ના Hurryશરણં,ના Worryશરણં,કેવળ હરિશરણં કામનારહિત હોય એજ ઉદાર હોય છે. રામનામ કામનાશૂન્ય કરીને ઉદારતા પ્રગટાવે છે. જ્યારે સંગ્રહ થાય ત્યારે મંથન,ઘર્ષણ અને વિગ્રહ શરુ થાય છે.

ધાર્મિક

 

અગાતીદ્વીપ લક્ષદીપથી પ્રવાહીત રામકથાના બીજા દિવસે બાપુએ કહ્યું કે રામચરિત માનસમાં ૬૪ વાર સાગર શબ્દ આવ્યો છે.ઘણા સાગરની ચર્ચા છે. રાજાને રત્નની જરૂર હોય છે,રત્નોને રાજાની જરૂરત પડતી નથી અને પાર્વતીમંગલમાં કહ્યું છે એમ રોગીને અમૃતની જરૂર હોય છે અમૃતને રોગીની કોઈ જરૂર નથી હોતી.આ બે પંક્તિઓથી એક નવું સૂત્ર મળે છે કે જે કામનારહિત હોય છે એ ઉદાર હોય છે. ગાંધીબાપુ કહેતા કે રોજ સવારે રામના નામનું ઉચ્ચારણ કરવાથી દિવસભરની મારી કામનાઓ નષ્ટ થાય છે અને રામનામથી ક્રોધ ઓછો થાય છે, અને ઘણા દોષની માત્રાઓ ઓછી થાય છે.બાલકાંડ નો સાગર કામનારહીત છે પરંતુ રત્ન તટ પર ફેંકતો નથી,સંગ્રહખોર દેખાય છે.રામરાજ્ય વાળો સાગર કામનાશૂન્ય પણ છે અને ઉદાર પણ છે.જ્યારે રામનામનો સેતુ બન્યો ત્યારે રામરાજ્યનો સાગર ઉદાર બની ગયો.રામનામ કામનાથી શૂન્ય કરીને ઉદારતા પ્રગટ કરે છે.સમુદ્રની ઉત્પત્તિનાં કારણોમાં એક કારણ હનુમાનજીની એ ઉક્તિ છે જેમાં હનુમાન કહે છે કે રાક્ષસોની સ્ત્રીઓએ રોઈ રોઈ અને સાગર ભરી દીધો.બાપુએ જણાવ્યું કે જે સંગ્રહ કરે છે એ ક્યારેક ને ક્યારેક મથાય જ છે તેનું મંથન થતું જ હોય છે.ક્યારેક આઇટી વાળાઓ,સરકાર,પરિવાર દ્વારા કે અન્ય કોઇ મંથન કરે છે.ઉદારતા સાધુ-સજ્જનોનો ગુણ માનવામાં આવે છે. પૌરાણિક સંદર્ભમાં સાગર નામના રાજાની વાત છે જે રામને રસ્તો નથી આપતો અને સાગર અને રાઘવ આ બંને વચ્ચે સમાધાનનો સેતુ બને છે પરંતુ આ કથામાં મૂળ મર્મ મરી જાય છે.બાપુએ કહ્યું કે જ્યારે સંગ્રહ થાય છે ત્યારે મંથન,ઘર્ષણ અને વિગ્રહ શરૂ થાય છે.ભાગવતનો આધાર રાખીને સમુદ્ર મંથનની કથા છે.દુર્વાસા જઈ રહ્યા હતા એ વખતે ઇંદ્ર હાથી પર બેઠેલો છે.ઇન્દ્રનું સ્વાગત કરવા માટે દુર્વાસા પોતાની માળા ઈન્દ્ર તરફ ફેંકે છે.ઈન્દ્ર એ માળા હાથી પર રાખે છે હાથીને ચાર દાંત છે અને હાથી અભિમાની નીકળે છે એ ફૂલની માળા લઇ અને નીચે પછાડીને પોતાના પગ નીચે મસળી નાખે છે. દુર્વાસા શ્રાપ આપે છે કે આજથી તમે શ્રી હીન થઈ જશો. ભગવાન બુદ્ધનો એક ચિકિત્સક જેનું નામ જીવક છે અને એ બુદ્ધની ગંધ કુટીરની પાસે જ તેની કુટીર હતી એ જીવક કહે છે કે બુદ્ધ પુરુષ-મહત્તપાદનું અવજ્ઞા, અપમાન કરવાથી ચાર સંતાપ આવે છે:તન,મન,ધન અને ભવન એટલે કે શારીરિક અશાંતિ,માનસિક અશાંતિ,ધનની અશાંતિ અને જ્યાં રહે છે એ ભવન ની પણ અશાંતિ તેનામાં ઉતરે છે.આ વાત જહાં-જહાં ચરણ પરે ગૌતમકે-આ પુસ્તકમાં લખેલી છે.બાપુએ કહ્યું કે ભૂતકાળમાં થયેલી ઉતાવળ- Hurry અને વર્તમાનની ચિંતા-Worry-એ બંને છોડીને હરિને પકડો. મેડિકલ સાયન્સ કહે છે કે જ્યારે વ્યક્તિનો જન્મ થાય છે ત્યારે બાળકની નાળ કાપતી વખતે જ તેનું મૃત્યુ થઈ શકે છે પરંતુ આપણે બચી ગયા છીએ એનો મતલબ છે કે હવે ચિંતા છોડો અને હંમેશા પ્રસન્નતામાં રહો!

રામચરિતમાનસમાં ભગવાન રામના ૬ મિત્ર દેખાય છે:અયોધ્યાના બાળકો,ગુહ,રીંછ,સુગ્રીવ,વાંદરાઓ અને વિભિષણ.

દુર્વાસાનાં શ્રાપથી દેવતાઓ બળહીન બન્યા અને દાનવોએ એને ખૂબ જ હેરાન કર્યા.આથી અજર અમર બનવા માટે યોજના બની. મંદરાચલ પર્વતને રવૈયો બનાવી અને કચ્છપ-કાચબાની પીઠ ઉપર રાખી અને વાસુકી નાગની દોરી બનાવી અને સાગરનું મંથન કરવાનું નક્કી થયું.સ્વાર્થને કારણે દેવો અને દાનવો એક થયા!વાસુકિ નાગનું પૂંછડું કોણ પકડે એ માટે પણ વિવાદો થયા! દાનવોએ વાસુકીનું મુખ પકડ્યું તેના મુખમાંથી ઝેર નિકળ્યું,જેને કારણે દાનવો હેરાન થયા અને વાસુકીનું ઝેર શાંત થતાં મંથન શરૂ થયું અને એ મંથનમાંથી કલ્પતરુ નીકળ્યું અને સ્વર્ગમાં મોકલાયું,ઐરાવત હાથી ઈન્દ્રને અપાયો, ઉચ્ચૈશ્રવા નામનો ઘોડો નિકળ્યો જે બલિને આપવામાં આવ્યો. પરમાત્માના વિહારથી અપ્સરાઓ ઉત્પન્ન થાય છે એમ અહીં અપ્સરા લક્ષ્મી અને વારુણી નિકળ્યા.લક્ષ્મીજીએ પોતાની વરમાળા વિષ્ણુને પહેરાવી, વિષ્ણુ એમ કહ્યું કે તારું સ્થાન વક્ષસ્થળમાં રાખું, વિષ્ણુએ ત્રણ વસ્તુ વક્ષસ્થળ-છાતીમાં રાખી. કૌસ્તુભમણિ પદ્મનાભ,ભૃગુના ચરણ અને લક્ષ્મી. પરંતુ લક્ષ્મીજી સેવા કરવા માટે પગમાં સ્થાન ગ્રહણ કરે છે. હળાહળ વિષ નીકળ્યું કાલકૂટ નામનું વિષ જોઈ બધા મહાદેવની શરણમાં ગયા બાપુએ કહ્યું કે પરિશ્રમનું ફળ જ્યારે કંઈક ઊંધું જ નીકળે ત્યારે લાગે છે કે આ કાર્ય માટે કોઈક ખોટો વિચાર પાયામાં પડેલો છે.પાર્વતીએ શંકરને કહ્યું કે પરોપકાર જ આપણો સ્વભાવ છે આથી વિષ આપ પી જાઓ. અહીં એમ પણ થાય કે વિષ ખાધુ એવો શબ્દ લખ્યો છે અને પીધું પણ છે. અહીં જલની વિકૃતિ જે કાદવ-ઘન પદાર્થ એમાંથી જે બચી ગયું હશે તેને કદાચ શંકરે પોતાની જટામાંથી ગંગા મેળવી અને પી ગયા હશે,ભક્તિરૂપી ગંગા મેળવીને પી ગયા હશે અથવા તો કથારૂપી ગંગા મેળવીને કે પછી રામનામ રૂપી ગંગા મેળવીને વિષ પી ગયા હશે.શિવ તો અવિનાશી છે તો પણ વિષ અસર છોડે છે અને એટલો ભાગ નીલ રંગનો બને છે.કામદુર્ગા ગાય ઋષિમુનિઓને આપવામાં આવી અને વારુણી મદિરા દાનવો પી ગયા.એ પછી અંતે એક સુંદર પુરુષ પ્રગટ થયો જેના ખભે અમૃતનો કલશ હતો જે ધન્વંતરી છે.એ વખતે થોડી ભાગદોડ મચી વિષ્ણુએ વિશ્વમોહિનીનું રૂપ લીધું અને કળશ લઈને અનુષ્ઠાનની વાત કરી.સૌ સમુદ્રમાં સ્નાન કરી અને એક પંક્તિ માં બેઠા અને એ વખતે પંક્તિ ભેદ થયો દેવતાઓના તરફથી અમૃત આપવાનું શરૂ થયું એ વખતે રાહુ સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેઠો એવી કથા મળે છે.અને આ રીતે સમુદ્ર મંથનથી રત્નો-બે પશુઓ,ત્રણ સ્ત્રીઓ,એક પુરુષ અને વનસ્પતિ,ઝવેરાત વગેરે નીકળ્યું. રામકથા પ્રવાહમાં રામનામમહિમાનું ગાન કરવામાં આવ્યું.

 

 

TejGujarati