છે કોઈ મારાં જેવું જેમની સવાર ચા વગર નથી પડતી, ચા માટે અડધી રાતે પણ હા જ પડે, સવાર પડતાં જ રોજ એમ કહેવાતું હોય કે યાર પહેલાં ચા હો, બાકી બધાં લાખો કરોડોનાં વ્યવહારો પછી. – વૈભવી જોશી.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

છે કોઈ મારાં જેવું જેમની સવાર ચા વગર નથી પડતી, ચા માટે અડધી રાતે પણ હા જ પડે, સવાર પડતાં જ રોજ એમ કહેવાતું હોય કે યાર પહેલાં ચા હો બાકી બધાં લાખો કરોડોનાં વ્યવહારો પછી, છે કોઈ જેનાં માટે ચા ને અમૃતમાં ફેર નથી, છે કોઈ જેનાં માટે ચા બહાનું છે દોસ્તી ઘોળીને પી જવાનું, છે કોઈ જે ઘણી વાર તો દોસ્તો સાથે ચા પીવા મળશે એટલે પ્લાન બનાવતું હોય, છે કોઈ જે ચા સાથે એકાંતમાં પીગળતું હોય, છે કોઈ જે જીવનનાં ન ગમતાં એક એક ઘૂંટ પણ ચા ની ચુસ્કીમાં માણતાં માણતાં હળવાશ અનુભવે છે.

છે એવું કોઈ જેને સવાર પડતાં કોઈ એકનાં જ હાથની ચા ની આદત હોય અને છોડવી પણ પડી હોય અને એનાં જેવી ચા બનાવવાની કોશિશ આખી લાઈફ કરતાં રહો તોય મન સતત એ જ સ્વાદ ઝંખતું હોય. મારાં માટે એ ચા એટલે મારાં પપ્પાનાં હાથની ચા. ભલે મારી ચા બહું વખણાય બધાંને બહુ ભાવે. સાસરા પક્ષે જવાનું થાય ત્યારે દિવસમાં ૮-૧૦ વાર ચા બનાવાનું તો નક્કી જ. ને એ છતાંય સવાર પડે ને એ જ વર્ષો જુનાં સ્વાદની તલબ મનમાં ઊંડે ને ઊંડે ક્યાંક ચા ની સુગંઘમાં ભળી જતી હોય.

ચા માં સંસ્મરણોને લીધે આંખોની ખારાશ ભળે એ પહેલાં મારી જેમ ચા ☕️ નાં તમામ અઠંગ બંધાણીઓને આજે “વિશ્વ ચા દિવસ” પર એક નાનકડું છતાં ગમે એવું કઈંક મારાં અવાજમાં અને હા ! આ સાંભળ્યાં પછી ગમી જાય તો મારાં માટે એક કપ ચા તો બનતી હે ના ? દૂર રહેતાં હોય એમની ચા કોમેન્ટમાંથી લઇ લઈશ ભાવનાં તો પહોંચશે જ..!!

– વૈભવી જોશી

TejGujarati