ઉત્તરાયણ કે મકરસંક્રાંતિ નિમિત્તે ૪ મણકાની માહિતીસભર લેખમાળા તૈયાર કરી છે.આજથી લઈને ૧૫મી તારીખ સુધી રોજ એક મણકો રજુ કરીશ. – વૈભવી જોશી (એક ઉત્સવપ્રેમી ગુજરાતી ?)

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

(વિશેષ નોંધ: ઉત્તરાયણ કે મકરસંક્રાંતિ નિમિત્તે ૪ મણકાની માહિતીસભર લેખમાળા તૈયાર કરી છે. આજથી લઈને ૧૫મી તારીખ સુધી રોજ એક મણકો રજુ કરીશ. ઉત્તરાયણ કે મકરસંક્રાતિ એટલે પતંગોત્સવ નહિ પણ એ સિવાય બીજું ઘણું બધું એટલે પતંગ સિવાયની માહિતી જાણવામાં રસ હોય તો આ મણકાઓ વાંચવા ગમશે બાકી પતંગપ્રેમીઓએ તો સીધો મણકો – ૪ વાંચવો ?.)

કાલથી શરૂ થનારાં આ ૩ દિવસીય ઉત્તરાયણ અને મકરસંક્રાતિનાં પર્વની શરૂઆતની આડે હવે ગણતરીનાં કલાકો જ બાકી છે. કદાચ આ એક જ એવો તહેવાર છે જે આપણા ધર્મમાં અંગ્રેજી મહિનાની નિશ્વિત તારીખ પ્રમાણે મનાવાય છે. એટલે તમે પણ તમારી ટાઈમલાઈન પર એવું લખવા ધારતા હો કે ઉત્તરાયણનાં દિવસે પતંગ ચગાવાનો મહિમા છે કે ઊંધિયું ને જલેબીની જ્યાફત માણવાનો આ ઉત્સવ છે તો અટકી જાઓ. ચાલો, આજે તમારી આ કલ્પનાનાં પતંગને સાચી માહિતીની દિશામાં વેગ આપીયે.

આજે આ ઉત્સવ સાથે જોડાયેલાં તમામ પાસા પર વાત કરવી છે પણ બધું જ એક લેખમાં ન સમાવી શકાય એટલે એને ૪ મણકામાં રજુ કરીશ. પણ સૌથી પહેલાં એ સમજીયે કે ઉત્તરાયણ એ એક ખગોળીય ઘટના છે અને તે વૈશ્વિક છે. એની સાથે-સાથે ખાસ ભારત કૃષિપ્રધાન દેશ હોઈ પ્રકૃતિ કે ધરતી જેને આપણે મા સમાન ગણીયે છીએ એનો ઋણ સ્વીકાર કરી એનો આભાર માનવાનાં પણ દિવસો છે.

પતંગ તો આખાય વિશ્વમાં ચગાવાય છે, પરંતુ મકરસંક્રાંતિને સીધી રીતે પતંગ સાથે કોઈ જ સંબંધ નથી. ભારત અને ખાસ તો ગુજરાત સિવાય પતંગ ચગાવનાર ઉતરાયણની રાહ જોતા નથી કે ઉતરાયણને પતંગ સાથે જોડતા પણ નથી. થોડાં વર્ષો પહેલાં એવું હતું કે ગુજરાત બહાર પતંગ સાથે ૧૪મી જાન્યુઆરીને કશું જ લાગતું વળગતું નહોતું પણ વર્તમાન સમયમાં ભારતમાં જ નહિ દેશવિદેશમાં બધે જ આ ઉત્સવ પતંગ સાથે જોડાઈ ગયો છે.

ગુજરાતમાં પતંગ અને ઉત્તરાયણ બેઉ એકબીજા સાથે એટલી હદે સંકળાઈ ગયા કે લગભગ એકબીજાનાં પર્યાય સમા બની રહ્યા છે અને બેઉને અલગ રીતે જોનારની ગણતરી કદાચ મૂરખમાં થાય પણ વાસ્તવિકતા એ છે કે પતંગ અને ઉતરાયણ કે મકરસંક્રાંતિને સ્નાન સૂતકનોય સંબંધ નથી. એટલે મારે આજે વાત કરવી છે ખગોળ, પર્યાવરણ, પ્રકૃતિ અને એની સાથે જોડાયેલા આપણા ધાર્મિક તત્ત્વની પણ. (આપણા બાહોશ પતંગબાજો માટે છેલ્લા મણકામાં પતંગ વિશેનો રસપ્રદ ઈતિહાસ અને એને લગતી વાત ચોક્કસ કરીશ રખેને પાછું પતંગપ્રેમીઓને ખોટું લાગે ?)

સૌથી પહેલાં આ ખગોળીય ઘટના છે એટલે એના વિશે જાણીયે. મોટાં ભાગનાં લોકો મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એક જ દિવસે હોય તેમ માને છે. લગભગ ૧૮૦૦ વર્ષ પહેલાં મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એક જ સાથે થતી હતી. તેથી હાલ પણ લોકોમાં મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ માટે ગેરસમજ જોવા મળે છે. સૌથી પહેલાં ઉત્તરાયણ સમજીયે. જો હું આ શબ્દ ને છુટ્ટા પાડું તો ઉત્તર + અયન જેનો શાબ્દિક અર્થ છે ઉત્તરમાં ગમન.

આ સમયે સૂર્ય પૃથ્‍વીની આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધન રાશીમાંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે જે ૧૪ જાન્યુઆરીની આસપાસનો સમય હોય છે.

પૃથ્વીનાં ઉત્તર ગોળાર્ધમાં જે પ્રમાણે ઉત્તરાયણનું મહત્વ છે તે પ્રમાણે જ દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણાયનનું, તે જ કારણે મહત્વ છે. વિશ્વમાં અન્ય જગ્યાએ તેથી જ દક્ષિણાયન પણ ઉજવાય છે. તે દિવસથી સુર્ય ઉત્તરમાંથી દક્ષિણ તરફની ગતિ શરૂ કરે છે. શિયાળામાં સુર્ય ખસતો-ખસતો દક્ષિણ ગોળાર્ધમાં સ્થિત મકરવૃત્તની લગભગ સામે પહોચે ત્યાં સુધી દિવસ દરરોજ થોડો-થોડો નાનો થતો જાય.

આમ થતાં-થતાં, એ ક્ષણ આવે કે જ્યારે દિવસ સૌથી નાનો હોય અને રાત્રી સૌથી મોટી હોય. આ ક્ષણને “વીન્ટર સોલ્સ્ટીસ” કહેવાય. એ ક્ષણ પછીથી સુર્ય વળી પાછો ઉત્તર ગોળાર્ધમાં સ્થિત કર્કવૃત્ત તરફની ગતી શરૂ કરે અને દિવસ મોટો થતો જાય. આ ક્ષણ દર વર્ષે થોડી-થોડી બદલાતી રહે છે કારણકે પૃથ્વી ઢળેલા ભમરડાની જેમ એક વિશિષ્ટ રીતે પોતાની ધરી ઉપર ફરે છે. આ વિશિષ્ટ પરિભ્રમણને “પ્રીસેશનલ ઓરબીટ” કહેવાય, જે ૨૬,૦૦૦ વર્ષની હોય છે.

આ પરિભ્રમણને લીધે ખૌગોલીક ઉત્તરાયણની તિથિ ૨૬,૦૦૦ વર્ષનાં ચક્રમાં સતત બદલાતી રહે છે. આ કારણેજ, ઉત્તરાયણ ઉજવતી વિશ્વની વિવિધ સંસ્કૃતિઓ ભિન્ન-ભિન્ન તિથિએ આ ઉત્સવ ઉજવે છે. કોઈ પ્રજા ડીસેમ્બરની ૧૩મી, ૧૭મી, ૨૫મી અને ૨૬મીએ પણ ઉત્તરાયણ ઉજવે છે. આપણે આ ઉત્સવ ૧૪મી કે ૧૫મી જાન્યુઆરીએ ઉજવીએ છીએ.

જાણકારો, ખગોળશાસ્ત્રીઓ અને જ્યોતિષીઓ ઉત્તરાયણ અને મકર-સંક્રાંતિ વચ્ચે જે સહેજ તાત્ત્વિક ભેદ છે તે સમજે છે. ઉત્તરાયણ એટલે સુર્યની ઉત્તર તરફ ગમનની શરૂઆત અને મકર-સંક્રાંતિ એટલે સુર્યનો મકર રાશિમાં પ્રવેશ. આ સતત સરક્યા કરતી બંન્ને ખૌગોલીક ઘટનાઓની ગણતરી પણ જુદી. નિરાયણ પધ્ધતિથી હાલનાં કાળમાં મકરસંક્રાંતિ ૧૪મી-૧૫મી જાન્યુઆરીએ ગણાય અને ખૌગોલીક પધ્ધતિથી હાલનાં કાળમાં ઉત્તરાયણ ૨૧-૨૨ ડીસેમ્બરે ગણાય.

ભલે ખૌગોલીક ઉત્તરાયણની તિથિ કોઈ પણ હોય પરંતુ આપણને મકરસંક્રાંતિ પછીથી જ દિવસ મોટો થતો અને રાત નાની થતીનો અનુભવ થાય છે અને તેથી જ તો દીર્ઘ-દ્રષ્ટા આપણી સંસ્કૃતિ-દાતાઓએ આ બેઉ ઉત્સવો જોડીને આપ્યા છે. જોકે, ૨૬,૦૦૦ વર્ષ લાંબી “પ્રીસેશનલ” પરિક્રમા દરમ્યાન એક ગાળો એવો જરુર આવે જ્યારે અમૂક સદીઓ સુધી આ બેઉ ઘટનાઓ એક જ દિવસમાં થતી હોય.

વિશ્વે જે યાંત્રીક વિકાસ કર્યો અને તેમાં પણ અત્યારની જે વ્યાપારીક હરણફાળ ભરી છે તેમાં પૃથ્વીનાં ખનિજો, વનસ્પતિઓ, પ્રાણીઓ (જળચર અને થળચર) અને પક્ષીઓનું નિકંદન નિકળી ગયું છે, હવા-પાણી ત્વરીત ગતીથી દૂષિત થઈ રહ્યા છે. લોકોએ પૃથ્વીનો અને એના પર વસતા જીવોનો લેશમાત્ર વિચાર કર્યા વગર પોતાની સાચી-ખોટી જરૂરીયાતો એટલી બધી વધારી દીધી છે કે હવે પૃથ્વી કેટલો સમય આ ભાર ઝીલી શકશે તે મોટી ચિંતાનો વિષય બની ચુક્યો છે.

પરંતુ એના માટે આવા લેખો કે ભાષણો ન ચાલે. વિશ્વનો હું માલિક નથી પણ સેવક છું તે જ્ઞાન ગળથુથીમાં આપવું પડે અને જીવનભર કુનેહથી પીરસ્યાં કરવું પડે. આ વાત યુગો પૂર્વે ઋષિમુનીઓ ખૂબ સારી રીતે સમજતાં હતાં અને તેથી જ આપણને એવા ઉત્સવો, પૌરાણીક વાર્તાઓ, ઐતિહાસીક વાતો અને અનેક બીજી સામગ્રીઓ આપી જેના વડે નિસર્ગ માટેની જાગ્રુતિ અને પ્રેમ આપણાં દૈનિક જીવનમાં સહજ રીતે સમાઈ જાય.

નિસર્ગનું બહુમાન કરવા વાળા ઉત્સવો, જેવા કે ઉત્તરાયણ, મકર-સંક્રાંતિ, વસંત-પંચમી, શરદ-પુર્ણિમા, થૈપોંગલ, થૈપુસમ, છઠ વગેરે ભારતિય સંસ્કૃતિની વિશેષતા છે. તે વડે, ભલે આપણે રોજીંદી પ્રવૃત્તિમાં ગળાડુબ હોઈએ, ભલે જીવનસંઘર્ષમાં વ્યસ્ત હોઈએ અને ભલે સુરજ, ચંદ્ર, તારા, નક્ષત્ર સામે જોવાની આપણને ન ફુરસદ હોય કે ન જરુરીયાત, છતાં પણ નિસર્ગ આપણા જીવનમાં અનાયાસે વણાઈ જાય છે.

આ તો હતાં ખગોળીય પાસા જે આજનાં પહેલાં મણકામાં રજુ કર્યા. હવે પછીનાં બીજા મણકામાં પર્યાવરણ કે પ્રકૃતિની વાત કરીશ, ધાર્મિક તત્ત્વોની વાત ત્રીજા મણકામાં અને પતંગનો રસપ્રદ ઈતિહાસ છેલ્લા મણકામાં રજુ કરીશ. ત્યાં સુધી મારાં મતે ઘરે-ઘરે આ ઉત્સવને લગતી તૈયારીઓ તો શરૂ થઈ જ ગઈ હશે એવું માની લઉં છું. ?

– વૈભવી જોશી (એક ઉત્સવપ્રેમી ગુજરાતી ?)

(સૌજન્ય : ખગોળીય માહિતી નિલેશભાઈ શુક્લનાં બ્લોગમાંથી સાભાર)

TejGujarati