નર્મદામા ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ ની જિલ્લાકક્ષાની વર્ચ્યુઅલ માધ્યમ થકી ઉજવણી કરાઇ

ગુજરાત સમાચાર

“રાષ્ટ્રીય મતદાતા દિવસના” સામૂહિક સંકલ્પ લીધા રાજપીપલા,તા 25

લોકતાંત્રિક ચૂંટણી પ્રક્રિયામાં દરેક પાત્ર નાગરિકને સહભાગી બનાવવા, દરેક પાત્ર નાગરિકને મતદાર તરીકે નોંધણી કરાવવા અને ચૂંટણી વખતે મતદાન કરીને પોતાનો સક્રિય અને અર્થપૂર્ણ ફાળો આપવા માટે પ્રેરિત કરવાના હેતુસર આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ અન્વયે ગુજરાતના ચૂંટણી કમિશનર સંજ્ય પ્રસાદ, ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી અનુપમ આનંદ અને અધિક મુખ્ય નિર્વાચન અધિકારી આર.કે.પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી વીડીયો કોન્ફરન્સીંગના માધ્યમ થકી “રાષ્ટ્રીય મતદાતા દિવસના” યોજાયેલા કાર્યક્રમમાં નર્મદા જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડી.એ.શાહ સહિત અન્ય અધિકારીશ્રીઓ વગેરે તેમા જોડાઇને સહભાગી બન્યા હતાં. ગાંધીનગર ખાતેથી યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમ બાદ નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લાકક્ષાના યોજાયેલા રાષ્ટ્રીય મતદાતા દિવસના કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ અને જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે જિલ્લા-તાલુકા અને ગ્રામ્યકક્ષાએથી યુ ટ્યુબના ઓનલાઇનના માધ્યમ થકી જોડાયેલા પ્રજાજનોને જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા મહત્તમ યુવા મતદારોને મતદાન અંગે જાગૃત કરવા, પ્રોત્સાહિત કરવા અને મતદાનની ચૂંટણી પ્રક્રિયામાં સક્રિયતાથી જોડવાના ઉદ્દેશથી દર વર્ષે તા.૨૫ મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત તા.૨૫ મી જાન્યુઆરી, ૨૦૧૧ થી કરવામાં આવી રહી છે. તા.૨૫ મી જાન્યુઆરી, ૧૯૫૦ ભારતીય ચૂંટણી પંચનો સ્થાપના દિવસ છે. ચૂંટણી પંચના સ્થાપના દિવસને અવિસ્મરણીય બનાવી રાખવાની ભાવના સાથે આજે આપણે ૧૨ મો રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવા જઇ રહ્યા છીએ. આ ૧૨ માં મતદાતા દિવસ ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ વર્ચ્યુઅલ રીતે ઉજવવામાં આવી રહ્યો છે. જિલ્લા કલેકટર શાહે વધુમાં ઉમેર્યું હતું કે, વિશ્વ સામે આવેલી કોરોના મહામારી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય તે ખૂબ જ અનિવાર્ય છે. કોરોના મહામારી દરમિયાન ભારતીય ચૂંટણી પંચ દ્વારા પારદર્શક, મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રીયાના આયોજન માટે તેમજ વધુ કાર્યક્ષમ રીતે બહોળી પ્રસિધ્ધિ દ્વારા મહત્તમ મતદારો સુધી પહોંચવા માટે આયોગ દ્વારા વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પૂર્વે, ચૂંટણીના સમયે, ચૂંટણી બાદ તથા ચૂંટણી ન હોય તેવા સમયે ઉપયોગ માટે જુદી-જુદી ૨૦ જેટલી એપ્લીકેશન્સ બનવવામાં આવી છે. તેમજ ૧૨ માં રાષ્ટ્રીય મતદાતા દિવસે ચૂંટણી પંચ દ્વારા e-EPIC લોંન્ચિગ કરવામાં આવ્યું છે, જેના માધ્યમથી નવા નોંધાયેલા મતદારો ઘરે બેઠા પોતાનુ મતદાર ઓળખપત્ર પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરી શકશે. આ ૧૨ મા રાષ્ટ્રીય મતદાતા દિવસમાં ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ, સુગમ અને સહભાગી બનાવીએ થીમ ને અનુરૂપ રાષ્ટ્રીય, રાજ્ય, જિલ્લા, તથા તાલુકાકક્ષાએ મતદારોને સશક્ત, સતર્ક અને માહિતગાર બનાવવા, યુવા મતદારોને પ્રોત્સાહિત કરવા અર્થે આપણે બધા ઉજવણીમાં જોડાઈને ભારતીય ચૂંટણી પંચનો મહત્વ પૂર્ણ હેતુ સાકાર કરવાની દિશામાં સૌને કટિબધ્ધ બનવા જણાવ્યું હતું. લોકશાહી સમાજમાં જનતા પાસે મત એ શક્તિશાળી અને અહિંસક સાધન છે જેનું મહત્વ સમજી મજબૂત લોકશાહી માટે મત આપવાના અમૂલ્ય અધિકારનો ઉપયોગ કરીએ. નર્મદા જિલ્લાના તમામ નોંધાયેલ તથા ભાવિ મતદારોને રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે શાહે હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમના અંતમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ સહિત ઉપસ્થિત સહુ કોઇએ “રાષ્ટ્રીય મતદાતા દિવસના” સામૂહિક સંકલ્પ લીધા હતા.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા

TejGujarati