સી. જી. રોડ! ટ્રાફિક જામ! બરાબર સી. જી. સ્ક્વેર મોલ આગળ ઉભા રહેવાનું આવ્યું ને ગાડીની બંધ બારીમાંથી નજર ત્યાં બહાર જાણે ચોંટી ગઈ! – પાર્થિવી અધ્યારુ-શાહ.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

સી. જી. રોડ!
ટ્રાફિક જામ!
બરાબર સી. જી. સ્ક્વેર મોલ આગળ ઉભા રહેવાનું આવ્યું ને ગાડીની બંધ બારીમાંથી નજર ત્યાં બહાર જાણે ચોંટી ગઈ!

ત્યાં કોઈ ન હતું…!
ખાલી ફુટપાથ પર જગો અને કાન્તાની ચ્હાની
લારી હતી…!
શાંત એવા રોડ પર રડીખડી પસાર થઈ રહેલી બે-ચાર ગાડીઓ ને થોડા ટુવ્હીલર્સ , બસ!

ત્યાં વળી પાછા આજુબાજુથી હોર્ન વાગ્યા ને મારા ટાઈમ ટ્રાવેલમાં હું ૧૯૮૦ના દાયકામાંથી ફરી પાછી ૨૦૨૧ના ટ્રાફિકમાં ભરાયેલી ઊભી હતી, ત્યાં પહોંચી ગઈ!
ટ્રાફિક સાથે ગાડી ચલાવતી આગળ તો નીકળી ગઈ પણ ખરેખર મનથી હું ત્યાં જ ઊભી રહી ગઈ હતી!

પછી તો મન:પ્રદેશને ભૂતકાળના સામ્રાજ્યએ ઘેરી લીધો. કેટલો શાંત હતો એ વખતે સી. જી. રોડ!
વર્ષૌ અમે ત્યાં રહ્યા જ્યાં આજે સી. જી. સ્ક્વેર મોલ બની ગયો છે ને આમ તો કેટલીય વાર એ મોલમાં મુલાકાત લઈ આવી છું પણ આજે એ મોલમાં જવાને બદલે હું મારા જૂના ઘરમાં પહોંચી ગઈ હતી!

સાથે સાઈકલ પર સ્કુલે જવા માટે લેવા આવેલી બહેનપણીઓની ઘંટડીઓ, પેલો માંકડાનો ખેલ કરાવા આવતા મદારીનું ડુગડુગિયું, પેલા ફુગ્ગાવાળા કાકાની વાંસળી એ બધું મારી નજર સામે આવી ગયું હતું ને માનસપટલથી લઈને કર્ણપટલ પર એ જ બધું છવાયેલું હતું!

પાછળ જાંબુના ઝાડ પર ચઢીને તોડેલા જાંબુ ખાવામાં ક્યાં રસ હતો , બસ ઝાડ પર ચઢવાની મઝા હતી ને ખાસ મઝા હતી -જાણે કોઈ મોટું સાહસ કરી આવ્યા હોઈએ તેમ માનવાની!

બગીચામાં પતંગિયા પકડવાથી લઈને રેતીના અખાડામાં દેરાં બનાવાની તો જાણે લત થઈ ગઈ હતી! પપ્પા મિલમાંથી આવે ને અમે જાણે બુર્જ-ખલીફા બનાવી નાંખ્યો હોય તેટલા ગર્વથી અમારા દેરાં બતાવવા એમને ખેંચી જતા!

ઉત્તરાયણમાં તો આખા યે આકાશમાં માત્ર અમારો જ પતંગ દેખાય પણ તો યે અમે ચગાવતા ને પરિસરમાં જ આવેલી પંજાબ નેશનલ અને યુ. કો. બેંકના ધાબેથી જ બીજો પતંગ ચગાવડાવીને પેચ લેતા!

અરે, આવી તો અગણિત યાદો ક્ષણાર્ધમાં પસાર થઈ ગઈ ને હું તો ક્યાંની ક્યાં પહોંચી ગઈ…..
એક બાજુ ૧૯૮૦ના દાયકામાં અને બીજી બાજુ ૨૦૨૧ની દિવાળીના ટ્રાફિકમાં અટવાયેલી હું – એમ ટાઈમ ટ્રાવેલમાં ખોવાતી રહી!

એમ થાય કે સમય પસાર થતો રહે છે પણ ઘણી વાર યાદો થીજી જાય છે! પણ “હું પાછી ઘરે આવી ગઈ અને હું હજી ત્યાં પણ છું”ની વચ્ચે આજે યાદો પસાર થઈ રહી છે ને સમય થીજી ગયો છે!!

જુનું ઘર ક્યારેય તુટતું નથી તે અકબંધ જ રહે છે!

પાર્થિવી અધ્યારુ-શાહ

TejGujarati