અંગ્રેજોની તિજોરી નાણાં થી કાયમ છલકતી રાખતી હતી ખારાઘોડાની એ મીઠાની વખાર…..

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

બ્રિટિશરો ને ખારાઘોડા આવ્યા ને માંડ દોઢેક દાયકો થયો હતો. ખારી હવાનો પ્રદેશ તેમને બરાબર માફક આવી ગયો હતો. તેમનો મીઠાનો વેપાર તેજ ગતિ એ વિકાસ પામતો જતો હતો. દેશ ના ઉત્તર ના રાજ્યો માં રવાનગી થતું આ મીઠું ધીમે ધીમે મધ્ય ભારત ના રાજ્યો સુધી પહોંચતું થઈ ગયું હતું. પાંચ લાખ બંગાળી મણ ઉત્પાદન ના આંકડે પહોંચેલું આ મીઠું વધારે ને વધારે નફો કરાવતું હતું. વિરમગામ થી બ્રોડગેજ રેલ ના પાટા પાથરી ને ખારાઘોડા ને વિધિસર રેલવ્યવહાર સાથે સાંકળી લેવામાં આવ્યું હતું. પરંતુ, રણ માં ઉત્પાદન થતું મીઠું ખારાઘોડા સુધી પહોંચાડવા માટે એ બ્રિટિશ સરકાર ની મીઠા કમ્પની પ્રિચાર્ડ સોલ્ટ વર્કસે તાબડતોબ રેલવે ના પાટા ઓ રણ માં પાથરવાનું શરૂ કરી દીધું હતું. મુંબઇ અને મદ્રાસ થી આવતા એન્જીનિયરોને લઈ ને ટ્રેન ખારાઘોડા ના રેલવેસ્ટેશન સુધી પહોંચતી અને તેમાંથી ઉતરતા એનીજીનીયરો ને સલામી આપતા સિપાહી બેન્ડ ની રિધમ વચ્ચે ઘોડાની બગીઓ એ મહાનુભાવો ને તેમના ઉતારા તરફ દોરી જતી. બીજા કોઈ ને ખબર હોય કે ન હોય પણ બ્રિટિશરો મીઠાનું મૂલ્ય બરોબર પારખી ગયા હતા અને એ મીઠું તેમના માટે મૂલ્યવાન સાબિત થવાનું હતું. રણ માં મીઠા ના અગરો થી ખારાઘોડા સુધી રેલવે લાઈન બરોબર પથરાઈ ગઈ હતી. આ રેલવે લાઈન નો વહીવટ થી લઇ ને આખું નેટવર્ક આ બ્રિટિશ સરકાર ની મીઠાની કમ્પની એ પોતાની પાસે જ રાખ્યું હતું. રણ ની કાંધ માં બનાવેલા વર્કશોપ માં દિવસ ઉગ્યા થી આથમ્યા સુધી લાકડા ના વેગનો બનાવવાનું કામ ચાલ્યા કરતું હતું. સાડા સોળ ફૂટ ની લંબાઈ ના વિશિષ્ટ આકાર ના અને પડખે બે ફૂટ ના પાટીયા અને એ પણ મિજાગરા વાળા વેગનો કેમ બની રહ્યા હતા એ કામ કરતો મિકેનિક પણ જાણતો નહોતો. રેલવે લાઈન ના પાટા રણમાં થી આવી ને વર્કશોપ પાસે અટકી જતા હતા. એ રેલવે ના પાટા પછી શું બનવાનું હતું એ બ્રિટિશરો સિવાય કોઈ જાણતું નહોતું. થોડા દિવસ પછી એ વિસ્તારમાં ગોરા હાકેમો ની અવરજવર વધી ગઈ અને મલબાર થી સાગ ના લાકડા ભરી ને વેગનો આવ્યા. સ્લેટિયા રંગ ના કાળમીંઢ પથ્થર ના ઢગલા ખડકાયાં. લોકો કહેતા હતા અહીંયા મીઠું ભરવા માટે મોટી વખાર બનવાની હતી. ગોરા હાકેમ એન્જીનિયરો ના માર્ગદર્શન હેઠળ વખાર બનાવવા એ વખત ના ઉસ્તાદ કહેવાતા 13 સ્થાનિક મિસ્ત્રી ઓ અને તેમને મદદ માટે આપવામાં આવેલા હેલ્પરો ના કાફલા વડે એન્જીનીયરીંગ ની એક એવી અદભુત અને અજાયબ ગણી શકાય તેવી વખાર નું સર્જન થવાનું હતું. એ વખાર ના બાંધકામ પછી છાપરા ઉપર લાકડા ની કેચી ગોઠવી ને ત્રણ ઇંચ ના રિવર્ટ થી રિવેરટિંગ કરતા એ તેર મિસ્ત્રીઓ માં મિસ્ત્રીકામ ના ગુરુ ગણાતા મૂળજી રત્ના મિસ્ત્રી ને ખબર સુધ્ધા નહોતી કે તેમની મહેનતનું બેમિસાલ સર્જન કાયમ અજાણ્યું રહી ને એક દિવસ ધૂળ માં મળી જવાનું હતું. જમીન થી ચાર ફૂટ ઊંચુ વિશાળ પ્લેટફોર્મ બનાવી અને અંદાજે 500 ફૂટ આસપાસ ની લંબાઈ ની વિશાળ વખાર બનાવવામાં આવી હતી. એ વખાર ના તળિયાથી મધ્યભાગ ની ઉપર ની ટોચ અંદાજે પંચાવન ફૂટ ઊંચી હતી. ચક્કીએ ચુનો પીસી ને ચણતર કરવામાં આવેલી આ વખાર માં ત્રીસ ફૂટ ની ઊંચાઈ એ રેલવેના પાટા પાથરવા માં આવ્યા હતા . એટલી ઉંચાઈ એ પેલા વર્કશોપ માં બનેલા લાકડાના વેગનો ને જોડી ને સ્ટીમ એન્જીન આવવાનું હતું. અત્યારના શહેરી ફ્લેટ ના માપ પ્રમાણે લગભગ ત્રીજા માળ ની ઊંચાઈ એ વેગનો જોડી અને સ્ટીમ એન્જીન રણ માંથી મીઠું ભરીને પહોંચવાનું હતું. મિજાગરા વાળા વેગન ના પાટિયા ખોલતા એ ઉંચાઈ એ થી નીચે વખારમાં મીઠું ઠલવવાનું હતું. એટલી ઊંચાઈ સુધી રેલવે એન્જીન ને વેગનો સુધી કઈ રીતે ચડાવવું તેની સામાન્ય લોકો ને મૂંઝવણ ભલે લાગે. પરંતુ, એન્જીનિયરો પાસે દરેક મૂંઝવણ ના રસ્તા હતા! એકાદ કિલોમીટર દૂર થી માટી નાખી ને ઢોળાવ કરવામાં આવ્યો હતો. રણ માં થી મીઠું ભરી ને આવતા એન્જીન એ ઢાળ ચડતા હતા. ધીમે ધીમે ઢાળ ની ઊંચાઇ વધતી જાય તેમ એકલું એન્જીન હાંફી જાય એટલે બે એન્જીન જોડવામાં આવતા. રણ કાંઠા ની ખારવાળી આબોહવા અને ઝાકળ પડવાથી રેલન લપસણી થઈ જતી અને ઊંચું ચડાણ ચડી ને વખાર તરફ જતા એન્જીન ના પૈડાં એક જજગ્યા એ ગોળ ફર્યા કરતા. સ્લીપ મારી ને ગોળ ફરતા પૈડાં આગળ ગતિ કરે તેટલા સારું રેલવે ના પાટા ઉપર ધૂળ ઉડાડવા ચૌદ માણસ ની ભરતી કરવામાં આવી હતી. વખાર ની ઉંચાઈ તરફ જતા પાટા ની બન્ને તરફ રેતી ના ઢગલા કરવામાં આવતા. તેમાંથી ખોબે – ખોબે ધૂળ પૈડાં અને રેલવે ના પાટા વચ્ચે નાખી ને મીઠું ભરેલા વેગન લઇ ને એન્જીન ને વખાર તરફ આગળ ગતિ આપવા ના કારસા કરવામાં આવતા. વખાર ની ઉપર રેલ ના બે ટ્રેક હતા. એક સાથે બે માલગાડી મીઠું ભરીને વખાર ની ઊંચાઈ એ પ્રવેશ કરતી. વેગન ના પાટિયા ખોલ્યા પછી પાવડા થી મીઠું નીચે પાડવા મજૂર રાખવામાં આવતા. લાંબા હાથા ના પાવડાથી મીઠું પાડતા મજૂરો નો એક પગ રેલ ના પાટા ઉપર રાખવો પડતો ને બીજો પગ વેગન ઉપર !!! ત્રણ ઇંચ ની પહોળાઈ નો પાટો એ તેમની જાત ને ઉભી રાખવાનો એક માત્ર વિકલ્પ હતો. રેલવે ના પાટા ની નીચે નજર કરો તો ત્રીસ ફૂટ ની ઊંડાઈ હતી. જેમ તેમાં મીઠું ઠલવાય તેમ મીઠાનો ઢગલો ઊંચો આવે અને ઊંચાઈ ઘટે ને જોખમ પણ ઘટે.! શરૂઆત માં મીઠું ઠલવતી વખતે નીચે નજર કરો તો ચક્કર આવી જાય તેટલુ નીચે હતું વખાર નું તળિયું. બારે મેઘ ખાંગા થાય તોય એક પણ પાણી નું ટીપું ન પડે વખાર માં અને વખાર માં બારે માસ કુદરતી અજવાળું અને ચોખ્ખી હવાની અવરજવર રહે તે પ્રકાર નું બાંધકામ હતું. વખાર ની બન્ને તરફ પોણો ફૂટ નો વ્યાસ ધરાવતી વિશાળ સંખ્યાબંધ ગરગડી ઓ વાળા ઘણા તોતિંગ દરવાજા હતા. પહેરેદાર ના હાથે એ સરકી ને બંધ થઈ જતા. ને ઉપર બે ચાવી વાળા ખંભાતી તાલા લાગી જતા. એ વખાર ની પરસાળ માં પઠાણ અને બલોચ સિપાહીઓ નો લોખંડી પહેરો લાગી જતો. અહીંથી કામ કરી ને જતા સહુ ની કડક ચકાસણી થતી ખીસામાંથી રખે ને મીઠાનો ગાંગડો નીકળે તો તેનું આવી બનતું. બ્રિટિશરો માટે અહીંનું મીઠું કિંમતી જણસ કરતા તલભાર ઓછું નહોતું. આ વખાર માં થી વેંચતા મીઠા ના નફા થી બ્રિટિશ- હિન્દ લશ્કર નો 33 ટકા ખર્ચ સરભર થતો તેવું કહેવાય છે. રણ માંથી દાયકાઓ સુધી વખારમાં વેગનો ઠલવાતા રહ્યા. કાળમીંઢ પથ્થરો વચ્ચે ઉભેલી વખારે દાયકાઓ ને પસાર થતા જોયા. રણ માં વેગનો વચ્ચે નાનકડો અકસ્માત થતા વેગનમાંથી મીઠું ઢોળાઈ ને ધૂળ માં મળી જતા ગુસ્સે થયેલા અંગ્રેજો એ થોડા કલાકો સુધી કરફ્યુ નાખી દીધો એ ઘટના ની પણ સાક્ષી બની રહી વખાર. અને એ કરફ્યુ ને અંગ્રેજો નું ગાંડપણ ગણાવતું લોકગીત ગાતી અગરિયા મહિલાઓ વખાર પાસે થી પસાર થાય એ સાંભળી ને મરક મરક હસી છે આ વખાર. એવું કહેવાય છે કે 1930 માં ગાંધીજી દાંડી યાત્રા એ નીકળ્યા ત્યારે એ દાંડી યાત્રા ની

સમાંતરે વિરમગામ થી ગાંધી ની પ્રેરણા લઈ મીઠાનો સત્યાગ્રહ કરવા ખારાઘોડા સુધી આવેલા એ ગાંધીના ગોવાળિયા ને પોલીસ અધિકારી પિયર્સન નો બે રહેમીથી માર ખાતા જોઈને વખાર કદાચ ગમગીન થઈ હશે. અંતે એક દિવસ યુનિયન જેક નો વાવટો સંકેલાયો. ત્રિરંગો આકાશ માં લહેરાયો. એક વખત જે વખારમાં ધૂળ નો કણ નહોતો પ્રવેશી શકતો એ આખી વ્યવસ્થાને ધૂળ લાગી ગઈ. હવે ન રહ્યા વેગન કે ન રહ્યા કોઈ મજબૂત પહેરેદાર… વખાર પણ નામશેષ થઈ ગઈ છે. એકાદ- બે દીવાલો યાદ બની ને ઉભી છે.

આલેખન: અંબુ પટેલ ( ખારાઘોડા)

અતિત ની યાદ

TejGujarati