લાવ ઈસ્ત્રી ફેરવી દઉં દેશભક્તિને, ફક્ત પ્રસંગ પૂરતી જ એ પહેરવાની છે.- વૈભવી જોશી.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

(વિશેષ નોંધ : આ લેખ વ્યક્તિગત મત અને સ્વાનુભવનાં આધારે લખાયેલ છે અને અપવાદો પણ હોય જ તથા સ્ત્રી ને પુરૂષ બંન્નેને લાગુ પડે છે એટલે કોઈએ બંધબેસતી પાઘડી પહેરી બિનજરૂરી વાદ-વિવાદમાં સમય વેડફવો નહીં.)

લાવ ઈસ્ત્રી ફેરવી દઉં દેશભક્તિને,

ફક્ત પ્રસંગ પૂરતી જ એ પહેરવાની છે.

મેં એક ભાઈ સાથેની અમારી વાતચીતમાં હેમંતભાઈ ગોહિલની આ પંક્તિ ટાંકી એમાં તો જાણે એ ભાઈને એટલું તો લાગી આવ્યું કે એમણે તરત જ મને એ કેટલાં દેશભક્ત છે એ ગણાવવાનું શરૂ કરી દીધું. મને કહે, “અરે બેન, હોતું હશે, હું તો બહુ જ દેશપ્રેમી છું, ૧૫મી ઓગસ્ટ હોય કે ૨૬ જાન્યુઆરી હું ગમે ત્યાંથી આપણો ધ્વજ લઇ આવું અને મારી ગાડીમાં મૂકું, મારા ઘરની બાલ્કનીમાં પણ લહેરાવું અને મારાં છોકરાંઓને પણ આપું”.

એટલે મેં વચ્ચે જ ટાપસી પૂરી, “અચ્છા, પેલા પ્લાસ્ટિકનાં ધ્વજ હોય છે એ જ ને ? (હું મનમાં બબડી જે બીજાં દિવસે જમીન પર રીતસર ધુળમાં આળોટતાં જોવા મળે છે) એટલે કહે, “હા વળી એ જ તો. અરે ! આ તો સાચો ધ્વજ ક્યાં મળે એ ખબર નથી નહીંતર એ પણ લઈ આવું અને લહેરાવું મારા ઘરની બાલ્કનીમાં એયને બધાં જુએ”. એટલે સામાન્ય માણસ માટે ધ્વજનાં ઉપયોગ વિશેનાં નિયમોથી આ ભાઈ સંપૂર્ણ અજાણ છે એવી મારી ધારણા બિલકુલ સાચી પડી.

હજી હું કંઈ આગળ કહું એ પહેલા એમણે એમનો દેશપ્રેમ આગળ ચલાવ્યો અને કહે, “હું તો આપણા ક્રિકેટરો દેશ માટે જીતીને આવે એટલા માટે કેટલી પ્રાર્થના કરું ને કેટલો સપોર્ટ કરું છું ખબર છે? એક પણ મેચ જોવા જવાનું છોડું નહિં” એટલે મેં પાછું ઉમેર્યું, “અચ્છા, ક્રિકેટપ્રેમી હોવું એટલે દેશપ્રેમી હોવું ? જોકે એ મારા પ્રશ્નાર્થનો ભાવાર્થ સમજ્યાં જ નહિં અને આગળ હાંકે રાખ્યું અને કહે, “અરે બહેન! શું વાત કરું તમને, આપણા સૈનિકો પર જેટલી પણ ફિલ્મો બની છે એ બધી મેં જોઈ છે.”

એમણે નામ પણ ગણાવવાનાં ચાલુ કર્યાં એટલે એમને અધવચ્ચે જ અટકાવ્યા. (હવે તો જરા અકળાઈને) મારાથી બોલાઈ ગયું, “ફિલ્મોમાં સૈનિકોનો માત્ર કિરદાર ભજવે છે એ ફિલ્મો તમે જોઈ છે અને યાદ છે એ તમારો દેશપ્રેમ છે? “જોકે એ મારા ચહેરા પરની અકળામણ સાથેનો પ્રશ્નાર્થ કળવામાં સંપૂર્ણ અસક્ષમ છે એ સ્પષ્ટ વર્તાતું હતું. જો કે પછી મને પણ એ કહેવત યાદ આવી “ભેંસ આગળ ભાગવત” કદાચ આને જ કહેવાતું હશે કે શું? એટલે હું મૂળ મુદ્દા પર પાછી આવી ગઈ, જ્યાંથી અમારી વાતચીત શરૂ થયેલી અને એ હતો એમનો આવતીકાલનો ૨૬ જાન્યુઆરીનો પ્લાન.

મેં તરત જ કહ્યું, “એટલે ટૂંકમાં કાલે આખો દિવસ જલસા એમ ને? ઓફિસે તો જવાનું નહિં હોય.” એટલે પાછા હક્કથી કહે,”હાસ્તો બહેન, કાલે તો જાહેર રજા એટલે એય ને આરામથી ઊઠીશું, પછી મસ્ત વાડીગામનાં ગરમાગરમ ફાફડાં લેતો આવીશ.” મેં વળી કટાક્ષમાં કીધું, “લે..જલેબી નહિં?” તો પાછા ગર્વથી કહે, “એ તો ફાફડાં હોય એટલે જલેબી સમજી જ લેવાનું હોય ને (જેઠાલાલનાં ફાફડાં-જલેબીની જોડી પણ એમનાં જેટલી જ પ્રખ્યાત છે એ મને આજે જ સમજાયું).

મસ્ત ગરમાગરમ નાસ્તો કરી તૈયાર થઈ લંચ પહેલાં જરા દોસ્તોને મળી ગપ્પા મારીશું. પછી જમી કરીને ટેસથી બપોરે એકાદ દેશભક્તિની ફિલ્મ જોઈશું અને પછી થોડો આરામ. સાંજે જોઈશું, છોકરાઓને બહાર કશેક મોલમાં કે ગાર્ડનવાળી જગ્યાએ લઈ જઈશું એટલે એ લોકો પણ ખુશ. પાછો અમારાં શ્રીમતીજીનો ઓર્ડર છે કે સાંજે તો રસોડું બંધ જ રહેશે હો, એક દિવસ અમને પણ તો શાંતિ જોઈએ કે નહિં એટલે ડિનર બહાર જ પતાવીશું.” મેં પાછું કટાક્ષમાં કહ્યું,” વાહ! ખૂબ સરસ પ્લાન છે હોં, ૨૬ જાન્યુઆરીનો ..” અને મનમાં ને મનમાં બબડતાં-બબડતાં ત્યાંથી જલ્દીથી ખસી જવામાં જ મેં શાણપણ સમજ્યું.

આટલી વાતચીત મારાં માટે પૂરતી હતી એ સમજવા કે કદાચ વર્તમાન સમયમાં આ ઘર ઘરની કહાની બની ગઈ છે. અમુક અપવાદોને બાદ કરતા શું ખરેખર આજ રીતે આ બધાં લોકો એમનાં દેશ પ્રત્યેનાં પ્રેમ ને છતો કરે છે અથવા એમના દેશપ્રેમની વ્યાખ્યા શું આ જ છે? આ ભાઈ જે પ્લાસ્ટિકનાં ધ્વજ માટે આટલાં ઉત્સાહી જણાતાં હતાં. શું એમને ખબર પણ છે કે ૨૨ જુલાઈ ૧૯૪૭નાં દિવસે બંધારણ સભા દ્વારા વર્તમાન ત્રિરંગાનાં આકાર અને પ્રકાર નિશ્ચિત કરાયા હતાં ? કે દેશ આઝાદ થયા બાદ બંધારણીય સભામાં પંડિત જવાહરલાલ નહેરૂએ ૨૨ જુલાઈ ૧૯૪૭માં વર્તમાન ત્રિરંગા ધ્વજને રાષ્ટ્રીય ધ્વજ જાહેર કર્યો હતો?

શું એમને ખબર છે કે સરકારી કર્મચારીઓ કે મકાનો સિવાય સામાન્ય માણસ માટે પણ ધ્વજનાં ઉપયોગ અંગે કેટલાક નિયમો છે? કાગળનાં ધ્વજ કચરાપેટીમાં એકઠાં થાય છે એ રાષ્ટ્રીય ગુનો બને. જોકે આપણે ત્યાં એની સામે કોઈ પગલાં લેવાતાં ન હોવાથી કોઈ પણ રાષ્ટ્રીય દિવસની ઉજવણી પછી ઠેર-ઠેર કાગળનાં ધ્વજનાં ઢગલાં જોવા મળે છે જે તમામ દેશવાસીઓ માટે અત્યંત શરમજનક બાબત છે.

ફ્લેગ કોડ મુજબ રાષ્ટ્રીય સ્મારક, રાષ્ટ્રીય કચેરી, રાજ્યોનાં પ્રધાન અને સંસદસભ્યો સિવાય કોઈ રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરી શકતાં નહોતાં, પણ ૨૦૦૨માં સત્તાવાર રીતે એવી પરવાનગી મળી કે રાષ્ટ્રધ્વજનાં નીતિનિયમ સાથે એ ધ્વજનો કોઈ સામાન્ય વ્યક્તિ પણ વપરાશ કરી શકે છે. સામાન્ય માણસ પણ રાષ્ટ્રધ્વજનો ગર્વપૂર્વક ઉપયોગ કરી શકે એ પ્રકારનો ચુકાદો લઈ આવવાનું કામ “નવીન જિન્દલે” કર્યું હતું.

નવીન જિન્દલે ૭ વર્ષ સુધી આ માટે સંઘર્ષ કર્યો અને છેવટે ૨૦૦૨માં તેમની માંગણી સ્વીકારીને કેન્દ્ર સરકારે રાષ્ટ્રધ્વજનો ઉપયોગ સામાન્ય વ્યક્તિ પણ ગર્વભેર કરી શકે એ માટે પરવાનગી આપી. શું એ ભાઈને આમાંની એક પણ વાતની જાણ હશે? ખાદીનાં એક ટુકડામાંથી બનેલો આપણો ધ્વજ એ ફક્ત કાપડનો ટુકડો ન રહેતાં આખા દેશનો આત્મા છે અને આપણી આઝાદીનું પ્રતિક છે. એનું મૂલ્ય શું આવા લોકો સમજે છે ખરાં?

આ ભાઈ જેવાં તો લાખો કરોડો લોકો હશે જે એમ સમજતાં હશે કે દેશદાઝ કે દેશનાં જવાનો પર બનેલી ફિલ્મ જોવી કે યાદ રાખવી એ દેશપ્રેમ છે. કોઈ ફિલ્મમાં દેશ માટે ફના થઈ જવાનો અભિનય કરવો અને પોતાના વતન માટે હકીકતમાં એક પણ સેકન્ડનો વિચાર કર્યા વગર પ્રાણની આહુતિ આપી દેવી એનો ફરક આપણાં જેવાં સામાન્ય લોકોને સમજાય છે ખરો?

Reel ની life અને real ની life ને દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી એ તો આવા બહાદુર જવાનોની માતા, પત્ની કે સંતાનોને પૂછીએ તો ખબર પડે. સાદર પ્રણામ આવી પત્નીને, માતાને અને એમના સંતાનોને. આજે આપણે સહુ આપણા ઘરોમાં સુરક્ષિત છીએ કારણકે આવા વીર જવાનો દેશને સાચવવાં માટે અડીખમ ઊભા છે. ભારતની સેના દેશની સીમાઓનાં રક્ષણ માટે કટિબદ્ધ છે, વાયુદળ, નૌકાસેના અને લશ્કરી રૂપે.

મેરી કોમ, મિલ્ખાસિંઘ, પાનસિંહ તોમર જેવા કેટલાય લોકોનાં નામ પણ ઘર ઘરમાં જાણીતાં થયાં એનું કારણ, લોકપ્રિય કલાકારોએ એમના જીવન પર આધારિત ફિલ્મો બનાવી. આપણા માટે આ ખુબ શરમજનક બાબત છે કે આવી પ્રતિભાનો પરિચય લોકો સુધી પહોંચાડવા એ લોકોનો સહારો લેવો પડે છે જે લોકો માત્ર એ રમત રમવાનો અભિનય કરી જાણે છે. જ્યારે હકીકતમાં કેટકેટલી પ્રતિકુળતાઓનો સામનો કરી, પરિવાર સાચવતાં-સાચવતાં પણ ભારે પરિશ્રમ કરી વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કરનાર આવી વિરલ પ્રતિભાઓને હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે.

ટૂંકમાં ભૂલેચૂકે પણ લોકનજરે ચઢેલા અને અનોખી સિદ્ધિ મેળવનારા રમતવીરોને કચકડે મઢીને એમની સિદ્ધિઓને પોતાની લોકપ્રિયતામાં વટાવવાનો ખુબ સરળ માર્ગ બોલીવુડનાં દિગ્દર્શકો અપનાવતાં હોય છે. આપણે મોંઘીદાટ ટિકિટો ખરીદીને આવી ફિલ્મો જોવાં જઈએ છીએ પણ હકીકતમાં એમના જીવન પર આધારિત ફિલ્મો બન્યાં વગર કેટલાં લોકો આ વિશે જાણવા તત્પર હોય છે કે પોતાના સંતાનો સાથે આવા વિષયો પર ચર્ચા કરે છે કે એમને પ્રેરિત કરે છે?

આ ભાઈ જેવા તો કેટલાંય લોકો હશે જેમનો દેશપ્રેમ ફક્ત ક્રિકેટ રમાતી હોય એ વખતે જ પૂરજોશમાં ઉછાળા મારે છે. ક્રિકેટમાં જીતવું એટલે જાણે જંગ જીત્યાં બરાબર હોય છે અને જો ભૂલેચૂકેય હારીને આવે તો-તો માર્યાં ઠાર, એવી તો જોયા જેવી થાય. રમતને માત્ર એક રમત તરીકે જોતાં આપણે ક્યારે શીખીશું? રમત ગમતમાં કોઈ એક જ જીતે છે એટલે સ્વાભાવિક રીતે જ બીજો હારે છે તો એને ખેલદિલીપૂર્વક સ્વીકારતાં ક્યારે થઈશું? અન્ય રમત ગમતોને પણ આટલાં જ ઉત્સાહથી વધાવી ખેલદિલીપૂર્વક માણતાં ક્યારે થઈશું?

વૈશ્વિક સ્તર પર રમાતી ઓલમ્પિક્સ જેમાં ખરેખર ભારતનું નામ રોશન કરવાનું હોય છે એમાં ભાગ લેવા માટે કેટલાં રમતવીરો આપણે તૈયાર કરીયે છીએ? છેલ્લાં થોડાં વર્ષોમાં ભારત આ બધી સ્પર્ધાઓમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ સરસ દેખાવ કરી રહ્યું છે અને વિવિધ મેડલ પણ જીતી રહ્યું છે પણ એ જાણવાની તસ્દી કેટલાંકને લેવી છે? એ બધાં રમતવીરોને પ્રોત્સાહન કે સહકાર આપવાની કેટલાંની તૈયારી છે? (કાઢનારા આમાં પણ ફક્ત સરકારનો જ દોષ કાઢશે પણ આપણે બધાં પણ એટલાં જ દોષી છીએ એ સત્ય આપણે ક્યારે સ્વીકારીશું?)

ભારે હૈયે પરાજયનો ભાર ઊંચકી વતન પરત આવતાં ક્રિકેટરોની હાલત કફોડી થયાનાં કે હિંસાત્મક પ્રવૃત્તિઓ બન્યાનાં કિસ્સાઓ પણ આપણે ક્યાં નથી વાંચ્યા. ક્રિકેટ જે આપણી રાષ્ટ્રીય રમત નથી પણ મારાં મતે તો એને રાષ્ટ્રીય રમત ઘોષિત કરી જ દેવી જોઈએ જેથી મોટાં ભાગનાં લોકોની આ રીતસરની ઘેલછા કે ગાંડપણ જોઈને દુઃખ તો ન થાય, એવું તો ન લાગે કે આપણી રાષ્ટ્રીય રમત સાથે અન્યાય થાય છે.

આ ભાઈ જેવાં તો લાખો કરોડો લોકો હશે આપણા દેશમાં જેમને ક્રિકેટની લગતી વર્ષો જૂની માહિતી પણ મોંઢે હશે. કોણે કઈ મેચમાં કેટલો સ્કોર કરેલો ને કેટલી વિકેટો લીધેલી વગેરે વગેરે… પણ શું એમને આજનાં દિવસનો ઈતિહાસ જાણવામાં રસ છે? શું આ બધા લોકોને ખબર પણ છે કે બંધારણ સભાની પ્રથમ બેઠક ડિસેમ્બર ૯, ૧૯૪૬નાં રોજ મળી હતી કે ૨૯ ઓગસ્ટ ૧૯૪૭નાં રોજ બંધારણ ઘડવાની સમિતિ રચવામાં આવી હતી?

આપણે બધાં જ આપણાં અભ્યાસક્રમમાં આ ભણી ચૂક્યાં છીએ કે બંધારણ સભાનાં કાર્યકારી અધ્યક્ષ ડો.સચ્ચિદાનંદ સિંહા હતાં. બંધારણની ખરડા સમિતિનાં અધ્યક્ષ ડો. બી.આર.આંબેડકર હતા. જયારે બંધારણ સભાનાં પ્રમુખ ડો.રાજેન્દ્ર પ્રસાદ હતા. ડો. ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતામાં ભારતીય બંધારણની રચના માટે સમિતિની રચના કરવામાં આવી હતી.

વિશ્વભરનાં અનેક દેશોનાં બંધારણોનો ઝીણવટભર્યો અભ્યાસ કરી, લંબાણપૂર્વકની બેઠકો, ચર્ચા વિચારણા તથા સંશોધન બાદ ભારતે વિશ્વનાં સૌથી મોટાં લેખિત બંધારણની રચના કરી હતી. આ નવા બંધારણને ૨૬મી નવેમ્બર, ૧૯૪૯નાં રોજ બંધારણ સભાએ મંજૂરી આપતા ૨૬મી નવેમ્બરનાં દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ બંધારણનો અમલ ૨૬મી જાન્યુઆરી, ૧૯૫૦થી કરવામાં આવ્યો હતો. હજી પણ એ ભાઈ સાથેની વાત મનમાં ઘોળાયા જ કરે છે. શું ખરેખર આપણો સ્વર્ણિમ ઈતિહાસ જાણવામાં આ ભાઇ જેવા લોકોને રસ રહ્યો છે ખરો?

ખેર આજે તો આ ભાઈનો પ્લાન સાંભળી મન વ્યાકુળ છે એટલે આપણા બંધારણ વિશેની રસપ્રદ અને જાણવા જેવી માહિતી તથા બાકીની અગત્યની વાત લેખનાં બીજા ભાગમાં ચોક્કસ કરીશ.

– વૈભવી જોશી

TejGujarati