***ખાલી ખુરશી***

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

સવારે ડાઇનિંગ ટેબલ પર બેસી ચાનો ઘૂંટ પીધા રચિત ની નજર ખાલી ખુરશી ઉપર પડી અને ચાનો ઘૂંટ ગળામાં જ અટકી ગયો. છેલ્લા પંદર દિવસથી કોરોનામાં સપડાયેલા રચિતના પિતા હવે એ ખુરશીમાં બેસવા હાજર ન હતા. દિવસ-રાત એક કરી, રચિત અને તેનો પરિવાર તેના પિતાને બચાવવા માં લાગ્યો હતો પણ હવે તે હયાત ન હતા.

ખાલી ખુરશી જોઈ રચિત ના મનમાં અગણિત વિચારો આવી રહ્યા હતા અને એ વિચારો ની સાથે આવી રહ્યું હતું રચિત ની આંખમાં અશ્રુપુર.

‘કાશ પપ્પા સાથે થોડો વધારે સમય વિતાવવા મળ્યો હોત!’

‘કાશ હું પપ્પાને ફરી એકવાર ભેટી શક્યો હોત!’

‘કાશ પપ્પા સાથે બેસીને તેમને કહી શક્યો હોત કે તેમના દીકરાને જાણ છે તેમણે તેમના દીકરાની કારકિર્દી માટે ઘણું જ કર્યું છે પણ એ વાત તેમનો દીકરો કદી તે વર્ણવી શક્યો નથી!’

‘કાશ પપ્પા સાથે એક મહિના પહેલા કરેલો ઝઘડો ના કર્યો હોત!’

‘અથવા તો કાશ ફરી એકવાર પપ્પા સાથે ઝઘડો કરવાની બીજી એક તક મળી જાય!’

‘કાશ પપ્પાને કહી શક્યો હોત કે હા પપ્પા હું ઓફિસમાંથી રજા લઇ લઉં છું અને આપણે ફરવા જઈ શકીએ છે!’

‘કાશ! આ ખાલી ખરાબ સપનું જ હોય અને પપ્પા હયાત હોય!

રચિત ના મનમાં આવા વિચારો આવતા હતા ત્યાં જ સુનિધીએ રચિત ને જગાડ્યો.

“ઉઠ! રચિત આજે પપ્પાને દવાખાને થી રજા આપવાના છે. આઠ વાગી ગયા છે નવ વાગે બિલિંગ કરાવી એમને ડિસ્ચાર્જ મળી જશે.”

રચિત ને પોતાના કાન ઉપર વિશ્વાસ નહોતો આવી રહ્યો. અડધી ઉંઘમાંથી જાગી એણે શું સપનું છે અને શું હકીકત તેનો તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો.

“વોટ હેપેન્ડ ? કેમ આટલો કન્ફ્યુઝ દેખાય છે? ચલ જલ્દી તૈયાર થઈ જા.” સુનિધીએ ટકોર કરી.

પપ્પા ના મૃત્યુનું એ દુઃસ્વપ્ન પૂરું થયું એની રાહત અનુભવી, ચહેરા પર મલકાટ લાવતા રચિત બાથરૂમમાં ગયો. 8:45 વાગે હોસ્પિટલ પહોંચી ફોર્માલિટી પતાવી રચિતે તેના પપ્પાને ડિસ્ચાર્જ માટે રેડી કર્યા.

જેવી નર્સ રચિતના પપ્પાને વ્હીલચેરમાં બહાર લાવી, રચિત તેના પપ્પાને જઈ વળગી પડ્યો. પુખ્ત વયના થયા બાદ કદાચ પહેલીવાર રચિત તેના પપ્પાને ગળે વળગ્યો હશે! રચિત ના પપ્પા અને સુનિધિ પણ થોડા અચંબિત થઈ ગયા.

“ સર!!! કોરોના પ્રોટોકોલનું થોડું ધ્યાન રાખો” નર્સે હળવી ટકોર કરી.

“ હા બેન ખબર છે મને! પણ મારી ખુશી તમને નહીં સમજાય” આટલું બોલી રચિત વ્હીલચેર જાતે હાથમાં લઇ પાર્કિંગ તરફ ગયો.

જેવા તેના પપ્પા ઘરે આવ્યા રચિતે તેમને સોફા ની જગ્યાએ ડાઈનીંગ ટેબલની ખુરશી પર બેસાડ્યા.

“રચિત, પપ્પાને ખુરશી પર કમ્ફર્ટેબલ ના લાગે!” સુનિધિ બોલી

“શ ! શ! શ! કોઈ કંઈ બોલશે નહીં” આટલું કહી રચિત એકીટસે તેના પપ્પાને ખુરશીમાં બેઠેલા જોતો જ રહ્યો.

x-x-x-x-x-x

કોરોનાકાળમાં કેટલાય વ્યક્તિઓ એ સમય કરતાં વહેલા સ્વજન ગુમાવ્યા છે એ દરેક વ્યક્તિને એવું જ થતું હશે કે કાશ આ એક દુઃસ્વપ્ન હોય અને આંખ ખૂલે ત્યારે એ વ્યક્તિ અમારી સાથે હોય! દરેક વ્યક્તિ રચિત જેવી સૌભાગ્યશાળી નથી હોતી પરંતુ કોરોનાકાળમાંથી જો કોઈ શીખ લેવી હોય તો એ એ છે કે તમારી આસપાસની વ્યક્તિની કદર કરવા માટે, તેની સાથે સમય વિતાવવા માટે, “આજે અને અત્યારે” એ જ સાચો સમય છે.

કામ આખી જિંદગી રહેવાનું છે પણ તમારી આસપાસના સ્વજન આખી જિંદગી નહીં હોય. તો ઝડપી લો આ તક અને જઈને ભેટો એમને કે જે તમારા પ્રાયોરિટી લિસ્ટમાં થોડા પાછળ ધકેલાઈ ગયા હોય !

TejGujarati