરાની બહાર ભગવતી લક્ષ્મીના બે ચરણો અને ભગવાન વિષ્ણુના બે ચરણો ઘરમાં આવતા હોય તેવી રીતે કંકુથી આલેખવાના હોય છે અને પછી બંનેના ચરણોની અર્ચા અને વંદના કરવાની હોય છે. સાથે-સાથે સંપૂર્ણ ભાવપૂર્વક એવી કલ્પના કરવાની કે ભગવાન આપણે ઘરે પધારી રહ્યા છે. આપણે જો સમાજની અનેક વિકૃતિઓની વચ્ચે વિકારરહિત રહીએ તો આપણે કમળ જેવા બન્યા કહેવાય અને તો જ કમળપ્રિય લક્ષ્મી આપણા ત્યાં આવે. જળકમળવત્ રહેનાર લોકોને છોડીને લક્ષ્મી કદી જતા નથી. કોઈપણ પરિસ્થિતિમાં વિકાર ન પામતા સ્થિતપ્રજ્ઞ લોકો કમળ સમાન છે અને કમળ લક્ષ્મીજીનું નિલય સ્થાન છે જ્યાં લક્ષ્મીજી અવિરત બિરાજમાન છે. ઉંબરાપૂજનનો સંસ્કાર વ્યક્તિને કમળ જેવા શુદ્ધ અને વિકારરહિત બનવા પ્રેરે છે.

૯) ઓછામાં ઓછા કોઈ એક સત્કર્મનો નિયમ લેવો અથવા હિંદુધર્મ અનુસાર પાંચ દૈનિક યજ્ઞનો નિયમ પાળવો. આપણે જન્મથી જ આ શરીર, સંબંધો અને સૃષ્ટિના ઋણી છીએ કેમ કે તેના ઉપભોગ અને ઉપયોગથી જ આપણે પોષાયા અને ટક્યા છીએ, જેથી બને તેટલું ઝડપથી આ ત્રણેનું ઋણ ઉતારી દેવું જોઈએ. શરીરનું ઋણ તપથી, સંબંધોનું ઋણ દાનથી અને સૃષ્ટિનું ઋણ યજ્ઞથી ઉતારી શકાય. આમ તપ, દાન અને યજ્ઞ એટલે પરોપકારના સર્વ કાર્યો જે બને એટલા વધુ અવશ્ય કરવા જોઈએ. બીજું કંઈ જ ન થઇ શકે તો કમ સે કમ કોઈ એક સત્કર્મ જેવું કે પક્ષીઓને ચણ નાંખવું, ગાયને રોટલી, કૂતરાને બિસ્કીટ ખવરાવવું, કીડીયારું પૂરવું વગેરે જેવા કાર્યો તરફ રુચિ રાખવી. હિંદુધર્મમાં મનુષ્યને રોજીંદા પાંચ યજ્ઞો કરવાની સલાહ છે. યજ્ઞ એટલે માત્ર હોમ-હવન નહિ. અન્યના કલ્યાણ માટે થતા તમામ કાર્યો એ જ સાચો યજ્ઞ છે જે સતત કરતા રહેવું જોઈએ. વળી ઈશ્વરને પ્રિય છે તેવા ગુણો (સત્ય, દયા, પવિત્રતા, તપ, તિતિક્ષા, અહિંસા, બ્રહ્મચર્ય, ત્યાગ, સ્વાધ્યાય, સરળતા, સહનશક્તિ, ધીરજ, સંતોષ, સમદ્રષ્ટિ, મૌન, આત્મચિંતન, ક્ષમા, પ્રમાણિકતા, ક્રોધમુક્તિ, અહંકારમુક્તિ, ઈશ્વરભક્તિ)પ્રાપ્ત કરી જીવનને સાર્થક બનાવવું એ જ સાચો મહાયજ્ઞ છે. હિન્દુધર્મમાં મુખ્ય પાંચ પ્રકારના યજ્ઞની સલાહ છે ૧) દેવયજ્ઞ – પરમાત્માની વિવિધ વિભૂતિરૂપ દેવોનું પૂજન કરવું

૨) ભૂતયજ્ઞ – મનુષ્ય સિવાયના અન્ય પ્રાણીઓ ઉપર દયાભાવ રાખી તેઓનું પોષણ કરવું. ૩) પિતૃયજ્ઞ સ્વર્ગસ્થ થયેલા માતા-પિતાને યાદ કરી તેમના પ્રત્યેની લાગણી જાગૃત રાખી કુળધર્મ પાળવો. ૪) બ્રહ્મયજ્ઞ પ્રતિદિન વિદ્યાભ્યાસ કરવો એટલે કે સતત બ્રહ્મમય રહેવું. ઉત્તમ ગુણો પ્રાપ્ત કરવાની તપશ્ચર્યા કરવી જે આત્મકલ્યાણ અને સમાજકલ્યાણ માટે અનિવાર્ય છે. બુદ્ધિને પ્રદિપ્ત કરવી, સદબુદ્ધિ મેળવવી. આત્મા અને પરમાત્માનું જ્ઞાન મેળવવું જે વગર અહંકારમુક્તિ શક્ય નથી. ૫) મનુષ્યયજ્ઞ – દરેક મનુષ્ય પર પ્રેમભાવ રાખી સર્વનો આદર-સત્કાર કરવો. સમગ્ર બ્રમાંડ એકબીજા સાથે જોડાયેલું છે. અન્યને સુખ આપીને જ વ્યક્તિ પોતે સુખી થઈ શકે. પરોપકારનો સૌથી મોટો ફાયદો વ્યક્તિને પોતાને થાય છે. અમેરીકામાં મધર ટેરેસાના પરોપકારની વાર્તાઓ કહેવા માટે એક મિટિંગનું આયોજન સ્કૂલમાં કરવામાં આવ્યું. જેમાં મધર ટેરેસાનું જીવનચરિત્ર અને તેમના દ્વારા કરવામાં આવેલા પરોપકારના વિડીયો વિદ્યાર્થીઓને બતાવવામાં આવ્યા. ત્યારબાદ બાળકોનું વૈજ્ઞાનિક પરીક્ષણ કરવામાં આવ્યું એ તપાસવા માટે કે પરોપકારની વાર્તાઓની બાળકો પર કેવી અસર પડે છે. વિજ્ઞાન માને છે કે પરોપકારની ભાવનાથી વ્યક્તિની લાળમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ પરીક્ષણમાં સાબિત થયું કે લાળમાં રોગપ્રતિકારક જંતુનાશક તત્વો વધ્યા હતા. આમ માત્ર પરોપકારની વાર્તા સાંભળવાથી જો આટલો ફાયદો થતો હોય તો વિચારો કે પરોપકાર કરવાથી મનુષ્ય કેટલો ફાયદો મેળવી શકે? પરોપકારથી હ્રદય શુધ્ધ થાય છે, મનની શક્તિ વધે છે, વિધાયક વિચારોમાં વધારો થાય છે, જમણું મગજ સક્રિય બને છે. જે મનુષ્યને ખૂબ શક્તિશાળી અને સ્વાસ્થ્યસભર (નીરોગી) બનાવે છે.

10) માતા-પિતાને નમન, ચરણસ્પર્શ અને આદર સત્કાર કરવો. માતાપિતા આપણા પ્રગટ ઈશ્વર છે. જન્મ આપનારી, સ્તનપાન કરાવનારી, પાલનપોષણ અને ઉછેર કરનારી માતાને વારંવાર નમસ્કાર બને છે. પ્રેમ અને સંસ્કાર આપી સમાજમાં રહેવા લાયક બનાવનાર પિતાને પણ કોટીકોટી નમન થવા જોઈએ. “ભૂલો ભલે બીજું બધું માબાપને ભૂલશો નહિ, અગણિત છે ઉપકાર એમના તે કદી વિસરશો નહિ”. શાસ્ત્રો અને વિજ્ઞાન બંને કહે છે કે હાથના પંજા અને પગના પંજામાં સૌથી વધુ ઉર્જા હોય છે. જયારે બે હાથ જોડાય છે ત્યારે એનર્જી સર્કલ પૂર્ણ થાય છે જેથી ઉર્જા વેડફાતી બચે છે અને ફરી તેનો આપણા શરીરમાં સંચાર થાય છે આપણે ત્યાં માતાપિતા, વડીલો અને ગુરુને નમન કરી આશિર્વાદ લેવાની પ્રથા છે જે પણ વૈજ્ઞાનિક છે. સાત્વિક સ્વભાવ, દ્રઢ સંકલ્પવાળા, સર્વના કલ્યાણની ભાવના ધરાવનાર મનુષ્યના હાથમાં સૌથી વધુ ઉર્જા નીકળે છે જેનો લાભ લેવા આપણે ત્યાં નમનની વ્યવસ્થા છે. સ્પર્શમાત્રથી ઘણા ઋષીઓ રોગ દૂર કરતા હતા જેનું વિજ્ઞાન જાપાને ‘રેકી’ દ્વારા સાબિત કર્યું છે.

11) તુલસીવંદના – તુલસીની શુધ્ધતા અને પવિત્રતા પાછળનું વિજ્ઞાન પણ જાણવા જેવું છે. તુલસીને આયુર્વેદ કફ અને વાયુનાશક તરીકે ઓળખે છે. તુલસીના સ્પર્શથી આજુબાજુનું વાયુમંડળ શુધ્ધ થાય છે. તુલસી 24 કલાક ઓક્સિજન આપી કાર્બન ડાયોક્સાઈડ શોષી લે છે. તુલસી જંતુનાશક છે. તુલસીમાં રહેલું એસ્કોર્બિક એસિડ વાતાવરણમાંનો ભેજ શોષી લે છે અને વાતાવરણને સૂકુ બનાવે છે. જેથી મચ્છરનો ફેલાવો અટકે છે. આપણે જાણીએ છીએ મચ્છરોને ભેજવાળું વાતાવરણ વધુ માફક આવે છે. ભોજન કર્યા પછી ભોજનમાં રહેલી અશુદ્ધિઓથી શરીરમાં ઉત્પન્ન થતા વિષદ્રવ્યોને તુલસી દૂર કરે છે. તે વિષનાશક પણ છે. જેથી જમતા પહેલા ચાર-પાંચ તુલસીના પાન ખાવા આરોગ્યની દ્રષ્ટિએ ઉત્તમ છે. તુલસી એક દિવ્ય ઔષધિ છોડ છે. તેના દ્વારા કેન્સર, શરદી, મેલેરિયા, ચેપી રોગોને દૂર કરી શકાય છે. તુલસીમાં રહેલી આવી વિશિષ્ઠ શક્તિને લીધે જ તે પૂજનીય છે.

૧૨) ગૌવંદના – ગાયની મા તરીકે પૂજા થાય છે. કારણ કે તેની બધી જ વસ્તુઓ ઔષધરૂપ છે. એક અભ્યાસ પ્રમાણે તેને યોગ્ય ચારો આપવામાં ન આવે કે ખોરાક વિષયુક્ત હોય તો પણ અમુક સમય સુધી તે વિષ ગળામાં ભરી રાખે છે. વિષતત્વો તેના દૂધમાં કે અન્ય જગ્યાએ જોવા મળતા નથી. જેથી તેને મા કહેવાય છે કેમ કે મા સર્વ દુઃખ ઉપાડીને પણ બાળકોને ઉત્તમ જ આપે છે. ગાયની દરેક વસ્તુઓ વૈજ્ઞાનિક રીતે ખૂબ ઉપયોગી છે. ૧) દુધ (ગાયનું) – ગાયનું દૂધ વધુ ગુણકારી, પચવામાં હલકુ અને સ્ફૂર્તિ પ્રદાન કરનારું છે. પરંતુ જર્સી ગાયના દૂધ અંગે ઘણા સંશોધનો નકારાત્મક પરિણામો દર્શાવે છે એટલે આપણી દેશી ગાયનું દૂધ કે ગીરની ગાયનું દૂધ ઉત્તમ માનવામાં આવે છે. ૨) ગાયનું ઘી – શરીર તેમજ વાતાવરણની શુદ્ધિ માટે ઉત્તમ છે. જેથી યજ્ઞમાં ગાયના ઘીની આહુતિ અપાય છે. ગાયનું ઘી હોમ કે યજ્ઞમાં વાપરવાથી એસિટિલિન નામનો વાયુ ઉત્પન્ન કરે છે જે પ્રદૂષિત વાયુને ખેંચી લે છે. તેની સાથે બીજા ચાર વાયુ ઉત્પન્ન થાય છે, જે તન અને મનની વ્યાધિને દૂર કરે છે. ૩) ગાયનું ગોબર એ ઉત્તમ ખાતર છે. ઈટલીના સંશોધન અનુસાર છાણની વાસ માત્રથી તાવ અને મેલેરિયાના જંતુઓ દૂર થાય છે. રશિયાના અભ્યાસ અનુસાર ઘરમાં ગાયના છાણના લીપણથી UV કિરણોથી બચી શકાય છે. છાણને સૂકવીને બાળવાથી ઉત્પન્ન થતો વાયુ ઔષધિ તત્વોથી ભરપૂર છે. ગોબર સ્નાનથી અનેક રોગોથી બચી શકાય છે. ભારતના જયપુરમાં આ કાર્ય નિયમિત રૂપે થાય છે. છાણથી વીજળી ઉત્પન્ન થઇ શકે છે. ગાયના છાણમાં ફોસ્ફરસ મોટા પ્રમાણમાં હોય છે જે રોગોના જંતુઓનો ખાત્મો બોલાવે છે. ગાયનું છાણ વીજળીના ઝટકાને શોષી લે છે. કોઢ દૂર કરવા પણ છાણ ઉપયોગી છે. વાંદરો કરડ્યો હોય તો પણ છાણ લગાડવાથી પીડા દૂર થાય છે. ટી.બી.ના જંતુઓ છાણની વાસથી જ મરી જાય છે. સૂકી ખૂજલીમાં છાણ અક્સીર છે. રક્તની ખરાબી, વીર્યદોષ, ગુમડા વગેરેમાં છાણ ઉત્તમ પરિણામ આપે છે. મહારાષ્ટ્રમાં નેડેમકાકા નામના સંશોધકે છાણમાંથી સાબુ બનાવ્યો જેને માટે સરકારે તેમને પુરસ્કાર એનાયત કર્યો હતો. એમણે સાબુનું નામ રાખેલું “અંગરાજ સાબુ” ધૂપ અને અગરબત્તી પણ છાણમાંથી ઉત્તમ બની શકે છે જે ઉત્તમ પરિણામ આપે છે. ૪) ગૌમૂત્રથી પણ વીજળી ઉત્પન્ન થઈ શકે છે. ગુરુકુળના સ્વામીએ ગૌમૂત્રથી ઘડિયાળ ચલાવી બતાવી હતી. ગૌમુત્ર કિટાણુનાશક છે તેનું માલીશ કરવાથી નિરોગી બનાય છે. ગૌ સેવા દ્વારા ભારતમાં સુખ-સમૃદ્ધિ હતી, આજે નથી કારણ કે ગૌહત્યા વધી ગઈ છે. જેની સામે ડેનમાર્ક જેવા દેશો ગૌસેવા અને ગૌસંવર્ધનથી ખૂબ સુખી છે. દુનિયાના 178 દેશોના યુનેસ્કો અને WHO દ્વારા થયેલા સર્વેમાં ડેનમાર્ક પ્રથમ સ્થાને છે જેમાં આરોગ્ય જેવા અનેક મુદ્દાઓને ધ્યાને લેવામાં આવ્યા હતા. જ્યારે તે સર્વેમાં ભારત 178 માંથી 125 માં સ્થાને છે. જે ખૂબ જ દયનીય અને ધૃણાજનક વાસ્તવિકતા કહેવાય. ગૌમૂત્ર પવિત્ર શા માટે? ગાયનું મુખ અપવિત્ર ગણાય છે પરંતુ પીઢ પાછળનો ભાગ પવિત્ર છે એવું ધર્મગ્રંથોનું સૂચન છે જેથી ગૌમૂત્ર પવિત્ર ગણાય છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ ગૌમૂત્રમાં ગંધક અને પારા જેવા તાત્વિક અંશ છે જેના સેવનથી ઘણા રોગો મટે છે. એક અભ્યાસ અનુસાર ગૌમૂત્ર કેન્સર જેવા રોગોમાં પણ ઉપયોગી છે.

13) રસોઈ વખતે પ્રભુસ્મરણ – રસોઈ કરતી વખતે પણ અન્નપાવિત્ર અર્થે પ્રભુસ્મરણ કરવું જોઈએ, આદ્ય શંકરાચાર્ય રચેલું અન્નપૂર્ણાનું સ્તોત્ર ગાતા ગાતા રસોઈ થવી જોઈએ. રસોઈ પણ એક યજ્ઞ છે, અન્નનું લોહી બનવાનું છે. “જેવું અન્ન તેવો ઓડકાર” તેથી રસોઈ બનાવનાર દરેક મહિલાઓએ ઈશ્વરસ્મરણ કરતાં કરતાં રસોઈ કરવી જોઈએ.

14) ભોજન પહેલા ઈશ્વરસ્મરણ – આપણું સમગ્ર જીવન અન્નમય કોષથી ચાલે છે. કળીયુગમાં પ્રભુએ અન્નમાં જ પ્રાણ મુકેલો છે. ભોજનરૂપી ઈશ્વરની કૃપા બદલ સૌપ્રથમ તેમનો આભાર માનવો જરૂરી છે. સંપૂર્ણ ભોજન પ્રભુને સમર્પિત કરી, પ્રસાદરૂપે ગ્રહણ કરવાની શાસ્ત્રોમાં આજ્ઞા છે. કેમ કે ઈશ્વરે આપણને ભૂખ આપી, પચાવવાની શક્તિ આપી તેમજ અન્ન પણ પ્રદાન કર્યું. વિચાર કરો કે આ ત્રણમાંથી કોઈ એક વસ્તુ પણ ખૂટતી હોત તો આપણે યોગ્ય રીતે ખાઈ શકત ખરા? વળી એક વિચારવાનો મુદ્દો એ પણ છે કે આપણે ધરતીમાં થોડા દાણા નાખીએ છીએ જેના લાખો કે કરોડો કરી ઈશ્વર આપણને પાછા આપે છે શું આ તેનો આપણા ઉપર ઉપકાર નથી? જો એવું ન થતું હોત તો આટલા બધા જીવોની ક્ષુધાનું શમન કેવી રીતે થાત? ટૂંકમાં પરમાત્માની આપણા ઉપરની અવિરત કૃપાના આભાર સ્વરૂપે બપોરની સંધ્યામાં સર્વ કઈ પ્રભુને સમર્પિત કર્યા બાદ ગ્રહણ કરવાનું હોય છે જે જીવ માટે અતિ ઉપયોગી અને ઉપકારક છે. ઈશ્વરને સમર્પિત કર્યા વગરનું ભોજન ઝેર સમાન છે. આપણે ત્યાં કહેવત છે કે “અન્ન એવું મન” જે કંઈ ખાવામાં આવે છે તેમાંથી શરીરના તેમ જ મનના તમામ કોષો તૈયાર થાય છે. શરીરમાં પાંચ પ્રકારના કોષો છે. સ્થૂળકોષ, સૂક્ષ્મકોષ, વિજ્ઞાનકોષ, મનકોષ અને આનંદકોષ. વ્યક્તિના જેવા વિચારો તેની તેવી અન્ન પર અસર થતી હોય છે. જેથી અપવિત્ર વ્યક્તિના હાથે બનેલું ખાવાથી વિચારદોષ ઉત્પન્ન થાય છે. જે અનેક ખરાબ કર્મો કરાવે છે. વિજ્ઞાને સાબિત કર્યું છે કે ઓક્સિજન સહિત દરેક વસ્તુમાં પોષકતત્વોની સાથે ઝેરીતત્વો છે. વળી ખેતીમાં વપરાતા રસાયણો, દવાઓથી ઝેરીતત્વો વધે છે. માણસ શ્વાસમાં જે ઓક્સીજન લે છે તેનું વિઘટન થઈને શરીરમાં પોષકતત્વો અને ઝેરીતત્વો છૂટા પડે છે. જેના કારણે વૃદ્ધત્વની પ્રક્રિયા ઝડપી બને છે. એટલે કે શરીર વૃદ્ધ થાય છે. જેથી શાસ્ત્રોમાં ઓછું ખાવું અને ઓછા શ્વાસ લેવાની સલાહ આપવામાં આવે છે. એ દ્રષ્ટિએ ઉપવાસ અને પ્રાણાયામ ખૂબ વૈજ્ઞાનિક છે. આ તમામ ઝેરીતત્વોથી બચવું કેવી રીતે? જેના માટે ઈશ્વરકૃપા આવશ્યક છે. એની કૃપા વગર આવા ઝેરીતત્વોમાંથી બચી શકાય નહીં. જ્યારે અન્ન ઈશ્વર સમર્પિત કરવામાં આવે છે ત્યારે મનમાં એક વિશિષ્ટ પવિત્ર ભાવના ઉત્પન્ન થાય છે કે ઈશ્વર મારી રક્ષા કરશે અને એના દ્વારા જે પાવરફુલ મનકોષ તૈયાર થાય છે તે સ્થૂળકોષને આદેશ આપે છે કે તમામ ઝેરીતત્વોનો નાશ કરો અને આ રીતે auto suggestion દ્વારા ઓટોમેટીક ખોરાક શુદ્ધ બને છે અને માનવ તેની વિપરીત અસરથી બચી શકે છે. વળી પંચયજ્ઞ કરીને પ્રસાદીરૂપે અન્ન જમનાર બધા પાપોથી મુક્ત થાય છે એવું શાસ્ત્રોનું વિધાન છે. જેઓ માત્ર પોતાના માટે રાંધે છે તે પાપીઓ તો જાણે પાપ જ જમે છે. અર્પણની ક્રિયા બ્રહ્મ છે. ભૂખ લાગે કે તરત બચબચ કરતાં ખાવા માંડવું એ તો શ્વાનકર્મ થયું. માણસે તો ભોજન કરતા પહેલા પાંચ શ્લોકો ગાઈને ભગવાનને યાદ કરવા જોઈએ. જેથી કરીને સ્વાદ માટેની લોલુપતા ચાલી જાય અને એકલી ભૂખ બાકી રહે ત્યારે જ જમવું ઉત્તમ છે. શંકરાચાર્ય કહેતા કે ભૂખને રોગ સમજો અને અન્નને દવા સમજો. ઉપરાંત શાંત ચિતે ભગવાનનું નામ દઈ જમવાની શરૂઆત થતા અનેક પાચનસંબંધી સમસ્યાઓ હલ થાય છે વિજ્ઞાને સાબિત કર્યું છે કે ખૂબ ઉતાવળમાં ઊંચા જીવે જમતા અનેક પાચનસંબંધી સમસ્યાઓ અને રોગો ઉદભવે છે. અંતે જમ્યા પછી ભગવાનનો આભાર માનવો આવશ્યક છે કે તેમણે આપણા પર આટલો ઉપકાર કર્યો અને આજે જે આપ્યું તે અન્ન નિત્ય આપતા રહેજો એવી વિનંતી કરવી.

15) નોકરી કે ધંધા અર્થે ઘરની બહાર જતા પહેલા ઈશ્વરસ્મરણ અનિવાર્ય છે જે દ્વારા આપણે નીતિયુક્ત આજીવિકા પ્રાપ્તિનું વચન પ્રભુને આપીયે છીએ. નોકરી-ધંધામાં કશું જ અયોગ્ય ન થાય તેની તકેદારી સાચી સંસ્કારિતા દર્શાવે છે.

16) ઘરે પરત ફરતા જ સંધ્યાકાળની પૂજા અને સાંયકાલભોજન – સંધ્યાકાળમાં કોસ્મિક એનર્જીનું પૃથ્વી પર ભ્રમણ વિશેષ હોય છે જેથી સંધ્યાકાળની પૂજા ઉત્તમ ફળ આપે છે. જ્યારે સૂર્ય અસ્ત થાય ત્યારે બુદ્ધિમાં કામ પ્રવેશે છે માટે સૂર્યાસ્તના સમયે પૂજા કરવી અનિવાર્ય છે. સાયંકાળે સૂર્ય અને ચંદ્ર બંનેના તેજ નબળા પડે છે જેથી પૃથ્વી પર નકારાત્મકતા કે આસુરીશક્તિનું જોર વધે છે. આપણે જાણીએ છીએ કે સૂર્ય બુદ્ધિનો માલિક છે જ્યારે ચંદ્ર મનનો માલિક છે, આમ મન અને બુદ્ધિ સંધ્યાકાળે નબળા પડતા હોવાથી કામનો તેમ જ નકારાત્મકતા અને આસુરીશક્તિનો પ્રવેશ સરળ બને છે એટલા માટે સંધ્યાકાળે ઈશ્વરસ્મરણ કરવું ખૂબ જરૂરી છે. સંધ્યાકાળે ભક્તિ કદી છોડવી નહીં. ઘરને તાળા મારવા નહીં. ઘરની બહાર જવું નહીં અને ખૂબ સાવધાની સાથે સંધ્યાકાળે ભક્તિ કરવી કામનાશ માટે તેમ જ નકારાત્મકતાથી બચવા અનિવાર્ય છે એવું ભાગવતનું સૂચન છે જે ખૂબ વૈજ્ઞાનિક છે.

17) રાત્રે સુતા પહેલા ત્રિકાળસંધ્યાની છેલ્લી સંધ્યા કરવી – છેલ્લી સંધ્યા રાત્રે સૂતી વખતે કરવાની હોય છે કે પ્રભુ હું તારી શરણમાં આવું છું. મને શાંતિ પ્રદાન કરજે, નવજીવન પ્રદાન કરજે. વિજ્ઞાને શોધ્યું છે કે માનવશરીરના દરેક અંગોનું રીપેરકામ, Detoxification, શુદ્ધિકરણ રાત્રીની નિંદ્રાના સમયમાં થાય છે જેના કારણે સવારે વ્યક્તિ સ્વસ્થતા અનુભવે છે. વળી આપણને ખબર નથી કે આપણે સવારે ઉઠીશું કે કેમ? તેથી દિવસના અંતે કે જીવનના અંતે ઈશ્વરનું નામ આવશ્યક છે તેનાથી મનુષ્યની ઉન્નતિ થાય છે. આ ઉપરાંત સૂતા પહેલા, આખા દિવસ દરમિયાન જાણે-અજાણે મન, વચન અને કર્મથી કોઈ અયોગ્ય કાર્ય થઇ ગયું હોય તો તેની માફી માંગવાની હોય છે. પ્રભુ અતિ કૃપાળુ છે. સાચા દિલથી કરેલા પ્રાયશ્ચિતનો તે અવશ્ય સ્વીકાર કરે છે. આપણને કર્મબંધનો અને પીડામાંથી મુક્ત કરે છે જે આપણે અયોગ્ય કે અનીતિપૂર્ણ કાર્યોથી બાંધીએ છીએ.

ઉપર પ્રમાણેની દિનચર્યા જેનો જીવનક્રમ છે તે સાચો સંસ્કારી માણસ છે, જે આત્મકલ્યાણની સાથે સમાજ કલ્યાણનો સહભાગી બને છે. પરંતુ અહીં એક વાત યાદ રાખવી જરૂરી છે કે આ તમામ ક્રિયા માત્ર યાંત્રિક ન બનતા ભાવયુક્ત બનવી જોઈએ. ભાવ વગરની ક્રિયા જીવનને સુધારી શકતી નથી કેમ કે જીવનને ઘડનારા મુખ્ય પરિબળ મન, વિચાર અને ભાવના છે. સમજણ વગરની માત્ર ક્રિયા કે શ્લોક બોલી જવા એ તો પોપટકર્મ કહેવાય, જે કદી ધાર્યું પરિણામ આપી શકે નહીં. આધુનિક સમાજમાં સંસ્કારો ભૂલાવા માંડ્યા છે, સંસ્કાર બચાવો અભિયાન આવશ્યક બની ગયું છે. જેમ વૃક્ષો કપાવા માંડ્યા એટલે વૃક્ષ બચાવો અભિયાન શરુ થયું, સ્ત્રીભૃણ હત્યા વધતા બેટી બચાવો અભિયાન જરૂરી બન્યું, એ રીતે વર્તમાન સમયે કળિયુગમાં સંસ્કારોની અધોગતિ અને કથળતી સ્થિતિને કારણે સંસ્કારવિધિ અનિવાર્ય લાગે છે. કદાચ એ દ્વારા જ આવનાર પેઢીને અસંસ્કારની ખાઈમાં પડતા બચાવી શકાય. તો આવો પ્રતિજ્ઞાબદ્ધ બનીએ અને જીવનમાં વૈદિક સંસ્કારનું આચમન કરીએ જેથી જીવન શાંત, સમૃદ્ધ, સુખી, સ્વસ્થ અને સુરક્ષિત બને.

TejGujarati